Mrugjal - 14 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | મૃગજળ - પ્રકરણ - 14

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

મૃગજળ - પ્રકરણ - 14

વહેલી સવારે વૈભવી રસોડામાં વ્યસ્ત હતી ત્યારે એનો ફોન રણકી ઉઠ્યો. કરણ હજુ સોફા પર બેસી સવારની ચાની ચૂસકી લેતો હતો. ચાનો કપ બાજુમાં મૂકી કરણે એનો ફોન લીધો. એ જાણતો હતો જરૂર કોઈ મહત્વનું કામ હશે એટલે જ કોઈએ એટલી વહેલી સવારે ફોન કર્યો હશે. એણે સ્ક્રીનમાં જોયું નંબર અજાણ્યો હતો, સેવ ન હતો.

"હેલો, કોણ?"

"ઇન્સ્પેકટર અમરનો હેલ્પર વિશાલ બોલું છું. તમારે સ્ટેશન પર હાજર થવું પડશે." સામેથી અવાજ આવ્યો.

"કેમ શુ થયું? વૈભવીએ બયાન આપી તો દીધું, હવે શું છે?"

કરણ છંછેડાઈ ગયો. કરણને પોલીસ જરાય ન ગમતી, કેમ કે પોલીસ ગુનેગારોને પકડે એના કરતાં વધારે નિર્દોષ માણસોને હેરાન કરે, સ્ટેશનના ધક્કા ખવડાવે અને કોઈને કોઈ વાતે ગભરાયેલું માણસ કંઈક ભૂલ કરે એટલે પછી એને દિવસો કે વર્ષો સુધી સ્ટેશનના ધક્કા ખાતું કરી દે! ઇન્સ્પેકટર મોટી આંખો બતાવી કડક અવાજે આડા અવળા નકામા સવાલ ફેરવી ફેરવીને પૂછ્યા કરે એવું ફિલ્મોમાં ઘણીવાર જોયું હતું.

"એ તો ઇન્સ્પેકટર જાડેજા સાહેબ કહેશે, તમે બસ મિસિસ વૈભવી શાસ્ત્રીને લઈને સ્ટેશન પર હાજર થાઓ, સાહેબ રાહ દેખે છે." વિશાલે કહ્યું.

"ઓકે." કહી ત્રાસી જઈ કરણે ફોન મુક્યો.

"શુ થયું કરણ?" વૈભવી રસોડામાંથી બહાર આવતા બોલી.

"આ પોલીસવાળા જેની તપાસ કરવાની છે એની નથી કરતા અને જેની નથી કરવાની એની કરે છે." કરણ કંટાળીને સોફામાં આડો પડ્યો.

"પ્લીઝ ચા બનાવી લાવ ફરી સ્ટેશન જવું પડશે વૈભવી."

વૈભવી થડકી ગઈ. એ તરત રસોડામાં ચાલી ગઈ. એ વિચારતી રહી કે પોલીસને જરૂર બધી ખબર પડી ગઈ હશે, હવે એ બધી વાત કરણને જાહેર કરશે, મારો સંસાર..... વૈભવીએ માંડ રડવાનું ખાળ્યું! તેના ચહેરા પરથી લાગી રહ્યું હતું કે તે આંસુ રોકવા પોતાની જાત સાથે સંઘર્ષ કરી રહી હતી. પણ કહેવાય છે ને કે ટીયર્સ નો ઇટ્સ ટાઈમિંગ, તેણીએ પોતાની હથેળીના પાછળના ભાગથી આંખના ખૂણા તો લુછવા જ પડ્યા!

"હાય, કરણ." ખુલ્લા દરવાજામાં ધવલ આવ્યો.

કરણ કાઈ બોલ્યો નહીં.

"શુ થયું કરણ?" એણે પૂછ્યું.

પણ કરણ કઈ બોલ્યો નહિ એટલે એ સમજી ગયો કે કારણ વગર કારણ આવકાર ન આપે એવું તો બને જ નહી! કરણની ચુપકીદી એને ઘણું કહી ગઈ હોય એમ એણે કરણના હાથમાંથી વૈભવીનો મોબાઈલ લઈ જોયું. છેલ્લે આવેલો ફોન નંબર કરણે પોલીસ સ્ટેશન લખીને સેવ કર્યો હતો. ધવલ એ જોતાં જ સમજી ગયો કે શુ થયું હશે, જે ચીજ ચુપકીદી પૂરું નહોતી સમજાવી શકી એ બધું જ કોલ લોગમાં દેખાતા એ પોલીસ સ્ટેશનના નંબરે કહી દીધું!

"શુ થયું છે કરણ?" કરણનો હાથ પકડી ધવલે દબાવ્યો.

"ધવલ, વૈભવી જ્યાં નોકરી કરતી હતી એનો ઓનર ગિરીશ, એનું મર્ડર થયું છે, અને પોલીસ વૈભવીને એકવાર બયાન લઈ ચુકી છતાં હજુ ફરી બોલાવે છે."

