Blind Game Part - 5 in Gujarati Fiction Stories by DHARMESH GANDHI (DG) books and stories PDF | બ્લાઇન્ડ ગેમ (ભાગ - ૫)

Featured Books
  • तेरा...होने लगा हूं - 5

    मोक्ष के खिलाफ और खुद के फेवर में रिपोर्ट बनाकर क्रिश का कस्...

  • छावां - भाग 2

    शिवराय द्वारा सन्धि का प्रस्ताव मिर्जाराज जयसिंह के पास भेजा...

  • Krick और Nakchadi - 3

     " एक बार स्कूल मे फन फेर हुआ था मतलब ऐसा मेला जिसमे सभी स्क...

  • पथरीले कंटीले रास्ते - 27

      पथरीले कंटीले रास्ते    27   27     जेल में दिन हर रोज लगभ...

  • I Hate Love - 10

    और फिर उसके बाद स्टडी रूम की तरफ जा अंश को डिनर करने को कहती...

Categories
Share

બ્લાઇન્ડ ગેમ (ભાગ - ૫)

બ્લાઇન્ડ ગેમ

(સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા)

(ભાગ - ૫ : સનસેટની મુસ્કાન)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

-----------------------

(પ્રકરણ-૪ માં આપણે જોયું કે...

અરમાનને શંકા જાય છે કે સી.એમ.ના મર્ડરનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. એનો તાગ મેળવવા તથા વાર્તાનો પ્લોટ રચવા માટે એ નવ્યાને ફોસલાવે છે; નક્કી ઝીલમાં બોટિંગ માટે આમંત્રણ આપે છે. હઝરત કુરેશી તરફથી એને ચેતવણીરૂપે ફરી એક વિડીઓક્લિપ મળે છે, જેમાં એની પત્ની અર્પિતાની કારને એક ટ્રક ટક્કર મારી રહી હોય છે. અરમાનને એક અજાણ્યો મેસેજ મળે છે કે કુરેશીના મૂળિયાં આતંકવાદ સુધી વિસ્તરેલાં છે. અને અરમાન મહોરું બની ચૂક્યો છે...

હવે આગળ...)
હઝરત કુરેશી... રીઢો ગુનેગાર...? આતંકવાદી...? અરમાનનું દિમાગ આખી રાત એ અવઢવમાં અટવાતું રહ્યું કે આખરે એ મેસેજનો મતલબ શું? એ અજાણ્યો શખ્સ છે કોણ? કોણ છે એ શુભેચ્છક? કોણ હોઈ શકે જે કુરેશીની માહિતી એને આપે; અને શા માટે...? અને પોતે... મહોરું? હઝરત કુરેશીનું? એને કશું સમજાયું નહિ.

આબુના પહાડો પરથી બેફામપણે દોડી આવતો ધુમ્મસભર્યો પવન કોટેજની દીવાલોને ધ્રુજાવતો આગળ વહી જતો હતો; પાછળ એના પગરવ સમાન ફક્ત સૂકા પાંદડાઓનો સળવળાટ ગૂંજતો રહેતો. ઝાંખી રોશની વેરતા સિતારાઓની સાક્ષીમાં પડખાં બદલીને અરમાને ઠંડકભરી રાત અજંપામાં વિતાવી.

પરોઢ થતાં જ ઘટાદાર ગુલમહોરના પેટાળમાંથી કામણગારી કોયલનો ટહુકાર રેલાયો. ને અરમાનની અધકચરી ઊંઘ ઊડી ગઈ. ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ માટે એ કોટેજના પગથિયાં ઊતરી ગયો. મઘમઘતા બગીચાની વચ્ચે બનેલી સાંકડી પગથી પસાર કરીને એ સ્વિમિંગપૂલ નજીક ગોઠવેલા બ્રેકફાસ્ટ-સ્ટોલ તરફ વળ્યો. જીન્સ-ટીશર્ટમાં શોભતી સોહામણી સવાર જેવી ખુશનુમા નવ્યા પહેલેથી જ ત્યાં હાજર હતી. સફેદ રંગના સ્લીવલેસ ટીશર્ટનું ગળું કૈક વધારે પડતું જ ‘લો’ જણાતું હતું. એના ગોરા અને ઉઘાડા હાથમાં કતલ કરવા માટેનો સામાન હતો. એક હાથમાં પકડેલી ‘નાઇફ’ એણે એ અદામાં ઘુમાવી જાણે કે આજે બ્રેડનું ‘ધી એન્ડ’ આવી જવાનું હોય. પછી હળવે રહીને નાઇફ ઉપર માખણ લઈને નજાકતપૂર્વક બ્રેડ પર લગાવ્યું. અરમાન જોઈ રહ્યો! એણે એક પ્લેટમાં સેન્ડવીચ લીધી અને કોફીનો કપ ભર્યો. વિલાયતી ફૂલોના છોડવાઓની નજીક રાખેલી એક ખુરશી ઉપર જઈને એ બેઠો.

