૨૨ સિંગલ
ભાગ ૨૩
હર્ષ એ નક્કર પગલા ભરવાનું તો વિચાર્યું પણ શું? થોડા વિચારોના અંતે એક નિર્ણય પર આવ્યો અને એને અમલમાં મુક્યો.
“ટ્રીન.....ટ્રીન....ટ્રીન...”
“હલો...”
“હલો, અક્ષત...હર્ષની મમ્મી બોલું છું. બેટા, જલ્દી ઘરે આવ. હર્ષે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો.”
“શું?”
“હા, બેટા. જલ્દી ઘરે આવ.”
“હમણાં જ આવ છું આન્ટી..”
અક્ષતનો ગુસ્સો સાતમા આસમાને હતો. હર્ષે બહુ જ ખોટું સ્ટેપ લીધું હતું. પણ અત્યારે એ વિચારવા કરતા એને કઈ વધારે નહી કર્યું હોય ને એ જ વિચારમાં એ હર્ષ ના ઘરે પહોંચી ગયો. ઘરે પહીચ્યો ત્યારે હર્ષના મમ્મી રડતા હતા. અક્ષત તો ગભરાઈ ગયો. પણ એ સીધો હર્ષના રૂમ તરફ ગયો.
અંદર રૂમ માં શું પરિસ્થિતિ હશે એ વિચારતો અક્ષત અંદર પ્રવેશ્યો. લોહીનું ખાબોચિયું ભરાયેલું હશે, હર્ષ બેહોશ હશે અને તાત્કાલિક હોસ્પિટલ માં એડમિટ કરવો પડશે એવા વિચારો અક્ષતના દિમાગમાં દોડતા હતા. હર્ષના રૂમ ની નજીક પહોચતા જ અક્ષત ને હર્ષની બુમ સંભળાઈ એટલે એ લગભગ દોડતો જ એના રૂમ માં ગયો.
પણ જયારે રૂમ માં પ્રવેશ્યો ત્યારે પરિસ્થિતિ કઈ અલગ જ હતી. હર્ષના પપ્પા જમીન પર બેસીને હર્ષના હાથ પર ડેટોલ થી ઘા સાફ કરી રહ્યા હતા. હર્ષ આરામખુરસી પર બેસીને દર્દમાં કણસતો હોય એવો ધીમો અવાજ કરતો હતો. જેવું એના પપ્પા એના ઘા ઉપર રૂ મુકે એટલે નાના છોકરા ની જેમ હર્ષની બુમો ચાલુ.
અક્ષતે હર્ષની નજીક જઈને કઈ પણ બોલ્યા વગર પહેલા તો કચ કચાવીને હર્ષને એક મારી દીધી. દોસ્ત તરીકે આટલો હક તો બનતો જ હતો. પછી પૂછ્યું:
અક્ષત : “શું કર્યું?”
હર્ષે એના જવાબ માં એનો ડાબો હાથ બતાવ્યો. ડાબા હાથ માં એક-બે ઇંચ લાંબી એક ખરોચ હતી.
અક્ષત : “બ્લેડ થી કાપી?”
હર્ષે હકારમાં ડોક હલાવી. અક્ષતે હર્ષના પપ્પા ને ઉભા કર્યા અને પોતે હર્ષનો ઘા સાફ કરી દેશે અને એમને બહાર જઇને આરામ કરવાનું કહ્યું. હર્ષના પપ્પા બહાર જતા જ અક્ષતે બીજી એક જોરથી હર્ષને ચોંટાડી દીધી. અક્ષતે હર્ષનું બેગ ભરવા માંડ્યું.
હર્ષ : “આ શું કરે છે?”
અક્ષત : “તારે હિમાલય જ જવું છે ને!!! તો અત્યારે જ ચાલવા માંડ. ઘરવાળા ને આમ હેરાન ના કર.”
હર્ષ : “તો શું કરું? કોઈ વાત ને ગંભીરતા થી લેતું જ નથી. જાણે મઝાક કરતો હોવ એમ વાત ઉડાવી ડે છે.”
અક્ષત : “તું મઝાક જ તો કરે છે. તારાથી છોકરી ના પટી એટલે ઘરવાળા ને દબાણ કરવાનું. હજી માંડ ૨૩ નો તો છે. જીવ ને જીન્દગી શાંતિ થી.”
હર્ષ : “બહુ મોટો પાછો. પોતે તો 5 વર્ષથી અનુ સાથે છે અને મને કહે કે ‘સિંગલ’ હોવું જ સારું.”
અક્ષત : “જે રીલેશનશીપ માં છે એને પૂછી જો શું સારું એ. ૯૯% ‘સિંગલ’ જ જવાબ મળશે.”
હર્ષ : “તું જા ને, મારે તારી સાથે વાત જ નથી કરવી.”
“હર્ષ, ઉઠ બેટા.”
