Love, Life ane confusion in Gujarati Fiction Stories by Megha gokani books and stories PDF | લવ ,લાઈફ અને કન્ફ્યુઝન

Featured Books
Categories
Share

લવ ,લાઈફ અને કન્ફ્યુઝન

લવ , લાઈફ અને કન્ફ્યુઝન
      જીવનમાં જો ઉતાર-ચઢાવ ન હોય,સુખ-દુઃખ ન હોય,ખુશી કે પરેશાની ન હોય,સમસ્યા ન હોય તો જીવન ફક્ત જીવન બનીને રહી જાય છે.એ કયારેય જિંદગી નથી બનતી.આપણે માણસ છીએ આપણી અંદર ઘણા ઇમોશન્સ અને લાગણીઓનો ભંડાર છે. આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની લાગણીઓ પ્રમાણે વર્તન કરીએ છીએ અને એમ કર્યા બાદ જ જિંદગી જીવી કેહવાય. 
    એકની એક લાગણી સાથે અને એક જ ઇમોશન સાથે લોકો એની આખી જીંદગી કેમ કાઢી શકે છે ?આ અલગ અલગ ઇમોશન્સ અને લાગણીઓ ત્યારે બહાર આવે છે જ્યારે આપણે અલગ અલગ સમ્યસ્યાઓનો અને ખુશીઓનો સામનો કરીએ છીએ.
     એટલા માટે ક્યારેય કોઈ સમ્યસ્યા કે ખુશીને સ્વીકારવામાં ડરવું ન જોઈએ.જે પણ જીવનમાં આવે છે એ આપણા જીવનને જીંદગી બનાવવામાં મદદ કરે છે.જીવનના દરેક રંગને જીવતા શીખવાડે છે અને જીવનને સૌથી સુંદર રંગ છે પ્રેમ. 
      પ્રેમ,લવ આ શબ્દ કે લાગણીથી જે લોકો ડરે છે એ લોકોએ ક્યારેય જીવનના સૌથી સુંદર રંગનો અનુભવ જ નથી કર્યો અને ડરવું શા માટે જોઈએ.જો પ્રેમ સાચો નીકળ્યો તો જિંદગી સેટ છે અને જો ન નીકળ્યો તો એક જીવન ભરનો એક્સપિરિયન્સ તો મળી જાય છે.એ એક્સપિરિયન્સથી આગળ જતાં જીવનમાં આવતી દરેક પરેશનીઓનો સામનો તમે વગર હાર્યે કરી શકશો.

**
આ તો બસ વાત કરી.જીવનના અલગ અલગ રંગ વિશેની.પણ સાચા અર્થે જીવન અને જિંદગી વચ્ચેનો ફર્ક તમને આ વાર્તામાં રિમા અને માહિર સમજાવશે.
તમને પ્રેમ , જીવન ,કરિયર, જુનૂન , પાગલપંતી , ફેમિલી ડ્રામા , ખુશી ,દર્દ  અને બીજું ઘણું બધું અનુભવવા મળશે.
તો શરૂ કરીએ,

                  લવ ,લાઈફ અને કન્ફ્યુઝન 


રવિવારની એ  સાંજ.રિમા પોતાના રૂમની બાલ્કનીમાં ઉભી છે. ઠંડો પવન ફૂંકાય છે અને સાથે જ રિમાના ખુલ્લા વાળ પવનની સાથે અલગ અલગ દિશાઓમાં ધીરે ધીરે ઉડી રહ્યા છે. રિમાના ચહેરા પર ઢળતા સૂરજનો આછો કેસરીને પીળો તડકો પડતો પડી રહ્યો છે.આકાશમાં પક્ષીઓ તેના ઘરે કલબલાટી બોલવાતા તેના માળે પાછા ફરી રહ્યા છે.આવી સુહાની સાંજ છે , સૂરજ આથમવાની કતાર પર છે, આ કુદરતી નજારાને માણવાને બદલે રિમા કોઈકની યાદમાં ખોવાયેલી ઉભી છે.
    જમણો પગ ડાબા પગની થોડી પાછળ રાખી, કમરેથી થોડી ઝુંકેલ અને હાથની કોણી બાલ્કનીની રેલિંગ પર ટેકવી રિમા બસ એ ખુલ્લા આકાશ તરફ જોતી હતી.એક હવા ની લહેરકી આવી અને એની સાથે જ પાછળથી અવાજ આવ્યો.

