Hawas-It Cause Death - 10 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | હવસ :-IT CAUSE DEATH ભાગ-10

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

હવસ :-IT CAUSE DEATH ભાગ-10

હવસ :-IT CAUSE DEATH-ભાગ 10

૧૦

પ્રભાત પંચાલની એનાં ઘરે નિર્મમ હત્યા થયાં પછી એની તપાસનો દોર ચાલુ થઈ જાય છે..નાયક પુરી રાત પોલીસ સ્ટેશનમાં જ સૂતો હોવાંના લીધે સવારે સાત વાગે વાઘેલાનાં આવતાં જ નિત્યક્રમ પતાવવા ઘરની વાટ પકડે છે.દોઢેક કલાક બાદ જ્યારે નાયક પાછો પોલીસ સ્ટેશન આવે છે ત્યારે અર્જુન ત્યાં આવી ચુક્યો હોય છે.

"નાયક..બેસ બેસ.."અર્જુન નાયક ને પોતાની કેબિનની અંદર પ્રવેશેલો જોઈ વાઘેલાની જોડે પડેલી ખુરશીમાં સ્થાન લેવાનું કહેતાં બોલ્યો.

અર્જુનનાં કહેતાં ની સાથે જ નાયકે પોતાનું સ્થાન ખુરશીમાં ગ્રહણ કર્યું.નાયક નાં બેસતાં જ અર્જુને વાત ચાલુ કરી.

"નાયક,હમણાં ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાંથી શેખ નો ફોન હતો..શેખે કહ્યું કે પ્રભાતને જે બુલેટ વાગી હતી અને રૂમમાંથી જે બુલેટ મળી આવી એ એક જ છે.આ બુલેટ 7.62×66mm ની 0.300 વીંચેસ્ટર મેગનમ પ્રકારની સ્નાયપર રાઈફલમાં વપરાતી બુલેટ છે.."

"મતલબ કે તમારો શક સાચો છે કે બુલેટ બાલ્કની ની સામે રહેલ ઈમારત ઉપરથી જ ચલાવાઈ છે.."નાયક ઉત્સાહમાં આવી બોલ્યો.

"બીજી કોઈ માહિતી મળી ફોરેન્સિક ટીમ ને..?"વાઘેલા એ પુછ્યું.

"હજુ પ્રભાતની ડેડબોડી નું એક્ઝેમાઇન ચાલુ છે..ડોકટરની એક ટીમ એનું પોસ્ટમોર્ટમ કરી રહી છે જેનો રિપોર્ટ સાંજે તૈયાર થઈ જશે..અને પછી પ્રભાતનાં મૃતદેહને એનાં પરિવારને સુપ્રત કરી દેવામાં આવશે.એ સિવાય પ્રભાતનો ડેમેજ થયેલો ફોન પણ સાયબર ટીમને તપાસ કરવા માટે આપી દીધો છે."અર્જુન માહિતી આપતાં બોલ્યો.

"તો સર આપણે પ્રભાતનાં બેડરૂમની સામે પડતી બહુમાળી ઈમારત નાં ટેરેસ પર તપાસ કરવા નીકળીએ.?"નાયકે અર્જુનને ઉદ્દેશીને કહ્યું.

"Ok.. ચાલો..વાઘેલા હું આવું ત્યાં સુધી તમે અહીં જ બેસો..હમણાં જાની આવે તો એને પ્રભાત નાં ઘરે બે કોન્સ્ટેબલ સાથે એને મોકલી દેજો અને કહેજો કે અશોક અને બીજાં બે કોન્સ્ટેબલ જે પ્રભાતનાં ઘરે હાજર છે એમને છૂટાં કરે."

"Ok..સર."અદબભેર વાઘેલા બોલ્યો.

વાઘેલા ને જરૂરી સૂચન આપી નાયક અને બીજાં બે કોન્સ્ટેબલ સાથે અર્જુન નીકળી પડ્યો પ્રભાતનાં બેડરૂમની બાલ્કનીની સામે પડતી બહુમાળી ઈમારત સ્કાયલવ ની તરફ.

**********

આ તરફ અનિકેત નાં ઘરે હાજર અનિતા સવાર પડતાંની સાથે રડીરડીને પોતાની હાલત ખરાબ કરી ચુકી હતી.છતાંપણ જાનકી દ્વારા અપાતી સહાનુભુતિ અનિતા ને થોડી ઘણી હિંમત બાંધી રહી હતી.અનિકેત ઓફિસે થોડું કામ હોવાનું કહી જાનકી અને અનિતાને પ્રભાતનાં નિવાસસ્થાને ડ્રોપ કરી ઓફિસ જવા નીકળી ચુક્યો હતો.

