ઠાકરે – બાળાસાહેબ અને નવાઝુદ્દીન માટે જરૂર જોવાય
પોતાના સમયમાં સતત વિવાદાસ્પદ અને આગઝરતા નિવેદનો માટે જાણીતા બાળાસાહેબ ઠાકરેના જીવન પરથી ફિલ્મ બને એટલે એને જોવાની રાજકારણના શોખીનને ઇન્તેજારી હોય જ. બાળાસાહેબ કે તેમના પક્ષ શિવસેનાને સ્પર્શ કરતો વિષય હોય અને તેમ છતાં કોઈ વિવાદ ઉભો ન થાય એ એટલુંજ આશ્ચર્ય છે જેટલું ઉદ્દામ હિન્દુત્વનો સ્વીકાર કરતા બાળાસાહેબની ભૂમિકા એક મુસ્લિમ અદાકાર નવાઝુદ્દીન સિદ્દીકી ભજવે!
મુખ્ય કલાકારો: નવાઝુદ્દીન સિદ્દીકી, અમૃતા અરોરા અને રાજેશ ખેરા
કથા: સંજય રાઉત
સંગીત: રોહન-રોહન
નિર્માતાઓ: વાયાકોમ ૧૮ અને અન્યો
પટકથા અને નિર્દેશન: અભિજિત ફણસે
રન ટાઈમ: ૧૩૯ મિનીટ્સ
કથાનક: બાળાસાહેબ ઠાકરે (નવાઝુદ્દીન સિદ્દીકી) પર લખનઉની એક અદાલતમાં બાબરી મસ્જીદ તોડી પાડવા માટે શિવસૈનિકોને ભડકાવવાના આરોપસર કેસ ચાલી રહ્યો છે. બાળાસાહેબ ખુદ અદાલતમાં જુબાની આપવા આવે છે અને અહીં જ તેઓ પોતાના જીવનને યાદ કરે છે. પ્રબોધનકાર ઠાકરેના પુત્ર બાળ ઠાકરે મુંબઈના ફ્રી પ્રેસ જર્નલમાં કાર્ટૂનિસ્ટ છે અને બહુ તીખા વ્યંગચિત્રો દોરે છે. તેમના વ્યંગચિત્રો મહારાષ્ટ્ર અને ભારતના રાજકારણીઓને પસંદ નથી આવતા અને અખબારના તંત્રીને બાળ ઠાકરે વિરુદ્ધ વારંવાર ફરિયાદ કરે છે.
બાળ ઠાકરે નોકરીમાંથી રાજીનામું આપી દે છે પરંતુ પોતાની કળા સાથે સમાધાન કરવા તૈયાર નથી. રાજીનામું આપીને બાળ ઠાકરે સીધા જ જાય છે ઈરોઝ સિનેમામાં ચાલતી એક કાર્ટુન ફિલ્મ જોવા. આ ફિલ્મના કેરેક્ટર્સમાં બાળ ઠાકરેને મહારાષ્ટ્ર અને મુંબઈમાં દક્ષીણ ભારતીયો, ગુજરાતીઓ, પંજાબીઓ, પઠાણો અને સિંધીઓ વચ્ચે પીસાતો અને અપમાનિત થતો મરાઠી માણુસ દેખાય છે.
બાળ ઠાકરે પહેલેથી જ એવું માનતા હતા કે મહારાષ્ટ્રના સંસાધનો અને નોકરીઓ પર પહેલો હક્ક મરાઠીઓનો જ હોવો જોઈએ પરંતુ એ સમયે બહારના લોકો એટલેકે મહારાષ્ટ્રની બહારના લોકો આવીને તેમની નોકરી છીનવી લેતા હતા. બાળ ઠાકરે મરાઠીઓને સન્માન પાછું અપાવવા માટે શિવસેનાની સ્થાપના કરે છે.
શિવસેનાનું મુખ્ય કાર્ય તમામ સ્તરે મરાઠીઓને થતા અન્યાયથી બચાવવાનું છે અને આ માટે તેઓ તોડફોડનો સહારો લેતા પણ અચકાતા નથી. બાળ ઠાકરેને સત્તાધારી કોંગ્રેસી મુખ્યમંત્રીઓ સાથે પણ સારું બને છે અને કદાચ તેને કારણેજ તેમની અને શિવસેનાની પકડ મુંબઈ તેમજ બાકીના મહારાષ્ટ્રમાં મજબૂત બનવા લાગે છે.
