ચોખાની સરસ વાનગીઓ
સં- મિતલ ઠક્કર
ચોખાની વાનગીઓની રીત જાણતાં પહેલાં તેના વિશે ટૂંકમાં ઉપયોગી માહિતી જાણી લો. પછી જાણો ચોખાની સંકલિત કરી રજૂ કરેલ સરસ મજાની વાનગીઓ.
* ફક્ત ઉકાળીને ખાવા યોગ્ય બનાવી શકાય એવું એક સંપૂર્ણ અનાજ છે ‘ચોખા.’
* વિશ્વના ઘણાં દેશોમાં ચોખા એ રોજિંદો ખોરાક છે.
* ચોખા ખાવામાં ભલે સ્વાદિષ્ટ ના હોય પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે
* ચીનમાં તો એવી કહેવત છે કે ‘ગૃહિણી ગમે તેટલી કુશળ હોય, ચોખા વિના તે પોતાની કુશળતા દર્શાવી નથી શકતી.’
* ડિનરમાં ઘઉં કે બાજરીની રોટીના વિકલ્પમાં ચોખાના લોટની રોટી ઉપયોગમાં લેવાથી ખોરાક વધુ સુપાચ્ય બને છે
* જેમની પાચનશક્તિ નબળી હોય તેમના માટે ચોખા ખૂબ જ ફાયદાકારક છે
* ચોખામાં ખનીજ વિટામિન્સ અને પ્રોટીનની માત્રા રહેલી છે
* ચોખાની વાનગી બનાવતી વખતે સફેદ ચોખાના બદલે બ્રાઉન ચોખાનો લોટ પણ ઉપયોગમાં લઈ શકાય.
* ભાતનું ઓસામણ એટલે ભાત બનાવતી વખતે વધેલું સફેદ ઘટ્ટ પાણી. જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. જેથી ભાતને ઓસામણ સહિત જ ખાવા જોઈએ.
* બ્રાઉન રાઈસમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે લિવરના કેન્સરનું જોખમ દૂર કરે છે. તે ફોતરાંવાળા ચોખા તરીકે પણ ઓળખાય છે
* બ્રાઉન રાઈસમાં રહેલું સેલેનિયમ કેન્સર, હ્રદયરોગ, આર્થરાઈટીસ જેવા રોગનું જોખમ દૂર કરે છે
* ૫૦ ગ્રામ ફુદીનાનાં પાનને સૂકવીને એના નાના ટુકડા કરીને ચોખામાં નાંખો. એનાથી ચોખામાં જીવાત નહિ પડે અને સાથોસાથ ચોખા પકવતી વખતે સ્વાદ આવશે.
* પોલિશ કર્યા વગરના બદામી રંગના ચોખા રોજિંદા ખોરાકમાં ખાસ પસંદ કરવામાં નથી આવતા, પરંતુ તેમાં કોમ્પ્લેક્સ કાર્બ્સ, સ્ટાર્ચ અને રેસા સારા પ્રમાણમાં હોય છે. આ ચોખાને પચતા વાર લાગે છે. તેથી તે લાંબા સમય સુધી ઊર્જા આપી શકે છે.
* બ્રાઉન રાઈસમાં બી-વિટામિન્સ, વિટામિન ‘ઈ’, ખનિજ, મેંગેનીઝ અને સેલેનિયમ હોય છે. તેથી આ ચોખા વધુ પોષણદાયક હોય છે.
* પોલિશ કરેલા ચોખામાં કેલ્શિયમ, નાયસિન અને થિયામિન જેવા બી-વિટામિન્સ હોય છે.
* ચોખા ખરીદો ત્યારે તેના પેકેટ પરનું લેબલ જરૂર વાંચો. તેના પર પોષક તત્ત્વોની યાદી હોય છે.
* ત્રણ વર્ષ જુના ચોખા અત્યંત સ્વાદિષ્ટ અને ઓજસવાળા હોય છે. જેથી જુના ચોખાનો ઉપયોગ કરવા જોઈએ. કારણ કે સ્વાસ્થ્યની દૃષ્ટિએ તે વધુ ફાયદાકારક હોય છે.
* ચોખામાં કોલસ્ટરોલ અને સોડિયમ ના હોવાને કારણે તે ગુણકારી સાબિત થાય છે.