"રિમા દીદી,રિમા દીદી.ક્યાં છો તમે ?"રિમાએ પાછળ ફરીને જોયું.રિમાની નાની બહેન દિયા,રિમાને શોધતી તેના રૂમમાં પહોંચી.દિયાની નજર રિમા પર પડી,એ બાલ્કની તરફ આગળ વધતા બોલી,
"દીદી તું અહીંયા છે, આવી ઠંડી માં બાલ્કની માં શું ઉભી છે? શરદી થઈ જશે."
      નાની બેહેનની શિખામણ સાંભળતા રિમાએ આંખો મોટી કરી ઈશારા દ્વારા સમજાવ્યું કે એ તેની મોટી બહેન છે.દિયાએ તેની દીદીની આંખો વાંચતા  બોલી પડી,"અરે હું નથી કહેતી,મમ્મી કહેશે આવું.મમ્મીનો ડાયલોગ છે મારો નહીં...."
    રિમાએ એક નાની સ્માઇલ આપી અને તુરંત બાલ્કનીની રેલિંગ પર પોતાના બંને હાથની કોણી ટેકવીને બહારની તરફ જોવા લાગી.સૂરજ આથમી ગયો હતો એટલે કે રાતના આગમનની શરૂઆત થઈ ગઈ હતી.
રિમા પાસે આવતા દિયા બોલી," દીદી શું પાછી ઉભી ગઈ?ચાલ નીચે બધા રાહ જુએ છે.આપણો ફેવરેટ ટીવી શો શરૂ થવાનો છે.મમ્મી પાપા પણ ટીવી સામે સોફા પર સેટ થઈ અને બેસી ગયા છે અને અભી તો રિમોટ હાથમાં પકડીને બેઠો છે." દિયા એક શ્વાસે બધું બોલી ગઈ.
"એ હા,તું જા હું આવું છું."ટૂંકમાં જવાબ આપતા રિમાએ કહ્યું.
દિયાએ ફરી કહ્યું,"જલ્દી આવજે હો."
"એ હા,આવું." રિમા ઇરીટેટ થતા બોલી.
દિયા રૂમની બહાર જતા બોલતી ગઈ "દીદી આ ખુલા વાળ મસ્ત લાગે છે ."
રિમા એ આ સાંભળતા જ દિયા તરફ મોઢું ફેરવીને તેની સામે જોયું.દીયા કાઈ સાંભળ્યા કે બોલ્યા વિના સીડી ઉતરીને હોલ તરફ આગળ વધી.
દિયાની એ વાત સાંભળતા જ રિમાના મોઢાની એ સ્માઈલ ક્યાંક ગાયબ થઈ ગઈ.જાણે કાંઈક યાદ આવી ગયું.થોડી ક્ષણો વીતી,રિમા ત્યાં જ કંઈક યાદોમાં ખોવાયેલ ઉભી રહી.ત્યાં જ નીચેથી અવાજ આપી રિમાના મમ્મીએ રિમાને બોલાવી.
    રિમાએ તે યાદનો ઘૂંટડો પોતાના ગળે ઉતરી હાથમાં પહેરેલ કાંડા ઘળીયાળની પાસે પહેરેલ રબર બેન્ડને પોતાના હાથમાંથી કાઢીને વાળ બાંધી પોનીવાળી લીધી અને મોઢામાંથી જે સ્માઇલ ગાયબ થઈ ગયેલ સ્માઈલને પાછી લાવીને હોલ તરફ આગળ વધી.