ઓચિંતું જ થોડે દૂર કોલાહલ મચી ગયો. ઝાડ ઉપરથી એક વાંદરો કૂદીને કોઈક બાળકના હાથમાંથી સફરજન ઝૂંટવી નાસી ગયો હતો. હોટલનો સ્ટાફ એ તરફ દોડ્યો. થોડી ઉથલપાથલ થઈ ગઈ પછી ‘એવું તો ચાલ્યા જ કરે’ની અનુભૂતિ સાથે ‘રૂટીન’ ચાલુ રહ્યું. વાતાવરણ શાંત થતાં અરમાને કોફીનો ઘૂંટડો ભર્યો. અખબાર પર નજર ફેરવતા એણે હાથ લંબાવીને સેન્ડવીચનો એક ટુકડો લીધો. સેન્ડવીચના બ્રાઉન બ્રેડ ઉપર નજર પડતાં જ એ ચોંકી ઊઠ્યો!

‘વેઇટર...’ એણે બ્રેકફાસ્ટ સર્વ કરી રહેલા છોકરાને મોટા અવાજે બૂમ પાડીને બોલાવ્યો.

‘જી, સર!’ છોકરો આવીને અદબભેર ઊભો રહ્યો.

‘મારી પ્લેટમાંના સેન્ડવીચ ઉપર કેચ-અપ તેં લગાવ્યો?’

‘શું મજાક કરો છો, સાહેબ... કેચ-અપ બોટલ તો આપની પાસે છે!’

અરમાને યાદ કર્યું, પોતે બ્રેકફાસ્ટ-કાઉન્ટર પરથી પ્લેટમાં સેન્ડવીચ લીધી પછી પોતે એની ઉપર કેચ-અપ લગાવ્યો જ નથી. હાથમાં પકડેલા સેન્ડવીચના ટુકડાનું એ ઘડીભર ધ્યાનથી નિરીક્ષણ કરી રહ્યો. જાણે કે બ્રેડ ઉપર કોઈક કલાકારે પોતાની કારીગરી દેખાડી હતી. કેચ-અપથી સૂર્યનું ચિત્ર દોરવામાં આવ્યું હતું. કિરમજી રંગનો અર્ધગોળાકાર સૂરજ પહાડોના દામનમાં લપાઈ જવા માટે પોતાનું મસ્તક ઝુકાવી રહ્યો હતો. બ્રેડ ઉપર કલાકારે પ્રકૃતિનો પડછાયો ઝીલવાની કોશિશ કરી હતી. ચિત્ર સૂર્યાસ્તનો સમય દર્શાવી રહ્યું હતું. કોઈક અજ્ઞાત સંકેત હોવાનું એ મનોમન વિચારી રહ્યો. એણે એક નજર નવ્યા તરફ નાખી. એ બેફિકરાઈથી ઝાડ ઉપર કૂદાકૂદ કરી રહેલા વાંદરાના બચ્ચાંઓને તાકી રહી હતી. એમની પાછળ થોડું અંતર રાખીને હઝરત કુરેશીના મુસ્તંડાઓ ‘બ્લેક કેટ કમાન્ડો’ની જેમ સુરક્ષાકવચ પૂરું પાડી રહ્યા હતા. એમને જોઈને વાંદરાઓ કૈક વધુ પડતાં જ ઉશ્કેરાઈ ઊઠ્યા હતા. અરમાને વિચાર્યું, એક રોબોટમાં લાગણીની ચીપ ફીટ કરી શકાય, પરંતુ આ બંને કંટાળાજનક આકૃતિઓમાં તો ક્યારેય નહિ!

