Pastavo ane Pashyataap - 3 in Gujarati Fiction Stories by Dipikaba Parmar books and stories PDF | પસ્તાવો અને પશ્ચાતાપ ભાગ - ૩

Featured Books
Categories
Share

પસ્તાવો અને પશ્ચાતાપ ભાગ - ૩

                       વિશાલ હરિપુર પહોંચ્યો કે તરત જ સાફસફાઈ કરી રહેલા એના મમ્મી એની નજરે ચડ્યાં. વિશાલ અને રાધાબહેનને દૂર રહ્યાને હજુ તો થોડાક જ કલાકો થયા હતા , છતાં પણ વિશાલનું મન ભરાઈ આવ્યું. વિશાલ પોતાની માતાને વળગીને રડી પડ્યો. થોડી વારે શાંત થયાં પછી રાધાબહેને તેના માથે હાથથી પસવારતા કહ્યું, “ વિશાલ, બેટા તને તારી મમ્મી વહાલી નથી ને! મારા આપેલા સમ પણ તેં ના માન્યા?”

                      “ મારું સાહિત્ય તો  એમ કહે છે કે આપણે જેના સમ તોડીએ તેનું આયુષ્ય બમણું થઈ જાય.” મા-દિકરો બેય હસી પડ્યાં.

                     “ મમ્મી , ચાલો હવે, નીકળીશું ને!”

                      “વિશાલ ત્યાં મને લઈ જવાની જિદ ન કરતો. અહીં રહેવાની મને ખરેખર ખૂબ ઈચ્છા છે.”

                      “મમ્મી તું તો કહે છે ને કે મીરા તારી દિકરી છે, તો પછી એને માફ નહિ કરે? હું જાણું છું મમ્મી કે એની રોજની કચકચથી ત્રાસીને જ તું અહીં આવી છે. મારું તો વિચાર મમ્મી!”

                    “તારું જ વિચારીને અહીં આવી છું બેટા! તું તો લાગણીઓના અરીસા જેવા સાહિત્યનો પ્રોફેસર છે, મારા જેવી ઓછું ભણેલી તને શું સમજાવે? છતાં એટલું જ કહીશ કે જીવનને પાણીની જેમ એનો રસ્તો જાતે લેવા દે. એને તારી મરજી પ્રમાણે બાંધવા જઈશ તો દુઃખી થઈશ. અત્યારે જે કંઈ થઈ રહ્યું છે કે થનાર છે એ બધી પ્રભુઈચ્છા જ છે, એમ વિચાર.”

                 “ આમ દૂર રહેવાથી તકલીફ થોડી જ ઓછી થશે? તું છે તો એ ઘર છે એ વાત મીરાને સમજવી જ પડશે. તારે જ્યારે શાંતિથી રહેવાનો સમય છે ત્યારે આમ એકલા રહેવાનું?”

                  “ આ તો આપણું ગામ છે, એકલા થોડા કહેવાઈએ? તમે બંને રજાઓમાં અહીં આવતા જતા રહેજો. અને હા, મને વચન આપ કે અહીંથી ગયા પછી, તું મીરા સાથે જરાય ખરાબ વર્તન નહિ કરે. એકદમ શાંતિથી અને પ્રેમથી રહેશે. જો તું મને સુખી જોવા માગતો હોય તો આટલું કરજે. તને જેમ તારી માતા વગર રહેવું નથી ગમતું એમ એ પણ એની માતા અને બધું જ છોડીને આવી છે,  માટે એને ખુશ રાખજે.”

                   રાધાબહેન એકના બે ન થયાં. અંતે વિશાલ એકલો જ ચાલતો થયો. રાધાબહેન સજળ આંખે પોતાના કાળજાના ટુકડાને જતો જોઈ રહ્યાં.

                  વિશાલને ઘેર પહોંચતા બહુ મોડું થઈ ગયું. મીરા તેની જમવા માટે રાહ જોઈ રહી હતી. વિશાલને ભૂખ નહોતી પણ મમ્મીને આપેલ વચન પાળવાનું હતું. તેણે મૂંગા મોંએ જમી લીધું. મીરાએ પણ વિશાલને કંઈ ન પૂછ્યું.