* હાઈપર ટેન્શનથી પીડાતા લોકો માટે ચોખા સલામત છે.
* ડાયાબિટીસના દર્દીઓ ડોક્ટરની સલાહ લઈને બ્રાઉન-રાઈસનું સેવન કરી શકે છે.
* ચોખા જો યોગ્ય રીતે રંધાય તો તેમાંના પોષક તત્ત્વો જળવાઈ રહે છે. ચોખાને ધોઈને પંદર મિનિટ પલાળી રાખો. ત્યાર બાદ તેને રાંધો. તેમાં તે રંધાય તેટલું જ પાણી નાખો. જેથી વધારાના પાણીને કાઢી નાખવાની જરૂર ના પડે. પાણી કાઢી નાખવાથી ભાતમાંના કેટલાંક પોષક તત્ત્વો પણ નીકળી જાય છે.
વાનગીઓ
* સ્પાઈસી દક્ષિણ ભારતીય ટોમેટો રાઈસ
સામગ્રી : એક કપ (૨૫૦ ગ્રામ) ભરીને ચોખા, ઘરમાં જે ચોખા હોય તે ચાલે. ત્રણેક મોટી સાઈઝના ટોમેટો બારીક સમારેલા, એક મીડિયમ કાંદો બારીક સમારેલો, દોઢ ચમચી આદુ-લસણની પેસ્ટ એક લીલું મરચું બારીક સમારેલું ૧/૨ ચમચી રાઈ, મેથી, તજનો ટુકડો, બે લીલી એલચી, ૨-૩ લવિંગ, પાંચ-છ મીઠા લીમડાના પાન, પા ચમચી હળદર, અડધી ચમચી મરચા પાવડર, અડધી ચમચી મરીનો ભૂકો, ધાણાનો પાવડર, એક ચમચી જીરાનો પાવડર, એક ચમચી ફુદીનાના પાન બારીક સમારેલા, અડધો કપ કોથમીર બારીક સમારેલી, બે ચમચી તેલ, સ્વાદ અનુસાર મીઠું, પોણા બે કપ પાણી.
રીત : ૧. ચોખાને ધોઈને ૩૦ મિનિટ પાણીમાં પલાળી રાખો. પછી પાણી નિતારી બાજુમાં મૂકો. ૨. પ્રેશરકૂકરમાં તેલ મૂકીને ધીમા તાપે રાઈ-મેથીનો વધાર થવા દો. પછી તેમાં લવિંગ, તજ, એલચી નાખો. કાંદા પારદર્શક થાય ત્યાં સુધી સાંતળો. ૩. તેમાં આદું-લસણની પેસ્ટ, લીમડાના પાન નાખી સાંતળો. ૪. પછી તેમાં ફુદીનાના પાન અને કોથમીર નાખી એકાદ મિનિટ સાંતળવા દો. ૬. ત્યારબાદ તેમાં બારીક સમારેલાં ટામેટાં તથા હળદર, મરચું , મરી, જીરા,ધાણા પાવડર ઉમેરી તેને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. ૭. હવે તેમાં ચોખા નાખીને બરાબર મિક્સ કરી સાંતળો. ૮. તેમાં પોણા બે કપ પાણી નાખી ધીમા તાપે બે સીટી વગાડો. ચોખા હજી વધુ ઓગાળવા હોય તો ત્રણ સીટી વગાડી શકાય. ૯. કૂકર તેની મેળે ઠંડું પડે એટલે ટોમેટો રાઈસને રાઈતું અને પાપડ સાથે ગરમા ગરમ પીરસો.
* રાઈસ વીથ વેજીટેબલ્સ (ચાઈનીઝ સ્ટાઈલ)
સામગ્રી: ૧ વાડકી બાસમતી ચોખા, ૫ નંગ ફણસી, ૧ નાનું ગાજર, કોલીફ્લાવરના ૨ થી ૩ ફૂલ, ૨ ટેબલ સ્પૂન કેપ્સીકમના મોટા કટકા, ૧ નંગ લીલો કાંદો, ૨ ટેબલ સ્પૂન સોયા સોસ, ૧ ટેબલ સ્પૂન વિનેગર, ૧ ટેબલ સ્પૂન તેલ, મીઠું.