પ્રભાતનાં ઘરે હાજર અશોક અનિતા પ્રભાતની પત્ની થાય એ જાણતો હોવાથી અશોકે અનિતા કે જાનકી ને કોઈપણ રોકટોક વગર ઘરમાં જવા તો દીધાં પણ સાથે-સાથે પ્રભાતનાં બેડરૂમમાં ના જાય એવી શિખામણ પણ આપી દીધી..જાનકી અને અનિતા ચૂપચાપ પ્રભાતનાં બંગલોનાં બેડરૂમમાં જઈને બેઠાં હતાં.પ્રભાતનાં સગાં-વહાલાં પણ એક એક કરીને ત્યાં આવવાનું શરૂ થઈ ગયું હતું.જેમ-જેમ લોકોની ભીડ વધતી ગઈ એમ એમ અનિતા નાં હૃદયમાં ચાલતો વલોપાત રૂદન બનીને બહાર આવ્યો.

અનિતા નાં પિયરમાંથી પણ એનાં મોટાં ભાઈ અને ભાભી આવી ચૂક્યાં હતાં. એમની હાજરી જો કે અનિતાને થોડી-ઘણી હુંફ બક્ષી રહી હતી..પ્રભાતનાં ઘરે હાજર થયેલ લોકોની ભીડ ને જોઈ અશોકે પ્રભાતનાં બેડરૂમને તાળું મરાવી દીધું.

અર્જુન નાં કહ્યાં મુજબ વાઘેલા એ જાનીનાં પોલીસ સ્ટેશનમાં આવતાંની સાથે એને પ્રભાતનાં ઘરે જવા માટે જણાવી દીધું..જાની અને અન્ય બે કોન્સ્ટેબલ પ્રભાતનાં બંગલે આવ્યાં એટલે ત્યાં કાયમ સમગ્ર પરિસ્થિતિનો તાગ જાનીને વ્યવસ્થિત જણાવી અશોકે પોતાની સાથે રાતભર ડ્યુટી પર હાજર બે કોન્સ્ટેબલ સાથે ત્યાંથી વિદાય લીધી.

**********

આ તરફ અર્જુન અને નાયક પોતાની ટીમ સાથે સ્કાયલવ નામની ચૌદ માળની ભવ્ય ઈમારત નાં ગેટ આગળ આવી પહોંચ્યા..પોલીસ કર્મચારીઓ ને જોતાં ગેટકીપરે ઝાઝાં સવાલો કર્યા વગર બધાંને અંદર જવાની પરવાનગી આપી દીધી.

"સાહેબ અહીં CCTV કેમેરા લાગેલાં છે.."ગેટની અંદર પ્રવેશતાં જ આમ-તેમ નજરો ઘુમાવતો નાયક બોલ્યો.

"હા નાયક..આપણાં માટે આ CCTV નું રેકોર્ડિંગ ઘણું કારગર નીવડશે.."અર્જુને કહ્યું.

અર્જુન અને નાયક જીપમાંથી હેઠે ઊતર્યાં એટલે અર્જુને પોતાની સાથે હાજર કોન્સ્ટેબલ ને આદેશ આપતાં કહ્યું.

"તમે બંને જઈને ગઈકાલ સમગ્ર દિવસની CCTV ફૂટેજનું રેકોર્ડિંગ ચેક કરો ત્યાં સુધી હું અને નાયક ટેરેસ પર જઈને આવીએ.."

અર્જુન ની વાત સાંભળી બંને કોન્સ્ટેબલ સિક્યુરીટી ગાર્ડની કેબીન તરફ આગળ વધ્યાં અને અર્જુન તથા નાયક લિફ્ટની તરફ અગ્રેસર થયાં.

લિફ્ટ ચૌદ માળ સુધી જ જતી હોવાથી અર્જુને 14th floor નું બટન દબાવ્યું એ સાથે જ ફૂલ સ્પીડમાં લિફ્ટ ઉપરની તરફ આગળ વધી..આ દરમિયાન નાયકની બકબક ચાલુ જ હતી જેનાં પ્રતિભાવમાં અર્જુન ફક્ત ડોકું ધુણાવી રહ્યો હતો..વચ્ચે કોઈ કોઈ વ્યક્તિ લિફ્ટમાં આવતું ત્યારે પોલીસનાં ડ્રેસમાં સજ્જ બે કર્મચારીઓને પોતાની બિલ્ડિંગમાં જોઈ શંકા-કુશંકા જરૂર સેવી રહ્યું હતું.

