Mrugjal - 12 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | મૃગજળ - પ્રકરણ - 12

Featured Books
Categories
Share

મૃગજળ - પ્રકરણ - 12

"જી." કરણે સ્વસ્થ થઈ કહ્યું.

"હું સબ ઇન્સ્પેકટર અમર ચૌહાણ." ઇન્સ્પેક્ટરે આઈ.ડી. બતાવતા કહ્યું.

આઈ.ડી. જોઈ ઇન્સ્પેકટર અમરના હાથમાં આપતા કરણે એમને અંદર આવવા કહ્યું.

રાત્રે ઇન્સ્પેક્ટરને પોતાના ઘરે આવેલ જોઈ વૈભવી અચંબિત રહી ગઈ.

"મિસિસ વૈભવી કરણ શાસ્ત્રી તમે જ?"

"હ... હા સર." વૈભવીને હવે ખાતરી થઈ ગઈ હતી કે પોલીસ કોઈ પડોશીની ખબર લેવા નથી આવી પણ પોતાના ઘરે જ આવી છે.

"તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે."

"પણ કેમ ઇન્સ્પેકટર?" કરણે વચ્ચે પૂછ્યું.

"મી. કરણ શાસ્ત્રી એ બધું પોલીસ સ્ટેશને પહોંચતા જ તમને સમજાઈ જશે." ઇન્સ્પેક્ટરે પહેલી મુલાકાતમાં જ પ્રભાવ પાડવા કડકાઇથી કહ્યું, "હમણાં તો તમે પોલીસને સહકાર આપો તો તમને જ ફાયદો થશે."

*

સબ ઇન્સ્પેકટર અમરની જીપ સ્ટેશન આગળ ઉભી રહી. કરણ અને વૈભવી પાછલી સીટથી ઉતર્યા ત્યારે વૈભવી પોલીસ સ્ટેશનને પહેલી જ વાર જોઇને ધ્રુજી ઉઠી.

ઇન્સ્પેકટર અમરે ઈશારો કરી પાછળ આવવા કહ્યું. કરણ અને વૈભવી એની પાછળ અંદર ગયા.

કરણ અને વૈભવી બેમાંથી કોઈએ દિવસે પણ ક્યારેય પોલીસ સ્ટેશન જોયું જ નહોતું અને આજે રાત્રે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા એ જોઈ બંને ગભરાઈ ગયા હતા! માંડ બધું ગોઠવાયું હતું ત્યાં ફરી આ પોલીસ....!!! કરણનું મન વમળમાં ઉતરવા લાગ્યું.

ઇન્સ્પેકટર અમર એક રૂમ આગળ થોભ્યો. કરણે નજર કરી રૂમ ઉપર લખેલું હતું 'ઇન્સ્પેકટર સુમેરસિંહ જાડેજા.'

"અહીં બેસો." ઇન્સ્પેકટર અમરે રૂમ બહારની બેન્ચ તરફ ઈશારો કર્યો અને એ અંદર ચાલ્યો ગયો.

"કરણ આપણને આ લોકોએ અહી કેમ લાવ્યા હશે?" વૈભવીએ બેસતા પૂછ્યું.

"જે પણ હશે હમણાં ખબર પડી જશે, તું ચિંતા ન કર આપણે ક્યાં કાઈ ગુનેગાર છીએ." કરણે વૈભવીને આશ્વાસન આપવા પ્રયત્ન કર્યો.

મીનીટો સુધી બંને મૂંગા થઇ આવનારી આપત્તિ વિશે અંદાજ લગાવી રહ્યા. થોડી વાર પછી એ દરવાજો ખુલ્યો, અંદરથી એ જ છ ફૂટનો ખડતલ, યુવાન ઇન્સ્પેકટર અમર બહાર આવ્યો.

"મિસિસ. વૈભવી શાસ્ત્રી તમે અંદર આવો."

વૈભવી અને કરણ એક બીજા સામે જોતા ઉભા થઇ ગયા. ત્યાં ઇન્સ્પેકટર અમરે કહ્યું, "મી. કરણ તમે અહીં જ બેસો."

વૈભવીએ કરણ સામે જોયું, કરણે હકારમાં માથું હલાવ્યું.

