વ્હાઈટ ડવ ૩
મા-દીકરી બંને થાકેલા હતા. બંને એકબીજાનો હાથ પકડીને સૂઈ ગયા. રાત શાંતિથી વીતી ગઈ...
સવારે કાવ્યા સમયસર જાગી ગઈ હતી. ફટાફટ તૈયાર થઈને એ નીચે આવી રહી હતી ત્યારે પ્રભુને કોઈ યુવક સાથે વાત કરતો જોઇ એ સીડીમાં ઊભી રહી ગઈ. પ્રભુ એ યુવકને રૂપિયા આપ્યા અને એ યુવાન રૂપિયા લઇને ચાલી ગયો. જાણે કંઈ જોયું જ ન હોય એમ કાવ્યા ધીરેથી નીચે આવી.
“તમે જાગી ગયા બેન? હું ચા નાસ્તો લાવું. બા આપની જ રાહ જોતા હતા.” પ્રભુએ આત્મીયતાથી કહ્યું.
“મમ્મી ક્યાં છે?” કાવ્યાએ સવાલનો જવાબ આપવાને બદલે સામો સવાલ કર્યો.
“બા મંદિરની સફાઈ કરી રહ્યા છે.”
“ઠીક છે. હું અને મમ્મી બંને પૂજા કર્યા પછી જ ચા લેશું.”
“જી બેન.” પ્રભુ અંદર ગયો.
કાવ્યાએ એ ઊભી હતી ત્યાંથી ચારે બાજુ નજર ગુમાવી. નીચે પથ્થરના પગથીયા અને એની ફરતે લાકડું અને પથ્થર વાપરીને બનાવેલી સીડી અત્યારે દિવસના અજવાળામાં સુંદર લાગતી હતી. સીડી પૂરી થતાં જ નીચે મોટો દીવાનખંડ હતો. એની છત પર લટકતા આલીશાન ઝુમર એનો ઠાઠ અનેક ઘણો વધારી દેતા હતા. ત્યાં શિશમના લાકડાનો બનેલો સોફા હતો. સોફા પરની કોતરણી એને રાજવી અને ભવ્ય બનાવતી હતી. સોફા સાથે મેળ ખાતી, એવા જ શીશમના લાલકડામાથી બનાવેલી ટીપોય ઘણી લાંબી હતી અને અહીંથી જ ઘણી વજનદાર લાગતી હતી.
કાવ્યા નીચે આવી. બેઠકખંડમાં જ્યાં સોફા હતો ત્યાં નીચે પાથરેલી કાશ્મીરી જાજમમાં એના પગ ખૂંપી ગયા. આટલો નર્મ, મુલાયમ ગાલીચો કાવ્યાએ પહેલીવાર જોયેલો! સીડીની એક બાજુએ રસોડું અને બીજી બાજુએ વિશાળ ડાયનીંગ ટેબલ હતું. એકસાથે બાર માણસો જમી શકે એટલું મોટું એ ટેબલ પણ કાળા શિશમમાંથી બનાવેલું હતું, અદભુત કોતરણી વાળું!
સીડીની બિલકુલ સામે પંદર ફૂટ દૂર લાકડાનો બનેલો વિશાળ દરવાજો હતો જે બહારની બાજુ ખૂલતો. દરવાજાની એક તરફ નવેક ફૂટ જેટલી જગા છોડીને કાળા આરસના પથ્થરમાંથી કોતરીને બનાવેલું મંદિર હતું. માધવીબેન ત્યાં જ હતા. એ મંદિરને ફૂલોથી શણગારી રહ્યા હતા. કાવ્યાએ દીવાલો પરના તૈલચિત્રો પર એક ઉડતી નજર નાખી અને પછી એ પણ એની મમ્મી સાથે પૂજામાં બેસી ગઈ. ધૂપ અને અગરબત્તીની સુવાસ ફૂલોની સુવાસ સાથે મળીને કોઈ દિવ્ય સુગંધ વાતાવરણમાં ઘોળી રહી. આજે વરસો બાદ આ હવેલીમાંથી આ દિવ્ય સુગંધ આવી રહી હતી.
રાત્રે વેરાન ભાસતી હવેલી અત્યારે દિવસના અજવાળામાં જાજરમાન લાગી રહી હતી. કાવ્યાને હવેલી ગમી.
“બા ગાડી તૈયાર છે તમે કહો એટલે આપણે હોસ્પિટલ જવા નીકળીએ.” પ્રભુએ આવીને અદબથી કહ્યું.
