Gruhlakshmi in Gujarati Love Stories by Dharati Dave books and stories PDF | ગૃહલક્ષ્મી

Featured Books
Categories
Share

ગૃહલક્ષ્મી

ઉનાળાની સવાર હતી, રેડિયો પર ગીત વાગતું હતું 
“कहता है बाबुल, ओ मेरी बिटिया,
तु तो है मेरे, जिगर की चिठिया,
डाकिया कोई जब आयेगा,
तुझको चुरा के ले जायेगा”
       પ્રવીણભાઈ રેડિયોની બાજુમાં બેઠા બેઠા ગીત ગાતા હતા ને નિશાને ચીડવતા હતા. કે હવે  નિશા ના લગ્ન થઈ જશે.  પછી nishu પારકી બની જશે. અને નિશા રડતા રડતા ગુસ્સે થતા મમ્મી પાસે દોડી જતી. સુશીલાબેન પછી ખોટો ખોટો ગુસ્સો કરી પ્રવીણભાઈ ને વઢતા:" કેમ હેરાન કરો છો મારી nishu ને"
    દિવસો જતા ક્યાં વાર થાય છે, નિશા પણ હવે મોટી થઈ ગઈ. કોલેજમાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થઈ. સરસ મજાની એક જોબ મળી. ખુશીની કોઇ સીમા નહોતી. પ્રવીણભાઈ અને સુશીલાબેન ની તપસ્યાનું ફળ મળ્યું હોય એમ લાગ્યું. 
      પ્રવીણ ભાઈ પણ આખરે પિતા જ હતા એમણે વિચાર્યું હવે ઉંમર થઈ ગઈ છે. સારું ઘર જોઇને નિશાને વળાવી દઈએ એટલે આપણી બધી જવાબદારીઓ પૂરી થાય.
  સારો છોકરો શોધવાની જવાબદારી નિશાની ફઈ એ ઉપાડી લીધી. ને એમની શોધ જાણે રંગ લાવી હોય એમ સમાજના સુખી અને સંપન્ન ગણાતા જમનાબેન નો પ્રતીક પણ લગ્ન લાયક થતાં. એના માટે પણ કન્યાની શોધખોળ ચાલુ હતી. એમણે નિશા ની વાત પ્રતીક માટે જમનાબેન ને કરી.

     પહેલા તો જમનાબેનને થોડો ખચકાટ થયો. કેમકે નિશા મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી હતી. પછી વિચાર્યું ભલેને મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી હોય પણ નોકરી તો સારી કરે છે એટલે પગાર પણ સારો જ આવતો હશે! ને આપણા  ઘરમાં શોભે એવી છોકરી છે તેમ વિચારીને એમણે નિશા માટે હા પાડી.
      ઘડિયા લગ્ન લેવાયા! હરખ અને આંસુ સાથે પ્રવીણભાઈ અને સુશીલાબેને પોતાના કાળજાના કટકાને વિદાય આપી. અને જમનાબેન ને વિનંતી કરી કે અમે નિશાને ફૂલની જેમ સાચવી છે તમે પણ એનું ધ્યાન રાખજો.
        પિતૃગૃહે થી પતિગૃહે આવેલી નિશા દૂધમાં સાકર ભળે એમ ઘરમાં ભળી ગઈ. નાની નણંદની વ્હાલી ભાભી બની ગઈ. ને સાસુ ની આજ્ઞાંકિત વહુ બની ગઈ. અને પતિની પ્રેમાળ પત્ની બની ગઈ.  લગ્નના થોડા દિવસ સુધી તો નિશા ને એમ જ લાગ્યું કે હું ખરેખર ખૂબ જ નસીબદાર છું કે મને આટલું સરસ ઘર મળ્યું, સાસુ નણંદ અને પતિ  મળ્યા.
      પણ, નિશા નો આ વહેમ ઝાઝું  ન ટક્યો. જમનાબેને પોતાનું સાચું રૂપ બતાવવાનું શરૂ કરી દીધુ. વાતવાતમાં મહેણાટોણા મારવા, રસોઈમાં ખામીઓ કાઢવી અને તેના વિરુદ્ધ પતિની કાન ભંભેરણી કરવાની શરૂ કરી દીધી. 
    ધીમે ધીમે જમનાબેન ના આ કાર્યમાં નાની નણંદ પણ સાથ આપવા લાગી હતી. એ પણ પોતાના ભાઈને ભાભીની વિરુદ્ધમાં ચડામણી કરવામાં કંઈ જ બાકી નહતી રાખતી.
      સમજુ અને ઠરેલ નિશા આ બધી જ વાતોને મન પર ના લેતી અને ઘરમાં ઝઘડો ન થાય માટે કંઈ જ બોલતી નહીં. વિચારતી કે પતિ તો પોતાને સમજે છે ને, ને પતિનો સાથ છે પછી આવા નાના-મોટા અંતરાયો તો એ આસાનીથી પાર કરી દેશે.
    નિશા સવારે વહેલા ઉઠી ઘરનું કામ પતાવતી અને પછી ઓફિસ જતી ઓફિસથી આવીને ઘરનું બધું જ કામ કરતી. છતાંય જમનાબેન ને ખબર નહિ કેમ ઓછું જ આવતું.
   હદ તો ત્યારે થઇ જ્યારે જમનાબેન નિશાને વઢતા હતા ત્યારે  પ્રતીકે   પણ તેમનો સાથ આપ્યો અને નિશાને જ ખોટી સાબિત કરી. સમજુ નિશા પોતાના મમ્મી-પપ્પાને તકલીફ આપવા નહોતી માંગતી  માટે  કોઇ જ વાત પોતાના  મમ્મી-પપ્પાને કરી નહીં.
      આ બધા દુઃખ હોવા છતાં પણ નિશા હસતે મોઢે બધું જ સહન કરીને પોતાના મમ્મી-પપ્પા ના સંસ્કારોને ઉજાળતી હતી. ને હંમેશા આદર્શ પત્ની અને વહુ બનવાના પ્રયાસ કરતી.
   સમય કોઈનો સગો થતો નથી પ્રતીકને ધંધામા નુકસાન આવી જતા તે સાવ પડી ભાગ્યો. ઘરમાં જાણે શોક સભા હોય એવો માહોલ થઈ ગયો. બજારમાંથી લીધેલા પૈસા ડૂબી જતા એ પૈસાનું ચુકવણું કરવા માટે ઘર અને  પત્ની - માતા ના ઘરેણા પણ   વેચવા પડે એવી હાલત થઈ ગઈ.
   આવા કપરા સમયમાં બીજું કોઈ હોત તો સાસરિ વાળાને એમના હાલ પર છોડીને પિયરે જતુ રહ્યુ હોત. પણ આપણી સંસ્કારી, સમજુ નિશા આવા સમયમાં પોતાના પતિ અને પરિવારની પડખે ઉભી રહે છે. પોતાની નોકરીમાંથી કરેલી બચત અને પોતાના ઘરેણા આપીને પતિને ધંધામા થયેલ ખોટમાંથી   ઉપર આવામાં મદદ કરે છે.
   અને આ બધું જોઈ જમનાબેન પસ્તાય છે અને નિશા ની માફી માગે છે અને કહે છે તુ સાચા અર્થમાં મારા ઘરની ગૃહ લક્ષ્મી બનીને આવી છે.

ધરતી દવે