ઇન્સ્પેકટર અમરે બેશુદ્ધ વૈભવીને ઉઠાવી. તરત એને લઈને બહાર દોડી ગયો. રૂમમાંથી વૈભવીને ઊંચકીને દોડતા અમરને નિતા, નિયતિ, રાજેશ, નયન અને નીલમ જોઈ ગયા. એ બધા પણ એની પાછળ દોડ્યા.
અમરે જીપમાં પાછળની સીટમાં એને સુવડાવી અને દવાખાના તરફ જીપ મારી મૂકી.
સ્ટેશન બહાર દોડી આવેલા નયને નિલમની ઇલેન્ટ્રા તરફ નજર કરી ત્રાડ પાડી.
"નીલમ, ચાવી."
નિલમે બીજી જ પળે ગાડીની ચાવી નયન તરફ ઉછાળી. નયને તરત ડ્રાઇવર સીટ ઉપર જગ્યા લીધી, બાકીના બધા પણ નિલમની કારમાં ગોઠવાઈ ગયા. જોત જોતામાં નયને કારની સ્પીડ વધારી અને ઇન્સ્પેક્ટરની ગાડી પાછળ કરી દીધી.
ગાડીમાં બધા જાત જાતની અટકળો, ધારણા કરવા લાગ્યા. વૈભવી એકાએક બેહોશ કેમ થઈ હશે? ઇન્સ્પેકટર અમર એને ઉઠાવીને કેમ ભાગ્યો?
*
પુરપાટ ઝડપે જતી ગાડીમાં ઇન્સ્પેકટર અમર વારંવાર પાછળની સીટમાં સુવડાવેલ બેશુદ્ધ વૈભવીને જોઈ લેતો હતો. સ્ટિયરિંગ ઉપર હાથ પછાડી લેતો હતો.
આ ઇન્સ્પેકટર જાડેજા સાહેબને સ્ત્રી જાતથી એટલી દુશ્મની કેમ છે? પોતાની વાઈફ એને છોડીને ગઈ છે એટલે બસ એના મનમાં બધી સ્ત્રી ખરાબ જ ખરાબ!
અમર મનોમન વિચારતો હતો. એટલા મોટા બિઝનેસ મેંન જેના ખુનની તપાસ કરવા ખુદ ડી.એસ.પી. ઝાલા સાહેબે ઓર્ડર કર્યો હતો એનું ખૂન આ નાજુક વૈભવી કઈ રીતે કરી શકે? વૈભવી બસ સંજોગોમાં ફસાઈ છે. એ ખુન કરી શકે એવું મને લાગતું નથી. જાડેજા સાહેબને ખુન થયા પહેલા વૈભવી ત્યાં ગઈ એ બાબતે શંકા ગઈ અને એમણે શક કર્યો છે. જોગાનુજોગ જાડેજા સાહેબની નજરમાં એ ફસાઈ છે.
ઇન્સ્પેકટર અમર સમજુ હતો. એ નિષ્પક્ષ હતો. પણ વૈભવી ખુની નથી એવું સાબિત કરવું હવે એના માટે શક્ય નહોતું એટલે જ એ ચૂપ રહ્યો હતો. કેમ કે વૈભવી દરેક રીતે ખૂની સાબિત થતી હતી. પિતાની દવા માટે પૈસાની જરૂર, ગિરીશનો પાંચ લાખનો ચેક, આગળના દિવસે વૈભવીનું ઓફિસમાંથી એકાએક નીકળી જવું, બીજા દિવસે ઓફીસ ન જવું, ખુનના થોડા જ સમય પહેલા એનું ગિરીશને મળવું એ બધું જોતા વૈભવી જેલના સળીયા પાછળ દેખાતી હતી!
એ બધા વિચારો બાજુમાં મૂકી સૌ પ્રથમ તો વૈભવીને હોસ્પિટલ લઈ જઈ એની ટ્રીટમેન્ટ કોમામાં જાય એ પહેલાં જ કરવી જરૂરી હતી. મનમાં ચાલતા વિચારો કરતા પણ ઝડપી ઇન્સ્પેક્ટરની જીપ મુંબઈના રસ્તા ઉપર સાઇરન વગાડતી દોડતી હતી...
*
વીસેક મિનિટ ગાડી એમ ચાલી અને આખરે નયને ગાડીને ઓચિંતી બ્રેક લગાવી.
