નો-રીટર્ન-૨
ભાગ-૪૯
અમે અનેરીનાં કમરામાં આવ્યાં.અનેરીએ કબાટ ખોલીને તેમાંથી તેની બેગ બહાર કાઢી. એ બેગમાંથી ફોટોગ્રાફ્સની નાનકડી એવી થપ્પી હાથમાં લઇને મને આપી. મારી ઉત્સુકતા તેને નવાઇ પમાડતી હતી. ભારે અધીરાઇ અને ઉત્સુકતાથી મેં તેણે આપેલા ફોટાઓ લીધા અને ધડકતે હદયે જોવા લાગ્યો. આ પહેલાં પણ ઘણી વખત આ ફોટાઓ મેં જોયાં હતાં. છતાં આ વખતે કંઇક ખાસ ઇન્ટેન્શન હતું એટલે બારીકાઇથી તપાસવા લાગ્યો.
સૌથી પહેલો ફોટો પેલા દસ્તાવેજનો હતો જે મ્યુઝિયમમાં સરાજાહેર પ્રદર્શનમાં મુકાયો હતો. પછી મ્યુઝિયમની બિલ્ડિંગનો ફોટો હતો. અને પછી મોટાભાગનાં ફોટાઓ આદિવાસીઓનાં કબીલાનાં હતાં. થોડાક ફોટાઓ પેલા દસ્તાવેજની નીચે જે સાંકેતીક ભાષાનાં પત્રો હતાં તેનાં પણ હતાં. એ પત્રો આ ખજાનાને સૌથી પહેલા ખોજવા ગયેલી ટૂકડીનાં સભ્યોએ લખ્યાં હતાં. મારે આ ફોટાઓનો તલસ્પર્શી અભ્યાસ કરવો હતો અને તેને મારા દાદાએ કબુતરોનાં જે ચિત્રો દોર્યા હતાં એની સાથે શું સુસંગતતા છે એ તપાસવી હતી.
“ હું આ ફોટાઓ મારા કમરામાં લઇ જાઉં છું...! ” અનેરી વધુ કંઇ સવાલ જવાબ કરે એ પહેલા હું તેનાં કમરામાંથી નિકળીને મારા કમરામાં આવતો રહયો અને પલંગ ઉપર મેં ફોટાઓ પાથર્યાં. એક પછી એક ફોટાને મેં ધ્યાનથી જોવાનું શરૂ કર્યુ અને તેનું મહત્વ શું હોઇ શકે એ વિચારતો રહયો. લગભગ અડધી રાત સુધી હું જાગતો રહયો અને વિચારતો હતો કે આખરે દાદાએ આ ફોટાઓ ક્યા ઉદ્દેશ્યથી પાડયા હશે..? મગજ ઉપર જોર દઇને બહું જ વિચાર્યુ ત્યારે માંડ થોડુંક મને સમજાયું હતું. અને... જે સમજાયું હતું એ ખરેખર ભયાનક હતું..! હું રીતસરનો ધ્રુજી ઉઠયો. મારા દિમાગમાં જ્વાળામુખી ફાટયો હોય એવા થડકારા ઉદ્દભવવા લાગ્યા હતાં. મતલબ કે... મતલબ કે... આ રસ્તે તો સામે ચાલીને અમે મોતનાં મુખમાં હોમાવા જઇ રહયા છીએ...!! “ હે ભગવાન...” યસ્સ્...! અમે એરીક હેમન્ડે મોકલેલા કબુતરોને આધારે આગળ વધવા માંગતાં હતાં. જ્યારે આ ફોટાઓ તો કંઇક બીજું જ કહેતાં હતાં. મને એ જ સમજાયું હતું કે જો અમે કબુતરોવાળા પડાવ પ્રમાણે આગળ વધતાં જઇશું તો મોત સીવાય અમને બીજું કંઇ હાંસલ થવાનું નથી. એ રસ્તે ભયાનક ખતરો હતો.
