મિત્રતા….
(વાત મનુષ્ય અને પ્રાણી વચ્ચેના મિત્રભાવની..)
જમીન પર એક ગાય નિષ્પ્રાણ હાલતમાં પડેલ હતી, કરાશન તેને એકદમ વળગીને ધ્રુસકે રડી રહ્યો હતો, તેની બાજુમાં જ એક સફેદ અને ભૂખરા રંગનું એકદમ સુંદર અને મોહક કૂતરું આંટા મારી રહ્યું હતું, પોતાના માલિકને આટલા દુઃખી જોઈને તેની આંખોમાંથી પણ આંસુઓ એક ઝરણાની માફક દડ- દડ વહી રહ્યા હતાં, એટલીવારમાં પેલું કૂતરું જાણે આપણે કોઈને સાંત્વના આપીએ તેવી રીતે પોતાના માલિકના ખોળામાં બેસી ગયું અને વ્હાલથી પોતાની જીભ વડે પોતાના માલિકના ચહેરાને પંપાળવા લાગ્યું….મિત્રો કહેવાય છે કે આ બધા પ્રાણીઓને ઈશ્વરે જુબાન આપેલ નથી પરંતુ ભગવાને તેમને એટલી સમજણ શક્તિ આપેલી છે કે તે બધુ જ સમજી શકે છે…...કદાચ આજનો મનુષ્ય પોતાની સ્વાર્થવૃત્તિને કારણે આ બધું ભૂલી ગયો છે………!
**************************************************
કરાશનએ એક ખેડૂતપુત્ર હતો, અને તેના પરિવારનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી અને પશુપાલનનો હતો. કરશને તેના માતા - પિતાની છત્રછાયા ખૂબ જ નાનો હતો ત્યારથી ગુમાવી દીધી હતી, કારણ કે તેના પિતાએ જમીનદાર પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, પરંતુ તે વર્ષે વરસાદ લંબાતા બધા જ પાકને ભારે નુકશાન થયું હતું, આથી હવે કરશનના પિતા કોઈપણ સંજોગોમાં પોતાનાં પર રહેલ કરજ ચૂકવી શકે તેમ હતાં જ નહીં, આથી તેમણે પોતાની જિંદગી ટૂંકાવવા માટેનો નિર્ણય લીધો, જેમાં તેઓની પત્નીએ પણ સાથ આપ્યો, બનેવ જણાએ કપાસમાં છાંટવાની દવા પી લીધી અને પોતાના જીવનની આયુષ્ય રેખા ટૂંકાવી નાખી.
કરશન એકવાર પોતાના પિતાની સાથે ખેતરે ગયો, ખેતરમાં તે ખાટલા પર રમતો હતો, તેવામાં તેને ગલ્લીનાં ડાઘીયા ખહુરિયા કુતરાઓનો જોર-જોરથી ભસવાનો અવાજ સંભળાયો… ધીમે-ધીમે આ અવાજ પોતાની તરફ આગળ વધી રહ્યો હોય એવું લાગ્યું, જોત - જોતમાં આ બધા જ ડાઘીયા કુતરાઓ પોતાની નજરે ચડ્યા, આ જોઈ કરશનને કાળજું એક્દમથી કમકમી ઉઠ્યું...કારણ કે આ પાંચ મોટા - મોટા ડાઘીયા કૂતરા એક નાનકડા, માસુમ અને નાદાન ગલુડિયાને ભસી રહ્યા હતાં, અને તેને મારી નાખવા માંગતા હોય તેમ તેની પાછળ પડી ગયા હતાં, અને પેલુ ગલુડિયું પણ પોતાનો જીવ બચાવવા માટે પોતાનાથી શક્ય હોય એટલી ઝડપે દોડી રહ્યું હતું, એવામાં આ નાનકડું ગલુડિયું કરશનના ખેતરે આવી ચડ્યું, અને જેવી રીતે નાનું બાળક ગભરાઈને માં ના ખોળામાં લપાઈ જાય, તેવી જ રીતે આ ગલુડિયું કરશનના ખોળામાં લપાઈ ગયું, ત્યારબાદ કરશને ખાટલની પાસે પડેલ લાકડી ઉઠાવી અને બળપૂર્વક પેલા ખહુરિયા કૂતરા તરફ ફેંકી…..પોતાનું આવી બનશે એવા વિચાર સાથે પેલા બધાજ ડાઘીયા કુતરાઓ પરત ફર્યો, ત્યારબાદ કરશને પેલા સુંદર ગલુડિયાને ઉઠાવ્યું, તેણે જોયું કે પેલા નાના ગલુડિયાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતાં, ત્યારબાદ કરશને આ ગલુડિયાને પોતાની છાતીએ વળગાવી દીધું….થોડીવાર બાદ પેલુ ગલૂડિયું પોતાની સાથે કંઈ બન્યું જ ન હોઈ, તેવી રીતે બધું ભૂલીને પોતાની દુનિયામાં મસ્ત બની કરશન સાથે ખૂબ જ પ્રેમપૂર્વક રમતે ચડી ગયું…...ત્યારથી માંડી કરશનને પેલા ગલુડિયા સાથે એક પ્રકારનો લાગણીનો સબંધ બંધાય ગયો હતો….પછી કરશને કાયમિક માટે પેલા ગલુડિયાને પોતાની સાથે જ રાખી લીધું.