વૈભવી અંદર દાખલ થઈ ત્યાં ફરી દરવાજો બંધ થઈ ગયો.

એક લાંબા ટેબલને અઢેલીને ઇન્સ્પેકટર સુમેરસિંહ જાડેજા ઉભો હતો. એક ખૂણામાં એક પોલીસવાળો કાંઈક લખતો હતો, બીજી તરફ એક બીજો પોલીસવાળો પોતાના ધ્યાનમાં હતો. એવું લાગતું હતું જાણે ત્યાં હાજર દરેક વ્યક્તિ પોલીસ સ્ટેશનના વાતાવરણથી ટેવાયેલી હોય! કોઈને વૈભવી આવી એ બાબત ધ્યાનમાં જ ન હોય.

"અહીં." ઇન્સ્પેકટર અમરે ઇન્સ્પેકટર જાડેજા સામેની ખાલી ચેર તરફ ઈશારો કરી વૈભવીને બેસવા કહ્યું.

વૈભવી બેઠી. ઇન્સ્પેકટર જાડેજાએ ટેબલ ઉપરથી સિગારેટ કેસ લઈને ઉઠાવી, એક સિગારેટ નીકાળી લાઈટર પ્રગટાવ્યું. એક ઊંડો કસ લેતો ઇન્સ્પેકટર જાડેજા પોતાની ચેર ઉપર ગોઠવાયો. ધૂમ્રસેર આરપાર વૈભવીએ એની લાલ આંખો, સખત ચહેરો અને દરબારી મૂછો જોઈ. એ થડકી ગઈ.

"સર, મિસિસ વૈભવી શાસ્ત્રી." અમરે કહ્યું, અને એક ચેર ખેંચી એ ઇન્સ્પેકટર જાડેજા પાસે ગોઠવાયો.

"હા તો મીસીસ વૈભવી આ બધું ક્યારે થયું?" ઇન્સ્પેકટર જાડેજાએ સીધું જ તીર છોડ્યું. ઇન્સ્પેકટર અમર વૈભવિના ચહેરાના હાવભાવ નોંધી લેવા તૈયાર જ હતો!

"આ બધું એટલે? એટલે શું?" વૈભવીને કઈ સમજાયું ન હોય એમ બોલી.

"તો તમને ખબર નથી એમ?" ઇન્સ્પેકટર જાડેજાએ આંખો વધુ સખત કરી.

"ના ઇન્સ્પેકટર, તમે શુ કહો છો મને એજ ખબર નથી." વૈભવીએ વારા ફરતી નજર જાડેજા અને અમર તરફ ફેરવી, ત્યાં અચાનક એની નજર ટેબલ ઉપર બેલ્ટમાં ભરાવેલી રિવોલ્વલ ઉપર પડી.

ઇન્સ્પેકટર જાડેજાએ પણ એ નોંધી લીધું હતું કે વૈભવીએ શુ જોયું અને શું વિચાર્યું.

"વેલ, તો તમને એ ખબર નથી કે મી. ગિરીશનું ખૂન થયું છે?" ઇન્સ્પેકટર જાડેજાએ વાત આગળ વધારી. ઇન્સ્પેકટર અમરે વૈભવિના હાવભાવ જોઈ લેવા એક નજર નાખી.

"ખ.... ખુન....????" વૈભવી ચોકી ગઈ.

"ખુન... ગિરીશ સરનું? એ કઈ રીતે બને?"

"એ જ સવાલ હું તમને કરું છું કે મી. ગિરીશનું ખૂન કઈ રીતે થયું?"

"મને... મને... શુ ખબર હોય ઇન્સ્પેકટર હું તો ગઈ કાલે ઓફીસ જ નથી ગઈ."

ઇન્સ્પેક્ટર જાડેજાએ તરત જ પોઇન્ટ પકડી લીધો.

"મેં તમને ખૂન થયું છે એમ કહ્યું છે ક્યારે થયું એમ નથી કહ્યું તો તમને શું ખબર કે ખૂન કાલે જ થયું હોય?"

ઇન્સ્પેકટર અમર અકળાયેલી વૈભવિના ચહેરાને ધ્યાનથી જોઈ રહ્યો.