રીત: ચોખાને ધોઈને, જરૂરી પાણી નાંખી, રાંધવા. ભાતનો દાણો છૂટો રહે તે ખાસ જોવું. ફણસી તથા છોલેલા ગાજરના ત્રાંસા કટકા કરવા. ફલાવરના નાના કટકા કરવા. લીલા કાંદાને ઝીણો સમારવો. (૩) તેલ ગરમ મૂકી કાંદા સાંતળવા. બાકીના શાક ઉમેરી હલાવ્યાં કરવું. શાક અધકચરા ચઢે એટલે ભાત નાંખવો. મીઠું, વિનેગર, સોયા સોસ નાંખી સાચવીને હલાવી બધું ભેગુ કરવું. બાઉલમાં ભાત કાઢી ઉપર થોડા શાક પાથરવા. ચીલી સોસ તથા વિનેગરમાં નાંખેલા મરચાં સાથે રાઈસ સર્વ કરવો.
* કોર્ન પુલાવ
સામગ્રી: એક કપ પૂરો ભરીને બાસમતી અથવા ઘરમાં જે હોય તે ચોખા, ૧.૫ કપ મકાઈના તાજા દાણા, ૧/૨ કપ બારીક સમારેલો કાંદો, પા ચમચી હળદર અને મરચા પાવડર, અડધી ચમચી ધાણા પાવડર, બે કપ પાણી અને સ્વાદાનુસાર મીઠું.
લીલી ચટણી માટે: પા કપ કોથમીર, ૧ ચમચી ફુદીનો,એક ચમચી તાજુ ખમણેલું નારિયેળ , ૪ કળી લસણ સમારેલું, બારીક સમારેલું નાનો ટુકડો આદું, ૨-૩ લીલાં મરચાં(ઓછું તીખું ખાતા હો તો એક જ મરચું લેવું) બે થી ત્રણ ચમચી પાણી વાટવા માટે. આખો મસાલો - એક મીડિયમ તજપત્તું, એક ઈંચ તજ, બે લવિંગ, બે લીલી એલચી, ચાર દાણા કાળા મરી, એક બાદિયાન (સ્ટાર એનીસ), ૧/૨ ચમચી જીરું
રીત: ચોખા ધોઈને તેને ૨૦-૨૫ મિનિટ પલાળીને રાખો. લીલી ચટણીની સામગ્રીને મિક્સીમાં પીસીને રાખો. નાળિયેરનું ખમણ ન હોય તો ચાલે. પેનમાં તેલ મૂકીને ગરમ આખા મસાલાને નાખો. પછી કાંદાને સાંતળો. ત્યારબાદ લીલી ચટણી નાખી સાંતળો. બે મિનિટ રહીને મકાઈના દાણા નાખી મિક્સ કરો. પછી ચોખા નાખી થોડું હલાવો. પાણી અને મીઠું નાખી તેને ઢાંકીને ધીમા તાપે થવા દો. પ્રેશર કૂકરમાં કરો તો પંદરેક મિનિટ ધીમા તાપે થવા દો. ગરમા ગરમ તેને દહીંના રાયતા, અથાણું, પાપડ સાથે પીરસો.
* દહીંવાળા ભાત
સામગ્રી: ૨ ૧/૨ કપ કપ તાજું દહીં, ૩ કપ રાંધેલા ભાત, ૨ ટેબલસ્પૂન તેલ, ૧ ટીસ્પૂન રાઇ, ૨ ટીસ્પૂન અડદની દાળ, ૬ કડી પત્તા, ૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં, ૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, મીઠું , સ્વાદાનુસાર.
રીત: એક બાઉલમાં ભાત અને ૨ ટેબલસ્પૂન પાણી ભેગા કરી બટાટા મસળવાના સાધન વડે દબાવીને તેને થોડા છૂંદી લો. તે પછી તેમાં દહીં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો. એક નાના ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અને અડદની દાળ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો. તે પછી તેમાં લીલા મરચાં અને કડી પત્તા ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૩૦ સેકંડ સુધી સાંતળી લો. હવે આ વઘારને તૈયાર કરેલા દહીં-ભાતના મિશ્રણ પર રેડીને સારી રીતે મિક્સ કરી લો. છેલ્લે તેમાં કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. તરત જ પીરસો અથવા રેફ્રીજરેટરમાં ૧ કલાક રાખી ઠંડા પીરસો. કોઇ પણ મનપસંદ અથાણાં સાથે પીરસી શકો.