આ ઉપરાંત કરશનને એક વાછરડું પણ ખૂબ જ પસંદ હતી...જેને તે પ્રેમથી લાલી કહીને બોલાવતો હતો, અને પેલા ગલુડિયાને પ્રેમથી શેરું કહીને બોલાવતો હતો.
પોતાના માતા પિતાના મૃત્યુ બાદ કરશન આ સ્વાર્થી દુનિયામાં એકલો પડી ગયો હતો, પોતાના પિતાની જે કંઈ જમીન, મિલકત અને ઢોર હતા, એ બધું જ પેલા જમીનદારે ગામના સરપંચની મદદથી હડફી લીધું હતું.
પરંતુ કરશનનો પેલા ગલુડિયા અને ગાય પ્રત્યેનો અપાર પ્રેમ કે લાગણી જોઈને, પેલા જમીનદારને થોડીક દયા આવતા લાલી અને શેરું બનેવ કરશન પાસે રાખવાની છૂટ આપી, આ ઉપરાંત ગામની બહાર જમીનદારની વર્ષોથી એક ઓરડી બંધ હાલતમાં પડેલ હતી, જે તેણે કરશનને રહેવા માટે આપી.
***************************************************
ધીમે - ધીમે દિવસો, અઠવાડિયા,મહિના અને વર્ષો વીતવા લાગ્યાં, દિવસો વીતતાની સાથે..લાલી, શેરું અને કરશન વચ્ચેની મિત્રતા પણ ગાઢ થતી ગઈ, કરશને જાણે લાલી અને શેરુને જ પોતાની દુનિયા બનાવી લીધી હોય તેવું લાગી રહ્યું હતું, આ ત્રણેય એકબીજાના સાચા અર્થમાં સુખ - દુઃખના ભાગીદાર હતા.
કરશન સવારે લાલીને પોતાની ઓરડીથી થોડેક દૂર આવેલ ઘાસના મેદાનોમાં સવારે ચરવા લઇ જતો હતો, સાથે સાથે શેરુને પણ લઇ જતો હતો, જ્યારે લાલી પેટ ભરીને ચરી લે ત્યારબાદ આ ત્રણેય પાછા પોતાના ઘરે પાછા ફરતા હતાં.
લાલી શાંતિથી મુકતરીતે ચરતી હોય, શેરું એની મોજમાં જ્યા મજા આવે ત્યાં મેદાનમાં ફર્યા કરે, અને કરશન એકાદ ઘટાદાર વૃક્ષના છાંયડામાં વૃક્ષના થડને ટેકો દઈ, પગ પર પગ ટેકવીને બેસતો, અને પોતાના ગજવામાંથી બીડી કાઢીને, બીડીઓ ફૂંકતો હોય, બધી જ ચિંતાઓ જાણે ધુમાડામાં ઉડાવી દેતો હોય તેવું લાગી રહ્યું હતું, ક્યારેક વધારે આનંદ આવી જાય તો એકાદ ગીત પણ લલકારતો હતો.
