hati aek pagal - 3 in Gujarati Love Stories by Jatin.R.patel books and stories PDF | હતી એક પાગલ - 3

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

હતી એક પાગલ - 3

હતી એક પાગલ..!!:-ભાગ 3

ના ઈચ્છવા છતાં આજે શિવ ને જુની સ્મૃતિઓ મન,હૃદય અને આંખોનાં દરેક ખૂણા ને રક્ત મિશ્રિત અશ્રુથી ભીંજવવા આવી પહોંચી હતી..આ યાદો જાણે કોઈ સિરિયલ કિલર હોય એમ દબાતાં પગલે તમારી નજીક આવતી હોય છે અને તમને ખબર પણ ના પડે એ રીતે તમને મોત ની ચીરનિંદ્રા માં સુવડાવી મુકતી હોય છે..શિવ ને એની જીંદગીનો કેવો ભુતકાળ યાદ આવી રહ્યો હતો એની વાત કરું એ પહેલાં બે પંક્તિ પ્રેમમાં મળતી આવી ગમતી-નાગમતી યાદો ને નામ.

मौहब्बत की मिसाल में,

बस इतना ही कहूँगा ।

बेमिसाल सज़ा है यादें इसकी

किसी बेगुनाह के लिए।

એ શિવ ની કોલેજ પ્રવેશ નાં બીજાં સપ્તાહનો પ્રથમ દિવસ હતો.દરેક ટીનએજ છોકરાં ની માફક શિવ પણ કંઈક અરમાનો લઈને કોલેજમાં આવ્યો હતો..આ અરમાનો માં સૌપ્રથમ તો હતું એનાં અભ્યાસ પર ધ્યાન આપી પોતાની કારકિર્દીનાં ઘડતરનું પ્રથમ પગથિયું ચડવું..જોડે-જોડે ફિલ્મોમાં જોયેલી કોલેજ લાઈફની મસ્તીને પણ શિવ મનભરી જીવવાની ખ્વાહિશ ધરાવતો હતો.

શિવ મહેસાણા જોડે આવેલાં નાનકડાં એક ગામ સીતાપુર નો રહેવાસી હતો..બાર કોમર્સમાં પોતાની સ્કુલમાં 88% સાથે પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયાં બાદ શિવ નાં માતૃશ્રી ગીતાબેન ને પોતાનાં પુત્રથી ઘણી અપેક્ષાઓ હતી..ત્રણ વર્ષ પહેલાં જ શિવ નાં પિતાજીનાં હૃદયરોગનાં હુમલામાં થયેલાં અવસાન પછી એમને પેટે પાટા બાંધી શિવને ઉછેર્યો હતો.શિવે પણ આખા ગામમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરી પોતાની માં અને પરિવાર નું નામ રોશન કરી દીધું હતું.

શિવે મહેસાણા નાગલપુર ખાતે આવેલી V. R પટેલ કોમર્સ કોલેજમાં B. com નાં પ્રથમ વર્ષમાં એડમિશન મેળવી લીધું હતું.કોલેજ શરૂ થવાનાં પ્રથમ ત્રણ-ચાર દિવસ તો કોલેજ ફક્ત નામની ચાલુ હતી.કોઈ લેક્ચર લેવાયું નહીં કે ના કોઈ વિધાર્થીઓ ક્લાસમાં આવ્યાં.

કોલેજ ચાલુ થયાનું એક અઠવાડિયું નીકળી ગયું અને શિવ આજે પોતાનાં ક્લાસમાં આવીને બેઠો હતો..પ્રથમ લેક્ચર ઈકોનોમિક્સ હતું પણ લેક્ચરર હજુ આવ્યાં નહોતાં.. શિવ ની બેન્ચ પર બે છોકરાંઓ બેઠાં હતાં.શિવે પોતાની ઓળખાણ એમને આપી અને એમનાં નામ પૂછયાં.. એક નું નામ હતું મયુર અને બીજાનું કાળુભાઈ.શિવ ને જાણવા મળ્યું કે મયુર મહેસાણા નો જ રહેવાસી છે જ્યારે કાળુભાઇ સાબરકાંઠાના વડગામનો રહેવાસી હતો અને અહીં પોતાનાં કોઈ સગાં ને ત્યાં રહી ભણતો હતો.

