dana chana ni jodi in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | દાણા-ચણાની જોડી

Featured Books
Categories
Share

દાણા-ચણાની જોડી

દાણા-ચણાની જોડી...!

લંડન અમેરિકા ગયો ત્યારે, ત્યાં એક દ્રશ્ય જોયેલું. વાઈફ કરતાં પણ ત્યાંના લોકો શીંગ-ચણાને બહુ વ્હાલ કરતાં.દેશથી એમના ડોહાને લઈને ગયાં તો આનંદ નહિ થાય, પણ દાણા-ચણા લઇ ગયાં તો, મહેફિલ બનાવી ઝૂમી ઉઠે. એના કપાળમાં કાંદા ફોડું..! એ તો શીંગ-ચણાની આપણને કદર નથી. એ-વણ તો ખુશી-ખુશી થઇ જાય. આપણે તો ‘ ઘરકી મુરઘી દાલ બરાબર...! ‘ ડોશી પણ દાંતિયા કાઢે કે, દાંત ગયાં, ત્યારે દાણા-ચણા યાદ આવ્યાં..! દાણા-ચણા ખાવાની પણ એક સ્ટાઈલ છે. ફૂટેક દૂરથી ચણો મોમાં ફેંકે, ને ઝીલી લે, તો પ્રેમ ફૂટી નીકળતો. અમુક તો એમાંથી જ લગનના માંડવા સુધી પહોંચતા. મુઠ્ઠીમાં જેટલાં શીંગ-ચણા આવ્યા, એટલાં એના કપડાં સાથે જ ઓહિયા કરી જાય એનું નામ ગુજરાતી. એના છોતરાં કાઢવા પણ નહિ થોભે. જ્યારે ધોળિયાઓ આવો બળાત્કાર નહિ કરે. માશૂકાના વાળમાં હળવે હળવે હાથ ફેરવતાં હોય એમ, દાણા-ચણા ઉપર, ટેરવાં ફેરવી હનીમુન જેટલો એને પ્રેમ કરે. પછી જ એને ઠેકાણે પાડે..! શીંગ-ચણાને શરાબ સાથે વધારે ભાઈબંધી હોય, એ જગત જાણે છે. કોકો, ચાય કે આઈસ્ક્રીમ સાથે કોઈ શીંગ-ચણાનું બાઈટીંગ કરતું હોય તો કહેજો. દારુવાળાને ત્યાં, એટલે તો શીંગ-ચણાની બેઠક વધારે હોય. ચણાવાળાને ત્યાં દારુ નહિ મળે, પણ દારૂવાળાને ત્યાં શીંગ-ચણા અચૂક મળે. એ તો સારું છે કે, ગુજરાતમાં શરાબનું ટીપું નથી મળતું, નહિ તો ડાંગરની ખેતી કરતાં શીંગ-ચણાની ખેતી વધી હોત..! આપણું કાબેલ યુવાધન વિદેશ ખેંચાય એનું કારણ શું..? દેશમાં એમની મોટા પગારવાળી ઈજ્જત થતી નથી, વિદેશમાં શીંગ-ચણાનો ભાવ તો પૂછજો..? એની કિમતમાં આપણા ઘરની આખા દિવસની શાકભાજી આવી જાય..! શીંગ-ચણાને વિદેશ વધારે ફાવે એનું કારણ પણ એટલું જ કે, “ જ્યાં મળે તાડી, ત્યાં છૂટે ગાડી...! “ શીંગ-ચણા પણ બિચારા પ્રેમ-પ્રતિષ્ઠા ને વહાલના ભૂખ્યા..!

રખે માનતા કે, ખારીશીંગ ને ચણા હજી મિડલ કલાસના ખોળામાં જ રમે છે. એ તો આપણે કાંદા-બટાકા જેવાં રહ્યાં. બાકી શીંગ-ચણા તો મિડલ ક્લાસની મુઠ્ઠીમાંથી છટકીને ક્યારના વિદેશની હીરા-જડિત પ્લેટ સુધી પહોંચી ગયાં. ટેબલ પર મોંઘી શરાબ હોય, મોંઘેરા મહેમાનો હોય, પણ શીંગ-ચણા નહિ હોય તો, પાણીમાં બોળીને પાપડ ખાતાં હોય એવું ફીઈઈલ થાય. જેને નહિ થતું હોય, એમણે શીંગ-ચણાના નિબંધ વાંચી જવા, જરૂર થશે...! દાદૂ...એવું ફીઈઈલ થાય કે, ડેઇટીંગ ઉપર આવવાની ફીક્ષિંગ થયું હોય, ને દગાખોર માશૂકા હથેળીમાં ચાંદ બતાવી ગઈ હોય, એવું લાગે. શરાબની ચૂસકી લેવાની મઝા જ મારી નાંખે. એ તો આપનામાં આવડત નથી એટલે, બાકી શીંગ-ચણાના રોટલા પણ ખાવા જોઈએ...! શીંગ-દાણાનો પ્રભાવ છે દાદૂ..!

