SANGATH 7 in Gujarati Fiction Stories by Dr Sagar Ajmeri books and stories PDF | સંગાથ 7

Featured Books
Categories
Share

સંગાથ 7

સંગાથ – 7

ધોધમાર વરસતા વરસાદમાં પ્રત્યુષ કોઇને શોધી રહ્યો છે. તેણે લગભગ શહેરના દરેક સ્થળ પર તપાસ કરી લીધી. છેવટે તે બસ સ્ટેશને આવી દરેક બસમાં કોઇને શોધવા મથતો રહ્યો, પણ તેને કોઇ મળ્યું નહીં. બે વર્ષ પહેલા કોલેજમાં અભ્યાસર્થે બરોડાથી આણંદ બસમાં આવતાં પ્રત્યુષ અને તેના કોલેજીયન મિત્રોની મસ્તીસભર યાત્રામાં પ્રત્યુષનું ધ્યાન એક સ્વરૂપવાન છોકરી તરફ આકર્ષિત થયું. જીવનમાં પ્રથમવાર પ્રત્યુષ આમ કોઇ છોકરી તરફ આકર્ષિત થયો હતો. પોતાની જીવનસંગિની એવી જાહ્નવી ક્યાંય ના મળતા છેવટે પ્રત્યુષ તેના ખોવાયા વિશે પોલીસ કમ્પ્લેઇન કરી પોલીસ સ્ટેશનની બહાર નીકળે છે. ભૂતકાળના સંસ્મરણોમાં ડૂબેલા પ્રત્યુષની નજર સમક્ષ જાહ્નવી સાથેની મુલાકાત નજરે પડે છે. પ્રત્યુષ અને જાહ્નવી વચ્ચે પ્રેમ પાંગરે છે. એક સામાન્ય બેંક કારકૂનની દીકરી અને શહેરના નામાંકિત લૉયરના એકમાત્ર પુત્ર વચ્ચે સરળતાથી લગ્નની સંમતિ મળવી મુશ્કેલ બની. જાહ્નવીના ખોવાયા વિશેની પોલીસ ક્મ્પ્લેઇન નોંધાવ્યા પછી વરસતા વરસાદમાં અંધકારભર્યા આકાશ સામે જોતા જોતા જાહ્નવી સાથેના જીવનની યાદમાં પ્રત્યુષ ડૂબી ગયો. બંનેના માતાપિતાના વિરોધ પછી જાહ્નવી પ્રત્યુષથી દૂર રહેવા કરે છે. આ તરફ પ્રત્યુષને પોલીસ સ્ટેશનમાં પાછો બોલાવી કોઇ અજાણી લેડીએ રેલવે ટ્રેક પર સુસાઇડ કર્યાના સમાચાર આપવામાં આવે છે અને સાથે તે શક્યતા પણ વ્યક્ત કરવામાં આવે છે કે કદાચ તે લેડી જાહ્નવી તો નહીં હોય ને..! પ્રત્યુષ પી.આઇ. સાથે સીવીલ હોસ્પિટલ ડેડ બોડીની ઓળખ કરવા જાય છે. જેમ જેમ પ્રત્યુષ પોલીસ વાનમાં સિવિલ હોસ્પિટલ નજીક આગળ વધે છે તેમ તેમ તેની વ્યાકુળતા વધતી રહે છે. જાહ્નવી અને પ્રત્યુષના બ્રેકઅપ પછી પ્રત્યુષ ચેઇન સ્મોકર બની જાય છે અને સ્ટડી પ્રત્યે બેદરકાર બની જાય છે. જાહ્નવી અને પ્રત્યુષ વચ્ચે ફરી જોડાણ થાય છે. બંને ફરીવાર પોતાના સંબંધ વિશે પોતાના પેરેન્ટ્સને સંમત કરવા પ્રયત્ન કરે છે, પણ બંનેના પરિવારમાંથી આ સંબંધને લઈ વિરોધ જ જોવા મળતા છેવટે બંને જાતે જ મેરેજ કરી લઈ પોતાની લાઇફ હેપ્પીલી જીવવા નક્કી કરે છે. આ તરફ ડેડ બોડીની ઓળખ કરવા પ્રત્યુષને લઈ પોલીસ વાન જમનાબાઇ જનરલ હોસ્પિટલ પહોંચે છે. હવે આગળ વાર્તા માણીએ....