એ લોકોની વાતચીત વધુ આગળ વધે એ પહેલાં લેક્ચરર ની એન્ટ્રી થતાં બધાં સ્ટુડન્ટ ચુપ થઈ ગયાં.. લેક્ચરર હજુ અંદર આવીને બોલવાનું શરૂ કરે એ પહેલાં એક છોકરી એ ક્લાસમાં પ્રવેશવાની અનુમતિ માંગી..શિવ એ સમયે પોતાની બેગમાંથી બુક્સ કાઢી રહ્યો હતો એટલે એને એ છોકરીનો અવાજ જરૂર સાંભળ્યો હતો પણ એ તરફ નજર ઉઠાવીને જોયું નહોતું.

પ્રથમ લેક્ચર હોવાથી પ્રોફેસરે બધાં નો પરિચય ઉભાં થઈને આપવા કહ્યું..પરિચય ની સાથે ધોરણ 12માં ઈકોનોમિક્સ માં મેળવેલાં માર્ક્સ પણ બોલવા એવું સરે કહ્યું એટલે એકપછી એક સ્ટુન્ડન્ટ ઉભાં થઈને પહેલાં પોતાનો ટૂંકમાં પરિચય આપતાં અને પછી ઈકોનોમિક્સમાં ધોરણ 12માં મેળવેલાં માર્ક્સ બોલતાં.

શિવનો નંબર આવ્યો ત્યાં સુધી કોઈનાં માર્ક્સ 85 થી વધુ નહોતાં.. આ સાંભળી શિવ આત્મવિશ્વાસ સાથે ઉભો થયો અને પોતાનો પરિચય આપી પોતાનાં માર્ક્સ બોલ્યો..94.શિવ ને ઈકોનોમિક્સમાં 94 માર્ક્સ હતાં એ સાંભળી પ્રોફેસરે એને શાબાશ કહ્યું.

ક્લાસમાં જેટલાં છોકરા હતાં એટલી જ છોકરીઓ પણ હતી..છતાં શિવે પોતાની નજર કોઈ તરફ ફેંકી નહોતી જ્યારે બાકીનાં છોકરાઓ તો ક્યારનાય આ મારી અને આ તારી કરી રહ્યાં હતાં.

અચાનક શિવનાં કાને એક અવાજ પડ્યો..

"મારું નામ માહી ગુજરાલ છે..અને મારે ઈકોનોમિક્સમાં ધોરણ 12માં 96 માર્ક્સ હતાં.."

બીજું કંઈ તો ખબર નહીં પણ શિવને આ 96 માર્ક્સ ધરાવતી સ્ટુન્ડન્ટ પોતાની અભ્યાસમાં કટ્ટર પ્રતિસ્પર્ધી લાગી રહી હતી એટલે અનાયાસે જ શિવે એની તરફ નજર કરી.આ પ્રથમ વખત હતું જ્યારે શિવે માહી ને જોઈ.માહી જેવો નામનો અર્થ..ખળખળ વહેતી નદીની માફક એનાં ચહેરા પરનો આત્મવિશ્વાસ અને સ્મિત હવામાં વહી રહ્યું હતું.

માહી ગુજરાલ દેખાવે વધુ સુંદર તો નહોતી કે એની ઉપરથી તમારું ધ્યાન હટે જ નહીં..શ્યામવર્ણો શરીરની ચામડીનો રંગ,કોઈ પણ જાત નો મેકઅપ કે વધારાની સજાવટ નહીં..બ્લેક જીન્સ પેન્ટ અને આસમાની રંગની ટીશર્ટ એનાં ઉપર ઠીકઠાક લાગી રહી હતી..છતાં પણ કંઈક એવી સંમોહક શક્તિ હતી એનામાં જેને શિવને એની તરફ બીજીવાર જોવાં મજબુર કરી મુક્યો.

શિવે જ્યાં ફરીવાર માહી તરફ જોયું ત્યાં એની અને માહી ની નજરો આપસમાં ટકરાઈ..આ ટકરાવ એમને પણ ખબર નહીં કે આગળ જઈને શું ગુલ ખીલાવવાનો હતો..માહીને પ્રથમ નજરે જોતાં તો એવું ના લાગે કે એની સાથે પ્રેમ થઈ જાય..પણ મેં સાંભળ્યું છે કે "દુનિયામાં દૂધ કરતાં ચા નાં દિવાના વધુ છે..".