                  *********

રિમાને નીચે આવતા જોઈ મમ્મી બોલી પડી ," કેટલી વાર લગાડી તે ક્યારનો અભી ઉતાવળો થાય છે."
અભી હાથમાં રિમોટ લઈને બોલ્યો ,"મમ્મી હવે ટીવી ઓન કરું દીદી પણ આવી ગઈ હવે તો."
"હા કરી દે." પાપા ઘડિયાળ સામે જોતા બોલ્યા અને ત્યારબાદ રિમા સામે જોઈને સોફા પર તેમની પાસે બેસવાનો ઈશારો કરતા બોલ્યા," આવ અહીંયા બેસી જા રિમા."
રિમા તેના પાપા પાસે બેઠી. અભીએ ટીવી ઓન કરી અને એ શો માટેની ચેનલ લગાવી.શો શરૂ થવાને હજુ બે મિનિટ વાર હતી.મમ્મી પાપા અને રિમા એક જ સોફામાં બેઠા.અભી અને દિયા બંને સોફાની એક એક ખુરશીમાં સામ સામે બેઠા.ત્યાં મમ્મી બોલી પડ્યા, "રિમા એક વાત કરવી છે તારી સાથે."
રિમા થોડી ઊંચી થઈ અને મમ્મી સામે જોઈને બોલી," હા કહોને મમ્મી."
અભી વચ્ચે ફૂદકતો બોલી પડ્યો," મમ્મી પછી હો અત્યારે નહીં.શો હમણાં શરૂ જ થાય છે ."
પાપાએ પણ અભીનો સાથ પુરાવતા કહ્યું ,"હા એ સાચી વાત.વાતોએ ચઢી જઇશુ તો અડધો શો એમ જ પૂરો થઈ જશે."
મમ્મીએ થોડું મોઢું બગાડ્યું પછી બોલ્યા " હા તો પછી વાત કરશુ."અભી સામે જોઈને કટાક્ષમાં બોલ્યા"બસ ને અભી."
અભી પણ મસ્તીના મૂડમાં ચઢ્યો અને બોલ્યો "ના બસ નહીં,ખટારો ."અને હસી પડ્યો અને તેને હસતા જોઈ બધા હસી પડ્યા.

દિયા હસતા હસતા બોલી " ચાલો હવે ટીવી જોઈએ શો શરૂ થઈ ગયો છે જુઓ.બધા ટીવી જોવા લાગ્યા.15-20 મિનિટ પછી શોમાં બ્રેક આવી.
અને મમ્મી કાંઈ રાહ જોયા વિના બોલી પડ્યા ," રિમા સાંભળ જગદીશ ના લગ્ન છે એક અઠવાડિયા પછી તો હેતલ માસીનો ફોન આવ્યો હતો કે ..."
રિમા મમ્મીને વચ્ચે જ અટકાવતા બોલી પડી "મમ્મી અઠવાડિયા પછી હું નહીં નીકળી શકું, ઓફીસમાંથી લીવ નહિ મળે.તમે લોકો જઈ આવજો."
પાપા રિમાના બહાનાને પારખતા બોલ્યા ," રિમા તને કેમ ખબર લીવ નહિ મળે ?"રિમા પાસે કાંઈ જવાબ નહતો એ ચૂપ રહી .
"મળી જશે ટ્રાય કરી જો ,તારી આમ પણ ઘણી લીવ પડી જ છે." પાપા બોલ્યા

"અરે પાપા પણ ..."
"પણ બણ કાઈ નહિં , પાપાએ ટીકીટ પણ બુક કરાવી લીધી છે.આ વખતે કોઈ ખોટી વાતો નથી સાંભળવી." મમ્મી હુકમ ચલાવતા બોલી.
"પણ મારી ઈચ્છા નથી." રિમાએ ધીરા અવાજ સાથે પોતાની ઈચ્છા પ્રગટ કરી.
" રિમા બધે તારી ઈચ્છા ન ચાલેને વ્યવહાર પણ સાચવો પડે. હેતલ માસીએ ખાસ કહ્યું છે કે તારે આવવાનું છે અને જગદીશ એ પણ આગ્રહ કરીને કહ્યું છે." મમ્મી બોલી.
"હા બેટા ચાલને બધાની ખૂબ ઈચ્છા છે." પાપા રિમા તરફ નજર કરતા બોલ્યા.
"હા,દીદી ચાલ ને મજા આવશે.કેટલા દિવસ થયા આપણે સાથે બહાર નથી ગયા." અભી અને દિયા પણ રિમાને ફોર્સ કરવા લાગ્યા.
બધાની આટલી ઈચ્છા જોઈ રિમા નાછૂટકે બોલી , " ભલે હું ઓફિસે બે દિવસની લીવ મૂકી દઈશ."
અભી વચ્ચે પાછો ફૂદકયો અને બોલ્યો,"એ દીદી બે નહીં ચાર દિવસની.આપણે લગ્નમાં જઈએ છીએ.પાપા જુઓ તમારી મોટી દીકરી,શું બોલે છે?"
રિમાએ અભી સામે આંખો મોટી કરીને ચૂપ બેસવા ઈશારો કર્યો.
મમ્મી ઇશારો સમજતા વચ્ચે બોલી" એ એને ડરાવ નહીં એને સાચું જ કહે છે એ બે  નહીં ચાર દિવસની જ લીવ મુકવાની છે."
"હા ચાલો હવે નક્કી થઈ ગયું ચાર દિવસ આપણે બધા હેતલના દીકરાના લગ્નમાં જવા ના છીએ." પાપા વાત ફાઇનલ કરતા બોલ્યા.
રિમા બધાને આટલા ખુશ જોઈ વધુ કાંઈ દલીલ ન કરી.
ટીવી જોયા બાદ રિમા અને તેના પરિવારે સાથે ડીનર કર્યું અને ડિનર બાદ થોડા સમય પછી જ્યારે રિમા એના રૂમ તરફ આગળ વધી.તુરંત રિમાના પાપા એની મમ્મીને કેહવા લાગ્યા .., 
"શીતલ તે રિમાને પુરી વાત કેમ ન કહી?"
"તમે જોયુ નહીં, એ ત્યાં જગદીશના લગ્નમાં આવવા પણ રાજી ન હતી,પેલી વાત કરેત તો ધસીને ના જ પાડી દેત." મમ્મી ધીમા અવાજએ બોલ્યા.
અભી ધીરેથી દિયાના કાનમાં ગણગણ્યો ,"દિયા કઇ વાત હે...?"