"ગિરીશનું મર્ડર?" ધવલે નવાઈથી પૂછ્યું

"હા મર્ડર."

“પણ એમાં એ લોકો વૈભવીનું બયાન શું કામ લે?”

"એ લોકો વૈભવીને શુ કામ બોલાવતા હશે એ જ નથી સમજાતું મને. વારંવાર પોલીસ વૈભવીનું બયાન કેમ લઈ રહી છે? વૈભવી તો એ દિવસે ઓફીસ ગઈ જ નહોતી!" કરણે કહ્યું.

"પોલીસની આદત હોય બધાને ધક્કા ખવડાવી કઈક મેળવી લેવાની બાકી ખૂની તો ક્યાંય આરામથી ચા પીતો હશે."

વૈભવી ચા લઈ આવી. ધવલે હાથ લંબાવી એક કપ લઈ લીધો.

"તમે જઈ આવો એ લોકો આડા અવળા બે ચાર સવાલ કરશે પણ તમારે જવાબ એક જ આપવાનો તો એ લોકો ફરી નહિ બોલાવે."

"હા જવું તો પડશે જ નહિતર એ લોકોનો શક વધારે મજબૂત થાય." કરણે કહ્યું.

"વેલ, તમે લોકો જાઓ, મારુ કોઈ કામ હોય તો કહેજો." કહી ધવલ ચા પુરી કરી નીકળી ગયો.

દરવાજા બહાર જઇ થોડી જ વારમાં ધવલ પાછો ફર્યો, "અરે યાર આ મોબાઈલ મારા હાથમાં જ રહી ગયો." કહી વૈભવીનો મોબાઈલ કરણને આપી એ ફરી નીકળી ગયો.

*

સ્ટેશન પહોંચતા જ વિશાલ વૈભવી અને કરણને એક રૂમમાં દોરી ગયો. ત્યાં નિતા, નિયતિ અને રાજેશ બેન્ચ ઉપર બેઠા જ હતા. દરેકનો ચહેરો ઉતરેલો હતો સિવાય કે રાજેશ.

એક ખૂણામાં દૂર મયંક બેઠો હતો. વૈભવી એને જોતા જ એની નજીક ગઈ. મયંક પણ એને જોતા જ 'દીદી' કહેતો ઉભો થઇ ગયો.

વૈભવીએ જોયું મયંકના ગાલ ઉપર આંગળીઓના નિશાન ઉપસી આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં કોઈ માણસના ગાલ ઉપર આંગળીઓના નિશાન જોતા કોઈ પણ સમજી જ જાય કે અહીં શુ થયું હશે. વૈભવી પણ એ બધું સમજી ગઈ. પણ એ કઈ બોલે એ પહેલાં જ મયંક રડી પડ્યો.

નિતા દોડી આવી. "વૈભવી મેમ, ઇન્સ્પેકટર જાડેજા માણસ છે કે નહીં!" એના મોઢામાંથી ઉદગાર અને ધિક્કાર સર્યા.

"મેં ચોરી કરી છે, પહેલા જ્યાં શાળામાં પ્યુન હતો ત્યાં પણ ચોરી કરી હતી." રડતો રડતો મયંક બોલ્યો. બધા એને જોઈ રહ્યા.

"મયંક, તું ચિંતા ન કર હું છું ને!" વૈભવી એનો હાથ પકડી બેન્ચ પાસે લઈ ગઈ, એને બેસાડ્યો.

કરણ પાણી લઈ આવ્યો. પાણી પી લઈ સ્વસ્થ થઈ મયંકે કહ્યું, "મેં ઘણી ચોરી કરી છે, તમારા પર્સમાંથી મેં કેટલી વાર પાંચસોની નોટો ઉઠાવી છે એ મને પણ યાદ નથી." મયંકની નજર નીચી થઈ ગઈ. કરણ સહીત બધા નવાઈ પામ્યા.

"તે ચોરી કરી જ નથી મયંક." વૈભવીએ હસીને કહ્યું.

"એટલે?" મયંકને પણ નવાઈ થઈ.

"એ બધા પૈસા હું પર્સમાં તારા માટે જ મૂકતી હતી, જેથી તારે બીજે ક્યાંય ચોરી ન કરવી પડે." વૈભવીએ સ્પષ્ટતા કરી.

મયંક એને જોઈ રહ્યો અને કરણ પણ.

"હા મયંક તે પહેલી જ વાર જ્યારે મારા પર્સમાંથી ચોરી કરી હતી ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કેમ કે હું તને જોઈ ગઈ હતી."

મયંક ફરી નીચું જોઈ ગયો! શરમથી જાણે પાણી પાણી થઈ ગયો હોય એમ બેસી રહ્યો!