                             બીજા દિવસે સવારથી જ એકધારી કામ કરી રહેલી મીરા આખરે નવરી પડી. હે ભગવાન!  કેટલું કામ હતું આ ઘરમાં ! રાધાબહેનને કોઈ પણ કામવાળાનું કામ ગમતું નહિ એટલે ઘરનું બધું જ કામ તેઓ જાતે જ કરવાનો આગ્રહ રાખતાં. કોઈ પણ કામમાં ચોખ્ખાઈ એમને ખૂબ ગમતી. ઝાઝા ઘરનાં કામ કરી નાખવાની ગણતરીવાળી કામવાળી પાસે ચોખ્ખાઈની આશા તેઓ ન રાખતાં. આખી જિંદગી સાદગી અને કરકસરમાં વીતાવેલી હોવાથી એમને ઘરનું કામ જાતે જ કરવાની ટેવ પડી ગઈ હતી. પણ હવે ક્યાં રાધાબહેન હતા?

                       પોતે આવા ઢસરડાં બિલકુલ નહી કરે એમ વિચારીને મીરાએ હાથમાં ફોન લઈને કામવાળી શોધવાનો યજ્ઞ આરંભ્યો. જે કોઈને પણ તે ફોન કરે એ પહેલાં તો રાધાબાની  તબિયત જ પૂછતું કારણ કે એમનો  ચીવટવાળો સ્વભાવ સૌ કોઈ જાણતું, રાધાબહેન જ્યાં સુધી સાજા હોય ત્યાં સુધી  કોઈને ઘરનું કામ કરવા દે નહિ. રાધાબહેનની ઉંમર કાંઈ બહુ વધારે ન હતી પણ એમના જાજરમાન વ્યક્તિત્વને સૌ કોઈ બા કહેવાનું પસંદ કરતા.

               સાંજ સુધીની ગડમથલને અંતે આખરે મીરાને કામવાળી મળી. ઓછી સંપત્તિવાળાને પોતાના બે દિકરાઓની સગાઈ એક જ દિવસે થઈ હોય તો પણ ન થાય એવો આનંદ મીરાને કામવાળી મળી એથી થયો. મીરાએ કામવાળીને આવતીકાલથી જ આવી જવાનું કહ્યું. જેથી પોતાને રજા પણ ન મૂકવી પડે અને વિશાલને પણ આજની જેમ ભૂખ્યા કોલેજે ન જવું પડે.

                  સાંજે પાંચ વાગ્યે મીરાને યાદ આવ્યું કે પોતે હજુ સુધી ચા પણ નથી પીધી. પોતાની કોલેજમાં તો મીરા ત્રણ વાગતાં ને ચા પી લેતી. મીરાએ પોતે ચા બનાવી અને કપ લઈને બારીએ બેઠી. ચાની ચુસ્કી લેતાં લેતાં અચાનક તેના થાકેલા શરીરના થાકેલા મનમાં રાધાબહેન ઝબકી ગયાં પણ તે પાછી સાંજની રસોઈમાં ગૂંથાઈ ગઈ. વિશાલ કોલેજેથી આવીને બહાર ગયો, ત્યારે મીરા રસોઈ બનાવતી હતી. આવ્યો તો પણ બનાવતી હતી. આખરે રાતે નવ વાગ્યે મીરાએ વિશાલને જમવા આપ્યું.

                      “ આ રસોઈ બનાવવા કરતાં તો ઉપરાઉપરી પાંચ લેક્ચર લેવા સારા.” કંટાળેલી મીરાથી બોલાઈ ગયું.   

                       “  રીઅલી?” વિશાલે એકદમ કડવાશથી પૂછ્યું પણ મમ્મીને આપેલું વચન યાદ આવ્યું એટલે ચૂપ રહ્યો.

                 દિવસો જેમતેમ વીતવા લાગ્યાં. વિશાલ, રાધાબહેન અને મીરા સૌ પોતપોતાની રીતે નવી પરિસ્થિતિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરતાં રહ્યાં.
                                  
                        ક્રમશઃ