* સ્પાઈસી રાઈસ સમોસા
સામગ્રી: ¾ કપ મેંદો, 1 ચમચી પીગળેલુ ઘી, મીઠુ સ્વાદ મુજબ
સ્ટફિંગ માટે: 1 કપ રાંધેલા ભાત, ½ ચમચી માખણ, ¼ કપ સમારેલી ડુંગળી, 1 ½ ચમચા સેઝવાન સોસ, મીઠુ સ્વાદ મુજબ, તેલ તળવા માટે.
રીત: એક વાસણમાં મેંદો, ઘી અને મીઠુ મિક્સ કરી લો. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધી લેવો. તેને 15 મિનીટ ઢાંકીને મુકી દો. એક પેનમાં માખણ ગરમ કરો. તેમાં ડુંગળીને 1 મિનીટ સાંતળો. પછી તેમાં સેઝવાન સોસ, ચોખા અને મીઠુ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. તેને 1-2 મિનીટ પકાવો. સ્ટફિંગ તૈયાર છે. મેંદાના લોટમાંથી રોટલી વણી લો. રોટલીને વચ્ચેથી કાપી બે ભાગ બનાવી લો. અડધા ભાગનો કોન બનાવી તેમાં સ્ટફિંગ ભરી કિનારી પર પાણી વાળી આંગળી ફેરવીને પેક કરી લો. આ રીતે બધા સમોસા તૈયાર કરી તેલમાં તળી લો. તૈયાર છે સમોસા.
* ખીચું
સામગ્રી: 2 કપ ચોખાનો લોટ, 3 કપ પાણી, ૮-૧૦ લીલા મરચા, 1 ચમચો જીરુ (અધકચરું પીસેલું), 1 ચપટી પાપડખારો, મીઠું સ્વાદ મુજબ, મેથીનો મસાલો, તેલ.
રીત: એક મોટા વાસણમાં પાણી ઉકાળવા મુકો. પાણી ઉકળે એટલે તેમાં ચપટી પાપડખારો અને મીઠું ઉમેરો. તેમાં ચમચી તેલ અને મરચાની પેસ્ટ તથા અધકચરું જીરુ પણ ઉમેરો. પાણી એકદમ વ્યવસ્થિત ઉકળી જાય એટલે તેમાં લોટ ઉમેરો. તેને ખૂબ જ ઝડપથી હલાવો તેમાં ગઠ્ઠા ન પડે તેનું ધ્યાન રાખો. એક ધારુ હલાવતા રહો બસ તૈયાર છે ગરમ ગરમ ખીચું. તેને શીંગતેલ અને મેથીના મસાલા સાથે ગરમ ગરમ ખીચુંની મઝા માણો.
* ચણા-રાઇસ બોલ્સ
સામગ્રી: ૧૦૦ ગ્રામ બાસમતી ચોખા, ૧ સમારેલો કાંદો, ૧ સમારેલુ ટમેટુ, વાટેલાં આદુ-મરચા તથા લસણ, ૧ ચમચો તેલ, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી ચણાનો લોટ, મીઠું, મરી, ૩ ચમચી સમારેલી કોથમીર, ૪૦૦ ગ્રામ આખી રાત પલાળીને બાફેલા કાબુલી ચણા, તળવા માટે તેલ.
રીત: ચોખાને પાણી નાંખી રાંધી લો. વધારાનું પાણી નીતારી લો. ત્યારબાદ તેને ઠરવા દો. એક કડાઇમાં તેલ મૂકો. તેમાં કાંદા, ટમેટા અને અન્ય મસાલા નાંખો. બે થી ત્રણ મિનિટ સાંતળો. ઠંડુ થવા દો. બાફેલા ચણાને છૂંદી માવો તૈયાર કરો. બધી સામગ્રી મિક્સ કરી તેનાં બાર ભાગ કરો. તેનાં નાના ગોળા વાળી ગરમ તેલમાં તળી લો. જો ઓવન વાપરવુ હોય તો ઓવનને ૧૮૦ ડિગ્રી પર પ્રી-હિટ કરો. તૈયાર કરેલાં ગોળાને ૩૦ મિનિટ સુધી બેક કરો. ગરમા ગરમ બોલ્સને ચટણી સાથે પીરસો.