હમ હાર ચૂકે સનમ..!
વિફરેલી વાઈફની જેમ ટાઈઢ હવે જોરપકડવા માંડી. ગાદલાની ઉપર સુવાને બદલે ગાદલા નીચે ભરાવાનું મન થાય એવી હાલત છે. ઘૂંટણીયામાં કોઈ આતંકવાદી ભરાય બેઠો હોય, એવાં ત્રાસ આપે છે. આવાં વરતારામાં, ‘ દિલ દે ચૂકે સનમ ‘ ની ધૂન કાઢીએ તો, મરશીયામાં ગરબો ગાતાં હોય એવું લાગે. અથવા કહો કે, દાળને બદલે, શીખંડ નાંખીને ભાતના ફડકા મારતો હોય એવું લાગે. એટલે કસ્સ્સમ ખાયને કહું કે, ટાઈટલ ભલે ‘રોમેન્ટિક ‘ લાગે, બાકી કથાવસ્તુમાં પ્રેમલા-પ્રેમલીની સહેજ પણ છાંટ નથી. વાત કરવી છે, ચૂંટણીમાં હારેલા નરેશોની..! જેમણે ‘ દિલ દે ચૂકે સનમ ‘ ની માફક મતદારોને ગળે લગાવ્યા, ને પરિણામ એ આવ્યું કે, જેવી ‘ હમ હાર ચૂકે સનમ..! ‘ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવારની આ હૈયા વરાળ છે. બાકી પ્રેમલા-પ્રેમલીની દુઃખતી નસ દબાવવાની આપણી કોઈ મેલી મુરાદ નથી. પ્રેમી પંખીડા ખમ્મા કરે..!
કેવાં કેવાં અરમાન સાથે ઉમેદવારે ચૂંટણીમાં ઉમેદવારી કરી હોય. જંગ જીતે તો તો સવાલ નહિ, પણ કસ્ટમર માલ રીજેક્ટ કરે એમ ચૂંટણી હારી જાય ત્યારે, ઠંડા પાણીથી દાઝી ગયો હોય એવો આઘાત લાગે. આપણને દયા આવે દોસ્ત..! ભેજામાં દયા ખાવા જેટલી સિલ્લક બચી હોય, તો બે જણની દયા ખાસ ખાવી. એક મહા મહેનત પછી, ચૂંટણીમાં લબળી પડેલા ઉમેદવાર ની. ને બીજી જેની જાન પૈણવા વગર લીલા તોરણે ઘરભેગી થઇ હોય એની. હારેલો ઉમેદવાર અને હારેલો વરરાજા બંને દયાને પાત્ર..! એમના સિવાય બીજા ક્યા કમનશીબ હોય..? બંને દુર્ઘટના હૃદયદ્રાવક. સાંભળીને આપણું હૈયું ઉભરાય આવે દાદૂ..! બનેમાં ઠરીઠામ થયેલાને કદાચ અસર નહિ થાય, આને પણ ભૂકંપ જ કહેવાય. લગન પહેલાં જે મંગેતર પાંચ ડઝન પિઝા, અડધો ડઝન આઈસ્ક્રીમ ને અડધો ડઝન હોટલના ભાણા ખાય ગઈ હોય, ને જાન લઈને ગયાં ત્યારે પૈણવાની ઘસીને ના પાડી દેતો કેવી ભૂંડી વલે થાય..? બસ...! આવી જ વલે ચૂંટણીમાં હારેલા ઉમેદવારની. ચૂંટણીની રાત સુધી જાતજાતના ફરસાણ-નાસ્તા ને જમણના ફાંકા મરાવ્યા હોય, ને ઘોઘો ચૂંટણી જીત્યા વગર ઘરે રીટર્ન થાય, તો ઘરવાળા પણ ડોળા કાઢતાં હોય એવાં લાગે. કેવી કેવી તલવારબાજી કરીને પાર્ટી પાસેથી ટીકીટ લાવ્યો હોય. ને ચૂંટણીમાં ડીપોઝીટની રકમ જેટલાં પણ મત નહિ મળે, ત્યારે દુખ તો થાય જ ને..? મોંઢું કબજિયાતના દર્દી જેવું થઇ જાય. અનેક ડંખ માર્યા પછી પણ જ્યારે સાપનું ઝેર નહિ ચઢે, તો સાપને પણ શંકા જાય કે, ખાનદાનમાંથી સાલું ઝેર સુકાય તો નહિ ગયું હોય..? ઉમેદવારને એવું તો કહેવાય નહિ ને કે, ‘ અહીનું કરેલું અહીં જ ભોગવવું પડે. ને દાઝ્યા ઉપર દામ મૂકવાનું ઘોર કૃત્ય કરે કોણ..? જો કે, રાજકારણીઓના હૃદય જ એવી મજબૂત સિમેન્ટ જેવાં કે, આઘાતને જીરવી જાણે. જેવું જેવું લોઢું તેવો તેનો ઘડનાર. નેતા પણ તેવાં ને એનાં મતદાર પણ તેવાં. મૌસમ પ્રમાણે જેમ નેતા બદલાય એમ, મતદારમાં પણ નવો પવન ફૂંકાય. મતદાર હવે પામર નથી રહ્યો. ‘એની ફરજ હવે એટલી નથી રહી કે, બુથમાં જઈને કાળું ટપકું પડાવી મતપત્રમાં થપ્પો માર્યો એટલે વાર્તા પૂરી..! એ ખેસ ગમે તેનો પહેરે, પણ ચૂંટણી આવે ત્યારે કયો વેશ ધારણ કરે એનું નક્કી નહિ..!