ચૌદમાં માળે પહોંચી અર્જુન અને નાયક થોડાં પગથિયાં ચડી સ્કાયલવ બિલ્ડીંગ ની ટેરેસ પર આવ્યાં.

"સાહેબ આ બિલ્ડીંગ ખરેખર આકાશ જોડે વાતો કરે છે એટલે આનું નામ સ્કાયલવ રાખ્યું હશે."ટેરેસ પર આવી રહેલ જોરદાર પવનની લહેરખી નો અહેસાસ થતાં નાયક બોલી ઉઠ્યો.

"હા તને એવું લાગ્યું તો એવું જ હશે.."નાયકની વાત નાં જવાબમાં અર્જુન બોલ્યો.

અર્જુન અને નાયકે ટેરેસ પર પહોંચી પહેલાં એ જગ્યા શોધવાનું શરૂ કર્યું જ્યાંથી પ્રભાત પંચાલનાં બંગલોની એ બાલ્કની સ્પષ્ટ દેખાઈ રહી હતી.અર્જુને ત્યાંથી પોતાની બાજ નજર પ્રભાતની બાલ્કની તરફ કરી પણ એને સ્પષ્ટ ના દેખાતાં એને નાયક ભણી જોઈને કહ્યું.

"નાયક દૂરબીન.."

અર્જુનનાં કહેતાં જ નાયકે ગળામાં લટકાવેલું દૂરબીન કાઢી અર્જુનને આપ્યું..હાથમાં દૂરબીન લઈ અર્જુને એમાંથી પ્રભાતનાં બેડરૂમની એ બાલ્કની તરફ જોયું..ત્યાં જોતાં જ અર્જુન દુરબીનને નાયકની તરફ લંબાવતાં બોલ્યો.

"જો નાયક,અહીંથી પ્રભાતની બાલ્કની સ્પષ્ટ દેખાય છે..સાથે સાથે કાચનો સ્લાઈડિંગ દરવાજો પણ..જો દરવાજો ખોલવામાં આવે તો પ્રભાત જ્યાં બેઠો હતો એ જગ્યાનો સચોટ નિશાનો લઈને એની ઉપર સ્નાયપર ગનમાંથી ગોળી ચલાવાઈ હોવી જોઈએ."

નાયકે પણ દૂરબીનમાંથી અર્જુને કહ્યું એ તરફ જોયું અને બોલ્યો.

"હા સાહેબ અહીંથી તો કોઈ પ્રોફેશનલ કાતિલ હોય એ નિશાનો લઈને પ્રભાતને આસાનીથી મારી શકે એમ હતું.."

આ દરમિયાન અર્જુને પ્રભાતની બાલ્કની તરફ પડતી ટેરેસ ની દિવાલનું નિરીક્ષણ કર્યું અને બોલ્યો.

"જો અહીં જે દીવાલ નાં છેડે જે નિશાન છે એ શાયદ ગન મુકવા માટે ગોઠવેલાં સ્ટેન્ડ નાં હોઈ શકે છે.."

નાયકે અર્જુનની વાત સાંભળી પોતાની આંખો આગળથી દૂરબીન દૂર કર્યું અને અર્જુન કહી રહ્યો હતો એ નિશાનને જોતાં કહ્યું.

"સાહેબ આ જોઈને તો હવે નક્કી પાકું થઈ ગયું કે પ્રભાતની હત્યા કોઈએ અહીંથી સ્નાયપર ગનમાંથી ગોળી ચલાવીને કરી છે..હવે એ હત્યારા ને પકડી લઈએ એટલે કેસ સોલ્વ."હરખપદુડો થઈને નાયક અતિઉત્સાહમાં બોલી ગયો.

"નાયક,તારી જોડે કોઈ અલાદીનનો જાદુઈ ચિરાગ છે કે તું એમાંથી કોઈ જીન નિકાળીને એને કહીશ કે જા કાતિલ ને પકડી લાવ તો જીનક હેશે જી મેરે આકા..અને નાયક સાહેબ માટે કાતિલ ને પકડીને બે મિનિટમાં હાજર થઈ જશે."નાયક નો વગર કારણનો ઉત્સાહ જોઈ એનાં પર કટાક્ષ કરતાં અર્જુન બોલ્યો.