"પણ... પણ આગળના દિવસે સવારે તો હું ઓફીસ ગઈ હતી. ગિરીશ સર હેમખેમ હતા તો ખૂન કાલે જ થયું હશે એમ મેં ધારી લીધું ઇન્સ્પેકટર." વૈભવીએ સ્પષ્ટતા કરી.

"વેલ, તમે ગિરીશને ક્યારથી ઓળખો છો?" ઇન્સ્પેકટર જાડેજાએ એકાએક વાત બદલી દીધી.

"હું બે વર્ષથી ત્યાં જોબ કરું છું."

"આ બે વર્ષમાં તો તમે ગિરીશને ઓળખી લીધો હશે ને? એટલે કે ગિરીશ કેવો હતો, એનો સ્વભાવ, એના મિત્રો, એના દુશ્મન વગેરે?"

"જી ના હું માત્ર ઓફીસ સુધી જ એને ઓળખતી હતી, ફેમિલી રિલેશન નહોતો અમારે."

"ઓકે મિસિસ વૈભવી શાસ્ત્રી તમે જઈ શકો છો."

અને એ વાક્ય સાથે જ વૈભવી ઉભી થઈ ગઈ.

"પણ હા, જરૂર પડ્યે તમને ફરી બોલાવવામાં આવશે." જાડેજાએ સુચના આપી.

દરવાજે પહોંચેલી વૈભવી ઘડીભર ઉભી રહી પાછળ ફરી હકારમાં માથું હલાવી એ ઝડપથી બહાર નીકળી ગઈ.

વૈભવી બહાર નીકળી કે તરત ખૂણામાં બેઠો યાકુબ પઠાણ કાગળ લઈને આવ્યો. પોલીસની એ રીત જ હતી કે પૂછપરછ દરમિયાન બીજા કોઈ પોલીસવાળા વ્યક્તિ ઉપર ધ્યાન નથી આપતા એવો દેખાવ કરે. પણ એ બધાનું પૂરું ધ્યાન તો એ વ્યક્તિ ઉપર જ હોય! જો બોલવામાં કે વર્તનમાં કોઈ ભૂલ કરે તો એ બધાના કાન અને ચાંપતી નજર એક નાની સરખી ભૂલ પણ પકડી લે!

"સર, મુદ્દા." કહી એણે ઇન્સ્પેકટર જાડેજાને કાગળ આપ્યું.

એક નજર વૈભવિના બયાન ઉપર ફેરવી લઈ એ બોલ્યા, "ઇન્સ્પેકટર અમર, તને શુ લાગે છે?"

"સર કાઈ કહેવાય નહીં, ગઇ વખતના કેસમાં પણ માધવની વાઈફ જ કિલર હતી ને? બયાન આપતી વખતે તો એ પણ સીધી અને ડરપોક લાગતી હતી આ વૈભવી જેમ જ પણ આપણને એ કેટલી હાથ તાળી આપી ગઈ?"

"હમમમમ ઇન્સ્પેકટર અમર જરા જોઈ આવ ગિરીશની ઓફિસના લોકો આવી ગયા કે કેમ?"

"સર આવી ગયા છે, એ લોકોને મેં બાજુની રૂમમાં રાખ્યા છે, એ લોકોને મેં પહેલા જ બોલાવી લીધા હતા પણ મેં વૈભવીને પહેલા બોલાવી કારણ એ મુખ્ય સેક્રેટરી હતી." ઇન્સ્પેકટર અમરે કહ્યું.

"વેરી ગુડ અમર, પણ બધાને એક જ રૂમમાં?" ઇન્સ્પેકટર જાડેજાએ નવાઈથી પૂછ્યું.

"અરે ના સર, હું કઈ મૂર્ખ છું અને એમ પણ ગવર્નમેન્ટ હવે તો સ્ટેશન મોટું આપે છે, બધાને અલગ અલગ રૂમમાં રાખ્યા છે, કોઈને એક બીજા સાથે મળવા નથી દીધા, એ બધામાંથી દરેકને એમ જ છે કે માત્ર મને જ સ્ટેશને બોલાવ્યો કે બોલાવી છે." અમર હસ્યો.