"પણ મેં જોયું કે તે માત્ર ખપ પૂરતા જ પૈસા લીધા હતા. તું ધારોત તો એ દિવસે મારા પર્સમાં પાંચ હજાર રૂપિયા હતા એ બધા તું લઇ શક્યો હોત પણ તે માત્ર પાંચસો જ લીધા હતા. એ જોઈ મને સમજ પડી ગઈ કે તું ચોર નથી મજબુર છે કેમ કે ત્યારે હું પણ એવી જ કંઈક હાલતમાં હતી." કહેતા વૈભવીએ કરણ સામે જોયું, "હા કરણ એ બધા પૈસા હું નીલમ જોડેથી લેતી અને બપોરે ડોકટરને આપવા જતી."

ફરી વૈભવીએ મયંક તરફ ફરીને કહ્યું, "પણ મને ડર હતો કે જો તું ગિરીશની ચેમ્બરમાંથી ચોરી કરીશ તો તને પોલીસમાં પકડાવશે એટલે હું પર્સમાં પૈસા રાખતી માત્ર તારા માટે, પણ તું મહિનાના અંતે જ ચોરી કરતો એટલે પછી હું પણ મહિનાના અંતના દિવસોમાં જ એ પર્સમાં પૈસા રાખતી."

"દીદી.... તમે કેટલા ભલા છો!" ગળગળો થઈ મયંક વૈભવિના પગે પડી ગયો!

"અરે આ શું કરે છે તું!" વૈભવીએ એને તરત ઉભો કર્યો.

"દીદી, પગારમાં મારુ ઘર નહોતું ચાલતું, કરકસર કરતા કરતા પણ ઘરનું ભાડું, મારી મમ્મીની દવા, અને બીજો સામાન્ય ખર્ચ પહોંચી નહોતો વળાતો, અને મકાન માલીક દર મહિને એડવાન્સ ભાડું લેવા આવી જતો, ખૂટતા પૈસા હું ચોરી કરી લાવતો અને એને આપતો, પણ તમારા પર્સમાં ચોરી કર્યા પછી મને ફાવટ મળી ગઈ હતી. હું આસાનીથી કોઈ જોખમ વગર જ જરૂરી પૈસા તમારા પર્સમાંથી ઉઠાવી લેતો."

બધા સાંભળી રહ્યા, દરેકને મયંક પ્રત્યે સહાનુભૂતિ તો હતી જ, પણ બધી વાત સાંભળ્યા પછી ઓર દયા આવી હોય એમ સૌ એને જોઈ રહ્યા.

"કઈ વાંધો નહિ મયંક, તું હવે એક કામ કરજે વ્યાજ સાથે પરત કરજે." રાજેશે વાતાવરણ હળવું કરવા કહ્યું, "તું તો ભાઈ પ્રોફેશનલ થિફ છે હિસાબ તો રાખ્યો જ હશેને કુલ ચોરીનો?"

મયંક હસી પડ્યો. કરણ વૈભવીને જોઈ રહ્યો! એટલી સમસ્યાઓમાં જૂજતી વૈભવીએ મયંક માટે કેટલી તસ્દી ઉઠાવી! એની જગ્યાએ બીજું કોઈ હોય તો એવી પરિસ્થિતિમાં જ્યારે પોતાના જીવનમાં જ ઝંઝાવાત ચાલતો હોય ત્યારે બીજાને મદદ કરવી તો દૂર, વાત કરવી પણ ન ગમે કોઈ સાથે!

વાતાવરણ હળવું થયું ત્યાં રૂમમાં ઇન્સ્પેકટર અમર દાખલ થયો.

"મીસીસ વૈભવી તમે ચાલો મારી સાથે, જાડેજા સાહેબ બયાન લેવા બોલાવે છે."

વૈભવી ઉભી થઇ, મયંક તરફ ફરી, "તું જરાય ફિકર ન કરતો હું બધું કહી દઈશ. તને હમણાં આ જ પળથી આ પોલીસવાળા હાથ નહિ લગાવે એની ખાતરી હું આપું છું." કહી વૈભવીએ ઇન્સ્પેકટર અમર તરફ જોયું - ધિક્કારથી!! અને ઇન્સ્પેકટર જાડેજાની રૂમમાં દાખલ થઈ ગઈ.

વૈભવી જરા પણ ગભરાહટ વગર ચેરમાં ગોઠવાઈ ગઈ. ટેબલ ઉપરની રિવોલ્વર ઉપર એક નજર કરી.

સિગારેટ કેસમાંથી સિગારેટ પસંદ કરતાં ઇન્સ્પેકટર જાડેજાએ સિગારેટ સળગાવી, એક ઊંડો કસ લઈ ધુમાડાના વલય છોડ્યા. પણ એ બોલવાની શરૂઆત કરે એ પહેલાં જ વૈભવીએ કહ્યું, "ઇન્સ્પેકટર મયંક એક ગરીબ છોકરો છે અને એણે કોઈ ચોરી નથી કરી. મેં જ એના માટે મારા પર્સમાં પૈસા મુક્યા હતા કેમ કે દેખીતી રીતે જ વારંવાર પૈસા માંગતા કોઈ પણ વ્યક્તિને શરમ આવે."

"મેં તમને અહીં કોણ દોષિત છે અને કોણ નિર્દોષ એ પૂછવા નથી બોલાવ્યા મિસિસ વૈભવી શાસ્ત્રી." ઇન્સ્પેકટર જાડેજાએ વધુ કડક સ્વરે કહ્યું.

ઇન્સ્પેકટર અમર ઇન્સ્પેકટર જાડેજાના શબ્દે શબ્દે વૈભવીનો ચહેરો જોઈ રહ્યો. જો કે મયંક અને વૈભવી વચ્ચે થયેલી એક એક વાત એણે બહાર દરવાજે ઉભો રહી સાંભળી ચુક્યો હતો એટલે એને મયંક માટે થોડી દયા ઉપજી હતી.

"જે દિવસે ગિરીશનું ખૂન થયું એના આગળના દિવસે તમે ઓફિસથી એકાએક કેમ ચાલ્યા ગયા?"

વૈભવી ઇન્સ્પેકટર જાડેજાના એ સીધા જ સવાલથી હેબતાઈ ગઈ પણ એ જાણતી હતી કે જો ઢીલું મુકીશ તો ઇન્સ્પેકટર જાડેજા ચડી બેસશે કેમ કે એણે મયંકને ઢોરની જેમ માર્યો હતો. એ સમજી ગઈ હતી કે પોલીસ માણસાઈની હદ વટાવતા વાર નથી કરતી. તમે કેટલા નિર્દોષ છો એ પોલીસ જોતી નથી.

"મારી તબિયત સારી નહોતી ઇન્સ્પેકટર."

"તબિયત સારી નહોતી કે પછી ગિરીશ સાથે કોઈ વિવાદ થયો હતો?" જાડેજાએ કાગળની એક ચબરખીમાં નજર નાખી કહ્યું.

"મારે શું વિવાદ હોય? હું પગારદાર નોકરિયાત છું. હું મારા કામથી કામ રાખું છું."

"વેલ તમારો પગાર તમને ક્યારે મળે છે? એટલે કે દર મહિને મળી જતો?"

"હા દર મહિને પગાર સમયસર મળી જતો." વૈભવીને ખબર નહોતી કે ઇન્સ્પેકટર જાડેજાના સીધા સવાલોમાં એ ફસાઈ જવાની હતી એટલે એ જવાબ આપ્યે ગઈ.

"તો તમારે ગિરીશ પાસે કોઈ લેણું તો નહીં જ હોય ને?"

"ના ઇન્સ્પેકટર, ઉલટાનું મેં એકાદ બે વખત એડવાન્સ લીધી હતી."

"તો પછી આ પાંચ લાખનો ચેક તમારા નામ પર કેમ લખાયો છે મિસિસ વૈભવી શાસ્ત્રી?" ઇન્સ્પેકટર જાડેજાએ ચેક ટેબલ ઉપર સરકાવ્યો.

ચેક જોઈ વૈભવી થડકી ગઈ. ઇન્સ્પેકટર અમર એના એક એક હાવભાવ જોઈ રહ્યો.

"એ.... એ મને... મને કાઈ ખબર નથી." વૈભવી ખચકાતી હતી.

"તમારા નામ ઉપર ચેક લખાયો છે અને તમને ખબર પણ નથી?"

"કદાચ મારા બેંકમાં એ ચેક જમા કરાવી ગિરીશ કોઈને પેમેન્ટ કરવાના હશે, મને જાણ કરવાના હશે પણ હું એ દિવસે ગઈ નહોતી એટલે એણે મને બીજા દિવસે આપવાનું વિચાર્યું હશે પણ એ દિવસે સાંજે જ એનું ખૂન થયું એટલે એ ચેક વિશે મને કોઈ માહિતી નથી."

"મેં બી ઓર મેં બી નોટ!" એક કોન્ટ્રોવર્સી વાક્ય બોલી જાડેજાએ અમર સામે જોયું. અમરે ઈશારો કર્યો.

"વેલ તમે બીમાર હતા એટલે ઓફિસથી નીકળી ગયા પણ હોસ્પિટલમાં હતા એની ખાતરી તમારા પતિ સિવાય કોઈ આપી શકે?"

"ડૉક્ટ...."

"ડોકટર તો જેવા જોઈએ એવા અને જેટલા જોઈએ એટલા બિલ આપે છે." ઇન્સ્પેકટર જાડેજાએ વૈભવીને વચ્ચે જ અટકાવી દીધી, "આજ કાલ તો ડોકટરો સ્કૂલમાં વધુ રજા પાડનાર બાળકોને પણ સર્ટિફિકેટ આપી દે છે. ટાઈફોડ, મલેરિયા વગેરે વગેરે...."

"ડોકટર સિવાય નિતા, નિયતિ અને રાજેશ પણ એ બધું જાણે છે ઇન્સ્પેકટર."