૧૯૭૦ના દાયકામાં આવેલી કટોકટી સમયે સ્થાનિક કોંગ્રેસી નેતા રજની પટેલ દિલ્હીમાં ખોટું ચિત્ર પેશ કરીને શિવસેનાને કોંગ્રેસમાં ભેળવી દેવાની અથવાતો કટોકટીના બહાને શિવસેના પર પ્રતિબંધ મુકવાની કોશિશ કરે છે. પરંતુ મુંબઈ મુલાકાતે આવેલા તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે બાળ ઠાકરે મુલાકાત કરે છે અને કટોકટીને લીધે જો દેશવાસીઓમાં શિસ્ત આવતી હોય તો તેઓ તેનું સમર્થન કરતા હોવાનું સ્પષ્ટ કહે છે. ઇન્દિરા ગાંધી શિવસેના પર પ્રતિબંધ મુકવાનો વિચાર માંડી વાળે છે.
સમય બદલાય છે અને બાળ ઠાકરે રાષ્ટ્રીય ફલક પર પ્રગટ થાય છે જ્યારે ૧૯૮૪ના મુંબઈ રમખાણો બાદ તેઓ હિન્દુત્વની તરફેણમાં સ્ટેન્ડ લે છે. બસ, ત્યારબાદ બાળ ઠાકરે બાલાસાહેબ ઠાકરે બની જાય છે અને સમગ્ર મુંબઈ અને મહારાષ્ટ્રમાં તેમની ધાક બોલવા લાગે છે. પછી તો રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય વિભૂતિઓ બાળાસાહેબના બંગલે એટલેકે માતોશ્રી ગયા વગર પોતાની મુંબઈ મુલાકાત પૂરી નથી ગણતા.
ટ્રીટમેન્ટ, અભિનય વગેરે
જેમ આપણે ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરના રિવ્યુ સમયે ચર્ચા કરી હતી કે સાચી રાજકીય ઘટનાઓ પર આધારિત ફિલ્મો દસ્તાવેજી ફિલ્મો જેવી વધુ લાગતી હોય છે. કમનસીબે કહો કે સદનસીબે ઠાકરે પણ તેનાથી અલગ નથી. હા, એટલું છે કે મનમોહન સિંહ કરતા બાળાસાહેબ ઠાકરેના જીવન વિષે કદાચ મહારાષ્ટ્રની બહારના ઘણા લોકો બહુ ઓછું જાણે છે અને એમને માટે બાળાસાહેબના જીવન વિષે આ ફિલ્મ ઘણી માહિતી આપી શકે છે. પણ આ પ્રોસેસ અતિશય લાંબી છે.
છેક ઈન્ટરવલ સુધી બાળાસાહેબનું મુંબઈ અને મહારાષ્ટ્ર સુધીનું સીમિત જીવન દર્શાવવામાં આવ્યું છે જે અમુક સમયે ધીમું લાગે છે અને અમુક દ્રશ્યો કંટાળો આપી દે છે. પરંતુ ઈન્ટરવલ બાદ બાળાસાહેબનું રાષ્ટ્રીય ફલક પર આવવાની સાથેજ ફિલ્મ વધુ રસપ્રદ લાગે છે અને કંટાળો ઓછો થાય છે. બાળાસાહેબ કેટલા સ્પષ્ટવક્તા હતા અને એક વખત તેઓ પોતાનું સ્ટેન્ડ લેતા પછી તેને કોઇપણ ભોગે ચીપકી રહેતા એ હકીકત ઉપસાવવામાં ફિલ્મ સફળ રહે છે.
ફિલ્મના કેટલાક ડાયલોગ્સ પણ નોંધવા જેવા છે. જેમકે કાર્ટૂનિસ્ટ બાળ ઠાકરે પોતાના તંત્રીને કહે છે કે “હમ નોકરી સે ઝ્યાદા પ્યાર કરતે હૈ અપને કામ સે નહીં!” તો બાળાસાહેબના કેટલાક યાદગાર ક્વોટસ જે જાહેરમાં કહેવામાં આવ્યા હતા એ પણ આમાં સામેલ છે જેમકે અદાલતનો વકીલ એમને જ્યારે પૂછે છે કે “શું મુંબઈના તોફાનોમાં તમારો હાથ હતો?” તો બાળાસાહેબ સમય ગુમાવ્યા કહે છે કે “ના હાથ નહીં પણ મારો પગ હતો!”