"અમર, તું હવે મારા કરતાં પણ આગળ નીકળી જઈશ." ઇન્સ્પેકટર જાડેજાએ કહું. ઇન્સ્પેકટર અમરની છાતી ગર્વથી ફુલાઈ.

"હવે એક કામ કર, તને ઓફિસના લોકોમાંથી જે સાવ નબળું કે મૂર્ખ લાગ્યું હોય એને લઈ આવ."

"મૂર્ખ જેવી તો એક જ છે સર નિતા, ભારે શરીરવાળી."

"હા તો બોલાવને આપણે એને નાસ્તો કરાવીએ."

ઇન્સ્પેકટર જાડેજાના એ વાક્ય ઉપર રાઇટર યાકુબ પઠાણ અને હેલ્પર વિશાલ ખડખડાટ હસી પડ્યા.

ઇન્સ્પેકટર જાડેજા થોડીવાર વિચાર કરતા ચેરમાં બેસી રહ્યા ત્યાં દરવાજો ખુલ્યો, એક ભારેખમ શરીરવાળી, યુવતી પંજાબી ડ્રેસમાં અંદર દાખલ થઈ. જાડેજા મનોમન ગણગણયા તો આ છે નિતા!

વૈભવી જેમ જ નિતાને પણ ઇન્સ્પેકટર અમરે ચેરમાં બેસવા કહ્યું અને ઇન્સ્પેકટર જાડેજાએ એ જ સવાલ કર્યા. નિતા પણ ગભરાઈને જવાબ આપતી ગઈ.

ઇન્સ્પેકટર જાડેજાએ એને પણ જવા કહ્યું, અને જરૂર પડ્યે ફરીથી બોલાવીશું એમ કહી એને જવા દીધી.

નિતા ગઈ કે તરત ઇન્સ્પેકટર જાડેજાએ યાકુબને કાગળ બતાવવા કહ્યું. યાકુબે કાગળ આપ્યો, ત્યાં બધા મુદ્દાઓ એક વાર જોઈ લીધા. બંનેના સ્ટેટમેન્ટમાં કોઈ ખાસ ફરક નજરે ચડ્યો નહિ.

"શુ થયું સર? કાઈ હાથ ન લાગ્યું?" અમરે ઇન્સ્પેકટર જાડેજાનો ચહેરો જોઈને ધારણા કરી.

"ના અમર, વેલ હવે કોણ બાકી છે?"

"સર રાજેશ અને નિયતિ બસ બે જ બાકી છે હવે."

"આ બે પ્રેમી પંખીડા તો નથી ને અમર?"

"ના સર કેમ?" ઇન્સ્પેકટર અમર હસ્યો.

"ના એ તો તે બંનેના નામ જોડે લીધા એટલે." ઇન્સ્પેકટર જાડેજાએ મશ્કરી કરી.

"લાવ બંનેને એક સાથે જ લાવ, તો જ કંઈક હાથ લાગશે."

ઇન્સ્પેકટર અમર ગયો અને બંનેને અલગ અલગ રૂમમાંથી એકઠા કરી લાવ્યો. બંનેને ચેર પર બેસાડી ઇન્સ્પેકટર જાડેજા ઘડીભર ચૂપ રહ્યા. પછી અચાનક જ પૂછ્યું.

"ગઈ કાલે તમે કેટલા વાગ્યે ઓફિસથી નીકળ્યા?"

"છ...."

"સવા છ...."

"ઓફિસનો ટાઈમ દરેક માટે અલગ અલગ છે?" ઇન્સ્પેકટર જાડેજાએ કડક થઈને પૂછ્યું.

"ના ના ઇન્સ્પેકટર સાહેબ." નિયતીએ કહ્યું, "રાજેશે બરાબર કહ્યું છ વાગ્યે નીકળ્યા અમે બધા."

"વેલ, તમે છ વાગ્યે નીકળ્યા ત્યારે કઈ અજુગતું જોયું હોય? ગિરીશની કોઈ હરકત ધ્યાનમાં આવી હોય?"

"ના સર, એટલે કે હા ગિરીશ સર આખો દિવસ એમની ચેમ્બરમાં ભરાઈને બેસી રહ્યા હતા." રાજેશ બોલ્યો.

"તમે કોઈ અંદર ગયા હતા?"