લગભગ ઈ.સ. ૮૦૦માં ચાર્લીમેગ્ની દ્વારા લખાયેલ એક ગ્રંથ મુજબ કેપીટ્યુલર ડી વિલ્સમાં સાઈસર ઇટાલિકમ દરેક રાજ્યમાં ચણા ઉગાડતા. શબરીએ શ્રી રામને બોરને બદલે, શીંગ-ચણા કેમ નહિ ખવડાવેલા, એ ઇતિહાસને હું શોધું છું..! ખવડાવ્યા હોત તો, ભગવાન શ્રી રામે પણ રાવણનો વધ કર્યા પછી વાનરસેના સાથે ખારીશીંગ ને ચણાની ઉજવણી કરી હોત, એવું લાગ્યાં કરે..! એની- વે, ઇતિહાસના તળીયે આપણે જવું નથી. આ તો એક વાત. બાકી,આદિકાળથી શીંગ-ચણા માનવજાતનો પીછો તો કરી જ રહ્યાં છે...!

શીંગ-ચણા એટલે પ્રેમી પંખીડાનું જીવતું જાગતું પ્રતિક. બંને એક બીજા વગર અધૂરા. એવી મજબૂત જોડી કે, એમની આગળ વિશ્વની પ્રેમકથાઓ પણ ઝાંખી લાગે. શીરીં-ફરહાદ, રોમિયો-જુલિયેટ, ઢોલા-મારું, લયલા-મજનુ, કે શેણી વિજાણંદ વગેરે યાદ આવી જાય. એ બધી પ્રેમાળ જોડીઓ તો પ્રેમ કરીને હોલવાય પણ ગઈ, ત્યારે ખારીશીંગ ને ચણાનું જોડું તો વિશ્વમાં હજી પણ અજોડ. ‘દાણા-ચણાની જોડી કોઈ શકે ના તોડી...!’ આ બંને એકબીજાથી છૂટાં પડતાં જ નથી બોસ...! સમઝણ અને ત્યાગની ભાવના જ બંને વચ્ચે એવી સોલ્લીડ કે, શીંગ, કાળા ચણાના છેડે ગંઠાય, કે પીળા ચણાના, વટાણા સાથે જાય કે, કાબૂલી ચણા સાથે. જેવી એની મૌજ...! જેને જેવી મૌજ આવે તેવી જમાવટ કરી લેવાની.! આપણા જેવું નહિ કે, છૂટાછેડા માટે કોર્ટના બારણા ખખડાવે..! બનેમાં એવી સમઝણ કે ‘તુ નહિ તો ઔર સહી, ઔર નહિ તો ઔર સહી’ જેવું..! શીંગ-ચણાના છોતરાં મહેફિલમાં બેઠેલાએ કાઢ્યા હશે, બાકી ઝઘડો કરીને બંનેએ, ક્યારેય એકબીજાના છોતરાં કાઢ્યા ના હોય..! બંને પરમાનંદી જ એવાં કે, બીજાને આનંદ મળતો હોય તો, છો ને આપણા છોતરાં કાઢતાં..?

શીંગ-ચણા એટલે બાળપણ, ને બાળપણ એટલે શીંગ-ચણા. શીંગ-ચણાની એક પડીકી માટે તો આઝાદી જેવો જંગ ખેલવો પડતો, એ હજી ભૂલાયું નથી. શીંગ-ચણા માંગવામાં બચપણમાં પડેલી ઢોલ-થપાટ , તો અમુક ડોહાઓ ગાલ પંપાળીને હજી યાદ કરતાં હશે. શીંગ-ચણા ખાવા માટે બાપા પાસે પૈસો કઢાવવો એટલે, વિજય માલ્યા પાસે બેંકનું કરજ પાછું લેવા જેટલું અઘરું. લેંઘીમાં પરસેવો છૂટી જતો..! તેમ છતાં પૈસો મળ્યો તો તો ઠીક, બાકી ગાલ ઉપર ઢોલ-થપાટ જ મળતી..! એ રાતે પરીના બદલે, જાલિમ બાપાના જ સ્વપ્ના આવતાં, પેલો જીન યાદ આવી જતો કે, જીન જો આવે તો હમણાં હુકમ કરું કે, ‘ જા...શીંગ-ચણા લઈ આવ, મારે ખાવાં છે..!’ શાંતા-ક્લોઝ તો ક્રિસમસ સિવાય આવે નહિ. ને એ જમાનો જ એવો કે, ભારતમાં એનો ધામો હોય પણ ક્યાંથી..? શું સાલો એ જાલિમ જમાનો હતો..?