પ્રથમ બે લેક્ચરો બાદ રીસેસ પડી એટલે બધાં સ્ટુડન્ટ પાછાં વાતો એ વળગ્યાં.. મયુર અને કાળુભાઇ સાથે શિવ ને સારું એવું જામી રહ્યું હતું..આમ પણ કોલેજકાળમાં જે પ્રથમ વખતે પરિચયમાં આવે એ લોકો આજીવન મિત્રતામાં રહે એની શકયતા વધી જતી હોય છે..પ્રથમ મુલાકાતમાં જ શિવે કાળુભાઈને મહેસાણી ટોનમાં કાભઈ કહ્યું જેનો કાળુભાઈ દ્વારા કોઈ વિરોધ ના થયો..હવે કોલેજનાં બાકીનાં વર્ષો કાળુભાઈને બધાં કાભઈ જ કહેવાનાં હતાં એ નક્કી હતું.

કોલેજનાં પહેલાં દસેક દિવસ તો બધું પોતાની રીતે સીધેસીધું ચાલી ગયું..એક દિવસ રિસેસનાં સમયે માહી શિવ જ્યાં પોતાનાં મિત્રો સાથે ઉભો હતો ત્યાં આવી પહોંચી..માહી ને એમની તરફ આવતી જોઈ બધાં ચૂપ થઈ ગયાં. માહી એમની નજીક આવીને ઉભી રહી અને શિવની તરફ જોઈને બોલી.

"તારું નામ શિવ છે ને..?"

આ હતો શિવ અને માહી વચ્ચેનો પ્રથમ સંવાદ..શિવ ને મોકળું મેદાન મળી રહે એ હેતુથી નહીં પણ પોતે કોઈ છોકરી જોડે વાત કરી શકવા સક્ષમ નહોતાં એટલે મયુર અને કાભઈ ત્યાંથી સરકી ગયાં.

"હમ્મ..હા..."શિવ અચકાતાં અને ખચકાતાં બોલ્યો.

શિવ ની એ સમયની હાલત પર બે પંક્તિ સ્ફુરી ઉઠે છે.

"બન્યું એવું પહેલી વાર,જ્યારે હું ભુલી ગયો મારું નામ

જ્યારે કોઈએ પ્રેમથી પુછ્યું શું છે તમારું નામ"

"શિવ એક કામ છે તારું.."માહી જાણે શિવ ને ઘણાં સમયથી ઓળખતી હોય એમ બોલી.

"હા બોલો.."શિવ માહી ને ખબર નહીં કેમ પણ માન આપી રહ્યો હતો..આવું આપણાં દરેક ની સાથે થાય.

"મારે તારી એકાઉન્ટની નોટ્સ જોઈએ છે..હું બે દિવસ નહોતી આવી તો મારે બધું કવર કરવાનું છે.."માહી બોલી.

પોતે જેને પોતાની અભ્યાસમાં પ્રતિસ્પર્ધી માની રહ્યો હતો એ અત્યારે પોતાની નોટ્સ માંગી રહી હતી..પોતે તો માહી ને ઓળખતો પણ નહોતો છતાં માહી પોતાની કોઈ ફ્રેન્ડ જોડે જવાનાં બદલે પોતાની જોડે શું કામ નોટ્સ માંગી રહી હતી..હા પોતે આ કલાસ નો સૌથી બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હોવાંના લીધે માહી પોતાની જોડે આવી હતી.. આવા કેટલાંય વિચારો શિવ નાં મગજમાં તોફાન મચાવી રહ્યાં હતાં.

"શિવ..ક્યાં ખોવાઈ ગયો..તે તો બધું યોગ્ય લખ્યું જ હશે એવી મને ખબર છે..તો પ્લીઝ તું નોટ્સ આપ,હું કાલે તને પાછી આપી દઈશ.."શિવ ને ચૂપચાપ ઉભેલો જોઈ એનાં ચહેરા આગળ ચપટી વગાડતાં માહી બોલી.

"અરે હા..મેં બધું લખેલું છે.ચાલ હું તને મારી નોટ્સ આપું છું.."શિવ બોલ્યો..માહી નાં અવાજમાં રહેલી વિનંતી અને પોતાનાં માહી એ કરેલાં વખાણ શિવ ને આમ બોલવા પ્રેરી ગયાં હતાં એમ કહેવું ખોટું નહોતું.

શિવે ક્લાસમાં જઈ પોતાની એકાઉન્ટની નોટ માહીનાં હાથમાં મુકતાં કહ્યું.

"માહી,આમાં બધું લખેલું છે..તું જોઈ લેજે.."

"તને મારું નામ ખબર છે..મને એમ કે નહીં હોય.લાગે છે મારી તરફ ચોરીછુપી ધ્યાન રાખતો લાગે છે.?"માહી હસીને બોલી.