બ્રેકફાસ્ટ પૂરો કરીને દરેક જણ પોતપોતાની રીતે કોટેજ તરફ રવાના થયાં. અરમાનની મૂંઝવણ બેવડાઈ ચૂકી હતી. ગઈ રાતે એને કોઈએ ‘હોટલ અર્બુડા’ ઉપર મળવા બોલાવ્યો હતો. લાંબો સમય રાહ જોવા છતાં એ ‘કોઈ’ તો એને નહિ મળ્યું, પણ રાહ જોવાના ફળ સ્વરૂપે એક મેસેજ મળ્યો હતો. જેનો ઉકેલ હજુ સુધી એ ખોળી શક્યો ન હતો. અને હવે આ બીજી દ્વિધા... લેપટોપ ઉઘાડીને એણે કામમાં ચિત પરોવવાની કોશિશ કરી, પણ મન હજુ એનું સેન્ડવીચ પર દોરાયેલા સૂર્યાસ્તના ચિત્રમાં રગદોળાયેલું હતું. એણે લેપટોપ બંધ કરી સોફા ઉપર પડેલા મેગેઝીન ઉથલાવ્યા. દર બે પાનાં છોડીને ‘આબુદર્શન’ની જાહેરાત છપાઈ હતી. ઓચિંતી જ એની નજર આબુના જોવાલાયક સ્થળો દર્શાવતા ‘મેપ’ ઉપર પડી. ને એમાંથી એને એક મહત્વની કડી મળી. જાણે કે છૂટાછવાયા અંકોડા એકબીજામાં જોડાઈને ક્ષણવારમાં એક સાંકળ રચી ઊઠ્યા!

‘સનસેટ પોઇન્ટ!’ એ મનોમન બબડ્યો, ‘બ્રેડ ઉપર ચીતરાયેલો કિરમજી રંગનો સૂર્ય એ બીજો કોઈ સંકેત નહિ, પરંતુ પેલી ‘શુભેચ્છક’ વ્યક્તિનું ‘સનસેટ પોઇન્ટ’ ઉપર મળવાનું આમંત્રણ હતું!’ એ મનોમન રહસ્યમય શુભેચ્છકની બુદ્ધિચાતુર્ય અને કલાકારી ઉપર વારી ગયો...

સાંજ ઢળે એ પહેલાં જ અરમાન હઝરત કુરેશીના રહસ્યોનો તાગ મેળવવા બેબાકળો થઈ ઊઠ્યો. ‘સનસેટ પોઇન્ટ’ તરફ જવા એ ચૂપચાપ સરકી રહ્યો હતો, ત્યાં જ...

‘સાંભળ્યું છે, કોઈક સોહામણો સંગાથ હોય તો ‘આબુદર્શન’ની આહલાદકતા બેવડી બની જાય છે!’ નવ્યાએ અરમાનને એની જ લાક્ષણિક અદામાં છેડ્યો.

પણ અરમાન કોઈક બીજી જ ધૂનમાં હતો ને ત્યાંથી એકલો જ સડસડાટ ચાલી નીકળ્યો. નવ્યાએ પ્રતિભાવરૂપે માત્ર એના મુલાયમ હોઠ મલકાવ્યા અને બદામી આંખોને મસ્તીથી નચાવતી ગણગણી ઊઠી, ‘વાદીયાં મેરા દામન, રાસ્તે મેરી બાંહે... જાઓ મેરે સિવા, તુમ કહાં જાઓગે...’ પછી એ પોતાના કપડાં ‘ચેન્જ’ કરવા અલમારી તરફ આગળ વધી!

‘સનસેટ પોઇન્ટ’ તરફ પગપાળા જવાના ચઢાણવાળા રસ્તે કદમ ઊઠાવતા અરમાને એ અજાણ્યા શુભેચ્છકની તલાશ કરવાનું શરુ કરી દીધું. અચાનક એની નજર એનો પીછો કરી રહેલી બે નિર્જીવ આકૃતિઓ પર પડી. ને મનોમન એ બબડ્યો, ‘સા... હઝરતના આ મુસ્તંડાઓ જો હું ખાઈમાં કૂદી પડું તો ત્યાંયે મારો પીછો કરે એમાંના છે!’ એના મોમાંથી એક ભરાવદાર ગાળ નીકળતા રહી ગઈ. જોકે એ નીકળી હોત તો પણ એ બંનેના નિર્લેપ ચહેરા સાથે ટકરાઈને વેરવિખેર થઈ ચૂકી હોત.