કહેવાય છે ને કે, ઈચ્છાઓનું જેટલું દહન કરો એટલી એ વધારે ઉભરે. મને હજી યાદ છે કે, ભૈયાજી શીંગ-ચણા શેકતા હોય, ત્યાં સ્વયંવરમાં આવ્યા હોય એમ, ચુપચાપ વગર પૈસે ઉભા રહી જતાં. ભૈયાજી એવો શંકાશીલ કે, ટચલી આંગળીએ જવાનો હોય તો પણ નહિ જાય. ‘ રુકાવટકે લિયે ખેદ હૈ ‘ ની જેમ બેઠક પરથી ઉઠે નહિ. ભૈયાજીને એમ કે, આ છોકરું જાય તો હું ઉઠું, ને અમને એમ કે, એ ઉઠે તો એના ચણાના ટોપલામાં હાથ મારું..! બચપણની મસ્તી છે ને યાર..? સામે છપ્પન ભોગ ભલે ને સજાવ્યા હોય, પણ શીંગ-ચણા જોઇને જે મુખરસ ઝરે, એ છપ્પન ભોગમાં નહિ ઝરે. કોઈ સુંદરીને જોઇને ગીલી નહિ થટી, પણ શીંગ-ચણાનો થાળ જોઇને ચોક્કસ ગીલી-ગીલી થતી. બર્ગર-પીઝા- વડા -પાઉં, દાબેલી કે ફ્રોઝન ફૂડ તો અમારા જમાનામાં હોય જ નહિ, શીંગ-ચણાની લારી, એ જ અમારું સ્થાનક, ને એ જ અમારી ફાઈવ સ્ટાર હોટલ..! ખરીદીને ખાવા કરતાં, ભૈયાજીને રવાડે ચઢાવીને મફતમાં ચણા ખાવાની જે મઝા આવતી, એ ડેટા તો હજી આજેપણ મગજમાં અકબંધ..! કવિ પ્રેમાનંદે લખેલું ‘સુદામા ચરિત્ર’ જેવું ગીત આજે પણ યાદ આવી જાય દાદૂ....!

ખૂંચવીને ખાતાં ચણા તને સાંભરે રે..

. પડતી કેવી થપાટ મને કેમ વિસરે રે

ચમચી જેટલું નોલેજ હોય, ને કોથળો ભરીને આડંબર હોય, એના માટે કહેવત પડેલી કે, ‘ ખાલી ચણો વાગે ઘણો..! ‘ બાકી ચણા એ ચણા.જેણે ખાધાં હોય એ જ જાણે કે, ખાલી ચણો ખાધા પછી જ વધારે વાગે..! પિસ્તોલની કારતૂસ છુટ્ટી મારો તો અસર નહિ થાય. કોલેજીયન છોકરાએ કાગળનું તીર છોડ્યું હોય એવું લાગે. એને તો પિસ્તોલમાં ચઢાવીને જ ધડાકો કરવો પડે. એ વગર સામેવાળો આડો નહિ પડે.. ચણામાં પણ એવું જ, એ ખાધા પછી કોઈની શરમ નહિ રાખે. વાગે જ..! આટલી કથા પછી, મારું કહેવાનું એટલું જ કે, ખારી સીંગ વગર ચણા અધૂરા ને, ચણા વગર ખારી સીંગ અધુરી. .! જેને જિંદગી જીવતાં નહિ આવડતુ હોય તો, શીંગ-ચણા ને ગુરુ બનાવાય. એની જીવન કથામાંથી ઘણું શીખી લેવાય. ચણામાંથી એના દાણા છૂટા પડે, પછી એ દાણો દાળિયાથી ઓળખાય. દાળિયા પછી ચટણીમાં જ વધારે વપરાય. જાતને ચટણીમાં નહી ખાપાવવી હોય, તો ચણા બનીને ફેમીલી સાથે જ રહેવાય. કારણ કે, દાળિયા સાથે શીંગ બહુ ખાસ મહોબ્બત કરતી નથી. ચણામાં રહીએ તો, રેંકડીથી માંડી, સુપર સ્ટોર સુધી સુપરસ્ટારની માફક જીવાય. શીગની જન્મભૂમિ ભલે જમીનની અંદર છે, ને ચણા ભલે જમીનની ઉપર થાય, છતાં બંને વચ્ચે પ્રદેશવાદની કોઈ તકરાર નહિ. બંને એકબીજાના પૂરક...! એ કોણ બોલ્યું કે, ‘ પાકિસ્તાને પણ શીંગ ચણામાંથી ઘણું શીખવા જેવું છે...? તારાં કપાળમાં કાંદા ફોડું..!!!

હાસ્યકુ :

શીગ ને ચણા

જીવો ને જીવવા દો

અમોઘ મંત્ર

------------------------------------------------------------------------