"હા પણ એ લોકો તમારી ખબર લેવા ઘરે આવ્યા હતા હોસ્પિટલ નહિ. શક્ય છે કે તમે બીમાર થવાનું નાટક કર્યું હોય."

જાડેજા બધી તપાસ કરીને જ આવ્યા છે એ ખાતરી થઇ જતા વૈભવીએ જરાક વિચારવું પડ્યું.

"એ લોકો સિવાય નીલમ અને નયન ભાઈ પણ હોસ્પિટલ આવ્યા હતા. તમે એ લોકોને પણ પૂછી શકો છો."

ઇન્સ્પેકટર જાડેજા ઘડીભર ચૂપ રહ્યો અને વૈભવીને બીજા રૂમમાં લઈ જવા કહ્યું. ઇન્સ્પેકટર અમર વૈભવીને બાજુના રૂમમાં લઈ ગયો. કરણ, નિતા, નિયતિ, રાજેશ અને મયંક તેના પછીના બીજા રૂમમાં હતા.

અમર પાછો ફર્યો એટલે જાડેજાએ ઈશારો કર્યો. એ સામેની તરફના રૂમમાં ગયો અને નર્મદા બહેનને લઈ આવ્યો. એમને ઇન્સ્પેકટર જાડેજા સામે ચેરમાં બેસવા કહી ફરી પોતે પોતાની ચેરમાં ગોઠવાઈ ધ્યાનથી સાંભળવા લાગ્યો.

"વૈભવિ તમારી દીકરી એકની એક છે?" ઇન્સ્પેકટર જાડેજાએ પૂછ્યું.

"એક દીકરો હતો પણ એ ગુજરી ગયો." નર્મદાબહેને કહ્યું.

"આઈ એમ સોરી પણ તમને મારે પ્રશ્નો પૂછવા પડશે."

"પૂછો ઇન્સ્પેકટર પણ થયું છે શું?"

"ખૂન...." એકદમ ગભરાવી નાખવા ઇન્સ્પેકટર જાડેજાએ સીધી જ વાત કહી.

"ખુન.....? કોનું....????" નર્મદા બહેનના અવાજમાં સહેજ ગભરાહટ હતી પણ જમાનાને જીરવી ગયેલા નર્મદા બહેન માટે એ ખૂન શબ્દ વધારે ચોંકાવનારો નહોતો.

"વૈભવી જ્યાં નોકરી કરે છે એના માલીક ગિરીશનું."

"ઇન્સ્પેકટર તમે ભલે તપાસ કરો પણ એક વાત કહી દઉં કે મારી દીકરી ખૂન ન કરી શકે."

"તમને પૂરો ભરોશો છે?"

"હા ઇન્સ્પેકટર, વૈભવીએ આજ સુધી મને પૂછ્યા વગર કોઈ કામ કર્યું જ નથી એટલે એને ક્યારેય ખૂન કરવાની જરૂર પડે જ નહીં, એ કોઈ એવી વાતમાં માથું મારે જ નહીં."

"બધું જ તમને પૂછીને કરે છે?" ઇન્સ્પેકટર જાડેજાએ ફરી એ સવાલ કર્યો.

"હા ઇન્સ્પેકટર."

"વેલ તમે થોડીવાર બેસો, મારે તમારી જરૂર પડશે." કહી ફરી જાડેજાએ અમરને ઈશારો કર્યો.

ઇન્સ્પેકટર અમર ફરી નર્મદા બહેનને એ જ રૂમમાં લઈ ગયો. અમર આવ્યો એટલે ઇન્સ્પેકટર જાડેજાએ બહારથી કોન્સ્ટેબલને બોલાવી નાસ્તો મંગાવ્યો.

કોન્સ્ટેબલ સામેથી સમોસા અને ઠંડા પીણા લઈ આવ્યો. ટેબલ ઉપર ડીસ તૈયાર કરી.

“સર હવે કરણને બોલવું કે?” અમરે પૂછ્યું.

“ના અમર.” જાડેજાએ ઘડિયાળમાં જોઇને કહ્યું, “હજુ તો બપોરના બાર થયા છે, એ લોકોને સાંજ સુધી ભૂખ્યા રાખવાના છે, આ રૂમથી પેલા રૂમમાં ધક્કા ખાશે ત્યારે જ એ લોકો ઢીલા પડશે.”

“મને તો ઇન્સ્પેકટર જાડેજા સાહેબ કે ઇન્સ્પેકટર અમર સર એક પણ સમજાતા નથી.” વિશાલે સમોસો ઉઠાવતા કહ્યું.

“મને પણ.” યાકુબે ટાપસી પૂરી.

“એટલે જ અમે ઇન્સ્પેકટર છીએ અને તમે હેલ્પર.” ઇન્સ્પેકટર જાડેજાએ હસતા હસતા ઠંડા પીણાની બાટલી ખોલી.

“પણ સાહેબ, બધાથી વધારે મજા તો સબ ઇન્સ્પેકટર અમરને જ.” યાકુબે કહ્યું.