ભારે કન્ફયુઝન અને ઉત્તેજનાથી મારું શરીર ધ્રુજવા લાગ્યું હતું. ડો. હેમન્ડે તેનાં પ્રવાસનાં પડાવ મુજબ કબુતરો પાદરી જોનાથનને મોકલાવ્યાં હતાં. અને ડો. હેમન્ડ ખજાના સુધી તેની આગળ જે પણ લોકો ગયાં હતાં એ રસ્તે જ ગયો હતો. મતલબ સાફ હતો... ખજાનાની ખોજમાં ગયેલા તમામ માણસો એક જ રસ્તે ગયાં હતાં. તેમાંથી ઘણા લોકો એ ખજાના સુધી પહોંચી ગયા હોવાનો દાવો કરતાં હતાં પણ ત્યાંથી એ લોકો જીવતાં પાછાં ફર્યા નહોતાં. અને એ બાબત જ મને હેરાન કરતી હતી કે... તેઓ જે રસ્તે ગયા હતા એ રસ્તો મોતનાં મુખ સમાન ખતરનાક હોવો જોઇએ. ચોક્કસ એ લોકોએ ખજાના સુધી પહોંચતાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હશે. રસ્તાંમાં તેઓ બીમાર પડયા હશે અથવા તો આદિવાસી કબીલાઓ સાથે સંઘર્ષ કરવો પડયો હશે. તો જ તેઓ છેલ્લે થાકી હારી ગયા હોવા જોઇએ. આ એક કારણ તો હતું જ... ઉપરાંત ખજાનાવાળી જગ્યાએ પણ કશુંક ભયાનક હોવું જોઇએ. હું જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ મને અમારી સફરની નિરર્થકતાનો ખ્યાલ આવતો જતો હતો. જો અમે પણ એ રસ્તે જ જવાનાં હોઇએ તો અમારા પણ એ લોકો જેવા જ હાલ ચોક્કસ થાય.
દાદાએ ખેંચેલા ફોટાઓમાં સૌથી વધુ ભયાવહ ફોટા મને આદિવાસીઓનાં કબીલાઓનાં જણાતાં હતાં. દાદા એ કબીલાઓનાં ફોટાઓ દ્વારા જાણે મને કશુંક કહેવા માંગતા હોય એવું લાગ્યું.
મેં મારો ફોન કાઢયો અને ઇન્દ્રગઢની લાઇબ્રેરીનાં સ્ટોરરૂમમાં પાડેલાં પેલાં ખોખાનાં ફોટાઓ ઓપન કર્યા. એ ચીતરામણમાં દાદાએ કબુતરો દોર્યા હતા અને તેની નીચે અલગ-અલગ નંબરો લખ્યા હતાં. મેં ધ્યાનથી એ ફોટાઓને એરીક હેમન્ડ વાળા કબુતરોનાં પડાવ સાથે મેળવ્યાં. અને... ફરી હૈરતથી મારી આંખો વિસ્ફારિત બની, કપાળે પરસેવો ઉભરાવા લાગ્યો. એ બંને પડાવો તદ્દન ભિન્ન હતાં. એરિક હેમન્ડે જે નંબરનાં પડાવ વર્ણવ્યા હતાં તેનાથી તદ્દન અલગ જ નંબરો મારા દાદાએ લખ્યા હતાં. પણ આવું કેમ બને....? શું મારા દાદા કોઇ અન્ય રસ્તેથી જંગલમાં ગયા હતાં...? એ શક્ય નહોતું, કારણ કે મારા દાદા તો ત્રીજા પડાવેથી પાછાં ફરી ગયાં હતાં. તો શું સાજનસીંહ પાલીવાલ ખોટું બોલતાં હશે...? કે પછી પાદરી જોનાથન વેલ્સ ખજાનાની ખોજમાં આવનાર વ્યક્તિઓને ખોટા નક્શાઓ આપીને તેમને ભટકાવતો હશે...? સાચી હકાકત શું હશે એનો મને સહેજે અંદાજ આવતો નહોતો. અને વળી હું દાદાનાં દોરેલાં ચિત્રોનાં આધારે જ તો કાર્લોસ અને તેની ટીમને લઇને અહીં સુધી આવ્યો હતો. એ ચિત્રોનાં આધારે જ હું તેમને ખજાના સુધી પહોંચાડવાનો દમ ભરતો હતો. જો કાર્લોસને અત્યારે ખ્યાલ આવે કે જે કહાની મેં તેને સંભળાવી હતી એ ખોટી માયાઝાળ છે તો ચોક્કસ અત્યાર જ તે મને ગોળીએ દઇ દે.
