Cable cut - 34 in Gujarati Fiction Stories by Rupen Patel books and stories PDF | કેબલ કટ, પ્રકરણ ૩૪

Featured Books
Categories
Share

કેબલ કટ, પ્રકરણ ૩૪

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૩૪
મેઘા બોલવાનું શરુ કરવાની જ હતી ત્યાં ખાન સાહેબ તેને રોકીને પુછે છે, "તારી સાથે બીજુ કોણ હતું? "
"મારી સાથે કોઇ નથી. મારે તમને જે કહેવું છે તે તમે મને બોલવા દો."
મેઘાની વાતની શરુઆત જ થઇ હતી ત્યાં મીટીંગની અંદર મેસેજ મળે છે કે સુજાતા તેના સિનિયર એડવોકેટને લઇને ક્રાઇમ બ્રાંચ આવી છે. ખાન સાહેબ મેઘાને થોડીવાર માટે બોલતા અટકાવી મીટીંગ રુમમાંથી બહાર આવી સુજાતા અને તેના એડવોકેટ સાથે વાત કરે છે. તે બધાની વચ્ચે ગરમાગરમી થાય છે અને વાતાવરણ ઉગ્ર બનવાની તૈયારીમાં જ હતું ત્યાં એડવોકેટના પ્રશ્નોના જવાબ ટાળવા માટે થઇને ખાન સાહેબ શંકાના આધારે મેઘાને મેજીસ્ટ્રેટ સાહેબની સામે ઇમરજન્સીમાં રજુ કરી રીમાન્ડ માંગવાનું વિચારે છે.
ખાન સાહેબે ઇન્સપેક્ટર અર્જુનને સુજાતા અને તેના એડવોકેટ સામે જોઇને કહે છે, "તમે, હું જે પેપર આપુ તે અને મેઘાને લઇને મેજીસ્ટ્રેટ સાહેબ પાસે જાઓ. મેઘાના રીમાન્ડ માંગો અને પછી તેની પુછપરછ કરો."
ખાન સાહેબની વાત સાંભળી એડવોકેટ શાંત થાય છે અને સુજાતાને કાયદાકીય રીતે આગળ કામ કરવાનું સમજાવી ત્યાંથી ઘરે જવા નીકળે છે.  
ખાન સાહેબ ટીમને કહે છે, "આગળની પુછપરછ રીમાન્ડ મંજુર થાય પછી સવારે કરીશું."
ખાન સાહેબ ક્રાઇમ બ્રાંચની ઓફિસે જ રહી મેઘાની સાથે કોણ હશે, શું હાબિદ અને મેઘાએ સાથે મળીને બબલુનું મર્ડર કર્યું હશે તે વિચારતાં હોય છે ત્યાં ગફુરને કોલ કરી ઓફિસ બોલાવે છે. તે બંને મોડી રાતે  કુંપાવત સાહેબને મળીને હાબિદ પાસેથી વધુ ઇન્ફરમેશન મેળવવા એટીએસની ઓફિસે જાય છે. એટીએસની ઓફિસે પણ મોડી રાતે હાબિદને લઇને વાતાવરણ ગરમાગરમીનું હતું. મીડીયા કોન્ફરન્સ પણ થોડીવાર પહેલા જ પુરી થઇ હતી ને બ્રેકીંગ ન્યુઝ મીડીયામાં ચાલુ થઇ ગયાં હતાં તે ખાન સાહેબ તેમના મોબાઇલ ફોન પર જોઇ રહ્યા હતાં.
એટીએસની ઓફિસે ખાન સાહેબ અને ગફુરને જોઇને કુંપાવત સાહેબ અને તેમની ટીમ ઉમળકાભેર આવકારે છે. ખાન સાહેબ હાબિદ પાસેથી મળેલ ઇન્ફરમેશન જાણવા ત્યાં પહોંચ્યા છે તેની વાત કરે છે. 