“એ કઈ રીતે?” વિશાલે પૂછ્યું.

ઇન્સ્પેકટર અમર ચુપ રહ્યો એ એના વિચારોમાં ગૂંચવાયેલો લાગતો હતો.

“અરે, લખવાનું બધું આપણે, ઘરે ઘરે ફરવાનું આપણે, ક્રીમીનલને પકડવાની જવાબદારી જાડેજા સાહેબની, અમર સરને તો બસ સાંભળવાનું અને શક્યતા બતાવવાની.” યાકુબે છેલ્લું સમોસું ઉઠાવ્યું.

“શું ધૂળ મજા છે અમર સરને?” વિશાલે પોતાની બેઠક પર ફરી ગોઠવાતા કહ્યું.

“કેમ ભાઈ?” યાકુબે પોતાની ચેરમાં પીઠ ટેકવતા ઓડકાર ખાધો.

“એ તો જયારે મુઠભેડ હોય કે કોઈ માફિયાના અડ્ડા પર જવાનું હોય ત્યારે પહેલી ગોળી સબ ઈન્સ્પેક્ટરને જ ખાવાની હોય.” વિશાલે ઇન્સ્પેકટર અમર તરફ જોઈ કહ્યું અને જાણે ઇન્સ્પેકટર જાડેજાનો ઈગો હર્ટ કરી બેઠો હોય એમ તરત ઉમેર્યું, “જયારે ઇન્સ્પેકટર જાડેજા સાહેબ હાજર ન હોય ત્યારે.”

વિશાલને ખબર હતી કે ઇન્સ્પેકટર જાડેજા છેક જ ઘમંડી માણસ હતો. જો એ નારાજ થાય તો સ્ટેશનથી વિદાય પણ આપી દે!!

ઇન્સ્પેકટર જાડેજાને એ બધી ચર્ચા ન ગમી હોય એમ એણે યાકુબે ટપકાવેલા આજના અને અગાઉના મુદ્દાઓ પર નજર કરીને ફરી કરણને લાવવા કહ્યું.

કરણને લાવતા પહેલા અમરે વિશાલને ઈશારો કરી દીધો હતો. કરણ દાખલ થયો, ચેરમાં બેઠો કે તરત જાડેજાએ પૂછ્યું, "મી. કરણ તમે વૈભવીને ક્યારથી ઓળખો છો?"

"ત્રણ વર્ષથી." કરણે ટૂંકમાં જવાબ આપ્યો.

અમરે એ નોંધ્યું કેમ કે ખાસ લવ મેરેજના કિસ્સામાં પોલીસ એ સવાલ કરે ત્યારે લગભગ વ્યક્તિ એમ જ કહે છે કે તેઓ કોલેજમાં મળ્યા હતા ત્યારથી ઓળખાણ થઈ અને પછી અમારા લગ્ન થયા. પણ કરણે ટૂંકમાં જ કહ્યું એટલે અમરે એક બાબત નોંધી લીધી કે કરણ એ પૂછપરછથી નારાજ હતો, બીજી વાર સ્ટેશન બોલાવવામાં આવ્યા એ બાબતે કરણ ત્રાસી ગયો હતો અને એટલે જ ઇન્સ્પેકટર અમરને થયું કે કરણ વૈભવીને એમાં તદ્દન નિર્દોષ સમજે છે.

"વેલ, વૈભવી નોકરી કરે એ તમને કેટલું પસંદ હતું?"

"ઇન્સ્પેકટર, એ મારા ઘરનો મામલો છે એને કેસથી કોઈ મતલબ નથી."

"મને કાયદો ન શીખવો મી. કરણ હું તમને દરેક પ્રશ્નનો ઉતર આપવા ફરજ પુરી પાડી શકું તેમ છું." જાડેજા ઊંચા અવાજે બોલ્યો.

"તો પછી એ બધા સવાલોના જવાબ વકીલ અને કોર્ટ મારફતે મળી જશે." કરણ પણ હવે વધુ સહન કરવા તૈયાર ન હતો.

"વૈભવી ક્યાં છે? તમારા સવાલ જવાબ પુરા થયા હોય તો તમને એ જાણ કરી દઉં કે વૈભવી બીમાર છે, એની માનસિક સ્થિતિ ઠીક નથી ઇન્સ્પેકટર."

"કેમ?"

ના છૂટકે કરણે નંદશંકરની વાત ઇન્સ્પેક્ટરને કહી સંભળાવી.

વાત સાંભળી ઇન્સ્પેકટર જાડેજાએ કહ્યું, "તમે બહાર બેસો, હું થોડી વધુ તપાસ કરીને તમને છુટ્ટા કરીશ."

કરણ ગયો એટલે વિશાલ નયન અને નિલમને લઈને પાછળના બારણેથી પ્રવેશ્યો.