"અરે બુધ્ધુ,પેલી હેતલ માસીની નણંદના છોકરા સાથે." દિયાએ અભીના કાનમાં કહ્યું.
"હા હા આવ્યું યાદ." મગજમાં જોર આપતા અભી બોલ્યો.
"તમે બંને કાંઈ પણ દોઢડહાપણ ન કરતા,નહીં  તો બનેને એવા કાન મરોડીશ કે." મમ્મી આંખો મોટી કરીને બંનેને ડરાવતાં બોલ્યા.
અભી તેની બહેનની મસ્તી કરતા બોલ્યો"ના ના મમ્મી હું કંઈ નહીં બોલું,પણ આ તારી ચુગલી એટલે કે તારી ચાંગલી દીકરીનો કાઈ ભરોસો નહીં હો."
મમ્મીએ આંખો મોટી કરી દિયા સામે જોયું,
દિયા શ્વાસ ઊંચો ચઢાવતા બોલી પડી ,"ના મમ્મી હું કંઈ નહીં બોલું.સાચે."પછી અભી સામે ઝઘડતા બોલી, " અભીડા તું માર ખાઈશ મારા હાથનો હો."બને ઝઘડવા લાગ્યા. 
  ભાઈ બહેનનો મીઠો ઝઘડો મારામારીમાં ન બદલાય એ પહેલાં પાપા જોરથી ખીજાયને બંનેને અંદર મોકલી દીધા. પછી બોલ્યા "શીતલ મને એમ થાય છે કે કહી દેવું જોઈએ એટલે એ તૈયારીમાં રહે."
“અરે તમે સમજતા કેમ નથી? આપણે એને કહેશું કે ત્યાં હેતલ એ તેના માટે ...."બોલતા મમ્મી અટકયા અને સીડી તરફ જોયું.રિમા ત્યાં નોહતી ઉભી.
   એ જોઈ મમ્મીને હાશકારો થયોને ધીમા અવાજે બોલી,"પ્લીઝ હવે જે જેમ ચાલે છે ચાલવા દ્યો..આપણે એને કોઈ જાતનો ફોર્સ થોડા કરીશું.એ બિલકુલ એની ઈચ્છા હશે.બસ એક કોશિશ કરી જોઈએ એનું એકલાપણુ દૂર કરવાની. એ ભલે ગમે એટલી બહારથી ખુશ દેખાય પણ અંદર એને જે વાત હેરાન કરે છે એ ભુલાવવી પણ જરૂરી છે.”આટલું બોલતા મમ્મીની આંખમાં પાણી આવ્યા અને એ જોઈને પાપા એ પણ દલીલ કરવાની છોડી દીધી.
    થોડો સમય વિચાર્યા બાદ પાપા બોલ્યા,"ભલે તારી ઈચ્છા બસ.પણ રિમા પર કોઈ જાતનું દબાણ ન કરે એ હેતલને ખાસ સમજાવી દેજે."
મમ્મી ખુશ થઈને બોલી પડ્યા," હા એ હું એને સમજાવી દઈશ."
****
રિમા તેના રૂમમાં એની ફેવરેટ જગ્યા પર ઉભી છે ,  બાલ્કનીની રેલિંગ પર હાથની કોણી ને ટેકો લઇને.પવન ફૂંકાતો હતો રિમાની પોનીના બંધન ને છોડી આગળથી થોડી લટ પવન સાથે લેહરવાનો આનંદ માણતી હતી અને કોઈ વિચારોમાં ખોવાયેલ ઉભી હતી.