"અરે ના ના..એવું નથી.એતો બસ ખબર છે.."શિવ જાણે પોતાની સફાઈ આપતાં બોલ્યો.

"અરે હું તો મજાક કરું છું..thanks.."શિવ ની તરફ હાથ લંબાવતાં માહી બોલી.

"શેની માટે thanks..?"શિવે સવાલ કર્યો.

"અરે આ નોટ્સ માટે.."માહી હસીને બોલી.

"દોસ્તીમાં thanks ના હોય.."શિવનાં મોંઢેથી અનાયાસે જ બોલાઈ ગયું.

"મને ગમશે તારી ફ્રેન્ડશિપ.."શિવ નાં વગર બોલે માહી એની તરફ મૈત્રીનો હાથ લંબાવતાં બોલી.

શિવે પણ પોતાનો હાથ એનાં હાથમાં મુકી દીધો..આ લગ્ન સમયનો હસ્ત-મેળાપ તો નહોતો પણ આ હસ્ત-મેળાપ એકબીજાનાં જોડે હાથ મિલાવી ભાગ્યનીરેખાઓ ને પરસ્પર મિલાવવાનો હતો.

પોતાની માહી સાથેની પહેલી મુલાકાત અને મૈત્રીની શરુવાતની એ મીઠી યાદ વિશે વિચારતાં વિચારતાં શિવ ની આંખ લાગી ગઈ.એક એવી કહાની નો અધ્યાય શરૂ થઈ ગયો હતો જેની શરૂવાત તો અકારણ થઈ હતી પણ એનો અંત ખબર નહીં એવો તે શું આવ્યો હતો કે શિવને એ કહાની અત્યારે શૂળ ની માફક હૃદય માં ખૂંપી રહી હતી.

પણ ઘણી વાર કોઈ કહાની નો અંત સારો હોય કે ના હોય પણ એ દરેક કહાનીની અંદર એવાં નાનાં-મોટાં સેંકડો કિસ્સા હોય છે જે જ્યારે પણ યાદ આવે ચહેરા પર સ્મિત ફરકાવી જાય છે..ઊંઘમાં પણ શિવનો હસતો ચહેરો એ વાત ની સાક્ષી પુરી રહ્યો હતો.

**************

સવારે શિવ જ્યારે પથારીમાંથી ઉભો થયો ત્યારે સાત વાગવા આવ્યાં હતાં..સ્નાન ઇત્યાદિ પ્રવૃત્તિ પૂર્ણ કરી શિવ જ્યારે તૈયાર થયો ત્યારે આઠ વાગી ગયાં હતાં..શિવ પોતાનો રૂમ લોક કરી નીચે આવ્યો અને ત્યાં હોટલમાં જ કોફી ની સાથે સેન્ડવીચ નો નાસ્તો કર્યાં બાદ ડુમસ બીચ જવા માટે નીકળી પડ્યો.

શિવ જ્યારે-જ્યારે સુરત આવતો ત્યારે ડુમસ બીચની મુલાકાત અચુક લેતો..પીપલોદ અને સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટથી ડુમસ બીચ જતાં શિવ ને ફક્ત પચ્ચીસ મિનિટ જેટલો જ સમય લાગ્યો..શિયાળા ની મોસમ ની શરૂવાત હોવાથી નવ વાગવા છતાં વાતાવરણમાં ઠંડક હતી.શિવે પોતાની ગાડી પાર્ક કરી અને બીચ પર મૂડ ફ્રેશ કરવા ઘુમવા લાગ્યો.

"ખબર નહીં આ સમુદ્ર પણ પોતાની અંદર કેટલીય વાતો છુપાવીને બેઠો હશે..એને પણ કેટલી તકલીફ પડતી હશે એ વાતો છુપાવવાની એટલે જ તો કિનારે મોજાં ને આવતાં ફીણ નીકળી જતું હશે.."

દરિયાનાં કિનારે આવતાં મોજાં ને હાથથી સ્પર્શ કરી શિવ મનોમન રટણ કરવા લાગ્યો..લગભગ આમ જ પોતાનાં વિચારોને પુરપાટ ઝડપે દોડાવતો એ કલાક સુધી દરિયાને અને દૂર દરિયાને ક્ષિતિજ પર મળતા આકાશને જોતો રહ્યો..એનું કવિ હૃદય અત્યારે પ્રકૃતિને મનભરીને માણી રહ્યું હતું.