આ ફોટાઓ જોયા પછી મને અમારી ઉપર જોખમ વધી ગયું હોય એવું મહેસુસ થયું. નહી... હવે આ વાત કોઇને કહેવી નથી અને આગળ જેવા પડશે એવા દેવાશે એવો મનોમન પાક્કો નિર્ધાર કરીને મેં ફોટાઓ સંકેલી લીધાં. એક બાબત મારા મનમાં સ્પષ્ટ થઇ ગઇ હતી કે જે પણ કંઇ ખેલ થયો હતો એ જરૂર પિસ્કોટા ગામમાં જ થયો હતો. જરૂર પાદરી જોનાથન વેલ્સે બધાને ધંધે લગાવ્યા હશે. મને ખાતરી હતી કે ચોક્કસ પાદરી અત્યારે મરી પરવાર્યો હશે પરંતુ પિસ્કોટા ગામ હવે મહત્વનું બની જતું હતું. પિસ્કોટા ગામ પહોંચીને જ કંઇક રસ્તો મળશે એવું વિચારીને મેં ફિલહાલ તો ઉંઘી જવાનું મન બનાવ્યું અને પથારીમાં લંબાવી દીધું.
@@@@@@@@@@
બીજા દિવસે સવારે અનેરીએ પેલા ફોટાઓ વીશે મને ઘણાં સવાલો પુછયાં. મેં ઘણુંબધું અધ્યાહાર રાખીને તેને અષ્ટમ પષ્ટમ સમજાવ્યું હતું અને અમારી આગળની સફર શરૂ થઇ હતી.
બીજા દિવસે સાંજ સુધીમાં અમે “ સ્ટેટ ઓફ માતો ગ્રાસો” ની સરહદ વટાવી “રેન્ડોનીયા” ની સરહદમાં પ્રવેશ કર્યો હતો. આ સમગ્ર દિવસ દરમ્યાન હું સતત ફફડતો રહયો હતો. સ્ટેટ ઓફ રેન્ડોનીયા વટતા તુરંત જ બોલીવીયાની સરહદ લાગું પડતી હતી. અને અહીથી જ એમેઝોન જંગલની ટેરીટરી શરૂ થતી હોય એવું સ્પષ્ટ દેખાઇ આવતું હતું. એકદમ સાંકડા અને જંગલ વિસ્તારની વચ્ચેથી પસાર થતાં રસ્તાઓ... સતત અને એકધારો વરસતો વરસાદ.... પાણીથી છલકાતા નદી, નાળા અને તળાવો.... જંગલનો સખત વર્તાતો બફારો.... લેન્ડ રોવર કંપનીની સ્પોર્ટ્સ કાર હોવા છતાં ખરાબ રસ્તાઓનાં કારણે કારમાં એકધારા ઉછળતા અમે..! મને આ સફર કોઇ દિવાસ્વપ્ન સમાન ભાસતી હતી. કયાં હું અમદાવાદની પ્રતિષ્ઠિત આઇ.આઇ.એમ. નો મેનેજમેન્ટનો સ્ટુડન્ટ..! અત્યારે કેવી પળોજણમાં સલવાયો હતો એ જ આશ્વર્યજનક બાબત લાગતી હતી. બ્રાઝિલનાં... અરે, દુનિયાનાં સૌથી મોટાં ડ્રગ્સ્ માફિયા ડીલર સાથે સોદાબાજી કરીને જાણે તેનો ભાગીદાર હોઉં એમ તેને એક એવી મંઝિલ તરફ લઇ જઇ રહયો હતો જેની આગળની રાહ તો મને ખુદને પણ નહોતી માલુમ.
એક એવા રહસ્યમય ખજાનાની ખોજમાં હું નિકળ્યો હતો જ્યાં સાક્ષાત મોત તાંડવ કરી રહયું હતું. એ શાપિત ખજાનાની ખોજમાં જનાર કોઇ આદમીની હજુ સુધી આ દુનિયાને ભાળ મળી નહોતી. તો શું હું પણ મરી જઇશ...? કદાચ આ સવાલનો જવાબ પરમ પિતા પરમેશ્વર પણ આત્યારે આપી શકે તેમ નહોતાં.
( ક્રમશઃ )
મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.
બની શકે તો કોમેન્ટ પણ કરજો.
જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.
લેખકઃ- પ્રવિણ પીઠડીયા
આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..
નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..
પણ વાંચજો.
નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.
આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.
ફેસબુક- Praveen Pithadiya search karo.