ઇન્સ્પેકટર જાડેજાએ નયન અને નિલમને સામાન્ય પૂછપરછ કરીને જવા કહ્યું પણ નીલમ અને નયન બંનેએ કરણને મળવાનો આગ્રહ કર્યો, એટલે ઇન્સ્પેકટર જાડેજાના ઈશારે વિશાલ એ બંનેને બહારના રૂમમાં જ્યાં નીતા, રાજેશ, કરણ, નિયતિ એ બધા હતા ત્યાં લઈ ગયો.

એ લોકોના ગયા પછી ઇન્સ્પેકટર જાડેજાએ ફરી નર્મદા બહેનને બોલાવવા કહ્યું.

હવે ઇન્સ્પેકટર અમર પૂછ્યા વગર ન રહી શક્યો, "સર, કેમ બધાને એટલા...."

"અમર આ લોકોને ભૂખ્યા તરસ્યા રાખીએ, વારંવાર ધક્કા ખવડાવીએ તો જ એ લોકો બોલે નહિતર એ બધા ન બોલે. આ માણસ જાત છે."

ઇન્સ્પેકટર અમરને ગમ્યું ન હોય તોય એ ભાવ ચહેરા ઉપર આવવા ન દઈને એ નર્મદા બહેનને લઈ આવ્યો.

"તો વૈભવી બધું તમને પૂછીને જ કરે છે એમ?" ઇન્સ્પેકટર જાડેજાએ સિગારેટ સળગાવી એજ સવાલ ફરી કર્યો.

"હા ઇન્સ્પેકટર ત્રીજી વાર પણ મારો જવાબ એ જ છે." નર્મદા બહેન હસ્યા.

"તો મને જણાવશો કે તમારા પતિ અત્યારે ક્યાં છે?" જાડેજાએ દુઃખતી નસ દબાવી હોય એમ નર્મદા બહેન ઊંચા નીચા થઈ ગયા. અમરને હવે સમજાયું કે જાડેજા કેમ એક પછી એક બધાને બોલાવી માહિતી કઢાવતા હશે.

"તમને આ સફેદ સાડી નથી દેખાતી ઇન્સ્પેકટર?" નર્મદા બહેન ગંભીર થઈને બોલ્યા.

"દેખાય છે એટલે જ પૂછ્યું મેં, કેમ કે તમારા પતિ એક હોસ્પિટલમાં દાખલ છે અને એમની દવા માટે તમારી આજ્ઞાંકિત દીકરી વૈભવી ખોટી રીતે પૈસા કમાવા ગઈ છે તેમજ એમાં ખૂન પણ કરી બેઠી છે."

માત્ર નર્મદા બહેન જ નહીં પણ ઇન્સ્પેકટર અમર પણ એ વાત સાંભળીને ચોકી ગયો હતો. કેમ કરતા એણે પોતાના હાવભાવ છુપાવ્યા એ તો કુદરત જાણે!!

"મારો પતિ? વૈભવી? પૈસા? ખુન?" નર્મદા બહેન જાણે પાગલ થઈ ગયા હોય એમ બેસી રહ્યા. એના પછી પોતાને પુછાયેલ એક પણ સવાલ પોતે સાંભળ્યો જ ન હોય એમ એ ચૂપ બેસી રહ્યા.

ઇન્સ્પેકટર અમર એમને લઈ ગયો. રૂમમાં લઈ જઈ એમને પાણી આપ્યું.

ઇન્સ્પેકટર જાડેજાએ ફરી એક સિગારેટ સળગાવી થોડીવાર કઈક વિચાર્યું અને કરણને અંદર બોલાવ્યો.

"મી. કરણ તમારી વાઈફ એટલે કે વૈભવી નોકરી કરે છે એ તમને પસંદ ન હતું એ સવાલનો જવાબ તમે આપવા તૈયાર ન હતા પણ એ સવાલ ઉપર મારા કેસનો આધાર હતો જે મેં બીજે ક્યાંયથી શોધી કાઢ્યો છે, તમારી વાઈફ ખૂની છે."જાડેજાએ સીધું જ કહ્યું.

"આ શું કહો છો તમે?" કરણ ઉભો થઇ ગયો.

"એમાં કઈ મારા ઘરનો મસાલો નથી તમારી વાઇફને ગિરીશ સાથે ખરાબ સંબંધો હતા."

"ઇન્સ્પેકટર...." કરણે ત્રાડ પાડી અને ઇન્સ્પેકટર જાડેજા તરફ ધસ્યો પણ યાકુબ અને વિશાલે એને પકડી લીધો.

"તમારો ગુસ્સો જાયદ છે મી. કરણ. હું તમારી જગ્યાએ હોઉં તો એ જ કરું." જાડેજાએ ઈશારો કર્યો એટલે યાકુબ અને વિશાલે પકડ ઢીલી કરી.

"મી. કરણ આ રહ્યું એનું પ્રુફ." કહી ઇન્સ્પેકટર જાડેજાએ ચેક કરણના હાથમાં આપ્યો.