આ ફિલ્મમાં ફરીથી ઢગલાબંધ લૂક અલાઈક્સ જોવા મળે છે જેમાં ખાસ નોંધવા લાયક બાળાસાહેબના પિતા પ્રબોધનકાર ઠાકરે, મોરારજી દેસાઈ, શરદ પવાર, ઇન્દિરા ગાંધી, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે છે. પ્રમોદ મહાજનનો લૂક અલાઈક પણ એમની સાથે ઘણો મળતો આવે છે.
મોરારજી દેસાઈના લૂકમાં રાજેશ ખેરાએ ઘણી મહેનત કરી છે તો બાળાસાહેબના પત્ની મીનાતાઈ ઠાકરે તરીકે અમ્રિતા રાવે ખાસ્સું અન્ડર પ્લે કરીને અભિનય અજવાળ્યો છે. બાકીના નાના-મોટા અદાકારો આવન જાવન કરતા રહે છે જેમાં અન્ય કોઈ ખાસ નોંધપાત્ર અદાકાર નથી.
ઠાકરેનું ટીઝર જોયું ત્યારેજ બાળાસાહેબ તરીકે નવાઝુદ્દીનને જોઇને સ્તબ્ધ થઇ જવાયું હતું અને એને બાળાસાહેબના રૂપમાં જોવાની અલગ જ પ્રકારની ઈચ્છા ઉભી થઇ હતી. ફિલ્મ જોયા પછી એમ બિલકુલ કહી શકાય કે નવાઝુદ્દીન બાળાસાહેબને આખેઆખા ગળી ગયો છે. એમની શાલ પહેરવાની સ્ટાઈલ, ઘડિયાળ જોવાની સ્ટાઈલ, ચશ્માં સરખા કરવાની આદત, ચિરૂટ પીવાની રીત અને આવું તો ઘણુંબધું જેમણે પણ બાળાસાહેબને જોયા હશે એમને સરખે સરખું લાગશેજ.
આશ્ચર્ય તો ત્યારે થાય છે કે મુસ્લિમ હોવા છતાં નવાઝુદ્દીને ફિલ્મમાં એક જગ્યાએ મુસ્લિમ વિરુદ્ધ બોલવું પડ્યું છે. પણ બાળાસાહેબને એણે એટલા આત્મસાત કરી લીધા છે કે પછી પોતે પોતાની કળા પ્રત્યે એટલો સમર્પિત છે કે તેણે પોતાના ધર્મના લોકોની વિરુદ્ધ લખવામાં આવેલો સંવાદ પણ સરળતાથી બોલી દીધો છે. નવાઝુદ્દીન માટે અને તેની કેરિયર માટે આ રોલ કાયમ યાદગાર રહેશે. કદાચ નવાઝુદ્દીનની જગ્યાએ બાળાસાહેબ તરીકે અન્ય કોઈ અદાકાર આ પાત્રને ન્યાય ન કરી શક્યો હોત.
છેવટે...
ફિલ્મ એક મોટા અને લોકપ્રિય રાજકારણી પર છે એટલે રાજકારણમાં જેમને રસ ન હોય તેમને કદાચ આ ફિલ્મ ન ગમે એવું બને પરંતુ જેમને પણ દેશના રાજકારણમાં રસ હોય તેમણે આ ફિલ્મ ખાસ જોવી જોઈએ જેથી દેશની દિશા નક્કી કરનારા નેતાઓ ક્યાંથી આવ્યા હતા અને તેઓ કેવી રીતે અમુક પ્રકારના નિર્ણયો લેતા હોય છે તેનો ખ્યાલ આવે. હા, ફિલ્મ ધીમી જરૂર છે પરંતુ બાળાસાહેબ માટે અને નવાઝુદ્દીન માટે એ ધીમી ગતિ પણ માફ છે.
૨૬.૦૧.૨૦૧૮ (ગણતંત્ર દિવસ)
અમદાવાદ