બધા જ પ્રકારનું ચોગઠું ગોઠવાયું હોય, તો પણ ચૂંટણીની આગલી રાતે ઉનાળાને બદલે વસંત ફૂટી નીકળે. મત આપવા જાય ત્યારે એવી બેભાન હાલતમાં હોય કે, પાણી છાંટીએ તો પણ ભાનમાં નહિ આવે મતકુટીરમાં જઈને જાણે ૧૦૮ હનુમાન ચાલીસા બોલતો હોય, એમ મત આપીને વહેલો બહાર પણ નહિ નીકળે. આપણે કહીએ કે, ‘ યાર, મતપત્રમાં થપ્પો મારવા ગયો છે કે, મતકુટિરમાં રાતવાસો કરવા..? જલ્દી બહાર નીકળો ને...? ‘ તો કહે, “ થોભો ને યાર..! સાલું યાદ નથી આવતું કે, કયો ઉમેદવાર ગઈ કાલે રાત્રે, મારા ઘરે આવીને મારી આગતા-સ્વાગતા કરી ગયેલો એ ઉમેદવાર જ યાદ આવતો નથી..!.. યાદ આવે તો થપ્પો મારું ને..? “ એના કપાળમાં કાંદા ફોડું...!
ચૂંટણીનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને..! ચૂંટણી છે દાદૂ...! ભગવાનના ભેદ ઓળખાય, પણ ચૂંટણીના ભેદભેજમાં નહિ આવે. જુઓ ને ચાર રાજ્યના પરિણામ કેવાં માથાં ફરેલ આવ્યાં..? મોતના કુવામાં મોટર સાઈકલ ચલાવવી, ને ચૂંટણી જીતવા છાપરે છાપરે ચક્કર લગાવવા બંને સરખાં. ચૂંટણી હોય કે ચગડોળ હોય, બંનેની રીત પણ સરખી, ને બંનેની પ્રીત પણ સરખી. ચગડોળ ઊંચું પણ જાય, ને નીચું પણ આવે. એમ ચૂંટણીમાં ચઢતી પડતી પણ આવે. બંનેનો નિયમ પણ એક સરખો. જે ચઢે તે પડે ને પડે તે ચઢે. ફેર એટલો જ કે, ચગડોળ નીચે આવે ત્યારે બેઠેલાને ગુદગુદી થાય, ને ઉમેદવાર ઉપર ચઢે ત્યારે એને ગુદગુદી થાય. ન કરે નારાયણ ને ઉમેદવાર હારી ગયો તો, એની હાલત પણ પેલા લીલા તોરણે પાછા વળેલા વરરાજાથી ઓછી ના હોય. માથે સ્ક્યાલેબ પડ્યો હોય એટલો આઘાત હારેલા ઉમેદવારને પણ લાગે, એમની પાચન શક્તિ જ એટલી મજબૂત કે, ઘાત, આઘાત ને પ્રત્યાઘાતને એ લોકો શીરાની માફક પચાવી નાંખે. છતાં અસર તો થાય. વરરાજાના હાલતની વાત કરીએ તો, થોડોક વખત તો એને પણ કંકોત્રી કાળોતરી લાગે, સાસરું લંકેશની લંકા જેવું ને સસરો રાવણ જેવો લાગે. ને જેની સાથે જનમ જનમની છેડાગાંઠી થવાની હતી એ સુર્પણખાની ઝેરોક્ષ કોપી લાગવા માંડે. કંઈ કેટલી લક્ઝરી ગુમાવ્યા પછી માંડ માંડ એક છકડો હાથમાં આવ્યો હોય, એ પણ હાથમાંથી છટકી જાય તો લાગે તો ખરું જ ને દાદૂ..? ભારે વોલ્ટનો જીવતો વાયર પકડાય ગયો હોય, એવો ઝાટકો લાગે..!