ઘરે પાછા ફર્યા બાદ, ત્રણેય એકદમ શાંતિપૂર્વક એકાદ કલાક આરામ ફરમાવતા હતાં, સાજનાં 5 વાગ્યાની આસપાસ કરશન લાલીને દોહવા માટે બેસે, અને બધું જ દૂધ એક કેરબામાં ભરીને ગામમાં એક લટાર મારી દનૈયા ભરી આવે, આ ઉપરાંત જો બીજાકોઈને દૂધ ખરીદવું હોય તો એ પણ ખરીદતા હતાં, આમાંથી જે કંઈ આવક થતી તેમાંથી કરશન પોતાનું ગુજરાન ચલાવતો હતો, અને લાલી માટે નીણ અને શેરું માટે બિસ્કીટ,અને ત્યારબાદ પોતાના માટે પણ કંઈક ખરીદી લેતો.
આમ કરશનના જીવનનો આ નિત્યક્રમ હતો, મિત્રો કહેવાય છે કે જો તમે કોઈને સાચી લાગણી, પ્રેમ અને હૂંફ આપો તો તમારો દુશ્મન પણ તમારા શરણે આવે છે, એમાપણ આતો નાદાન, નિર્દોષ અબોલ જનાવર હતાં, જેણે કરશનને જ પોતાનું સર્વસ્વ માની લીધેલ હતું.
આટલી શાંતિથી રહેતા આ ત્રણેય મિત્રોએ ક્યારેય પણ એવું સપનામાં પણ નહીં વિચાર્યું હશે કે ભવિષ્યમાં તેઓને એકબીજાથી દૂર થવાની નોબત આવશે……
****************************************************
એકદિવસ કરશન ગામમાં પોતાના દનૈયા પુરા કરીને લાલી અને શેરું સાથે પોતાની ઝુંપડી પર પરત ફર્યા, આજે થોડીક વધારે દોડા- દોડી થવાને લીધે કરશન ખૂબ જ થાકી ગયો હતો, આથી પોતે લાલીને ઓરડીની બહાર આવેલા એક વૃક્ષનાં થડ સાથે બાંધીને, લાલીના મોઢા આગળ એક લચકાની પુળી રાખી દીધી, જેથી કરીને લાલીને રાતે ભૂખ લાગે તો તે ખાઈ શકે, ત્યારબાદ લાલીએ ઝાડવાથી થોડેક દૂર પોતાનો ખાટલો ઢાળી, તેના પર કાણાં વાળું ગોદડું પાથર્યું, જે કરશનની ગરીબાઈ વિશે ચાડીઓ ફૂંકતી હતી, ત્યારબાદ શેરું કરશનના ખાટલાની નીચે પોતાના બનેવ પગ આગળ કરી, લપાઇને સુઈ ગયો, કરશને શેરુને પણ ખાવા માટે બે -ત્રણ બિસ્કીટ શેરુંની બાજુમાં મૂકી દીધા.
કરશનને આજે ખૂબ જ થાક લાગ્યો હોવાથી ખાટલા પર લંબાવતાની સાથે જ કરશનને ક્યારે ઊંઘ આવી ગઈ, તેનો પણ ખ્યાલ ન રહ્યો, વાતાવરણમાં એકદમ શાંતિ પ્રસરી ગઈ હતી.
***************************************************
સમય : રાતના 3 કલાક
સ્થળ : કરશનની ઓરડી (બહારનો ભાગ)
લાલીએ કરશન દ્વારા નાખવામાં આવેલ બધો જ લચકો ખાય લીધો, અને એકદમ શાંતિથી બેઠા-બેઠા આ લચકો વગોવી રહી હતી, આજુબાજુમાં એકદમ નીરવ શાંતિ ફેલાયેલ હતી.