અર્જુનની વાત સાંભળી નાયક થોડો ક્ષોભીલો પડી ગયો..એને અર્જુનની વાત નો અર્થ સમજાઈ રહ્યો હતો કે હજુ તો એ લોકો એ વાત પર આવ્યાં છે કે પ્રભાતની હત્યા સ્નાયપર ગન વડે સ્કાયલવ ની ટેરેસ પરથી નિશાનો લગાવીને કરાઈ છે પણ હજુ હત્યારો એમની પકડથી જોજનો દૂર હતો.

અચાનક કોઈનાં પગરવ નો અવાજ સાંભળી નાયક અને અર્જુનનું ધ્યાન એ તરફ ગયું..અર્જુને જોયું તો એનાં બંને કોન્સ્ટેબલ એક પચાસેક વર્ષનાં સજ્જન સાથે એમની તરફ આવી રહ્યાં હતાં.

"નમસ્કાર ઈન્સ્પેકટર સાહેબ..હું તન્મય ગાંધી આ સ્કાયલવ બિલ્ડીંગ નો સેક્રેટરી.."વિનયપૂર્વક અર્જુનની તરફ હાથ લંબાવી એ સજ્જન પુરુષ બોલ્યાં.

"મારું નામ એસીપી અર્જુન છે.."અર્જુને એમની સાથે હસ્તધૂનન કરતાં કહ્યું.

"અરે તમને કોણ નહીં ઓળખતું હોય..જાંબાઝ,શાતીર અને દિલદાર ઓફિસર..એસીપી અર્જુન."અર્જુનનાં વખાણ કરતાં બોલ્યો.

"એતો આપની મહેરબાની."અર્જુને કહ્યું.

"બોલો સાહેબ આપની શું સેવા કરી શકું.?તમારાં અહીં આવવાનું કારણ જાણી શકું..?"તન્મય ગાંધી એ પૂછ્યું.

તન્મય ભાઈ ની વાત સાંભળી અર્જુને કહ્યું.

"તમે જાણતાં હશો કે સામે વૃંદાવન સોસાયટીમાં પ્રભાત પંચાલની કોઈએ હત્યા કરી છે..તો એમની હત્યા જેને પણ કરી છે એને આ બિલ્ડીંગ ની ટેરેસનો ઉપયોગ કરીને પ્રભાતની હત્યા કરી છે."

"આ બિલ્ડીંગ નાં ટેરેસનો ઉપયોગ કરી છેક અડધો કિલોમીટર દૂર આવેલાં પ્રભાત પંચાલનાં ઘરમાં એની હત્યા..કંઈ સમજાતું નથી."આશ્ચર્ય નાં ભાવ સાથે તન્મય ભાઈ એ કહ્યું.

"અહીંથી કોઈએ સ્નાયપર રાઈફલ નો ઉપયોગ કરી પ્રભાતની હત્યા કરી છે.."અર્જુને એ જગ્યા બતાવતાં કહ્યું જ્યાં ઉભા રહી પ્રભાત પર ગોળી ચલાવાઈ હોવાની શકયતા હતી.

"Oh my god..અમારાં બિલ્ડીંગ ની ટેરેસ નો ઉપયોગ કરી હત્યા..બોલો સાહેબ તમારી શું મદદ કરી શકું..?"તન્મય ભાઈ એ અર્જુનને પૂછ્યું.

"એ માટે તો મેં આ બે કોન્સ્ટેબલો ને મોકલ્યાં હતાં.. જેથી કાલ નાં સમગ્ર દિવસની CCTV ફૂટેજ જોઈને કાતિલ ને શોધી શકાય."અર્જુને કહ્યું.

"સાહેબ અમે સિક્યુરિટી વાળા ને એ વિશે કહ્યું તો એમને આ ભાઈ ને બોલાવ્યાં તો એમની સાથે અમે અહીં આવ્યાં.."એક કોન્સ્ટેબલ વચ્ચે બોલી ઉઠ્યો.

"સાહેબ,દિલગીરી સાથે તમને જણાવું કે અમારી બિલ્ડીંગ માં જે CCTV કેમેરા છે એ હમણાં ત્રણ દિવસ પહેલાં જ લગાવ્યાં છે માટે હજુ એ કાર્યરત નથી.."ધીરા અવાજે ખેદપૂર્વક તન્મયભાઈ એ કહ્યું.