ગાડી એક ત્રી-માળી હોસ્પિટલ આગળ પુલ ઓફ થઇ હતી. બિલ્ડીંગ પર વિશ્વાસ હોસ્પીટલનું સાઈન બોર્ડ લાગેલું હતું. બહારના દેખાવથી જ ખ્યાલ આવી જાય એમ હતો કે એ શહેરની ખ્યાતનામ હોસ્પિટલ હશે કેમકે બહારના ભાગે ખાસ્સા એવા લોકો દેખાઈ રહ્યા હતા. એક સફેદ એમ્બ્યુલન્સ અને એની આસપાસ પાર્ક થયેલ અન્ય વાહનો ચાડી ખાઈ રહ્યા હતા કે એ હોસ્પીટલમાં સારો એવો મોટો સ્ટાફ અને એમ્બ્યુલન્સ જેવી પાયાની સગવડ પણ ઉપલબ્ધ હતી.
ગાડીમાંથી વૈભવીને ઊંચકી લેતા ઇન્સ્પેકટર અમરને ધક્કો મારી નયને દૂર ફેંકી દીધો. નયને વૈભવીને બે હાથમાં ઊંચકી લીધી અને હોસ્પિટલના દાદર ચડી ગયો. એની પાછળ બીજા બધા પણ હોસ્પિટલમાં ગયા. ઇસનપેક્ટર ઉભો થઇ કપડાં ખંખેરતો અંદર ગયો.
અમર હોસ્પીટલમાં પ્રવેશ્યો ત્યાં સુધીમાં નયન પેવમેન્ટ ચડી હોલ પણ વટાવી ચુક્યો હતો. એને હોસ્પીટલના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું કોઈ ભાન જ ન રહ્યું હોય એમ એ રીતસર દોડી રહ્યો હતો. એની પાસે કાઉન્ટર પર કેસ નોધાવવાનો કે ડોક્ટરની અપોઈન્ટમેન્ટ મેળવવાનો સમય હોય એમ લાગતું ન હતું.
નયન સીધો જ ડોકટરના રૂમમાં ગયો. ડોકટર બેભાન વૈભવી અને ટોળાને જોઈને ગભરાઈ ગયો.
"ડોકટર.... આ બેભાન થઈ છે જલ્દી..." નયને એને સ્ટ્રેચર પર સુવડાવતા બેબાકળા થઈને કહ્યું.
એ જ ડોકટર નિરંજન પાસે કરણ વૈભવીને લઈને આવ્યો હતો. આજે કોઈ બીજી વ્યક્તિ વૈભવીને લઈને આવી એ જોઈ ડોકટર પણ હેબતાઈ ગયો. એને સમજાયું નહીં કે આ વૈભવીને અલગ અલગ માણસો કેમ લઈ આવે છે?
"હું.... હું આ કેસ હાથમાં નહિ લઉં મી." ડો. નિરંજને ગભરાઈને કહ્યું.
એના એ વાક્ય સાથે જ નયન ડોકટર પાસે ધસી ગયો, એને કોલરથી પકડી લીધો.
"ડોકટર, તું મને ઓળખતો નથી, જો આની દવા કરવામાં એક મિનિટ પણ બગાડી અને જો એને કાઈ થયું તો એટલું યાદ રાખજે કે નયનને ખૂન કરતા હાથ નથી ધ્રુજતા."
નયન ઉનાળાના બપોરના સૂરજ સમો ખરેખરો તપેલો હતો.
"મી. નયન...." પાછળથી આવેલા ઇન્સ્પેકટર અમરે એનો ખભો પકડી હલાવ્યો, "એ ડોકટર છે, મને વાત કરવા દો પ્લીઝ."
અમરે આઈ.ડી. નીકાળી ડોકટરને આપ્યું, "ડોકટર હું ઇન્સ્પેકટર અમર બધી જવાબદારી ઉઠાવું છું તમે જરાય ચિંતા વગર ટ્રીટમેન્ટ કરો."
ઇન્સ્પેક્ટરની આઈ.ડી. જોતા ડોકટરનો શ્વાસ હેઠો બેઠો. હજુ એના ચહેરા પર ગુસ્સા અને ડરના ભાવ અકબંધ હતા. એણે નયન તરફ એક ગુસ્સાની નજર કરી.
“મેક સમ હરી, ડોક્ટર...” અમર પણ અકળાઈ રહ્યો હતો. એ જાણતો હતો જાડેજાએ વિના વોરંટે એમને ઉઠાવ્યા હતા. જો વૈભવીને કાઈ થાય તો એ માટે જવાબદાર પોલીસ જ ગણાય એમ હતી.
“નર્સ...” ડોકટરે અમરની વાતનો કોઈ જવાબ આપવાને બદલે સીધી જ બુમ લગાવી.
ડોકટરના શબ્દો પુરા થયા એ સાથે જ બે સફેદ કપડામાં સજ્જ યુવાન વયની નર્સ કાઉન્સેલિંગ રૂમમાં દાખલ થઇ.
