Sambhavami Yuge Yuge - 12 in Gujarati Moral Stories by Jyotindra Mehta books and stories PDF | સંભવામિ યુગે યુગે ભાગ ૧૨

Featured Books
Categories
Share

સંભવામિ યુગે યુગે ભાગ ૧૨

ભાગ ૧૨


  બીજે દિવસે પ્રદ્યુમનસિંહને એક વ્યક્તિ મળવા આવી તેણે કહ્યું, “મને બાબાજીએ મોકલ્યો છે હવે સોમની સુરક્ષાની જવાબદારી મારી છે અને હું આવી ગયો છું તો બાકી કોઈની જરૂર નથી.” પ્રદ્યુમનસિંહે આવનાર વ્યક્તિ તરફ જોયું. પ્રદ્યુમનસિંહ પોતે ૬ ફૂટ ઊંચા હતા છતાં તેમણે તે વ્યક્તિના ચેહરા તરફ જોવા ઊંચું જોવું પડ્યું. સવા છ ફૂટ ઊંચો, વિકરાળ દાઢી મૂંછ અને અલમસ્ત શરીર. હાલતો ચાલતો રાક્ષસ હતો તે વ્યક્તિ. પ્રદ્યુમનસિંહે કહ્યું, “તું એકલો શું કામ બાકી લોકો છે ને તારી મદદ કરવા.” તેણે હસીને કહ્યું, “તમને લાગે છે મને કોઈની મદદની જરૂર છે? હું આજ સુધી એકલો કામ કરવા ટેવાયેલો છું, તેથી મારી તમને વિનંતી છે કે બાકી બધા રક્ષકોને હટાવી દો.”

પ્રદ્યુમનસિંહે કહ્યું, “ઠીક છે, હું મારા માણસોને કહી દઉં છું ત્યાંથી હટવા, તમે ત્યાં જઈને રામેશ્વરને મળો પછી તે મારી પાસે પાછો આવી જશે.”પેલાએ માથું ધુણાવ્યું અને ત્યાંથી નીકળીને હોસ્ટેલ તરફ ગયો. ત્યાં જઈને રામેશ્વરને મળ્યો અને તેણે રામેશ્વરને કહ્યું, “આજથી સોમની સુરક્ષા મારી જવાબદારી તો આપ અહીંથી જઈ શકો છો.” પ્રદ્યુમનસિંહનો તેને થોડી વાર પહેલાં જ ફોન આવ્યો હતો. રામેશ્વરને તેમનો આ નિર્ણય ગમ્યો નહોતો. સોમ નાનો હતો ત્યારથી રામેશ્વર તેની સુરક્ષા કરી રહ્યો હતો, જેના વિશે સોમને આજ સુધી ખબર પડી નહોતી. રામેશ્વર હંમેશા વેશ બદલીને તેની આસપાસ રહેતો.

 આટલા વર્ષમાં સોમ પ્રત્યે માયા બંધાઈ ગઈ હતી તેથી રામેશ્વરે ઘરે ન જતા પ્રદ્યુમનસિંહને મળવા જવાનું વિચાર્યું. તેણે પ્રદ્યુમનસિંહને જઈને પૂછ્યું, “તમે સોમની સુરક્ષાની જવાબદારી રાક્ષસ જેવી દેખાતી વ્યક્તિને કેવી રીતે આપી શકો? તેને જોઈને જ લાગે છે કે તે વ્યક્તિ ક્રૂર અને ગુનેગાર છે.” પ્રદ્યુમન સિંહે કહ્યું, “શાંત થઇ જા રામેશ્વર, મને ખબર છે કે તે માણસ જટાશંકરનો મોકલેલો હત્યારો છે, પણ આપણે ક્યાં સુધી સોમને કમજોર રાખીશું? તેને પણ પોતાની તાકાત આજમાવવા દે. રામેશ્વરે કહ્યું, “તમે આવું કરી જ કેવી રીતે શકો તે વ્યક્તિ સોમની હત્યા કરવામાં સફળ થઇ ગઈ તો?” પ્રદ્યુમનસિંહે કહ્યું, “સોમને સુરક્ષાની જરૂર તે નાનો હતો, ત્યારે જ હતી બાકી તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, જેને આપણી સુરક્ષાની જરૂર હોય. તો તું નિશ્ચિંન્ત રહે સોમને કઈ નહિ થાય એ મારુ વચન છે.” રામેશ્વરે માથું નીચે રાખીને ઠીક છે એમ કહ્યું અને ત્યાંથી નીકળી ગયો અને ઘર તરફ જવાને બદલે હોસ્ટેલ તરફ ગયો.

