ફોરમ આજે ખૂબ જ ખુશ હતી. જે સમય ની એ દસ દસ વર્ષથી રાહ જોઈ રહી હતી એ સમય આજે હતો. હા, આજે એ એના દીકરાને દસ વર્ષ પછી મળવાની હતી. આજે એના દીકરા હેમંતનો જન્મદિવસ હતો. છેલ્લે એ દસ વર્ષનો હતો ત્યારે એને જોયો હતો. એ પછી તો એ એના પુત્રનું મુખ જોવા પામી ન હતી. આજે હેમંત 18 વર્ષનો થવાનો હતો. અને એને મળવા આવવાનો હતો એટલે ફોરમ આજે ખૂબ જ ખુશ હતી પણ ખુશી સાથે દ્વિધા પણ હતી કે, હું હેમંત ના પ્રશ્નોના શું ઉત્તર આપીશ? હેમંત મને સમજી શકશે કે, હું એને તરછોડવા નહોતી ઇચ્છતી પણ સમય સામે હું મજબૂર હતી.
આ બાજુ હેમંતના મનમાં પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા. એ વિચારી રહ્યો કે, આજે હું મારી મા પાસે આટલા વર્ષથી સંઘરી રાખેલા પ્રશ્નોનો ઉત્તર માંગીશ.મા તું મને કેમ એકલો મૂકીને ચાલી ગઈ? શા માટે? તને કદી મારી યાદ પણ ન આવી? તારી અને પપ્પા વચ્ચે એવું તે શું થયું હતું કે તારે મને છોડીને જવું પડ્યું? મારી જોડે તો તારે લોહીનો સંબંધ છે અને એ લોહીના સંબંધને તરછોડી ને તું કેમ જતી રહી? કેમ તું મારી મા બનીને ન રહી. શા માટે તે જયની મા બનવાનું પસન્દ કર્યું? પપ્પાએ મને તારા વિશે જે કાંઈ પણ કહ્યું છે એ બધું જ શું સાચું હશે? શું કોઈ મા આમ પોતાના પુત્રને ત્યજીને જઈ શકે? આવા અનેક વિચારો હેમંતના માનસપટ પર તરવરી રહ્યા હતા.
હજુ બે દિવસ પહેલાની જ વાત છે. હેમંતે ફોરમને ફોન કર્યો અને કહ્યું, મા, હું હેમંત. મા હું તને મળવા માંગુ છું.આ સાંભળીને ફોરમ તો ગાંડી ગાંડી થઈ ગઈ. એણે તરત જ હેમંતને કહ્યું, "દીકરા, મા ને મળવા માટે કાંઈ પૂછવાનું થોડું હોય? તું મારો પુત્ર છે. તારો હક બને છે. તારો અધિકાર છે દિકરા. બે દિવસ પછી તારો જન્મદિવસ છે તો મારી ઈચ્છા છે કે હું તને તારા જન્મદિવસે જ મળું. અને એ જ જગ્યાએ મળું જ્યાં તારા જન્મ પછી અમે પહેલી વાર દર્શને ગયા હતા એ શિવ મંદિરમાં.
બે દિવસ પછીની વાત છે. હેમંત અને ફોરમ બંને ઘરેથી મંદિર જવા માટે નીકળ્યા. પણ કદાચ બંનેનો સમય સારો ન હતો. ફોરમ અત્યંત ઉત્સાહમાં મંદિરે જવા તો નીકળી પણ રસ્તામાં જ ફોરમને અકસ્માત થયો. એક ગાડીવાળાએ એને ટક્કર મારી દીધી હતી. ફોરમ રસ્તા પર જ ઢળી પડી. તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું. આસપાસ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. એવામાં ટોળામાંથી જગ્યા કરતો એક માણસ ત્યાં આવ્યો અને ફોરમ ને પોતાની કારમાં બેસાડી અને હોસ્પિટલ પહોંચાડી. એ માણસ બીજું કોઈ નહીં પણ ફોરમ નો પતિ અને જયનો પિતા હતો. ફોરમે આનંદ જોડે બીજા લગ્ન કર્યા હતા. જય આનંદ અને એની પહેલી પત્ની વીણા નો પુત્ર હતો. પરંતુ ફોરમે જયને ક્યારેય પણ માતાની કમી નો એહસાસ થવા દીધો ન હતો.