બોડીગાર્ડ્સથી સંતાતો અને દૂર ભાગતો અરમાન ‘સનસેટ પોઇન્ટ’ ઉપર પહોંચતા જ એક ચટ્ટાનની ઓથે લપાઈ ગયો. બોડીગાર્ડ્સને એ અણસાર પણ આવવા દેવા માંગતો નહોતો કે પોતે કોઈક અજનબીને મળવા આવ્યો છે કે હઝરત કુરેશીની જન્મ-કુંડળી જાણવા... ચટ્ટાન પાછળની થોડી ખુલ્લી જગ્યામાંથી અચાનક બે કોમળ હાથ આવીને અરમાનની કમરે વીંટળાઈ વળ્યા. અરમાને ચોંકીને પાછળ ફરીને જોયું તો એક બાળકીને આંખે પાટો બંધાયેલો હતો અને એ ‘ચોર પકડ લીયા... પકડ લીયા...’ની કિલકારી મચાવી રહી હતી. પછી બાળકીએ પોતે જ પોતાની આંખો પરની કાળી પટ્ટી ખેંચી નાખી ને એ સાથે જ એ છોભીલી પડી ગઈ!

‘જી, માફ કરના ભઈસા’બ...’ કાળા બુરખામાંથી એક ભારેભરખમ અવાજ નીકળ્યો અને પછી ખાંસવાનો અવાજ...

ધડકતા હૃદયે અરમાને હાશકારો અનુભવ્યો, ‘હાશ! પોતે હજી પકડાયો નથી!’

‘બુઆ, અબ અંકલ કી બારી... મૈને ઈનકો પકડ લીયા હૈ. અબ મૈ છુપુંગી...’ નાદાન બાળકીએ જાણે કે અરમાનને પણ રમતમાં શામેલ કરી લીધો.

‘ઝીદ નહિ કરતે બેટા!’ સિલ્કના બુરખામાં ઢંકાયેલા પડછંદ શરીરે બાળકીને માત્ર આંખો – એ સ્ત્રીનું એકમાત્ર ઉઘાડું અંગ –થી જ સમજાવવાની કોશિશ કરી જોઈ.

‘અરે, આપા... કોઈ બાત નહિ! થોડું રમી લઉં, બાળકીનું મન રહી જશે!’ અરમાને કહ્યું.

બે-ત્રણ દાવ રમી રહ્યા બાદ બુરખાધારી સ્ત્રીએ અરમાનને પોતાનો પરિચય આપતાં કહ્યું, ‘મૈ મુસ્કાન... અમે ફેમીલી સાથે ફરવા જ આવ્યા છીએ. ઘરના અન્ય સભ્યો ‘સનસેટ’ જોવા માટે ઉતાવળા બન્યા હતા, ઇધર નઝદીક મેં હી હૈ... ને આણે રમવાની જીદ કરી...’ બુરખામાંથી ફરી એકવાર ગળું ખંખેરવાનો કર્કશ અવાજ આવ્યો.

અરમાન પાસે કશું પૂછવા-કહેવા જેવું હતું નહિ; એને રસ પણ નહોતો. એની નજર તો હજુ પેલા શુભેચ્છકને જ ખોળી રહી હતી. એણે પેલા બંને મુસ્તંડાઓ આવી પહોંચે એ પહેલાં વહેલી તકે આ મોહતરમા પાસેથી છટકવું હતું.

‘થાકી ગયા હશો! લ્યો, નાસ્તો કરો!’ મુસ્કાને એક પથ્થર ઉપર મૂકેલી હેન્ડબેગમાંથી પ્લેટ કાઢી. અરમાનનું એ તરફ લગીરે ધ્યાન ન હતું. પરંતુ, પોતાની તરફ લંબાયેલી પ્લેટ ઉપર નજર પડતા જ અરમાનનું ધ્યાન જ નહિ ગયું, ભયંકર ઝટકો પણ લાગ્યો! પ્લેટમાં સેન્ડવીચ હતી અને એના બ્રેડ ઉપર કેચ-અપથી દોરાયેલું એ જ સૂર્યાસ્તનું ચિત્ર...!