"ના સર અમારે અંદરની એક પણ ચેમ્બરમાં કોઈ કામ હોતું જ નથી, સરની ચેમ્બરમાં માત્ર સેક્રેટરી એટલે કે વૈભવી મેમ જ જતા અને બીજો એક મયંક."

"આ મયંક કોણ છે?" ઇન્સ્પેકટર જાડેજાએ એકાએક પૂછ્યું.

"મયંક પ્યુન હતો." નિયતીએ કહ્યું.

"હતો મતલબ?"

"એને હમણાં થોડા દિવસ પહેલા જ ગિરીશ સરે છુટ્ટો કરી દીધો હતો."

"ઓકે. એ દિવસે કોઈ આવ્યું ગયું?"

"ના સર વૈભવી મેમ સાંજે આવ્યા હતા થોડીવાર માટે."

"એ ક્યારે આવ્યા?"

"અમે જ્યારે નીકળ્યા ત્યારે વૈભવી મેમ અમને દરવાજે મળ્યા હતા. પણ અમે બધા ઉતાવળમાં હતા એટલે અમે તો નીકળી ગયા હતા."

"ઓકે, તમે જઈ શકો છો." ઇન્સ્પેકટર જાડેજાએ એ લોકોને પણ જવા દીધા.

રાજેશ અને નિયતિ નીકળ્યા.

ફરી ઇન્સ્પેકટર જાડેજાએ યાકુબ ખાને લખેલા મુદ્દાઓ જોઈ લીધા. અમરે પણ એક નજર મુદ્દા ઉપર કરી.

"સર આ વૈભવીએ કહ્યું કે હું ઓફિસે ગઈ જ નથી અને નિયતિ કહે છે કે એ સાંજે ઓફિસે આવી હતી."

"મને પણ એ જ વિચાર આવે છે અમર."

"તો હવે સર?"

"હવે શું, વૈભવી અને મયંકની તપાસ કરો."

"અને આ બે પંખીડા?"

"આ બંને પંખીડામાં મને રસ નથી અમર. દેખીતી રીતે જ નિયતિ ખુન કરી શકે એમ લાગતું નથી."

"હા કેમ કે એની અંદર કોન્ફિડન્સ જ નથી." અમરે જ ઇન્સ્પેકટર જાડેજાનું વાક્ય પૂરું કર્યું.

"હા બિલકુલ, જ્યારે મેં એને પૂછ્યું કે ઓફિસના ટાઈમ બધા માટે અલગ અલગ છે ત્યારે એ સવા છને બદલે રાજેશે કહેલા છ વાગ્યાના સમય ઉપર ચોક્કસ થઈ હતી." ઇન્સ્પેકટર જાડેજાએ ફરી એક સિગારેટ સળગાવી.

"પલ્સ એ પણ છે કે નિયતીના મેકઅપ અને કપડાં મેચ નથી કરતા સર. કેમ કે એના કપડાં જોતા એને સજવા સવરવાનો કોઈ શોખ નથી લાગતો પણ ચહેરા ઉપર મેકઅપ ઘણો છે. એટલે કે એને પોતાના ચહેરા ઉપર કોન્ફિડન્સ નથી." અમરે કહ્યું.

"યસ, ધેટ ઇઝ વ્હાય સી ઇઝ નોટ યુઝફૂલ ફોર અસ." ઇન્સ્પેકટર જાડેજાએ ટેબલ પરથી બેલ્ટ સાથે રિવોલ્વલ ઉઠાવી કમરે લટકાવી.

ઇન્સ્પેકટર અમરને થયુ ઇન્સ્પેકટર જાડેજાએ આવા નાના માણસોને ડરાવવા આ ગન કેમ ટેબલ ઉપર મૂકી હશે? ક્રિમિનલ કે રીઢા ગુનેગારોને ડરાવવાની જ એ ટ્રિક હતી છતાં અમરે કાઈ પૂછ્યું નહિ.

"અમર તને તારું કામ ખબર જ હશે ને?"

"યસ સર." કહી અમરે યાકુબ પાસેથી મુદ્દાઓની એક પ્રિન્ટ લઈ લીધી અને નીકળી ગયો.

( ક્રમશ: )
***