“બસ, દસેક મિનિટમાં આપણે નીકળીએ.” માધવીબેન બોલ્યા.
પ્રભુના જતા જ કાવ્યાએ કહ્યું, “આ નોકર બહું ભરોશો કરવા જેવો નથી લાગતો. સવારે એ કોઈ છોકરાને નોટોની થપ્પી આપતો હતો. એક નોકરની પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવે?”
“પ્રભુ આ ઘરનો વરસો જૂનો માણસ છે. એના પપ્પા અને દાદા પણ અહીં જ કામ કરતા. એના પર ભરોસો ના કરવાનું કોઈ કારણ નથી.” માધવીબેને પરોઠાંનો એક ટુકડો મોંમા મૂકી ચાનો એક ઘૂંટડો પીતા કહ્યું. “આ ચાવીઓ એણે મને આપી. એમાં તિજોરીની ચાવી પણ હશે. લોકરની ચાવી તિજોરીમાં જ છુપાવેલી છે એક છુપા ખાનામાં એમાં સારા એવા પ્રમાણમાં રોકડ પડી હશે. જો પ્રભુ ચોર હોત તો આ ચાવીઓ મળી ગયા પછી એ તિજોરીમાંથી લોકરની ચાવી શોધી શકત.”
“તો પેલો યુવાન કોણ હશે?” કાવ્યાએ હજી શક કરતા પૂછ્યું.
“તું પ્રભૂનેજ પૂછી લેને!”
કાવ્યા બહાર આવી અને હવેલીની બંને બાજુ પથરાયેલા લીલાછમ બગીચાને જોઈ રહી. નારિયેળી, ચીકુ, આંબળા, આંબો અરે અડધાના તો એને નામ પણ નહતા આવડતા. કાલે રાત્રે આજ જગાએ ગાડી ઊભી રહેલી. અંધારામાં કશો ખયાલ નહતો આવ્યો. અત્યારે બધું સાફ સાફ દેખાઈ રહ્યું હતું. હવેલીની આગળ સીધો, પાકો રોડ બનાવેલો હતો જે ગામની બહાર નીકળો ત્યાં સુધી સાથે આવતો હતો. હવેલીની ચારેબાજુ ઊંચો કોટ કરેલો હતો. અને મોટા દરવાજાની પાછળ એ હવેલી એના પડખામાં અસંખ્ય નાના મોટા ઝાડ અને ફૂલછોડને લઈને ઊભી હતી, વરસોથી...અડીખમ!
કાવ્યાને થોડું થોડું કંઇક યાદ આવતું હતું. આ રસ્તા ઉપર જાણે એ કેટલીય વાર દોડી હતી....આ આંબાના ઝાડ ઉપર ચઢવા પ્રયાસ કર્યો હતો....આ મોટા મોટા ગલગોટા એણે પહેલા પણ તોડીને એની પાંખડીઓથી રંગોળી કરી હતી...એ બધી તોફાન મસ્તીમાં કોઈ હર પલ એની સાથે હતું... દિવ્યા!
હા, એની જુડવા બહેન દિવ્યા. જ્યારે એ આ દુનિયામાં આવી ત્યારથી, માના ગર્ભમાં પણ એની સાથે હતી. આ દુનિયામાં એના અસ્તિત્વની શરૂઆતની એક એક ક્ષણમાં એ એની સાથે જ તો હતી....
“બેન..! જઈશું?” પ્રભુએ બે વખત બોલાવી પછી કાવ્યા ભાનમાં આવેલી.
“હા, ચાલો. ચહેરા પર બનાવટી સ્મિત પહેરીને કાવ્યા ગાડીમાં બેઠી.”
“શું યાદ આવી ગયું?” માધવીબેન દીકરીના મનોભાવ કળી ગયા. આખરે મા કોને કીધી!
“દિવ્યા!” એક શબ્દમાં જવાબ આપીને કાવ્યા ચૂપ થઈ ગઈ. જો વધારે બોલવા જાત તો કદાચ રડી પડત.
માધવીબેનની પણ એવી જ હાલત હતી. એમણે કંઈ બોલ્યા વગર કાવ્યાના પગ પર એમનો હાથ મૂકી મુક રીતે જ સાથ આપ્યો. કાવ્યાએ મમ્મીનાં હાથ પર પોતાનો હાથ મૂકી હિંમત એકઠી કરવા માંડી....