હર્ષ : “શું છે મમ્મી?”
મમ્મી : “ચલ ઉઠ. બહુ બધા કામ છે. તારા માટે બેગ લેવા પણ જવાનું છે.”
હર્ષ : “કેમ, હું ક્યાં જાવ છું?”
મમ્મી (ટોન્ટ મારતા) : “તારા મામા ના ઘરે – હિમાલય.”
હર્ષ : “યાર મમ્મી. હું કઈ ફરવા નથી જતો. હું કઈ ત્યાં કપડા લઈને નથી જવાનો અને આ તું કાલે જે થેપલા અને નાસ્તા નું લિસ્ટ બનાવતી હતી એ ફાડી ને ફેંકી ડે. હું કઈ લઇ નથી જવાનો. ફરવા થોડો જાવ છું હું કઈ!!!! ‘બાવો’ બનવા જાવ છું. કોઈ દીવસ પાછો નથી આવાનો.”
મમ્મી : “તો હું શું કરું તું જ બોલ!!!!”
હર્ષ : “મને સુવા દે.”
મમ્મી (જોરથી રૂમ નું બારણું પછાડતા) : “ઊંઘ્યા કર, મારે શું?”
અત્યાર સુધી હર્ષના મમ્મી – પપ્પા હર્ષની આ વાત થી બહું ચિંતિત નહોતા. હર્ષ ઉપર એક ભૂત સવાર છે એ થોડા દીવસમાં ઉતરી જશે એટલે હિમાલય જવાનું માંડી વાળશે એવો એમને વિશ્વાસ હતો. પરંતુ જયારે હર્ષે કંપનીમાંથી ‘રીઝાઇન – ત્યાગપત્ર’ આપવાની વાત ઘરે કરી ત્યારે એનો હિમાલય જવાનો નિર્ણય કેટલો દ્રઢ છે એ ખબર પડી. એ જ દિવસે હર્ષના મમ્મી-પપ્પા અને અક્ષત-અનુ ની તાત્કાલિક મીટીંગ બેઠી.
મીટીંગ માં ઘણા બધા પ્લાન વિચારાયા. એમાંનો એક પ્લાન – હર્ષના મમ્મી પપ્પા એ હર્ષને એના લગ્ન બાળપણ માં જ થઇ ગયા છે અને છોકરી હજી નાની છે એટલે હજી 2 વર્ષ પછી લગ્ન કરી શકાશે એવી સ્ટોરી કહેવાની હતી. પણ એ સ્ટોરી માટે ઘણા બધા જુઠાણા બોલવા પડે હતા એટલે એ પ્લાન ત્યાં જ કેન્સલ કર્યો.
ત્યાર પછી એક જ્યોતિષી ને પણ ફોડ્યો. હર્ષના મમ્મી પપ્પા એક જ્યોતિષી પાસેથી હર્ષની કુંડળી કઢાવી અને એમાં લગ્ન નો યોગ હજી ૩-4 વર્ષ પછીનો છે એવું બતાવ્યું. પણ માને એ હર્ષ થોડો? હું જ્યોતિષ માં કે કુંડળી માં માનતો જ નથી એવું જ એનું રટણ ચાલુ રહ્યું. એટલે એ પ્લાન પણ ફોક થયો.
હર્ષની હિમાલય જવાની વાત બહાર ખબર નહિ કેવી રીતે પણ બહાર પહોંચી ગઈ હતી. હર્ષના એક બે મિત્રો એ એને પૂછ્યું ત્યારે ખબર પડી. એક ફ્રેન્ડે તો મઝાક માં એમ પણ કહ્યું કે ત્યાં જઈને મને ફોન કરજે. બધું બરાબર સેટ થઇ જાય એટલે હું પણ તારી સાથે હિમાલય જ આવી જઈશ. આ દોઝખ જીન્દગી માં નથી રહેવું વધારે.
અક્ષત : “હર્ષ્યા, ચલ ‘નીલકમલ’ ની પાઉભાજી ખાવા જઈએ.”
હર્ષ : “ વાઉ, ચલ જઈએ.”
અક્ષત : “છેલ્લી છેલ્લી વાર છે ખાઈ લે. પછી ખબર નહી શું ખાવા મળશે.”
હર્ષ : “કેમ, ‘નીલકમલ’ બંધ થાય છે શું?”
અક્ષત : “એને કઈ નથી થવાનું. તું જાય છે એટલે.”
હર્ષ : “તમને બધાને મને જવા જ દેવો છે. પ્રયત્ન પણ નથી કરતા કોઈ છોકરી શોધવાનો.”