એવામાં ગામની બહાર અને કસરશની ઓરડીથી એકાદ કિ.મી દૂર આવેલ ચેક ડેમની પાળી તૂટતાં અચાનક જ ચેકડેમમાં રહેલ પુષ્કળ પાણી, ઘોડાપુરની માફક એકદમ ઝડપથી ગામ તરફ આગળ વધી રહ્યું હતું, જ્યારે બીજી બાજુ કરશન અને શેરું ઉપરાંત બધા જ ગામવાસીઓ કોઈપણ ચિંતા વગર….ઘોડાં વેહચીને સુતા હતાં, થોડીક જ ક્ષણોમાં પોતાની સાથે શું બનવા જઇ રહ્યું હતું તેની કોઈને ભણક પણ ન હતી.
લાલીએ પોતાની તરફ આવતા પુરને જોઈ જાણે તે આખી પરિસ્થિતિ માપી લીધી હોય તેમ તેણે છૂટવા માટે ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ બધા જ પ્રયત્નો વ્યર્થ ગયા કારણ કે પોતે એક મજબૂત ખીલા સાથે સાંકળ દ્વારા બંધાયેલ હતી.
લાલીએ મનોમન વિચારી લીધું કે હવે પોતે બચે તેવી કોઈ શકયતા નથી, પરંતુ મારે કોઈપણ સંજોગમાં અત્યાર સુધી મારું ભરણ પોષણ કરનાર મારા માલિક કરશન અને નાનપણથી હરહંમેશ સાથ આપનાર મારો મિત્ર શેરુંને કંઈ ના થાવું જોઈએ.
આવો વિચાર આવતાની સાથે જ એકપણ ક્ષણનો વ્યય કર્યા વગર જ લાલીએ ખૂબ જ બળ કરી, જેમ તેમ કરીને કરશન જે ખાટલા પર સૂતો હતો, ત્યાં સુઘી પોતાના પગ લાંબાવ્યા, પોતાના ગળામાં રહેલ સાંકળને લીધે ગળુ ભીસાતું હોવા છતાં પણ લાલીએ પ્રયત્નો કરવાનું ના છોડયું.
ત્યારબાદ અંતે લાલીએ ખૂબ જ બળ કરી ખાટલા પાસે સુતેલ પોતાના મિત્ર શેરુંને પગ વડે લાત મારી જગાડી દીધો, શેરું આ બધું જોઈ ગભરાય ગયો, અને જોર- જોરથી ભસવા લાગ્યો, અને હવે ડેમનું પાણી ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું હતું.
લાલીએ પોતાના જીવની પણ ચિંતા કર્યા વગર, ગળું ખૂબ જ ભીસાતું હોવા છતાંપણ પોતાનામાં રહેલ તમામ તાકાત એકત્રિત કરીને ખાટલાને એકદમ બળપૂર્વક જોરદાર લાત મારી, આમ એકાએક ઝાટકો લાગવાથી કરશન જાગી ગયો અને આંખો ચોળતાં - ચોળતાં બેઠો થયો, અને જેવી તેણે આંખો ખોલી તો ગભરાહટ અને ડરને લીધે તેની આંખો પહોળી થઇ ગઇ.
ત્યારબાદ કરશનને ખ્યાલ આવી ગયો કે લાલીએ શાં માટે ખાટલાને લાત મારી હતી...કારણ કે તે કોઈપણ સંજોગોમાં પોતાના માલિક અને મિત્રનો જીવ બચાવવા માંગતી હતી, ગળામાં સાંકળ ભીંસાવવાને લિધે લાલીના ગળાના ભાગે પડેલ ચામઠા સ્પષ્ટપણે જોઈ શકાતા હતાં.
કરશને મનોમન વિચારી લીધું હતું કે આ પુર પોતાનું આ દુનિયામાં જે કંઈપણ છે, તે બધું તાણીને લઈ જશે...પરંતુ કહેવાય છે કે,”આશા અમર છે”- આવું વિચારી કરશને શેરુને ઉઠાવી લીધું, અને લાલીના ગળામાં જે સાંકળ હતી,તે ખીલા સાથે મજબૂત રીતે બાંધેલ હતી, આથી લાલીને છોડાવવા માટે કરશન ખીલા પાસે બેસવા ગયો. આ દરમિયાન પેલું પુર એકદમ નજદીક આવી ગયું હતું.