કુંપાવત સાહેબ હાબિદ પાસેથી મળેલી ઇન્ફરમેશન ખાન સાહેબને આપતાં કહે છે, "હાબિદ અને તેના સાગરીત પાસેથી બરાબર મરામત કરતાં અગાઉના ડ્રગ્સના ઘણાબધા કેસ સોલ્વ થયાં અને તેની સંડોવણી પણ બહાર આવી. તેણે સંતાડેલો ડ્રગ્સનો જથ્થો અને કેટલાંક વેપન્સ પણ તેણે માહિતી આપી તે જગ્યા પર સ્થાનિક પોલીસની મદદથી તપાસ કરતાં મળી આવ્યાં. અમને તેના નેટવર્ક સિસ્ટમની અને લોકલ કેરીયર, સપ્લાઈરની ઇન્ફરમેશન જોઇતી હતી. તે ઇન્ફરમેશન તેના સાગરીતો પાસેથી મળી. હાબિદ કચ્છના બોર્ડર પાસેના ગામમાં કેટલાંક સ્થાનિક લોકોની મદદથી ખાનગીમાં ગાંજાની ખેતી કરાવે છે અને તેનો મોટો કેરીયર સુરજબારી પુલ પાસેના ઢાબા પર રહેતો સાધુના સ્વાંગમાં રહેતો ભવાનજી નામનો અઘોરી બાવો છે. માહિતી મળતાં એલસીબી, એટીએસ અને એસઓજીની ટીમે રેડ પાડતાં તે મળી આવ્યો હતો અને ઢાબા પાસેથી ગાંજાનો જથ્થો પણ મળી આવ્યો છે. તે બાવાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે."
"ઓહોહો! દેશ હિતમાં બહુ મોટી ઇન્ફરમેશન મળી." ખાન સાહેબે ઉત્સાહી સ્વરમાં કહ્યું.
"એલસીબી, એટીએસ અને એસઓજીની ટીમ હજુ વધુ રેડ પાડીને ગુનેગારોની ધરપકડ અને મુદામાલની જપ્તી કરી રહી છે. બાવા પાસેથી ઇન્ફર્મેશન કઢાવી છે તેમાં જાણવા મળ્યુ છે કે તેના ઢાબા પર જેવી ધજા લગાવી છે તેવી ધજા હાઇવે પરની જે હોટલો, ઢાબા અને રેકડી પર લગાવી હશે ત્યાં ડ્રગ્સ મળી આવશે. આ ધજા નસેડીઓ માટે સિગ્નલ છે. હાઇવે પર ટ્રક ડ્રાઇવર અને કંડકટરો તેમના મોટા ગ્રાહકો છે."
"બહુ મોટા રેકેટનો પર્દાફાશ થયો છે એ સરસ વાત છે પણ .." ખાન સાહેબ બોલતા બોલતા અટકી ગયાં.
"પણ શું બોલો ખાન."
"મારે જે ઇન્ફર્મેશન જોઇએ છે તે હાબિદ પાસેથી નથી મળી."
કુંપાવત સાહેબે હસતા હસતા કહ્યું, "રીમાન્ડ સ્પેશિયાલિસ્ટ ઇન્સપેક્ટર મોઇને હાબિદની એવી ખાતિરદારી કરી છે અને માર ખાઇને તે એટલો ડરી ગયો છે કે બધુ પોપટની જેમ બોલવા માંડયો."
"મારે પણ એવી જ રીતે ઇન્ફરમેશન કઢાવવી છે."
"એક મીનીટ, ઇન્સપેક્ટર મોઇન જોડે તેની ફરી વાર ધોલાઇ કરાવીએ એટલે બાકી રહેલ ઇન્ફરમેશન પણ બહાર આવશે." કુંપાવત સાહેબ બોલ્યાં.