      વિચારોમાં ખોવાયેલી રિમાને ઠંડા પવનને લીધે થોડી શરદી લાગી અને છીંક આવી.નાની એવી છીંકે રિમાને વિચારોમાંથી બહાર કાઢવા સફળ રહી.
રિમા રેલિંગથી દુર થઇ અને આંખના ખુણામાં આવેલ પાણીને આંગળી વડે સાફ કર્યા.એ છીંકને કારણે હતા કે યાદને કારણે એ જાણવું મુશ્કેલ હતું.
      ત્યારબાદ બાલ્કનીનો દરવાજો બંધ કરી રિમા કોમ્પ્યુટર સામે બેસી બેઠી અને ઓફિસનું કામ કરવા લાગી.એકને ફાઇલ ત્રણ વખત ઉથલાવી,ત્યારબાદ કમ્પ્યુટર સ્ટાર્ટ કર્યું.પણ કામમાં મન  ન લાગ્યું રિમાનું.રિમા કંટાળીને ઉભી થઇ અને રૂમમાં થોડા આંટા માર્યા.પાણી પીધું ,ફોન ફંફોડયો પણ અંતે તેનું મન કામ કરવા માટે ન માન્યું અને કામ પણ કરવું જરૂરી હતું.
    રિમાએ તેના બેગમાંથી ઇઅરફોન કાઢ્યા અને સાથે સાથે કામ પણ શરૂ કર્યું.
      જ્યારે વ્યક્તિ જિંદગીએ આપેલ ચુનૌતી અને દર્દથી કંટાળેને ત્યારે એ બધું ભુલાવવા એ કોઈ એવી આદતનો સહારો લે જે એને શાંતિ મેળવવામાં મદદ કરે.વધુ પડતા લોકો શાંતિ મેળવવા સ્વાસ્થ્યને હાનિકારક નશો કરવાનું શરૂ કરી દે અને ઘણા લોકો બીજો રસ્તો અપનાવી લે. અહીંયા રિમાએ બીજો રસ્તો અપનાવ્યો.
     મ્યુઝિક રિમા માટે એક નશાનું કામ કરતું.ગમે એ પરેશાની મુશ્કેલી દુઃખ કે ગમે એ સમસ્યા હોય.મ્યુઝિક સાંભળે એટલે તેનું મન હળવું થઈ જતું અને સાંભળતા સાંભળતા નીંદર પણ ખૂબ મીઠી આવી જતી.રિમાએ ઇઅરફોન કાનમાં  લગાડીને કામ શરૂ કર્યું..
***
   સીટી બેંકમાં મેનેજરના પોસ્ટ પર કામ કરતી રિમા પોતાના કામમાં બેસ્ટ અને વર્તનમાં પણ મેળ મિલાપ વાળી.પોતાના કામ સિવાય આલાતું ફાલતુ કોઈ પણ વાતને નકારી અને કોઈ પણ આડી અવળી જંજટથી દુર રહેતી.
    બેંકમાં સ્ટાફની મદદ કરતી,કોઈ પણ વાત કે સમસ્યામાં જુગાડ લગાડીને પૂરું કરતી રિમા બહાર જેટલી શાંત રહેતી એટલી જ અંદરથી પાગલ હતી પણ કોલેજ પછી રિમાએ પોતાની અંદર છુપાયેલી પાગલ રિમાને મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ કરાવી દીધી અને નોર્મલ રિમા બની જીવવા લાગી.
      બહારથી જોતા કોઈ પણ માણસને એમ જ લાગે કે રિમ નું જીવન પરફેક્ટ છે,રિમા પરફેક્ટ છે.પણ જ્યારે કોઈ પરફેક્ટ માણસ દેખાય એટલે સમજી લેવાનું કે તે પોતાની અંદર ઘણું બધું ભરીને બેઠા છે. જે એ લોકો બહાર કાઢી નથી શકતા. ,
     રિમાના પાપા પરેશભાઈ સરકારી કર્મચારી પણ ક્યારેય બીજા નંબરના પૈસાને સ્વીકાર્યો નથી.જેટલી લક્ષ્મી મળે એટલામાં સંતુષ્ટ રહે.રિમાની મમ્મી શીતલ બેન હાઉસવાઈફ,પતિ પરિવાર અને બાળકોનું પૂરતું ધ્યાન રાખટી. એક પરફેક્ટ હાઉસવાઈફ અને એનાથી છ વર્ષ નાની એની બહેન દિયા અને રિમાથી આઠ વર્ષ અને દિયાથી બે વર્ષ નાનો ભાઈ અભી.
    નાનપણથી જ મિડલ કલાસ વતાવણમાં ઉછરેલી રિમા માટે ફેમિલી એટલે પહેલી પ્રાયોરિટી.બસ એ જ શીખ્યું.સંસ્કારોથી ભરેલી 25 વર્ષની રિમા હવે ઉંમર પરણવા લાયક થઈ ગઈ.એટલે એના મમ્મી પાપા બસ હમણાંથી એક જ ચિંતામાં પડ્યા રહે છે.મમ્મી પાપા છોકરાઓ દેખાડ્યા કરે,રિમા કાંઈ વિચાર્યા વગર બસ ના પાડ્યા કરે.
*****
પ્રશ્ન બે છે અહીંયા.
મમ્મી પાપાએ દેખાડેલ દરેક છોકરાને વગર વિચાર્યે. રિમા કેમ ના પાડી દે છે અને કોલેજ બાદ રિમાએ તેની અંદર છુપાયેલ પાગલ રિમાને કેમ મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ કરાવી દીધી? એવું તો શું થયું હશે ?
જાણવા માટે વાંચતા રહો.
લવ , લાઈફ અને કન્ફ્યુઝન.