સાડા દસ થયાં એટલે શિવ ફરતો-ફરતો એક નારિયેળ વાળાં ને ત્યાં જઈને બેઠો અને એક મસ્ત મલાઈવાળું નારિયેળ ઓર્ડર કર્યું..શિવ હજુ તો નારિયેળનું પાણી પી ને નારિયેળ વાળા ને પૈસા ચુકવતો હતો એ સમયે ત્યાં હાજર એક યુવક શિવ ને ઓળખી ગયો.

"તમે શિવ પટેલ છો ને..જાણીતાં કવિ..?"એને શિવ ની નજીક આવીને પુછ્યું.

"સાહેબ મારું નામ તુષાર છે..હું તમારી કવિતાઓનો બહુ મોટો ફેન છું..અને મારી ગર્લફ્રેન્ડ તો મારાં થી પણ મોટી ફેન છે તમારી.."એ યુવક પોતાનો પરિચય આપતાં બોલ્યો.

"Its my pleasure.. કે આજની યંગ જનરેશન ને પણ કવિતાઓ પ્રત્યે રુચિ છે.."શિવ મૃદુતાથી બોલ્યો.

"સર..એ બધાં પાછળનું મુખ્ય કારણ તમે છો..તમારી જ કવિતાઓ અમને ગુજરાતી ભાષાની કવિતાઓ તથા ગઝલો તરફ આકર્ષવામાં સફળ રહી છે."શિવનાં વખાણ કરતાં એ યુવક બોલ્યો.

"Thanks.."સ્મિત સાથે શિવે ઉત્તર આપ્યો.

"સર..ગઈકાલે તમારું અહીં રંગ ઉપવન હોલમાં ફંક્શન હતું ત્યાં હું આવવાનો જ હતો,પણ અમુક કારણોસર આવી ના શક્યો..મારી તમને લાઈવ સાંભળવાની હસરત અધૂરી ને અધૂરી રહી ગઈ..એ શો માટે લીધેલી ટીકીટ પણ એવી ને એવી પડી રહી.."હતાશ વદને તુષાર બોલ્યો.

તુષાર ને આમ નિરાશ જોઈને શિવ ને ખોટું લાગી રહ્યું હતું..પોતાનો આટલો મોટો પ્રશંસક આમ પોતાની સામે હતાશ હોય એ શિવ થી સહન ના થતાં શિવે તુષારની સામે હસીને જોયું અને બોલ્યો.

"ભાઈ તે ટીકીટ લીધી હતી તો એનાં પૈસા વ્યર્થ થાય એવું મને પણ ના પોષાય..એક કામ કર બેસ અહીં પાટલી પર..આપણે અહીં જ મહેફિલ જમાવી દઈએ..આમ પણ કવિ હોય,શ્રોતા હોય અને હોય કવિતા સાંભળવાની ફિલ તો પછી બધે જામી જાય મહેફિલ."

"અરે તો તો જલસા પડી જશે.."ઉત્સાહમાં આવી તુષાર બોલી ઉઠ્યો.

તો તુષાર મારી એક નવી લખેલી કવિતા આજે તને સંભળાવવા જઈ રહ્યો છું.આમ કહી શિવે પોતાની નવી લખાયેલી કવિતાનું પઠન કરવાનું શરૂ કર્યું.

"તું એક વહેતી નદી હતી ને હું એ નદી નો સ્થિર કિનારો..

સમય ની તપીશ માં તું મને મળ્યાં પહેલાં સુકાઈ ગઈ..

અને હું સ્થગિત એવો તારા સુધી આગળ પણ ના વધી શક્યો..

આમ જ તું અને હું ના એક થયાં ના જુદાં..

તું એક વસંત પહેલાં નું સુમન ને હું ભમરો બાગ નો..

મારા માટે તું ક્યારેય સંપૂર્ણ ખીલી ના શકી..

અને હું આદત થી મજબૂર બીજાં ફૂલ ને સુંધી પણ નાં શક્યો..

આમ જ તું અને હું ના એક થયાં ના જુદાં...

તું હતી આકાશ નો ચાંદ ને હું ચકોર તારો..

મુજ ને દર્શન આપવા તું અમાસે ના નીકળી શકી..

અને હું તારી ઝંખના છતાંય તને શોધવા આકાશ ને આંબી ના શક્યો..

આમ જ તું અને હું ના એક થયાં ના જુદાં.

તું મધુર શર્કરા ને હું રહ્યો દર્દી ડાયાબિટીસનો

તું ક્યારેય મુજ શરીર માટે યોગ્ય સાબિત થઈ શકી..