ખાન સાહેબ અને ગફુરને લઇને કુંપાવત સાહેબ રીમાન્ડ રુમ તરફ જાય છે, ત્યાં હાબિદ જમીન પર બેવડ વળીને પડયો હતો અને તે થાકીને અધમૂઓ થઇ ગયો હતો. રીમાન્ડ રુમમાં ઇન્સપેક્ટર મોઇનના પગ પાસે હોકી અને બેઝ બોલનું બેટ પડયું હતું.
ઇન્સપેક્ટર મોઇન કુંપાવત સાહેબ અને ખાન સાહેબને જોઇને ખુરશીમાંથી ઉભા થઇ હાબિદની હાલતની વાત કરે છે. 
ખાન સાહેબ ઇન્સપેક્ટર મોઇનને કહે છે, "હાબિદ પાસેથી બબલુની ઇન્ફર્મેશન કઢાવો, મારે તાત્કાલિક જોઇએ છે."
ઇન્સપેકટર મોઇને હાબિદ તરફ હાથ લંબાવી કહ્યું, "આ હમણાં કંઇ બોલી શકે તેમ નથી, કદાચ તે થાકીને બેભાન થઇ ગયો લાગે છે. ભાનમાં આવે ત્યાં સુધી રાહ જોઇએ, પછી ફરી તેની ધોલાઇ કરી ઇન્ફરમેશન મેળવીએ."
ખાન સાહેબ, ગફુર અને ઇન્સપેક્ટર મોઇન રીમાન્ડ રુમમાં જ રોકાયા, તેઓ હાબિદના ભાનમાં આવવાની રાહ જોઇ રહ્યા હતાં. પરોઢ થવાની તૈયારીમાં જ હતી ને હાબિદના પગમાં થોડો સરવરાટ થયો, તે બેઠો થવા મથતો હતો પણ થાકીને અને માર ખાઇને ઉભો થઇ શકતો ન હતો. હાબિદે જમીન પર પડયાં પડયાં અર્ધ ખુલ્લી આંખે તેની આજુબાજુ જોયું . ત્યાં હાજર ઇન્સપેક્ટર મોઇન અને ખાન સાહેબને જોઇને ભયનું લખલખુ શરીરમાંથી પસાર થઇ ગયું, તેણે ડરીને આંખો બંધ કરી લીધી.
ઇન્સપેક્ટર મોઇને હોકી હાથમાં લઇને હાબિદને કહ્યું, "આંખો બંધ કરીને તુ કયાં સુધી બચીશ. આ હોકીને યાદ કરી લે અને જલ્દી બેઠો થઇ જા."
હાબિદના મગજની નસો ફાટફાટ થતી હતી. તેનો ચહેરો આંસુઓથી ખરડાયેલો હતો. આંખોના પોપચાં રોઇ રોઇને સુઝી ગયા હતાં. તે મનમાં ને મનમાં વિચારતો હતો કે આટઆટલી ઇન્ફરમેશન આપી દીધી તોય હજુ વધુ આ લોકોને શું ઇન્ફરમેશન જોઇતી હશે. તે જમીન પર માંડ માંડ હાથ ટેકવીને બેઠો થયો.
બે હાથ જોડી રડતા રડતા ધ્રુજતા હોઠે હાબિદ બોલ્યો, "પાણી ..પાણી."
તેને પીવા માટે પાણી આપવામાં આવ્યું. તે એટલો બધો તરસ્યો હતો કે એક જ ઘુંટડે પાણી પી ગયો, થોડો સ્વસ્થ થયો અને જમીન પર માથુ નમાવીને બોલ્યો, "જેટલુ ખોટુ કર્યુ તે બધુજ તમને કહી દીધુ, મેં કંઇ છુપાવ્યું નથી.હવે કાંઇ બાકી નથી. મને..."
"મારે બબલુની વાત જાણવી છે." ખાન સાહેબે ગુસ્સે થઇને બેઝ બોલનું બેટ હાથમાં લઇ કહ્યુ.