“ગીતા... મોનિકા... જનરલ ઓબઝરવેશન રૂમ... ટેક હર હરીલી...” ડોકટરે નર્સના ચહેરા પરનો પર્શ્ન કળી લીધો હોય એમ સુચના આપી.
નર્સ ઉતાવળે પગલે સ્ટ્રેચર લઈ ગઈ એની પાછળ હાંફળા ફાંફળા ડોકટર પણ રૂમમાં ગયા.
*
બહાર બધા પરાણે સારા વિચાર કરતા બેઠા હતા. નિતા, નિયતિ, રાજેશ અને મયંક એક તરફની બેન્ચ પર તેમજ ઇન્સ્પેકટર અમર અને નીલમ બીજી તરફની બેન્ચ ઉપર બેઠા હતા.
નયન હજુ ગુસ્સામાં લાલચોળ હતો. એ આમ તેમ ચક્કર મારતો હતો. પોતે દીપકને વચન આપ્યું હતું કે એ કરણનું ધ્યાન રાખશે. એકાએક એને કરણ યાદ આવ્યો.
"શીટ કરણ...." નયન તરત ઇન્સ્પેકટર તરફ ફર્યો, "ઇન્સ્પેકટર વૈભવી કઈ રીતે બેહોશ થઈ? અને કરણ ક્યાં છે?"
ઇન્સ્પેક્ટરે બધી વાત કહી. કરણ ભાગી પડ્યો તેમજ નર્મદા બહેન પણ વૈભવીથી નારાજ થયા હતા એ કહ્યું. ઇન્સ્પેકટર જાડેજાએ કઈ રીતે વૈભવીને ખૂની સાબિત કરી એ કહ્યું.
હોસ્પિટલની બેન્ચને લાત મારી નયને ફોન નિકાળ્યો, ધવલનો નંબર ડાયલ કર્યો.
"હેલો."
"બોલ નયન."
"ધવલ, તું ક્યાં છે?" નયન કોઈ ગજબ ઉતાવળમાં હતો.
"હું ઓફિસે છું, કેમ શુ થયું? એટલો ગભરાયેલો કેમ છે?"
"મારી વાત ધ્યાનથી સાંભળ. કરણ પોલીસ સ્ટેશને છે, વૈભવીની મા નર્મદા બહેન પણ ત્યાં છે એ લોકો સ્ટેશન બહાર પણ નીકળી ગયા હોય તું જલ્દી જા નર્મદા બહેન અને કરણને એકલા ન પડવા દેતો. બંનેને એક સાથે તારા કે મારા ઘરે લઈ જા."
"પણ થયું છે શું? આ બધું શુ છે નયન?"
"એ બધું હું તને પછી સમજાવીશ અને હા કરણ તને ગાળો બોલે, કદાચ મરવા પણ આવે પણ તું એને ગમે તે રીતે એકલો ન પડવા દેતો."
"હા પણ...."
"ધવલ હમણાં કોઈ સવાલ ન કર તું, તું વાતની ગંભીરતા સમજ પ્લીઝ કરણ એકલો પડશે તો આત્મહત્યા પણ કરી લેશે."
નયનના એ શબ્દો કદાચ ધવલને વાતની ગંભીરતા પૂરે પુરી સમજાવી ગયા હોય એમ ધવલે કહ્યું, "હું સમજી ગયો.... હું જાઉં છું." કહી એણે ફોન ડિસ્કનેક્ટ કરી દીધો.
*
ઇન્સ્પેકટર નયનની એ બધી વાત સમજતા હતા પણ નયન એટલો ગુસ્સામાં કેમ હતો અને એ એટલો ભયભીત કેમ હતો એ કોઈ સમજી શકતું નહોતું! બધા ચક્કર લગાવતા નયનને જોઈ રહ્યા. સદાય કરણ સાથે મજાક મશ્કરી કરતો નયન આજે એ નયન હતો જ નહીં! એ કોઈ ઘરનો મોભી હોય, અને ઘર ઉપર કોઈ આફત આવી હોય એમ એક વડીલ જેમ વર્તી રહ્યો હતો! ગજબ સલુકાઈથી એ બધા એને જોતા રહ્યા.
એક બે ચક્કર આમ તેમ મારતા નયને ફરી એક નંબર ડાયલ કર્યો.
"ક્યાં છે તું?" સામેથી ફોન કોઈએ લીધો ત્યાં જ નયન બોલ્યો.
ફોન ઉપર ફોન કરતા નયનને જોઈ ઇન્સ્પેક્ટરને સમજાયું નહીં. ઇન્સ્પેકટર નયનની વાત સાંભળી રહ્યો પણ સામેનો અવાજ સંભળાયો નહિ.