પ્રત્યુષ અને જાહ્નવી પોતાના નિર્ણય પર મક્કમ બન્યા અને તેમના મિત્રો શ્વેતા, સૌરભ, કાર્તિક અને સુમિતની મદદથી તેમના માટે બીજા જ દિવસે રજીસ્ટર મેરેજ કરવા શક્ય બન્યા. રજીસ્ટર મેરેજ કરી બંનેએ નજીકના મંદિરમાં વિધિવત લગ્ન કરી લીધા. તેમણે નક્કી કર્યા મુજબ તે બંને ઘરે કોઇને જાણ કર્યા વગર પોતપોતાના ઘરે જ રહેશે અને તેમના એમ.બી.એ.ની એક્ઝામ પૂરી થયે યોગ્ય સમય જોઇ ઘરનાઓને જણાવી મનાવવા પ્રયત્ન કરશે. વિધિવત લગ્ન થયા પછી પ્રત્યુષ અને જાહ્નવીની ખુશીઓની કોઇ સીમા ના હતી..! પોતાના જીવનની એ પહેલી રાત બંનેએ કોલ કરી ખૂબ પ્રેમમય વાતોમાં પસાર કરી..!

એક પછી એક દિવસો પસાર થતા રહ્યા. પ્રત્યુષ અને જાહ્નવીની લાસ્ટ સેમિસ્ટરની એક્ઝામ પણ પૂર્ણ થઈ. જાહ્નવી તેના ઘરે તેના અને પ્રત્યુષના લગ્નની વાત જણાવવા વિચારે છે, ત્યારે જ જાહ્નવીના ઘરે તેને જોવા છોકરાવાળા આવે છે. જાહ્નવીના માતા પિતા આવનાર મહેમાનોની ખૂબ સારી આગતા સ્વાગતા કરે કહ્હે. જાહ્નવીની ઘણી આનાકાની કરવા છતાંયે તેના મમ્મી જાહ્નવીને છોકરા સાથે એકલા વાત કરવા અને તે છોકરાને પસંદ કરવા દબાણ કરે છે.

“અમારી દીકરીએ હમણા જ તેના એમ.બી.એ.ની એક્ઝામ આપી, આટલું આગળ ભણી છતાં અમારી દીકરી ખૂબ જ સંસ્કારી અને શરમાળ છે..!” જાહ્નવીના પપ્પા તેના વખાણ કરતા છોકરાવાળાના પરિવારને વાત કરે છે.

“તમારી વાત તદ્દન સાચી, પણ આજના સમયમાં છોકરા છોકરી એકબીજાને પર્સનલ મળી વાતચીત કરે તે કંઇ ખોટું નહીં..!” જાહ્નવીને જોવા આવેલા છોકરાના પપ્પાની વાતમાં સંમતિ આપતા જાહ્નવીની મમ્મીએ જવાબ આપ્યો, “હા જ તો, તેમાં શું ખોટું..?”

જાહ્નવી આ બધું સાંભળી મનોમન ખૂબ જ ઘૂંટાય છે, પરંતુ તે છોકરા સાથે પર્સનલ વાત કરી બધી વિગત સમજાવાવા વિચારે છે. બંનેના મમ્મી પપ્પાની સંમતિથી જાહ્નવી અને તેને જોવા આવનાર છોકરો પાસેના રૂમમાં અલગથી વાત કરવા જાય છે.