"Oh.. shit.. તો પછી કાતિલ સુધી પહોંચવું અઘરું થઈ પડશે.."નાયક નાં મોંઢે અનાયાસે જ નીકળી ગયું.

"કાતિલ જે કોઈપણ હોય એને બધું કામ શાતીર દિમાગથી પૂરું પાડ્યું છે.પ્રભાત એ સમયે ત્યાં બાલ્કની ની સામે હાજર હશે અને સાથે આ બિલ્ડીંગ માં CCTV ચાલુ નથી બધી માહિતી એની જોડે હતી.."અર્જુન ચહેરા પર ગંભીર ભાવ સાથે બોલ્યો.

"સાહેબ મારે ઓફિસ જવું છે તો હું રજા લઉં.. મારી અન્ય કોઈ મદદની જરૂર હોય તો તમે મારાં આ નંબર પર કોલ કરી દેજો.."પોતાનું વિઝીટિંગ કાર્ડ અર્જુનને આપતાં તન્મય ગાંધી એ કહ્યું.

તન્મય ગાંધી એ આપેલું વિઝીટિંગ કાર્ડ હાથમાં લેતાં અર્જુને કહ્યું.

"Sure.. કંઈ કામ હશે તો કોલ કરીશ."

અર્જુનની રજા લઈ તન્મયભાઈ ત્યાંથી નીકળી ગયાં એટલે અર્જુને કોન્સ્ટેબલો ને કહ્યું.

"તમે જઈને સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરો કે રાતે કોઈ એવો વ્યક્તિ બંગલામાં આવ્યો હતો જે હકીકતમાં આ બિલ્ડીંગનો રહેવાસી ના હોય."

"જી,સર.."આટલું કહી બંને કોન્સ્ટેબલ ત્યાંથી ઝડપભેર નીકળી ગયાં.

હવે ટેરેસ પર અર્જુન અને નાયક બે જ મોજુદ હતાં.. અર્જુન નો વિચારમગ્ન ચહેરો જોઈને નાયક બોલ્યો.

"સાહેબ,હવે તો કાતિલ સુધી પહોંચવા કંઈક બીજો રસ્તો શોધવો પડશે..આટલી મોટી બિલ્ડીંગ ને હજુ CCTV ચાલુ નથી..આવાં કેરલેસ લોકોનાં લીધે જ કાયદો અને વ્યવસ્થા જળવાતી નથી."

નાયક ની વાત સાંભળી અર્જુન નાં ચહેરા પરનાં ભાવ વધુ ગંભીર બન્યાં.. અર્જુન પોતાની નજર ટેરેસ પર આમ-તેમ ઘુમાવી રહ્યો હતો ત્યાં એની નજરે ટેરેસની ઈટાલિયન માર્બલ પર પડેલી એક વસ્તુ પર પડી.એ વસ્તુને જોતાં જ અર્જુનની આંખો પહોળી થઈ અને ચહેરા પર ચમક પથરાઈ ગઈ.અર્જુન ઉતાવળાં એ વસ્તુ જ્યાં પડી હતી એ તરફ ગયો અને ત્યાં જઈ નીચા નમી એ વસ્તુ તરફ જોતાં નાયકને ઉદ્દેશીને બોલ્યો.

"નાયક,કાતિલ કેટલો પણ સ્માર્ટ હોય કોઈને કોઈ સબુત જરૂર છોડતો જાય છે..અને આ રહ્યો એની તાબુત પરનો પ્રથમ ખીલ્લો."

★★★★★★★

વધુ આવતાં અંકે.

અર્જુનને ટેરેસ પર શું મળી આવ્યું હતું..??મંગાજી પ્રભાતની હત્યામાં સામેલ હતો..?પ્રભાત ની હત્યા કોને કરાવી હતી.??રૂપિયા ભરેલાં પાર્સલની આપલે કરનારાં એ વ્યક્તિઓ કોણ હતાં અને એમનો પ્રભાતની હત્યા જોડે શું સંબંધ હતો...??શું અર્જુન હત્યારા સુધી પહોંચી શકશે કે નહીં..??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

તમે પણ આગળ વધતી આ સસ્પેન્સ નોવેલ હવસ પર તમારાં પ્રતિભાવ આપી શકો છો..સાથે સાથે તમારાં મગજને કસીને કાતિલ કોણ છે એ પણ શોધવાનો પ્રયાસ કરો અને મને જણાવતાં રહો કે તમારાં મતે પ્રભાતનો હત્યારો કોણ છે..?

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)