પરંતુ કુદરતે કંઈક અલગ જ વિચારેલ હોય તેવું લાગ્યું, જેવો કરશન લાલીને છોડાવવા માટે નીચે બેઠો કે તરત જ આંખના પલાકારે પેલું પુર તેની પાસે આવી પહોંચ્યું, અને પૂરના પ્રચંડ વેગે, કરશન લાલીને છોડે તે પહેલાં જ તેને અને શેરુને એક જ ઝાટકામાં દૂર ફગાવી દીધાં, શેરુંને તો ભગવાને તરવા માટેની કુદરતી તાકાત તો આપેલ હોય જ છે, જ્યારે કરશનને પણ સારું એવું તરતા ફાવતું હતું…
આ દરમિયાન કરશન અને શેરુંએ લાલી તરફ એક નજર નાખી, લાલી પોતાનો જીવ બચાવવા માટે તરફડીયા મારતી રહી, છૂટવા માટે ઘણાં પ્રયત્નો કર્યા, પરંતુ બધા જ પ્રયત્નો વ્યર્થ ગયાં.. કારણ કે લાલી પોતે સાંકળ દ્વારા એક ખીલા સાથે મજબૂત રીતે બંધાયેલ હતી, પરંતુ લાલીની આંખમાં ડર, ગભરામણ, ની સાથે - સાથે એક પ્રકારનો આનંદ પણ હતો, આનંદ એ વાતનો હતો કે પોતે ભલે પોતાની જાતને આ પુરમાં બચાવી ના શકી, પરંતુ પોતાના માલિક કરશન અને મિત્ર શેરુને આ મુશીબત કે આફતમાં હેમખેમ બચાવવામાં સફળ રહી હતી.
ત્યારબાદ કરશન અને શેરું તરતા - તરતા એક મોટા કદાવર વૃક્ષના સહારે આખી રાત વિતાવી, આ વૃક્ષનો સહારો મળવાથી બનેવના જીવ બચી ગયાં, પરંતુ બંનેના હૃદયમાં પોતાનો સાથી “લાલી” ને ગુમાવવાનું દુઃખ ખૂબ જ વધારે હતું. કરશનને એવું લાગી રહ્યું હતું...કે લાલીની સાથે જે કંઈ બન્યું તે માટે પોતે જ જવાબદાર છે...જો તેણે લાલીને ખીલા સાથે બાંધી જ ન હોત તો અત્યારે લાલી પોતાની સાથે જ હોત.
**************************************************
બીજે દિવસે જ્યારે પુરનું પાણી ઓસર્યું ત્યારે કરશન અને શેરું, એકદમ હતાશ, ઉદાસ અને નિરાશ થઈ, પોતાની ઓરડી તરફ આગળ વધવા લાગ્યા, દરરોજ નખરા અને તોફાન કરતો શેરું આજે પોતાનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય તેવી રીતે આંખમાં આંસુ સાથે નીચું મોં રાખીને એકદમ શાંતિ થી ચાલતો હતો….
ચાલતા - ચાલતા તેઓ પોતાની ઓરડી પાસે પહોંચ્યા, એક સમયે જે જગ્યાએ ત્રણ મિત્રો હળીમળીને, શાંતિથી અને રાજીખુશીથી રહેતા હતાં, તે હાલમાં એક વિરાન ખંડેર જેવું થઈ ગયું હતું, ત્યારબાદ અચાનક શેરુંએ ભસતા - ભસતા એક દોટ મૂકીને લાલી જે જગ્યાએ ઘાસ નીચે દટાયેલ હતી, ત્યાં જઈને ઉભો રહ્યો.
કરશન પણ ખૂબ જ ઝડપથી, શેરું જે જગ્યાનો ઈશારો કરી રહ્યો હતો, ત્યાં પહોંચીને બધું ઘાસ એકબાજુ કરવા માટે ખસેડવા લાગ્યો, ઘાસ ઘસેડતાની સાથે જ લાલીનો નિષ્પ્રાણ દેહ કરશનની નજરે ચડ્યો, આ જોઈ કરશને અત્યાર સુધી જે હિંમત અને ધીરજ જાળવી રાખી હતી તે ગુમાવી દીધી, અને પોતાના મિત્ર લાલીને ગળે વળગીને ….જોરથી…...લાલી…..લાલી….લાલી…..એવી બુમો પાડી ધ્રુસકે - ધ્રુસકે રડવા લાગ્યો.
કરશનને શાંત રાખનાર કોઈ હતું જ નહીં, આથી શેરુએ તેને શાંત રાખવા પિતાની જીભ વડે, આંખોમાં આંસુ સાથે પોતાના માલિકને સાંતવાના આપતો હોય તેવું લાગી રહ્યું હતું.
કરશને લાલીની તરફ એક નજર કરી અને વિચાર્યું કે આ અબોલ જાનવર...લાલીએ મારો અને શેરુનો જીવ બચાવવા માટે પોતાનાં પણ જીવની પરવાહ ના કરી, નાનપણથી અત્યાર સુધી હરહંમેશ પોતાના સુખ અને દુઃખમાં સહભાગી બની હતી…..જે હાલ જમીન પર નિષ્પ્રાણ હાલતમાં પડેલ છે…...કદાચ મારા કોઈ સગા હોત તો પણ મારા માટે ક્યારેય આટલું ના કરી શક્યા હોત….કરે તો પણ પોતાના જીવનાં ભોગે તો ક્યારેય ના કરે………
આટલું વિચારી કરશને ઉપર જોઈ મનોમન લાલી જેટલો વફાદાર મિત્ર આપવા બદલ ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માન્યો, અને સાથે સાથે એ પણ પ્રાર્થના કરી કે આવતા જન્મમાં ભલે મને કોઈ મનુષ્યના રૂપમાં સગા - સબંધી આપે કે ના આપે, પરંતુ લાલી જેવો મીત્ર જરૂર આપજે….જેથી આ જન્મમાં મારા પર રહેલ લાલીનું ઋણ હું આવતા જન્મે ચૂકવી શકુ….
ત્યારબાદ કરશને શેરુને ઉઠાવી પોતાની છાતી સાથે વળગાડીને રડવા લાગ્યો…..પોતાના જીવથી પણ વ્હાલા મિત્ર લાલીના મૃત્યુને લીધે બે દિવસે કરશને અન્નનો દાણો પણ ખાધો નહીં, એટલું જ નહીં પરંતુ શેરુંએ પણ બે દિવસ સુધી કંઈપણ ખાધું ન હતું……અને બનેવે પોતાનાં મિત્ર લાલીના મૃત્યુનું દુઃખ કાયમિક માટે હૃદયના કોઈ એક ખૂણે સમાવી લીધું……
મિત્રો, મનુષ્ય અને પ્રાણીઓનો સબંધ વર્ષો જૂનો છે, માનવીના વિકાસમાં પણ દરેક પ્રાણીઓનું ચોક્કસ યોગદાન રહ્યું છે, દુનિયામાં આ એક એવો સબંધ છે કે જેમાં …..સ્વાર્થ….નામનાં શબ્દનું કોઈ સ્થાન જ નથી, કોઈપણ પ્રાણીને જો સારી હૂંફ, પ્રેમ કે લાગણી આપવામાં આવેતો તે હંમેશા માટે આપણા જ થઈને રહે છે, અને આપણ ને જ વફાદાર રહે છે….પછી ભલે એ પ્રાણી હિંસક હોય અથવા લાલી અને શેરુંની જેમ પાલતુ પ્રાણી હોય…...આ ત્રણેય મિત્રની મિત્રતામાં લાલી નો જીવ જવા પાછળ પણ મનુષ્ય જ જવાબદાર હતો, ડેમના બાંધકામમાં અલગ - અલગ અધિકારીઓએ કરેલા ભષ્ટાચારને લીધે ડેમ અચાનક તૂટ્યો, જો આ વિવિધ અધિકારીઓ એ ભ્રષ્ટાચાર ના આદર્યો હોત તો કદાચ આ ત્રણેય મીત્રો હાલ પણ પહેલાની માફક જ આનંદ અને સુખથી રહેતા હોત………!!!!!
સાહિત્યની દુનિયાનું નાનું ફૂલ
મકવાણા રાહુલ.એચ