આ બાજુ આનંદને ફોરમ ની ચિંતા થતી હતી. જય પણ પોતાની માતાની આવી હાલત જોઈ ચિંતાતુર થઈ ગયો. થોડો સમય ફોરમ નું ઑપરેશન ચાલ્યું. ઓપરેશન સફળ રહ્યું. ડોક્ટરે આનંદને કહયું, "ફોરમ હવે જોખમમાંથી બહાર છે પરંતુ. ."
"પરંતુ શું ડૉક્ટર?" આનંદે પૂછ્યું.
ડોક્ટરે પ્રત્યુત્તર આપ્યો કે, "ફોરમ ની તબિયત તો સારી છે પણ એની યાદશક્તિ જતી રહી છે. ફરી કદાચ આવે પણ ખરા કે ન પણ આવે."
આ બાજુ હેમંત પોતાની માતાની રાહ જોઈ રહ્યો હતો. પણ એની મા એને મળવા ન આવી. હેમંતને થયું, પિતાજી સાચું જ કહેતા હતા. મારી મા ને મારી કાંઈ જ પડી નથી એટલે જ મને છોડીને જતી રહી અને આજે આટલા વર્ષો પછી પણ મને મળવા પણ ન આવી.
હેમંત ઘેર પાછો જવા નીકળતો હતો ત્યાં જ તેણે જયને પોતાની તરફ આવતો જોયો. જય ને જોઈને તે ભડકી ઉઠ્યો. "બસ મારી મા ને મારી પાસેથી છીનવીને તને શાંતિ થઈ ગઈ?"
જયે શાંતિથી કહ્યું, "જો હેમંત અત્યારે લડવાનો સમય નથી. અત્યારે મા ને સાચવી લેવાનો સમય છે."
"એટલે તું કહેવા શું માંગે છે જય?" ન સમજાતા હેમંતે પૂછ્યું.
જય બોલ્યો, 'હેમંત! ઈશ્વરનો આભાર માન કે, એણે આપણી માતાને મોતના મુખમાંથી બચાવી લીધી. એ તો તને મળવા આવતી જ હતી પણ રસ્તામાં તેને અકસ્માત નડ્યો અને હમણાં જ એનું ઓપરેશન થયું છે. ચિંતા ના કરીશ. હવે એની તબિયત સારી છે પણ એણે એની યાદશક્તિ ગુમાવી દીધી છે. અમને કોઈને પણ એ ઓળખતી જ નથી અને કદાચ તને પણ ન ઓળખી શકે.'
"જય, મને મારી મા પાસે લઈ જા." હેમંતે કહ્યું.
અને જય હેમંતને લઈને હોસ્પિટલ પહોંચ્યો. હેમંતે આટલા વર્ષો પછી મા નો ચેહરો જોયો. મા આજે પણ એટલી જ સુંદર લાગતી હતી. મા પાસે જઈ બોલી ઉઠ્યો, "મા! હું આવી ગયો તારી પાસે. હું મા! હું મા હેમંત. તારો દીકરો."
ફોરમે હેમંત સામે જોયું પણ એને ઓળખી ન શકી. વિધિની આ કેવી વક્રતા છે કે, જે મા પોતાના દીકરાને મળવાની દસ વર્ષથી રાહ જોતી હતી તે જ મા આજે પોતાના પુત્રને ઓળખી શકતી નહોતી.
મા દીકરાનો આ કેવો સમય ચાલી રહ્યો હતો!! મા દીકરાનું મિલન તો થયું પણ એ મિલન પણ અધૂરું જ રહી ગયું. અને એ મિલન સાથે સંકળાયેલા અનેક પ્રશ્નો પણ નિરુત્તર જ રહયા. જેના ઉત્તર હવે કદાચ ક્યારેય મળવાના નહોતા. સમય સામે આજે મા અને દીકરો બંને હારી ગયા હતા.