હાબિદ ધ્રુસકે ને ધ્રુસકે રડતા રડતા બોલ્યો, "આટલી બધી ઇન્ફરમેશન આપી, આટલા બધા ગુના કબુલ્યા અને મને ખબર છે કે મને જન્મટીપની સજા થશે. સાહેબ, જો મેં બબલુનું મર્ડર કર્યુ હોય તો હું કબુલી લઉં. મને કયાં જન્મટીપ કે ફાંસી કરતાં કયાં વધારાની સજા મળવાની છે."
ખાન સાહેબે પણ તેની વાત પર થોડુ વિચાર્યું કે આટલા બધા ગુના કબુલ્યા પછી તે આ એક ગુનો ..
"સાહેબ, તમને કોઇ ગુનેગાર ના મળે તો મારી પર નાંખી દો. ભલે મને સજા થાય, તમારો કેસ સોલ્વ થઇ જશે." હાબિદ આંસુ લુછતા લુછતા બોલ્યો.
ઇન્સપેક્ટર મોઇન હોકી હાથમાં લઇને બોલે છે, "આ એમ નહીં માને , આને .."
ખાન સાહેબે ઇન્સપેક્ટર મોઇનને મારતા રોકીને કહ્યું, "કુંપાવત સાહેબ ને પુછો, આની પુછપરછ પતી ગઇ હોય તો આને ક્રાઇમ બ્રાંચ લઇ જવો છે."
કુંપાવત સાહેબ સાથે વાત કરીને ખાન સાહેબ અને ઇન્સપેક્ટર મોઇન હાબિદને લઇને ક્રાઇમ પહોંચે છે. ત્યાં પહોંચીને લાખા પાસે હાબિદની ઓળખ વિધી કરાવે છે પણ લાખો થોડુ વિચારીને ના પાડે છે. સ્કેચ સાથે પણ  ટીમના લોકો મેચ કરે છે પણ પરફેકટ મેચ નથી થતું એટલે ખાન સાહેબ મનોમન ગુંચવાઈ છે.
"મેઘાની પુછપરછ થાય પછી હાબિદની કરીશું, ત્યાં સુધી આને લોકઅપમાં રાખો."ખાન સાહેબ કંટાળેલા સ્વરે બોલ્યા. 
આખી રાતની દોડાદોડ પછી ખાન સાહેબ ફ્રેશ થવા ઘરે જાય છે. ફટાફટ તેઓ તૈયાર થઇ ક્રાઇમ બ્રાંચ પહોંચે છે. ત્યાં પહોંચતા હીરાલાલ તેમને મળે છે અને તેમને ચાનો ઓર્ડર આપી ઓફિસમાં સાથે પીવા માટે બોલાવે છે.
ખાન સાહેબે સાયબર એક્ષપર્ટને બોલાવીને કહ્યું, "મેઘાનો ફોન જમા લઇ લો અને મારે તાત્કાલિક મેઘાના ફોન પરથી મર્ડરની તારીખની આસપાસના દિવસોમાં થયેલા કોલની ડીટેલ, તેના ફોન પરથી તે દિવસોની તેની લોકેશન, તેણે છેલ્લે કોની કોની સાથે વાત કરી છે તે બધી ઇન્ફર્મેશન જોઇએ છે. તમે રીપોર્ટ લઇ મીટીંગ રુમમાં મને મળો."
હીરાલાલ કેન્ટીનમાં ચા અને નાસ્તાનો ઓર્ડર આપી ખાન સાહેબની ઓફિસમાં પ્રવેશી બોલે છે, "સાહેબ, આમ ઉજાગરા, દોડાદોડ કરીને તબિયત બગાડવા કરતાં થોડો આરામ .."
"હીરાલાલ, આરામ કરવાની હાલ જગ્યા નથી. કેસ સોલ્વ થયે લાંબો આરામ કરવાનું વિચારીશ." 
"સર, મેઘાના ૭ દિવસના રીમાન્ડ મંજુર થઇ ગયા છે અને ટીમ પણ મેઘાની પુછપરછ માટે તૈયાર છે."