‘તમે આતંકી હઝરત કુરેશીના સકંજામાં સપડાઈ ચૂક્યા છો, મિ. રાઇટર!’ મુસ્કાને ઘટસ્ફોટ કરવાની શરૂઆત કરી, ‘...સી.એમ.ના મર્ડરના કુરેશીના ‘માસ્ટર પ્લાન’નું તમે એક પ્યાદું બની ચૂક્યા છો!’

અરમાન બિલકુલ અવાચક બની ગયો હતો.

‘તમે લેખક છો તો તમને એટલી પણ જાણ નથી કે ગુજરાતના ચીફ મિનિસ્ટર પોતાના અંગત સાહિત્યિક શોખને લઈને દર વર્ષે પોતાના નિવાસસ્થાને એક ભવ્ય સમારોહનું આયોજન કરે છે?’ મુસ્કાને કૈક નારાજગી વ્યક્ત કરી.

અરમાન મૂંઝવણ અનુભવી રહ્યો હતો.

‘સી.એમ.ના એ સમારોહમાં ચાલુ વર્ષે લેખનકળા ક્ષેત્રે કોઈક પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત થયો હોય એવા ઉગતા અને ઉમદા સર્જકોની સન્માનવિધિ કરવામાં આવે છે.’ મુસ્કાને પૂરક માહિતી પૂરી પાડી, પછી સોંસરો સવાલ કર્યો, ‘શું તમે એટલા નાદાન છો કે હઝરત કુરેશીનો હવે પછીનો ઈરાદો પણ સમજી નહિ શકો? શું એક લેખક હંમેશા કલ્પનામાત્રમાં જ એટલો રચ્યોપચ્યો રહે છે કે એ વાસ્તવિકતાથી તદ્દન અલિપ્ત જ થઈ જાય?’

અરમાન વાસ્તવિકતાના વમળમાં ભમવા માંડ્યો. એનું મન વિચારોના ચક્રવાતમાં ફંગોળાયું, ‘...તો શું હઝરત કુરેશીનું મારી પાસે લખાવેલી વાર્તામાં વિજેતા થવા પાછળનું એનું જે સપનું મને વર્ણવ્યું હતું એ સાવ જુઠું હતું. બાળપણની એની લેખક બનવાની આકાંક્ષા... એના પિતાની દીકરા પ્રત્યેની મહેચ્છા... બધું સત્યથી એકદમ પર...? અને મારા થકી પોતાના નામે પુરષ્કાર પ્રાપ્ત કરવાનું એનું લક્ષ્ય માત્ર ચીફ મિનિસ્ટરના સન્માન-સમારોહમાં પ્રવેશ મેળવવા માટેનું એક માધ્યમ માત્ર? અને એનો અંત...? સી.એમ. સાહેબનું મર્ડર?’

અરમાનની આખે અંધારા આવી રહ્યા હતા. પારાવાર પ્રશ્નાર્થચિન્હો એને ઘેરીને શૂળની માફક ભોંકાઈ રહ્યાં હતાં. એને મૂંઝવણભર્યું એક બીજું પ્રશ્નાર્થ ઉદ્ભવતું જણાયું, ‘મુસ્કાનનો અવાજ... એ મુસ્કાનનો ન હોઈ જાણે કે અન્ય કોઈનો હતો! બુરખાધારી પોતાનો અવાજ બળપૂર્વક બદલીને કાઢી રહી હતી અને એના ગળાને ઘર્ષણ થતાં ખાંસી રહી હતી એવું એને મહેસૂસ થઈ રહ્યું હતું.

થોડી સ્વસ્થતા જાળવીને અરમાને પાછળ ફરીને જોયું તો મોહતરમા મુસ્કાન ગાયબ થઈ ચૂકી હતી. અને બીજી તરફ ‘સનસેટ’ થઈ ચૂક્યો હતો!

(ક્રમશઃ)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------

(બ્લાઇન્ડ ગેમ : ભાગ-૬ વાંચવાનું ચૂકશો નહિ.)