પ્રદ્યુમનસિંહે ખીસામાંથી મોબાઈલ કાઢ્યો અને એક નંબર જોડ્યો અને કહ્યું, “મને ખબર છે હવે રામેશ્વર મારો આદેશ નહિ માને અને ફરી સોમની સુરક્ષા કરવા પહોંચી જશે એટલે તેના ઉપર કોઈ ચાર્જ લગાવી અંદર કરી દે, અને ઓછામાં ઓછા ૬ દિવસ સુધી બહાર ન આવી શકે તેવી વ્યવસ્થા કરી દે જે” એટલું કહીને ફોન મૂકી દીધો.રામેશ્વર હોસ્ટેલની નજીક પહોંચ્યો અને ત્યાંના ભાડા પર લીધેલા ફ્લેટને બદલે પોતાના મિત્રને ત્યાં ગયો અને ત્યાં જઈને વેશપલટો કરી લીધો જાણે તેને પહેલીથી જ ખબર હતી કે પ્રદ્યુમનસિંહ શું કરવાના છે. અત્યારે તેમના પર થોડો ગુસ્સો પણ આવી રહ્યો હતો કે ખબર હોવા છતાં હત્યારાને સોમની સુરક્ષાની જવાબદારી આપી. થોડીવાર પછી પોલિસ આવી અને રામેશ્વરના ફ્લેટ પર ગઈ પણ તે ત્યાં ન મળતાં તેઓ પાછા વળ્યાં. તેઓ ત્યાંથી નીકળી ગયા પછી ત્યાં બેસેલો ભિખારી હસવા લાગ્યો મનોમન બબડ્યો રામેશ્વરને પકડવો એ બકરી પકડવા જેટલું આસાન નથી.

સવારે સોમની આંખ ખુલી, તેણે જોયું ભૂરો અને જીગ્નેશ તૈયાર થઇ ગયા હતા. તેમણે સોમને પૂછ્યું, “કોલેજ નથી આવવું કુંવરજી?” સોમે કહ્યું, “હજી થોડું ઠીક નથી લાગતું, તો આજે જઈ આવો ઠીક લાગ્યું તો બપોર પછી આવીશ.” તેમના ગયા પછી સોમ પથારીમાંથી ઉભો થયો.પાછલા ત્રણ દિવસમાં ભેગો કરેલ સામાન અને યાદી જોઈ. આજે રાત પડે તે પહેલા લોથલ પહોંચવાનું છે. યાદીમાં એક બે વસ્તુ ખૂટતી હતી તે ત્યાં જતાં ખરીદી લઈશ, એમ વિચારીને તે તૈયાર થઇ ગયો. તેના હૃદયના ધબકારા વધી ગયા હતા, આજે તેના જીવનની સૌથી મોટી પરીક્ષા હતી. તે તૈયાર થઈને પોતાની ખભે લટકાવવાની બેગ લઈને નીચે ઉતાર્યો અને રોજિંદા નિયમ મુજબ ત્યાં બેસેલા ભિખારીના વાટકામાં બે રૂપિયા નાખ્યા. ભિખારી બોલ્યો, “ભગવાન, તમારી મનોકામના પુરી કરે.” 

સોમના ગયા પછી ભિખારી પોતાની જગ્યાએથી ઉભો થયો અને એક દિશામાં ચાલવા લાગ્યો. તે એક બિલ્ડીંગમાં ઘુસ્યો અને થોડીવાર પછી ત્યાંથી રામેશ્વર બહાર આવ્યો, રામેશ્વરને ખબર હતી કે સોમ ક્યાં જવાનો છે તેથી તેને જરૂર નહોતી, સોમનો પીછો કરવાની પણ હત્યારો ત્યાં હાજર હતો એટલે જેમ બને તેમ સોમની નજીક રહેવાની જરૂર હતી.

ક્રમશ: