નો-રીટર્ન-૨
ભાગ-૫૦
અમે એમેઝોન રેઇન ફોરેસ્ટ રિઝર્વ એરીયામાં પ્રવેશી ચૂકયાં હતાં. આ ફોરેસ્ટ વિસ્તાર સમગ્ર દુનિયાનાં તમામ વન વિસ્તારને આપસમાં સાંકળવામાં આવે તો તેનાંથી પણ બે ગણાં મોટા વિસ્તારમાં ફેલાયેલો છે. દુનિયાનાં એક તૃતિયાંશ(૧/૩) જીવો અહીં વસે છે. જેમાનાં કેટલાક તો અતી દુર્લભ છે જેનાં વિશે કયારેય કોઇએ સાંભળ્યું પણ નહીં હોય. એવા રહસ્યમય જીવો આ જંગલમાં જોવા મળે છે. આજથી લગભગ સાડા પાંચ કરોડ વર્ષ પહેલાં એમેઝોનનાં જંગલો અસ્તિત્વમાં આવ્યા હોવાનું મનાય છે. એમેઝોન એક ગ્રીક શબ્દ છે જેનો મતલબ ફિમેલ વોરીયર અથવા લડાકું મહિલા એવો થાય છે. આ જંગલ વિસ્તાર અંદાજે ૫૫(પંચાવન) લાખ વર્ગ કિલોમીટરનાં એરીયામાં ફેલાયેલો છે. જે કુલ ૯(નવ) દેશોને પોતાનાંમાં આવરી લે છે. આ જંગલોનો ૬૦% હિસ્સો તો એકલા બ્રાઝિલમાં જ છે. તમે આ રેઇન ફોરેસ્ટને પૃથ્વીનું ઓક્સિજન હાઉસ પણ કહી શકો છો. કારણ કે પૃથ્વીનાં વાતાવરણનો ૨૦% જેટલો ઓક્સિજન તો એકલું એમેઝોનનું આ જંગલ જ પુરો પાડે છે. અહીં ચારસો અરબથી પણ વધુ વૃક્ષો છે જેમાં સત્તર હજારથી પણ વધું વિવિધ વૃક્ષોની પ્રજાતીઓ છે.
પૃથ્વીને આજનાં સમયમાં જીવંત અને ધબકતી રાખવામાં આ જંગલ વિસ્તારોનો બહું મોટો ફાળો છે. જો પૃથ્વીનાં નક્શા ઉપરથી એમેઝોનનાં જંગલો હટાવી લેવામાં આવે તો માત્ર થોડા વર્ષોમાં જ સમસ્ત માનવ સભ્યતા રસાતાળ તરફ ખેંચાઇ જાય એ હકીકતને વૈજ્ઞાનિકો પણ નકારી શકતાં નથી. એમ સમજો કે એમેઝોન છે તો આપણે છીએ...
આ અતી દુર્ગમ ગણાતા જંગલોમાં ૪૦૦(ચારસો) થી પણ વધું આદી જનજાતિઓ વસે છે. તેમાંની કેટલીક જાતીઓ આપણી માનવ સભ્યતાઓ સાથે ભળી ચુકી છે જ્યારે અમુક જાતીઓ આજે પણ બાહરી દુનિયા સાથે કોઇ સંબંધ ધરાવતી નથી. એક અનુમાન પ્રમાણે અને રિસર્ચ પ્રમાણે આશરે ચાલીસ લાખથી પણ વધું લોકો આ જંગલોમાં રહે છે. તેમાંનાં મુળ જંગલનાં નિવાસીઓ આજે પણ આદિપૂર્વનું જીવન વિતાવે છે. તેમનાં પોતાનાં કબીલાઓ છે, રીત રીવાજો અને માન્યતાઓ છે. તેઓ ભલે વિકસીત નથી, પરંતુ ખુદ પોતાની જ એક મહાન સભ્યતા ધરાવે છે, અને જંગલનાં નૈર્સગિક જીવન સાથે તેઓ ખુશ છે.
એવું નથી કે અહીં વસતાં બધાં જ આદિ માનવીઓ સારા છે...! કેટલાક કબીલાઓ અને તેમાં વસતા લોકો અતી જંગલી, હિંસક અને ખતરનાક પણ છે. તેમની જંગલી પરંપરાઓ, ક્રુર રીતી રિવાજો, ભયાનક અંધશ્રધ્ધાઓ તેમને જાનવરની કક્ષામાં મુકે છે. અરે... કેટલાક કબીલાઓ તો માનવ ભક્ષક પણ છે. ભુલેચૂકે અહીં આવી ચડતો માનવી કયારેય પાછો જીવીત જતો નથી. તેઓ તેને મારીને ખાઇ જાય છે. એવા કબીલાઓ અને કબીલાનાં માનવો ભયાનક રીતે હિંસક અને ક્રુર છે. તેઓનાં વિસ્તારની હદમાં તો કોઇ હિંસક પ્રાણી પણ ફરકતું નથી એટલાં તેઓ ખૂંખાર ગણાય છે.
આ જંગલોનો બીજો ખજોનો એમેઝોન નદી છે. એમેઝોન નદી એન્ડીસની વિશાળ પર્વતમાળાઓમાંથી નિકળી સમગ્ર એમેઝોનમાં પથરાયેલી છે. નાઇલ નદી પછી વિશ્વની બીજા નંબરની લાંબી એમેઝોન નદી છે. એ તો ઠીક, પરંતુ પાણીનાં જથ્થાનો જો હિસાબ માંડવામાં આવે તો... મતલબ કે પાણીની કવોન્ટીટીનાં હિસાબે વિશ્વની સૌથી મોટી એમેઝોન નદી જ છે. એમેઝોનનાં વર્ષા વનોમાંથી પસાર થતી આ નદી સાથે બીજી સો(૧૦૦)થી પણ વધુ સહાયક નદીઓ આવીને ભળે છે. આમ તેનો પાણીનો જથ્થો સતત વધતો જ રહે છે. આ નદીમાં જેટલાં પ્રકારનાં જળચરો હશે એટલાં જળચરોનાં પ્રકારો વિશ્વમાં બીજે કયાંય તમને જોવા નહીં મળે. એનાકોન્ડા જેવા વિશ્વનાં સૌથી લાંબા અને વિશાળ સર્પની પ્રજાતી ફક્ત એમેઝોન નદીનાં આસપાસનાં જ ઇલાકામાં વસે છે. વિશાળકાય મગરો... ઘડીયાલો.... દુનિયાનાં સૌથી ઝેરીલા ગણાતા સર્પો... ઝેરી દેડકાઓ.... વિચિત્ર પ્રકારની માછલીઓ.... અને એવા કેટલાય ભયાનક જળચરોનું નિવાસસ્થાન એમેઝોન નદી છે.
અને જંગલ વિસ્તાર....! અતિ દુર્ગમ અને ગીચ. જ્યાં એક વખત કોઇ માનવી અટવાઇ જાય પછી તેનાં જીવીત બહાર નીકળવાનાં ચાન્સ ઝીરો બરાબર મનાય છે. ઉંચા-ઉંચા ગગન આંબતા વૃક્ષો એટલાં ઘેઘુર હોય છે કે ત્યાંની જમીને વર્ષોથી સૂર્ય પ્રકાશનો સ્પર્શ ભાળ્યો નહીં હોય. સૂર્ય પ્રકાશની ગેરહાજરીમાં દિવસનાં સમયે પણ જંગલનાં અમુક વિસ્તારો ઘોર અંધકારમય રહેતાં હોય છે. આવા વાતાવરણમાં ત્યાંની વનસ્પતિઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા કીટ ભક્ષણ ઉપર આધાર રાખે છે. ત્યાં તરેહ તરેહનાં ચિત્ર-વિચિત્ર જીવ જંતુઓ સતત ઉદ્દભવતાં રહે છે. અને પોતે જીવિત રહેવા બીજા જીવોનું ભક્ષણ કરતાં રહે છે. આ સર્વાઇવલની લડાઇ હજ્જારો વર્ષોથી જંગલમાં અવિરત ચાલતી રહેતી હોય છે. જંગલમાં એવા તો કેટલાય ભાગો છે જ્યાં આજે પણ આધુનિક માનવી પહોંચી શકયો નથી. આટ આટલી આધૂનીક રોબોટીક મશીનરી વિકસાવી હોવા છતાં એમેઝોન જંગલોનાં ઘણાખરા ભાગો માનવ સ્પર્શથી હજું સુધી વંચીત રહયા છે એ પણ આશ્ચર્યજનક ઘટના ગણી શકાય. એક રીતે તો એ ઘણુ સારું પણ છે. કારણકે જ્યાં જયાં સભ્ય ગણાતા માનવીએ પગપેસારો કર્યો છે ત્યાં-ત્યાં તેણે પ્રકૃતિનું નિકંદન જ વાળ્યું છે.
છતાં આજે પણ એમેઝોનનું જંગલ અતી દુર્ગમ ગણાય છે. અમારે આ ભયંકર અને વિષમ જંગલોની ખાક છાણવાની હતી. એ પણ એક લોકવાયકામાં વહેતાં શપિત ખજાનાની ખોજમાં...! અને અમારી સાથે એવાં ખૂંખાર માણસોનો કાફલો હતો જે વિના વિચાર્યે કોઇનું પણ કયારે પણ ઢીમ ઢાળી દઇ શકે.
સ્ટેટ ઓફ રેન્ડોનીયા અમારો આખરી યોગ્ય મુકામ હતો. અહીથી જ જંગલોની વિષમતા શરૂ થતી હતી. એમેઝોન જંગલોનો એક છેડો છેક અહીં સુધી લંબાયેલો હતો. એટલે હવે સત્તાવાર રીતે તો અમે એમેઝોનનાં જંગલોમાં પ્રવેશી ચૂકયા છીએ એવું કહી શકાય. કાર્લોસે અમને જણાવ્યું હતું કે છેક પિસ્કોટા ગામ સુધી કાર જઇ શકે તેમ છે. ત્યાંથી આગળ રસ્તો છે કે નહીં એ તો ત્યાં પહોંચ્યા પછી જ ખબર પડવાની હતી. એટલે અમારો સૌથી પહેલો પડાવ... જે સત્તાવાર રીતે એમેઝોનનાં જંગલમાં થવાનો હતો એ પિસ્કોટા ગામમાં થવાનો હતો. અને જેનાં માટે હું બિલકુલ તૈયાર હતો.
રેન્ડોનીયાથી અમે સવારે જ પ્રસ્થાન કર્યું હતું. લગભગ રાત સુધામાં અમે પિસ્કોટા પહોંચી જઇશું એવું એક અનુમાન હતું, પરંતુ એ પરફેકટ અનુમાન નહોતું. રસ્તામાં વારંવાર થતાં ધોધમાર વરસાદને કારણે કારની રફતાર અતી ધીમી રાખવી પડતી હતી. ઉપરાંત અહીંનાં રસ્તાઓ તો જાણે કોઇ પહાડી વિસ્તારનાં દુર્ગમ રોડ હોય એવાં સાવ ભંગાર ગણી શકાય એવા હતાં. રસ્તાઓ અમારી સફરને ખરેખર ત્રાસદાયક બનાવી રહયા હતાં.
મને અમારી કરતાં તો પેલા ક્રેસ્ટોની વધું દયા આવતી હતી. તેનું ભીમ જેવડું વિશાળકાય માથું વારેવારે કારની છત સાથે અફળાતું હતું. ઉપરાંત માંડમાંડ તે પાછલી સીટમાં એડજસ્ટ કરી શકતો હતો. હું જો તેની જગ્યાએ હોંઉ તો ચોક્કસ નીચે ઉતરી ગયો હોત. પણ... આટલી બધી તકલીફો પડવા છતાં તેનાં ચહેરાની એક રેખા સુધ્ધા ફરકતી નહોતી એ ભારે તાજ્જૂબીની વાત હતી. મને દયા ઉભરાવા સાથે તેનાથી ડર પણ લાગતો હતો.
( ક્રમશઃ )
મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.
બની શકે તો કોમેન્ટ પણ કરજો.
જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.
લેખકઃ- પ્રવિણ પીઠડીયા
આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..
નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..
પણ વાંચજો.
નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.
આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.
ફેસબુક- Praveen Pithadiya search karo.