કરણે ચેક ઉપર નજર કરી, રકમ, નામ, સહી બધું જોતા કરણ ખુરશીમાં ફસડાઈ પડ્યો. એ સાવ ભાંગી પડ્યો. તો આ છે પ્રેમ? આ છે વૈભવીની હકીકત? આ છે એની કિંમત? કરણ ટેબલ પર માથું પછાડવા લાગ્યો.

પોલીસ સ્ટેશનમાં ખરો ખેલ જામ્યો હતો. એક મૃગજળની પાછળ બધા દોડી રહ્યા હતા, પણ નજીક જતા જ બધુ અદ્રશ્ય થઈ જાય !! ઇન્સ્પેકટર અમર કરણને નર્મદા બહેન પાસે લઈ ગયો.

ઇન્સ્પેકટર જાડેજાએ ફરી વૈભવીને બોલાવી.

"મિસિસ વૈભવી શાસ્ત્રી, તમારે પૈસાની જરૂર હતી ખરું?"

વૈભવી કાઈ બોલી નહિ એટલે ફરી જાડેજાએ કહ્યું.

"તમારા પિતાજીની દવા માટે."

"હા ઇન્સ્પેકટર તમે બધું જાણો જ છો તો પછી શું કામ પૂછો છો?"

"કેમ કે હું તમારા મોઢે એ સાંભળવા માંગુ છું કે આ પાંચ લાખનો ચેક ગિરિશે તમારા નામે કેમ લખ્યો?" જાડેજા ચેરમાંથી ઉભો થઈ વૈભવી ઉપર તાડુક્યો.

"મને નથી ખબર ઇન્સ્પેકટર." વૈભવી ગભરાઈને બોલી.

"તો પછી જે દિવસે ખુન થયું એ દિવસે સાંજે તમે ગિરીશની ઓફિસમાં કયા કામથી ગયા હતા?" ઇન્સ્પેકટરે ફરી ઊંચા અવાજે કહ્યું.

"હું... હું બસ હવે પછી નોકરી નથી કરવાની એ કહેવા જ ગઈ હતી." વૈભવી માંડ બોલી શકી.

"અને ગિરિશે તમને બ્લેક મેઈલ કરવાની કોશિશ કરી." ઇન્સ્પેકટર જાડેજાએ કહ્યું.

"એ.... એ મને શું કામ બ્લેક મેઈલ કરે?" વૈભવી ચોકી ગઈ.

"કેમ કે તમારા બે વચ્ચે નાજાયજ સંબંધો હતા. પૈસા માટે તમે ગિરીશનો બિસ્તર ગરમ કરતા અને જ્યારે તમે પૂરતા પૈસા પડાવી લીધા ત્યારે તમે ઇનકાર કર્યો અને ઓફીસ છોડીને નીકળી ગયા. તમારા મનમાં ડર હતો કે જો આ બધું મારા પતિને ખબર પડશે તો એ મને કાઢી મુકશે એટલે તમે સ્ટ્રેસમાં આવી ગયા. તમને ચક્કર આવવા લાગ્યા અને તમે માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયા. બીજા દિવસે તમને ગિરિશે બ્લેક મેઈલ કરવા બોલાવ્યા અને તમે ઓફીસ બહાર નીકળી ગયા. તમે બહાર જઈને ગિરીશને એસ.ટી.ડી.માંથી ફોન કર્યો અને કેમેરા બંધ કરવા કહ્યું, ગિરીશને ફરી તમે આ સુંદર શરીરની લાલચ આપી એટલે એણે કેમેરા બંધ કર્યા. તમે ફરી ઓફિસમાં દાખલ થયા. ગિરીશને તમે પાછળના ચેમ્બરમાં જવા કહ્યું અને એના ડ્રોવરમાંથી ગિરીશની ગન લીધી અને સીધા જ જઈને એને ગોળી મારી દીધી. રૂમાલથી તમે ગન પરના ફિંગરપ્રિન્ટસ નાબૂદ કર્યા અને એના હાથમાં જ ગન લગાવી દીધી." એક જ શ્વાસે બધું બોલી ઇન્સ્પેકટર જાડેજાએ ટેબલ ઉપર હાથ પટક્યો.

"કરણ.... કરણ...." નામ એના મનમાં ગુંજી ઉઠ્યું. આંસુ એની આંખમાંથી ધસમસી આવ્યા.

"હા ઇન્સ્પેકટર મેં જ ખૂન કર્યું છે, હું ગુનેગાર છું બસ તમારે આ બધું કોઈને એટલે કે કરણને કહેવું નહિ." અવાજ એના આંસુઓથી ભીંજાઈને આવતો હતો.

વૈભવી બસ એટલું જ બોલી શકી. ધ્રુસકે ધ્રુસકે એ રડી પડી. પોતાની એક ભૂલ ઉપર આ બધું થયું એ અફસોસ કરતી રહી. પારાવાર વેદના એના મનમાં એના હ્ર્દયમાં થઈ રહી અને આખરે એ મૂર્છિત થઈને ઢળી પડી.

( ક્રમશ: )

***