"તો ચા અને નાસ્તો પતાવી પુછપરછ શરુ કરીએ." ચાનો કપ હાથમાં લઇ ખાન સાહેબ બોલ્યા.
ચા નાસ્તો પતાવી ખાન સાહેબ ઓફિસમાં પ્રવેશે છે. ત્યાં વીડીયો રેકોર્ડીંગ ટીમ, ફેસ રીડર, સાયબર એક્ષપર્ટ, રાઇટર, ક્રાઇમ બ્રાંચની આખી ટીમે મેઘાની પુછપરછ માટે તૈયાર હતી. લાખાને પણ હાજર રાખવામાં આવ્યો હતો. ખાન સાહેબે ઇન્સપેકટર વીણાને ઇશારો કરી મેઘાની પુછપરછ શરુ કરવા કહ્યું.
"બોલો, તમારે શું કહેવું છે? "ઇન્સપેક્ટર વીણાએ મેઘાની નજીક જઇને કહ્યું.
મેઘા આંખો બંધ કરી બેસી રહી હતી. તેણે ધીમે રહીને આંખો ખોલી તેની સામે બેઠેલા તમામ તરફ નજર ફેરવીને જોયું અને ધીમા સ્વરે કહ્યું, "મેં કંઇ ખોટુ નથી કર્યું. "
"તમે તારીખ ૩૦ અને ૩૧ કયાં હતાં."
"હું હોસ્ટેલમાં જ હતી."
"તમને બબલુના સમાચાર કયારે મળ્યા ? "
"મને .. અમે હોસ્ટેલમાંથી કેટલીક ફ્રેન્ડ સિક્કીમ ટુર પર જવા ટ્રેનમાં નીકળ્યા હતાં. અમે બે દિવસ પછી ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી."
"કેવી રીતે ખબર પડી? "
"મને હોસ્ટેલની ફ્રેન્ડના કોલથી ખબર પડી."
"પછી તમે કયારે પરત આવ્યા? "
"ટ્રેન ટીકીટ મળતી ન હતી એટલે બે દિવસ પછીની ટીકીટ મળી ત્યારે આવી. "
"એટલે ઘટનાના છ દિવસ પછી તમે અહીં પરત આવ્યા. આટલા દિવસ તમે તમારી બહેન સાથે વાત કરી હતી ?"
"હા. મેં સમાચાર મળતા જ મારી બહેનને ફોન કર્યો હતો અને ટીકીટ મળે પરત આવીશ તેમ પણ કહ્યું હતું. પછી તે પોલીસની કાર્યવાહીમાં હતી એટલે વાત થઇ ન હતી."
"તમને કોણે કહ્યું, સુજાતા પોલીસ કાર્યવાહીમાં હતી."
"મને...મને પિન્ટો..પિન્ટો એ કહ્યુ હતું."
"પરત આવી તમે શું કર્યું ?"
"મેં મારી બહેનને મળી તેના દુખ હળવુ કરવા ..."
"દુખ તો તમે જ ઉભુ કર્યુ છે."ખાન સાહેબે મેઘાને કહ્યું.
"મેં કંઇ નથી કર્યુઁ."
"તમારા બબલુ સાથે કેવા સંબંધો હતાં? "
"કંઇ ખાસ નહીં. હું મારા કામથી કામ રાખતી હતી. "
"અને બબલુ."
મેઘા કંઇ બોલી નહીં. તેણે ફરી આંખો બંધ કરી લીધી .
ખાન સાહેબે ઇન્સપેક્ટર વીણાને કહ્યું, "આ સીધી રીતે નહીં માને, તમે સીધો જ આરોપ મુકો એટલે .."
"શે નો આરોપ? "મેઘા ગુસ્સે થઇને બોલી
"તમારી પર બબલુના મર્ડર કરવાનો આરોપ છે. અમારી પાસે પુરાવા પણ છે. બસ તમારી કબુલાતની જ વાત છે."
"મેં ..કંઇ જ કર્યુ નથી .." મેઘા ફરી બોલવાનું બંધ કરી આંખો બંધ કરી લીધી. તેના અવાજમાં ધ્રુજારી આવી ગઇ હતી.
ખાન સાહેબે લાખાની સામે જોઇને કહ્યું, "બોલ લાખા એ રાતે આ જ મહિલા બબલુની કાર પાસે હતી ને? "
"હા સાહેબ. આ જ બેન હતાં અને સાથે એક ભઇ પણ હતાં. પેલા સ્કેચમાં જોઇ લો." લાખો બોલ્યો 
ટીમ પણ મેઘાને જોઇને સ્કેચ સાથે મેચ કરી રહી હતી. મેઘાએ લાખાની વાત સાંભળી આંખો ખોલી પણ કંઇ બોલી નહીં.
"મેઘા, આ ઘટનાનો સાક્ષી છે. તારે કંઇ કહેવુ છે? "
"ના. તમે લોકોએ ખોટી રીતે આ માણસ ઉભો કર્યો છે, મને ફસાવવા. તમને કોઇ ના મળ્યુ એટલે કેસ સોલ્વ કરવા મને..."
"જસ્ટ શટ અપ મેઘા, એક નોનસેન્સ જેવી વાત કરવાનું બંધ કર અને હવે, સચ્ચાઈ સાંભળ આ લાખા પાસેથી."
ખાન સાહેબે લાખાને ધીમેથી કહ્યુ, "શું થયું હતું એ રાતે લાખા? "
લાખાએ મેઘાની સામે જોઇને બોલવાનું શરુ કર્યું, "તે દિવસ હું રોડ પર ચોરી માટે રેકી કરતો હતો અને નદી પાસેના ખેતર પાસેથી પસાર થતો હતો ત્યારે મને એક ગાડી રોડથી નીચે નેળીયામાં જતી દેખાઈ . કાર અવાવરું જગ્યાએ અંધારમાં જતાં જોઈ પહેલાં મને થયું કે લફડાબાજ કપલ મજા કરવા આયુ હશે. મેં ત્યાં રોડ પર સાયકલ મુકી છુપાઈને તેમને અંદર ખેતરમાં જતાં જોયા. એવામાં એક એકટીવા પણ તે કારની પાછળ ને પાછળ અંધારમાં જઈ ઉભું રહ્યું. કારમાંથી એક માણસ બહાર આવે છે અને એકટીવા સવાર સાથે થોડી વાતચીત કરી તે રોડ પર આવી આમ તેમ જોઈ કોઈ છે કે નહી તેવું ચેક કરી પાછો કાર પાસે પહોંચે છે. થોડીવાર તે બે જણાં કારની અંદર લાઈટ કરી કઇંક ચેક કરતાં હતાં."
"તું એ સમયે કયાં હતો? તને એ બે જણાએ કેમ ના જોયો? "
"હું અંધારામાં ઝાડ પાછળથી બધુ જોતો હતો. તે બંને તેમના કામમાં હતાં અને અંધારાને કારણે મને જોઇ ન શકયા."
"લાખા, પછી શું થયું? "ખાન સાહેબે મેઘાની સામે જોઇને લાખાને પુછ્યું.
મેઘા પણ લાખાને એકીટસે જોઇ રહી હતી અને તેની વાત સાંભળતી હતી. તેના ચહેરા પરનો ગુસ્સો દેખાઇ રહ્યો હતો. 
"હવે તે બે જણા કારમાં બેસી ગયા એટલે મને લાગ્યુ કે આ તો કપલ છે અને હવે જંગલમાં મંગલ કરશે. હું ત્યાંથી નીકળવા જતો હતો ત્યાં મારી નજર ગાડીની અંદર પડી અને મને લાગ્યુ કે અંદર ત્રીજુ કોઇ છે."
"પછી શું થયું? " ખાન સાહેબે લાખાને પુછ્યું.
લાખાએ ઉંડો શ્વાસ લઇ ટીમના દરેકની સામે નજર કરી ફરી બોલવાનું શરુ કર્યું, "પછી મેં જોયુ તો તે બે જણા પેલા ત્રીજા સાથે કંઇક કરી રહ્યા હતાં, તેના શરીર પર હાથ ફેરવતા હતાં અને તેને સીટ લંબાવી સુવડાવી દીધો."
"પછી? "
"થોડીકવારમાં જ પેલા બે જણ કારની બહાર આવી જાય છે. તે બેમાંથી એક જણ જે એકટીવા પર આયો હતો તે રડી રહ્યો હતો અને કારમાંથી ઉતરનાર તેને સાંત્વના આપી રહ્યો હતો."
"અને સાહેબ હવે તમને કહુ, મેં નજીકથી જોયું તો ખબર પડી કે બેમાંથી એક જણ મહિલા છે. સાહેબ, જે પાછળથી એકટીવા પર આવનાર ઉંચી ને પડછંદ વ્યક્તિ મહિલા હતી તે આ જ છે." લાખાએ મેઘા સામે આંગળી ચીંધી ટીમની સામે ખાન સાહેબને કહ્યું.
"એ.એ..એય ..યુ આય લાયર." મેઘા ગુસ્સામાં જોરથી બોલી ઉઠી.
"મેઘા હી ઇસ નોટ લાયર, બટ યુ આર લાયર.યુ હેવ ચાન્સ ટુ સ્પીક ટ્રુથ, ધેન યુ વીલ નોટ ગેટ ધ ચાન્સ."ખાન સાહેબ હળવેકથી બોલ્યા.
"હું નહીં પણ મારા લોયર બોલશે." મેઘા કડક સ્વરે બોલી રહી હતી.
"અે તો કોર્ટમાં બોલશે પણ અહીં તો રીમાન્ડ વખતે તારે જ બોલવું પડશે. હજુ તારી સાથે ટેબલ પર વાત થઇ રહી છે પછી તને  ..."ઇન્સપેકટર વીણા બોલી
"પછી શું ..તમે મને શું કરશો? "
"રીમાન્ડ રુમમાં તારી મરામત કરીશ." ઇન્સપેક્ટર વીણા તેમના અસલી રુપમાં આવી ગયા હતાં. 
ખાન સાહેબ ઉભા થઇને મેઘાને પુછે છે "તારી સાથે બીજુ કોણ હતું તે કહી દે અને તારો ગુનો..."
"મેં કંઇ જ કર્યું નથી."
"લઇ જાવ આને રીમાન્ડ રુમમાં અને બધુ બહાર લાવો." ખાન સાહેબે ઇન્સપેક્ટર વીણાને કહ્યું.
મીટીંગ પુરી થતાં સાયબર એક્ષપર્ટ સૌરીન તેમનો રીપોર્ટ લઇને ખાન સાહેબની પાસે આવે છે. ખાન સાહેબ રીપોર્ટ રીડ કરતાં કરતાં ખુશ થઇ રહ્યા હતાં. તેમને આવી રીતે જોઇ સૌરીન પુછે છે, "સર, આટલા બધા ખુશ કેમ દેખાવ છો? "
"અડધો કેસ લાખા અને ટીમે સોલ્વ કર્યો અને અડધો તમારા રીપોર્ટથી પુરો થઇ જશે એટલે ખુશ તો થવુ જ પડે ને." ખાન સાહેબ હસતાં હસતાં બોલે છે.
ખાન સાહેબ, સાયબર એક્ષપર્ટ અને ક્રાઇમ બ્રાંચની ટીમ મેઘાનો સાથીદાર કોણ હોઇ શકે, તે કયાં હોઇ શકે અને તેને અહીં કેવી રીતે લાવવો તેની પર ચર્ચા કરે છે. 
પ્રકરણ ૩૪ પુર્ણ 
પ્રકરણ ૩૫ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.