"ક્યારે આવ્યો?" નયને ફરી પૂછ્યું.
ઇન્સ્પેકટર નજીક આવ્યો.
"તું એક મહિનાથી અહીં મુંબઈમાં છે અને અમને કોઈને ખબર પણ નથી?" નયન વધારે ગુસ્સે થયો.
ઇન્સ્પેકટર બધું સાંભળી રહ્યો. નીલમ, નિતા, નિયતિ કે રાજેશ કોઈને પણ કઈ સમજાયું નહીં.
"ત્યાં તું શુ કરે છે? હા હું આવું છું તરત જ." નયને એટલું કહી ફોન મૂકી દીધો. એણે બેન્ચ ઉપર બેઠા દરેક ઉપર નજર કરી અને નીલમ પાસે જઈ ઉભો રહ્યો.
"નીલમ, વૈભવીની જવાબદારી તમને સોંપીને જાઉં છું."
"હું એનું ધ્યાન રાખીશ પણ તમે ક્યાં જાઓ છો?"
"મારુ જવું ખૂબ જરૂરી છે, અત્યંત અગત્યનું છે. તમે એનું ધ્યાન રાખજો, એ ભાનમાં આવે પછી ભલે એને પોલીસ કસ્ટડીમાં લઈ જાય, તમે કોઈ ઇનકાર ન કરતા." કહી નયન નીકળી ગયો.
નયન ગયો એટલે ઇન્સ્પેકટર અમરે ફોન ઘુમાવ્યો. સામેથી કોઈ જવાબ આપે ત્યાં સુધી એ પણ દવાખાના બહાર નીકળી ગયો.
"વિશાલ, ઇન્સ્પેકટર અમર સ્પીકિંગ."
"હા સર."
"ડો. કેશવ હોસ્પિટલ, વૈભવીને હું ત્યાં લઈ આવ્યો છું."
"સર અમેં એ જ શોધતા હતા, એરિયાના બધા દવાખાનામાં ફરી વળ્યાં પણ તમે ક્યાંય ન મળ્યા."
"મારી વાત સાંભળ, તું અહીં હોસ્પિટલ આવી જા મારે એક અગત્યના કામથી જવું પડશે, વૈભવી જ્યાં સુધી ભાનમાં ન આવે તું એના પર નજર રાખજે."
"સર. સમજી ગયો દાળમાં કઈક કાળું છે. તમે ચિંતા ન કરો હું બસ તરત પહોંચ્યો."
"જો બહારથી કોઈ પણ વ્યક્તિ આવે તો એને વૈભવીને મળવા નહિ જ દેતો, ધીસ ઇઝ માય ઓર્ડર."
ફોન ડિસ્કનેક્ટ કરી ઇન્સ્પેકટર અમરે પણ જીપ એ દિશામાં લીધી જે તરફ નિલમની ગાડી લઈને નયન ગયો હતો. સાંજની ગિરદીને કાપતી ઇન્સ્પેકટર અમરની જીપ પાણીના રેલાની જેમ જતી હતી. પોતાના જીવનમાં એક ગજબ પ્રકારનો કેસ આવ્યો હતો, એક સામાન્ય નોકરી કરતી વૈભવી ખુન કેસમાં ફસાઈ હતી, એ પણ ઇન્સ્પેકટર જાડેજાની પક્ષપાત વૃત્તિને લીધે. પણ ઇન્સ્પેકટર અમર હજુ ચોક્કસ ન હતો કે વૈભવી નોર્દોષ જ હશે! કેમ કે સ્ત્રીને કોઈ સમજી શક્યું નથી એ બાબત અમર પણ મનોમન સ્વીકારતો હતો જ.!! તે છતાં એ આખાયે ચિત્રમાં આવેલું નવું પાત્ર નયન કૈક અંશે રહસ્યમય લાગતો હતો... ઇન્સ્પેકટર અમરને ચોક્કસ ખાતરી થઈ હતી કે આ કેસ કોઈક નવો જ વળાંક લેશે...
ત્યાં જ વળાંક પર ધીમી પડતી એક રેડ ઇલેન્ટ્રા નજરે ચડી. ઇન્સ્પેક્ટરે ઝડપ ઓર વધારી ગાડી નજીક લીધી. એ રેડ ઇલેન્ટ્રા નિલમની જ હતી.
ઇન્સ્પેક્ટરને હાશકારો થયો કેમકે મુંબઈની ભીડમી આગળ નીકળી ગયેલી કાર શોધવી અશક્ય જ ગણાય.
ચપળતાથી ઇન્સ્પેકટર અમર નયનનો પીછો કરવા લાગ્યો.
( ક્રમશ: )
***