“એક્ચ્યુઅલી તમે ઘણા સુંદર દેખાવ છો...!” અલગ રૂમમાં વાત કરવા બેઠેલા જાહ્નવી અને પેલા છોકરા વચ્ચેના મૌનને તોડતા પેલા છોકરાએ જાહ્નવીના વખાણ કરતા કહ્યું.

“થેંક યુ..!” જાહ્નવીએ મનમાં કંઇક વિમાસણ સાથે ટૂંકમાં જવાબ આપ્યો.

“તમારો સ્વભાવ પણ સારો છે....અને તમે મને..” જાહ્નવીએ પેલા છોકરાની શરમાળ વાતો વચ્ચે અટકાવતા સીધું જ કહી દીધું, “પ્લીઝ બીજું કાંઇ ના વિચારશો.....આઇ’મ ઓલરેડી મેરીડ..!” જાહ્નવી તે છોકરાને પોતાની વાત શાંતિથી સમજાવે તે પહેલા જ તે છોકરો આઘાત સાથે ઊભો થઈ ગયો અને રૂમ બહાર ચાલ્યો ગયો. જાહ્નવી સમજી ગઈ કે હવે તેની આ વાતથી ઘણો મોટો ફજેતો થવાનો જ છે, અને તેના વિચાર્યા મુજબ જ બધો સીન ક્રીએટ થયો..!

“મમ્મી, પપ્પા...પ્લીઝ અહીંથી ચાલો...” પેલા છોકરએ રૂમ બહાર જઈ તેના માતા પિતાને ઘરેથી જવા કહ્યું.

“પણ બેટા, આમ અચાનક શું થયું..?” તેના મમ્મીએ તેને સવાલ કર્યો.

“શું શું થયું..? આ છોકરી તો ઓલરેડી મેરીડ છે..!” પેલા છોકરાના જવાબથી તેના મમ્મી પપ્પાને લાગેલા આઘાત કરતાં જાહ્નવીના મમ્મી પપ્પાને ઘણો મોટો ઝટકો લાગ્યો.

“આ શું બોલે છે..?” જાહ્નવીના પપ્પા પેલા છોકરાના શબ્દો સાંભળી તાડૂક્યા.

“આ સવાલ મને નહીં, પણ તમારી વહાલસોયી દીકરીને પૂછો...!” પેલા છોકરાના કટાક્ષભર્યા વેણ સાંભળ્યા ના સાંભળ્યા કે જાહ્નવીના મમ્મી તરત જાહ્નવીના રૂમમાં તેને આ વિશે સવાલ કરવા ઉપડ્યા.

“આ પેલો છોકરો શું બોલે છે, જાહ્નવી..?” જાહ્નવીના મમ્મીએ જાહ્નવીનો હાથ ખેંચી સવાલ કર્યો.

જાહ્નવીને નતમસ્તક ઊભેલી જોઇ તેના મમ્મીએ જાહ્નવીના ગાલે જોરદાર તમાચો માર્યો અને રૂમ બહાર આવી હજુ તેમની આવવાની રાહ જોઇ ઊભા રહેલા છોકરા અને તેના મમ્મી પપ્પા તરફ ત્રાંસી નજર કરી ચૂપચાપ હાથ જોડી ઊભા રહી ગયા. આ જોઇ જાહ્નવીના પપ્પા ખુરશી પર બેસી પડ્યા.

“પહેલા પોતાની છોકરીને પૂછીને જ અમને બોલાવવા હતા, અમારો ખોટો ટાઇમ બગાડ્યો..!” પેલા છોકરાના પપ્પાએ જાહ્નવીના પપ્પાને સંભળાવ્યું.

“જોયા તમારા દીકરીના સંસ્કાર અને જોયા તમારા સંસ્કાર..!” પેલા છોકરાના મમ્મીના જતાજતા બોલાયેલા છેલ્લા શબ્દો જાહ્નવીના મમ્મી પપ્પાના હૈયે ભાલાની જેમ ભોંકાયા. ઘડીભરમાં જાહ્નવીના પપ્પા ખુરશી પરથી ગુસ્સામાં ઊભા થયા અને જાહ્નવીના રૂમમાં જઈ જાહ્નવીનો હાથ ખેંચી રૂમ બહાર લાવ્યા.