હર્ષના પપ્પા : “બેટા, એ બહુ લાંબી પ્રોસેસ છે. આમ કઈ એક દિવસ માં બધું ના પતી જાય. અને પ્રોસેસ ચાલુ કરી દીધી છે. તારા જન્માક્ષર કઢાવ્યા અને એ બે જ્યોતિષી ને આપ્યા છે. એકે તો બે-ત્રણ વર્ષ સુધી લગ્ન ના યોગ નથી એવું જણાવ્યું અને બીજા જ્યોતિષી કાલે જવાબ આપશે.” “તને અમે એ વાત કાલે રાતે જણાવી પણ તારા દિમાગ માં ક્યાં કઈ ઉતરે જ છે. જીદ જ એવી લઈને બેટો છે કે.”
હર્ષ : “પણ હું જન્માક્ષર માં નથી માનતો.”
હર્ષના પપ્પા : “તું ના મને એટલે અમારે નહી કરવાનું એમ?” “તને આટલો ભણાવ્યો શેના માટે? આ જો ખાઈ ખાઈને તારો એરિયા કેટલો મોટો થઇ ગયો છે. ‘આમદની આની અને ખર્ચા રૂપિયા’ જેવો તારો ઘાટ છે. એના કરતા તારો ભાઈ સારો. અત્યારથી જ છોકરી પણ સેટ કરીને બેઠો છે. મને અને તારી મમ્મી ને ટેન્શન જ નહી.”
હર્ષ : “બહુ સારું”
હર્ષના પપ્પા : “અમને ખાતરી છે કે તું હિમાલય પણ નથી જવાનો એટલે જ અમે તને જવા પણ દઈયે છીએ. એના માટે પણ હિંમત જોઈએ. આ ૨૩ વર્ષની ઉંમર માં એક છોકરી ને ‘આઈ લવ યુ’ ના કહી શકયો અને શું હિમાલય જવાનો!!!! આ તારી ઉમરમાં હું બે-ત્રણ ગર્લફ્રેન્ડ લઈને ફરતો હતો. પણ તારા દાદા એ ના પાડી ને છેલ્લે તારી મમ્મી ને પરણ્યો.”
હર્ષની મમ્મી : “આ તમે શું બોલો છો!!! જવા દો છોકરા ને. બહુ મર્દાનગી ના બતાવો. તમારી કેટલી મર્દાનગી છે એ ખબર જ છે, તમારો જ છોકરો છે હર્ષ. તમારી બધી ગર્લફ્રેન્ડ ની મને ખબર છે.” (હર્ષને) બેટા તું જા, જલસા કર. આ તારા પપ્પા તને ટોપી પહેરાવે છે.”
હર્ષના પપ્પા : “હર્ષ, પણ મને એ તો કહે હિમાલય જ કેમ? ગીરનાર પણ જવાય.”
હર્ષ (મોઢું બગાડીને) : “ના એમાં પાછો આવાનો વિચાર આવે તો જલ્દી પાછા આવી જવાય ને એટલે. મારે પાછુ આવવું જ નથી એટલે દુર હિમાલય જવાનો વિચાર કર્યો.”
હર્ષના પપ્પા (હસતા હસતા) : “આલ્પ્સ(યુરોપની એક પર્વતમાળા) કેવી રહે તો તો? ત્યાંથી તો પાછો આવાની ઈચ્છા થાય તો પણ નહિ અવાય.”
હર્ષ (ગુસ્સામાં) : “એક કામ જ કરું, ચંદ્ર કે મંગળ પર જ જતો રહું.”
હર્ષના પપ્પા (મઝાકમાં) : “ના, ‘સૂર્ય’ જ રાખ ને.”
હર્ષ : “હા સ્પેસયાન બનાવી દો એક મહિના માં. હું જઈશ.”
હર્ષના પપ્પા : “તારે જવું છે, જાતે બનાવ.”
હર્ષ : “તમારે ત્યાં મોકલવો છે. એટલે તમે બનાવો. મારે તો હિમાલય પર જવું છે અને એના માટે સ્પેસયાન ની જરૂર નથી. ટ્રેન કે બસ માં પહોંચી જઈશ.”
હર્ષની મમ્મી : “બસ કરો તમે બંને. હર્ષ તું બહાર જા અને તમે કીચન માં આવીને મદદ કરો,:
હર્ષના પપ્પા : “જોયું, જોબ પર પણ મારે જ જવાનું. સાથે કીચન માં હેલ્પ પણ કરવાની. એટલે જ કહું છું લગ્ન નહી કરવાના. આ ગાંડો લગ્ન કરવા ઉતાવળ કરે છે. ભગવાન એને સદબુદ્ધિ આપે.”
હર્ષની મમ્મી : “શું બોલો છો તમે. આજે સવાર સવાર માં મારાથી ચા માં કઈ બીજું નખાઈ ગયું શું કે આ લવારો કરો છો???!!!!”
હર્ષ : “મમ્મી, હું બહાર જાવ છું.”