અને હું તુજ વિના ક્યારેક કોઈ સ્વાદ ને માણી જ નાં શક્યો..

આમ જ તું અને હું ના એક થયાં ના જુદાં..

તું અરીસો કાચનો અને હું એમાં ઝીલાતું પ્રતિબિંબ..

તું ક્યારેય મુજ ને હમેશાં માટે તારા માં ના સમાવી શકી...

અને હું પણ મતલબી અંધકાર માં તુજ માં દેખાઈ ના શક્યો..

આમ જ હું અને તું ના એક થયાં ના જુદાં..

તું કોઈ જૂની પુસ્તક અને હું એનાં ભુલાયેલાં પ્રકરણ

તું ક્યારેક તારાં એ પ્રકરણો ને ફરી થી યાદ ના કરી શકી..

અને હું પણ જુનાં કાગળ જેમ ખુદ ને તારા માં ના સાચવી શક્યો..

આમ જ હું અને તું ના એક થયાં ના જુદાં.

તું દુલહન અને હું મહેંદી માં લખેલું નામ..

ક્યારેય તું જાહેર માં હાથ ખોલી એ નામ બતાવી ના શકી..

અને નામ બનવા છતાં ગુમનામ બનતાં ખુદ ને અટકાવી ના શક્યો..

આમ જ તું અને હું નાં એક થયાં ના જુદાં.."

શિવે આ સાથે જેવી પોતાની કવિતા પૂર્ણ કરી એ સમયમાં તો વીસેક લોકો એની કવિતા સાંભળી આજુબાજુ ઉપસ્થિત થઈ ગયાં હતાં..એ લોકો એ શિવને શાબાશી આપતાં 'વાહ-વાહ' નાં નાદ અને તાળીઓ સાથે એને વધાવી લીધો.શિવે એ બધાનું શીશ ઝુકાવી અભિવાદન સ્વીકાર્યું.તુષારે શિવ નો આભાર માની નસીબ હશે તો ફરીથી મળીશું એમ કહી સ્મિત સાથે શિવ ને વિદાય આપી.

ડુમસ દરિયાકિનારેથી નીકળી શિવ પાછો પોતાની હોટલનાં રૂમમાં આવી પહોંચ્યો..રૂમમાં પહોંચી શિવે જમવાનું મંગાવ્યું.જમીને શિવ સોફા માં પગ લંબાવીને બેઠો અને મોબાઈલ હાથમાં લઈને એમાં ફેસબુક ઓપન કર્યું..શિવે જોયું તો ફેસબુકમાં રોજની જેમજ ઘણી બધી ફ્રેન્ડ રિકવેસ્ટ મોજુદ હતી.

શિવ એક પછી એક ફ્રેન્ડ રિકવેસ્ટ ને ડીલીટ કરી રહ્યો હતો..કેમકે એ અજાણ્યાં લોકોની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારતો જ નહોતો..અચાનક એક ફ્રેન્ડ રિકવેસ્ટ જોઈ શિવ નો હાથ અટકી ગયો..ત્યાં નામ હતું.

"આરોહી પંડિત.."

"અરે આ તો પેલી કાલ વાળી છોકરી..જેને મને શિવાય કહીને બોલાવ્યો હતો.."આટલું બબડી શિવે એની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવી કે નહીં એ વિશે મનોમંથન કરવાનું ચાલુ કર્યું.

★★★★★★★★★

વધુ આગળનાં અધ્યાયમાં.

દોસ્તો આ નવલકથા માં મેં મારી પોતાની કવિતાઓ સાથે ઘણાં ગુજરાતી,હિન્દી અને ઉર્દુ નાં શાયરો અને કવિઓની કવિતાઓ અને શાયરીઓનો પણ રસાળ રીતે ઉપયોગ કર્યો છે.આ બધાં મશહુર શાયરોને આ નવલકથા દ્વારા હું શબ્દાંજલી આપવાની કોશિશ કરી રહ્યો છું.

વાંચક મિત્રો ને આ નવલકથા વાંચવી ખુબ જ પસંદ આવશે એવી મને ખાતરી છે..જો પ્રેમ કર્યો હોય અને દિલ તૂટ્યું હોય તો પછી આ નોવેલ ફક્ત તમારાં માટે લખાઈ છે એ નોંધવું રહ્યું.તમે તમારો કિંમતી અભિપ્રાય મારાં whstsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

~જતીન.આર.પટેલ (શિવાય)