“આ બધું શું છે જાહ્નવી...? અને તે કપાતર કોણ છે..?” જાહ્નવીના પપ્પા તેના પર ગુસ્સામાં તાડૂક્યા.

“પપ્પા, આઇ’મ સોરી, પણ હું પ્રત્યુષને....” જાહ્નવીની વાત પૂરી થતાં પહેલા તેના ગાલ પર તેના મમ્મીના હાથનો બીજો તમાચો પડ્યો.

“આ દિવસો જોવા સારુ તને આટલી લાડથી ઉછેરી હતી...તારા ભણતર પાછળ આટઆટલા રૂપિયા ખર્ચ્યા ત્યારે તે અમને આજે આ દિવસો બતાવ્યા..?” જાહ્નવીના મમ્મીએ ગુસ્સામાં રડતા રડતા જાહ્નવીનો હાથ ખેંચી સવાલ કર્યા.

“બેટા, તે આ શું કર્યું, તારા બાપની આબરુનો જરા પણ વિચાર ના કર્યો..?” જાહ્નવીના પપ્પાએ આંખમાં આંસુ આવતા ઢીલા સ્વરે સવાલ કર્યો.

“અરે, તારા કરતા તો પેટે પથરો પાક્યો હોત તો સારું..!” જાહ્નવીના મમ્મીએ જાહ્નવીના ગાલ પર ગુસ્સામાં ઘોદો મારતા પોક મૂકતા કહ્યું.

“પણ પ્રત્યુષ ઘણો સારો છોકરો....” જાહ્નવીના મોંથી ‘પ્રત્યુષ’ નામ સાંભળતા જ ગુસ્સે ભરાયેલા તેના પપ્પા ફરી તાડૂક્યા, “નામ ના લઈશ એ નાલાયક્નું..!” બે ઘડી ગુસ્સામાં પોતાના માથા પર હાથ ફેરવતા તાડૂક્યા, “તેને ફોન કર અને બોલાવ અહીં..!” ધ્રુજતા હાથે જાહ્નવીએ પ્રત્યુષને કોલ કર્યો અને બધી વાત જણાવી તેને તરત જ તેના ઘરે બોલાવ્યો.

દરવાજા બહાર પોલીસ વાન ઊભી રહી. આસપાસના સૌ લોકોનું ધ્યાન પોલીસ વાન તરફ ગયું. જમનાબાઇ હોસ્પિટલના પગથિયે પહેલુ પગલું મૂકતા પ્રત્યુષ જાણે તેના હ્રદયના ધબકાર ચૂકી ગયો હોય તેમ લાગ્યું. પ્રત્યુષ માટે આ દરેક પળ ખૂબ વસમી થઈ પડી હતી. ઘણી હિંમત કરવા છતાં યે તે આગળ ડગલું માંડી શકતો ના હતો. પ્રત્યુષના ડગમગતા પગલાને તેના મિત્રોએ હિંમત આપતા તે હોસ્પિટલમાં પ્રવેશી શક્યો. આજે તે પોતાના જીવથી વહાલી પત્ની જાહ્નવીની ડેડ બોડીની ઓળખ કરવા જઈ રહ્યો છે તે વાત પર તેને પોતાને જ વિશ્વાસ ના હતો..!

જાહ્નવીના ઘરે આવ્યા પછી પ્રત્યુષ સાથે શું થશે..?

શું જાહ્નવી અને પ્રત્યુષના સંબંધને તેમના પરિવારજનો સ્વીકારશે..?

શું પેલી સુસાઇડ કરનાર લેડી જ જાહ્નવી છે..?

આ બધું જાણવા સાથે આગળની વાર્તા માણવા જરા રાહ.... સંગાથ – 8

********