હર્ષ ના હિમાલય જવાના વિચારથી ઘર માં માહોલ થોડો તંગ હતો. હર્ષ જીદ્દી હતો એટલે એ જે વિચારશે એ કરીને જ રહેશે એ બધા ને ખબર હતી. પણ એને રોકવા શું કરવું એ વિચારવા હર્ષના મમ્મી –પપ્પા અને અનુ-અક્ષત વચ્ચે મીટીંગ થતી રહેતી પણ કોઈ એવો ઉપાય નહોતો મળતો. એક દિવસ હર્ષના પપ્પા એક વિચાર સાથે આવ્યા અને એ વિચાર હતો: હર્ષને એક છોકરીના ફેક ફેસબુક એકાઉન્ટ માં ફસાવીને હિમાલય જતો રોકવો. અને આ કામ અક્ષત કરે અને અનુ અવાજ બદલીને ફોન પર વાત કરીને એને મનાવે.
અક્ષતે તરત એના પર કામ શરુ કર્યું. એક ફેક એકાઉન્ટ બનાવ્યું, એની બધી ફેક ડીટેઈલ્સ ભરી અને હર્ષ સાથે વાત કરવા મેસેજ કર્યો. હર્ષ સાથે બે-ત્રણ દિવસથી વાત થવા લાગી એટલે હવે કામ અનુ નું હતું એની સાથે ફોન પર વાત કરીને જલ્દીથી એને રોકવાનો.
ફેક એકાઉન્ટ ગર્લ (અક્ષત) હર્ષ સાથે દરરોજ વાત કરતી અને બંને ના ઘણા શોખ પણ મળતા આવતા. હર્ષ ધીરે ધીરે એનામાં વધારે રસ લેવા લાગ્યો. અક્ષતે છોકરી ના એંગેજમેન્ટ તૂટી ગયા અને છોકરા એ દગો આપ્યો એમ એક સ્ટોરી હર્ષને સંભળાવી. દરરોજ સાંજે અનુ પેલી છોકરીના નામ થી હર્ષને ફોન કરતી અને લાંબી લાંબી વાત કરતી. બસ હર્ષ એના માટે ત્યાં જ પડી ગયો.
અનુ અને અક્ષત નો પ્લાન સફળ થતો હતો. પણ છેલ્લે અનુ એ એમાં ટ્વીસ્ટ લાવ્યો. અનુ એ છોકરીના નામથી હર્ષને પ્રપોસ કર્યું. હર્ષ તો ગાંડો ગાંડો થઇ ગયો પણ સાથે એક શરત રાખી કે મેરેજ કરીશું તો બે વર્ષ પછી. હર્ષ એના માટે પણ માની ગયો. પરંતુ, હજી એક પ્રોબ્લેમ હતો કે પ્રપોસ કર્યું તો છે પણ હવે આ દરરોજ વાત કોણ કરે અને હર્ષ મળવા બોલાવે તો?
અનુ એ એનો પણ ઉપાય શોધી નાખ્યો. હર્ષને કહી દીધું કે પોતે UPSCની પરીક્ષા આપે છે અને એમાં પોતાને તૈયારી ની ઘણી વધારે જરૂર હોય એ દિલ્લી જાય છે જેથી પેલા છોકરા (જેણે છોકરીને દગો આપ્યો હોય છે એ)ના વિચારોથી પણ દુર રહેવાય અને સારી તૈયારી પણ થાય. વાત માત્ર રવિવારે જ થશે અને લગ્ન બે-ત્રણ વર્ષ પછી કરીશું એમ કરીને હર્ષનો હિમાલય જવાનો પ્લાન કેન્સલ કરાવડાવ્યો.
આ આખું ષડયંત્ર અક્ષત-અનુ નું જ છે એ વાત ની અનજાન હર્ષ ઘરે આવીને બધા ની સામે પોતે છોકરી ને કેવી રીતે ફસાવી એની ડંફાસ મારી અને પોતે હવે હિમાલય નથી જવાનો પણ બે વર્ષમાં એક IAS કે IPS ઓફિસર ને ઘરે વહુ બનાવીને લાવશે એવું જાહેર કર્યું ત્યારે બધા ખુશ થયા. હર્ષના પપ્પા એ અક્ષતને આંખ મારી અને પ્લાન સફળ થયો એની શાબાશી આપી.
હર્ષ ફરી જોબ પર ગયો ત્યારે અક્ષત- અનુ અને હર્ષના મમ્મી-પપ્પા એ ફરી એક મીટીંગ કરી. બંને છોકરા ને આશીર્વાદ આપ્યા અને એ સાથે જ હર્ષની ‘હિમાલય કથા’ નો સૌથી લાંબો અધ્યાય ૧૪ જ દિવસમાં સમાપ્ત થયો.
બોલો, ‘સિંગલ’ રાજાધિરાજ હર્ષકુમાર ની .........