આવી જ હાલત હારેલા ઉમેદવારની. એક તો માંડ માંડ પાર્ટીએ ચૂંટણી લડવાની ટીકીટ આપી હોય, ને મતદારો આડા ફાટીને નાળીયેરની જેમ વધેરી નાંખે, પૈણવાની વાત તો સમઝ્યા કે, “ તુ નહિ તો ઔર સહી, ઔર નહિ તો ઔર સહી ‘ કરીને સહન થાય. પણ ઉમેદવારને તો અગનઝાળ ઉઠે કે, મતદારોની આટઆટલી ખિદમત કર્યા પછી પણ આરતી કપુરોએ મને જ ઠેકાણે પાડ્યો ? મારા મત ઉપર ચોકડી મારવાને બદલે, મારા નામ ઉપર જ ચોકડી મારી..? મને જ રીજેક્ટ કર્યો..? ‘મતપત્ર એને ‘મોતપત્ર’ લાગે. મતદાર એને આતંકવાદીથી ઓછો નહિ લાગે, ને ઠેર ઠેર લગાવેલા પોતાના ચૂંટણીના બેનર શોક્સભાની જાહેરાત જેવાં લાગે. હતાશ થઇ જાય યાર..?
માણસ મરી જાય તો, બારમું-તેરમું-સારણ-તારણ-ને શોકસભા જેવું પણ કરાય, જેથી જીવ અવગતે નહિ જાય. હારેલા ઉમેદવાર માટે તો આવું કંઈ આવે નહિ. યક્ષપ્રશ્ન એ આવે કે, હારેલા ઉમેદવારના અવગતે ગયેલા ઉમંગનું શું થતું હશે..?.‘ પણ એમની શ્રદ્ધા જ એવી સોલ્લીડ કે, એકાદ સારું ચોઘડિયું આવતાં જ વાર, કે અચ્છે દિન લાવવા માટેના પાછા વ્યાયામ શરુ...! રૂપ,રંગ, મુરાદ ને વચન જેના કાયમી હોય, એ ક્યારેય રાજદ્વારી નહિ થઇ શકે. પ્રકૃતિ બદલાય, એમ એ લોકોને પણ બદલાવું પડે. એક જ મકસદ “ ભાંગેલી તો ભાંગેલી હાથમાં એકાદ ખુરશી આવવી જોઈએ..! “ અમારો ચમનીયો એટલે રાજકારણનો ભારે અખાડી. એવી જાડા ગેજવાળી ચામડીનો કે, જેવો જેવો સમય, તેવો તેવો તેનો રંગ બદલે. ખેસ બદલાય પણ એ નહિ બદલાય. એનો એક જ આત્મસંતોષ, કે ચૂંટણીમાં માત્ર નામી જ નહિ થવાય. સુનામી આવે તો બધું ધોવાય પણ જાય. આજેપણ ચૂંટણીમાં હારવાનો, ને ડીપોઝીટ ગુમાવવાનો રેકર્ડ હજી એના ગજવામાં છે...! હારે ત્યારે જ હૈયાવરાળ કાઢીને કહે, ‘ રમેશીયા...! ચૂંટણી જીતવા માટે, મેં શું નહિ કર્યું..? હનુમાનજી મંદિરે જઈને ૧૦૮ વખત તો મેં ઉભા પગે હનુમાન ચાલીસા કરી. તો પણ હનુમાનજીની કૃપા મને નહિ મળી. ચૂંટણી જીતી જ જવાની આશામાં ને આશામાં, તારી ભાભીએ સીવેલા મોદી સ્ટાઈલના બે ડઝન ઝભ્ભા માથે પડ્યાં. બિચારીને એમ કે, ઘરવાળો ભલે ના થઇ શક્યો, દેશવાળો થાય તો મારા દિવસ સુધરે. લેકિન વો દિન કહાં કી, અબ્બુકે મુંહમેં ખજુર..? હમ હાર ચૂકે સનમ....જેવી હાલત છે.
હું પેલાં ગઝલકારને શોધું છું, જેણે લખેલું કે, “ શ્રદ્ધા જ મારી લઇ જશે મને મારા સદન સુધી...! “ હવે આ આરતી કપૂરને કોણ સમઝાવે કે, એમણે એવું થોડું લખેલું કે, “ શ્રદ્ધા જ મારી લઇ જશે, મને દેશની સંસદ સુધી.! “ એના કપાળમાં કાંદા ફોડું, હારી ગયાં તો હારી ગયાં, સંસદમાં ઊંઘવાને બદલે, ઘરમાં બેસીને ઊંઘો ને બાવા..? બીજું શું..?
હાસ્યકુ :
લોકશાહી છે
જેને ચોકડી મારી
એ નેતા બન્યો
-----------------------------------------------------------------------------