જ્યારે એ લોકો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ત્યાંનો સ્ટાફ એમની રાહ જોઈને દરવાજે જ ઊભો હતો. હોસ્પિટલની સૌથી જૂની નર્સ, સિસ્ટર માર્થાએ કાવ્યા અને માધવીબેનને હાથમાં ફૂલોનો ગુલદસ્તો આપી સ્વાગત કર્યું. નવી આવેલી એક નર્સ હાથમાં આરતી લઈને આવી અને કાવ્યાની આરતી ઉતારી, કપાળે નાનું કુમકુમનું તિલક કર્યું. કાવ્યાની નજર બધા સ્ટાફ મેમ્બર્સ પર ફરી વળી. સિસ્ટર માર્થા ખૂબ મોટી ઉંમરની, હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી અહીં કામ કરતી એકમાત્ર નર્સ હતી. અહીંની બધી દેખરેખ એજ રાખતી હશે એવું એને જોતાજ લાગ્યું. બીજી બે યુવાન નર્સ હતી. ત્રણ આયા, બે ક્લાર્ક જે હોસ્પિટલનો હિસાબ અને બીજા કાગળિયા સંભાળતા, દરવાજે ઊભા રહેતા બે સિકયુરિટી ગાર્ડ જે એક દિવસે અને એક રાત્રે આવતો. એક સિનિયર ડૉક્ટર, ડૉ. આકાશ અવસ્થી અને અને એક હાલમાં જ હોસ્પિટલ જોઈન કરેલ યુવાન, ડૉ. શશાંક મજુમદાર! આ બધી માહિતી કાવ્યાને સિસ્ટર માર્થાએ જ આપી.
સિસ્ટર માર્થા નખશિખ ખ્રિસ્તી બાઈ હતી. એણે સફેદ કલરનું ઝીણી પ્રિન્ટવાળું ઢીંચણ સુંધીનું ફ્રોક પહેરેલું. માથે રાખોડી રંગનો સ્કાફ બાંધેલો. તદ્દન ગોળાકાર એની ચશ્માની ફ્રેમમાંથી એની આંખો હતી એના કરતા વધારે મોટી લાગતી. ચહેરા પર ઉંમરની ચાડી ખાતી કરચલીઓ વિશેષ પ્રમાણમાં દેખાઈ આવતી છતાં ઘઉંવર્ણી સિસ્ટર માર્થા પહેલી નજરે શિસ્તપ્રિય અને માયાળુ નર્સ લાગી. બાકીની બે નર્સ રાધા અને ગીતા યુવાન હતી. એ ઠીક ઠીક લાગી. આયા ત્રણેત્રણ આધેડ ઉંમરની મદ્રાસી બાઈઓ હતી. ગાર્ડ હંમેશા દરવાજે જ રહેતા અને બે ક્લાર્ક હોસ્પિટલની ઑફિસમાં જ જોવા મળતા. સિનિયર ડૉક્ટર વરસોથી અહીં સેવા આપતા હતા. એ એમના કામ સિવાય ભાગ્યેજ કોઈની સાથે વાત કરતા. આ બધા જમેલામાં કાવ્યાની નજર અટકેલી જઈને ડૉ. શશાંક પર. આ એજ યુવક હતો જેણે પ્રભુએ સવારે રૂપિયાની થોકડી આપેલી!
“હલ્લો ડૉ. શશાંક!” કાવ્યાએ એની તરફ હાથ લંબાવતા કહ્યું. ખબર નહીં કેમ પણ કાવ્યાનું મન કહેતું હતું કે આ માણસ ગરબડ છે! ઘેરા વાદળી રંગના ફોર્મલ પેન્ટ અને સફેદ શર્ટમાં ઊંચો, ગોરો શશાંક દેખાવડો લાગતો હતો. એના ચહેરા પર એક બેફિકરાઈ ભર્યું સ્મિત હતું, એ સ્મિત જોઇને કાવ્યાને લાગ્યું જાણે એ હંમેશા ત્યાં રમતું રહેતું હશે. બે લાંબી સફેદ આંખો,એકસરખી લંબાઈના સફેદ દાંત અને મજબુત, પહોળા જડબા એને આકર્ષક પુરુષ બનાવતા હતા. માથાના વચ્ચેના ભાગના વાળ થોડા લાંબા અને બાકીના સાવ ઝીણા ઝીણા કપાયેલા હતા. જે વાળ લાંબા હતા એમાના કેટલાક આછા બદામી રંગે રંગાયેલા હતા.આવી સ્ટાઈલ હાલ ફેશન પરસ્ત યુવાનો અને ફિલ્મી હીરો રખાવતા. વલસાડમાં રહી, ગાંડાઓના ડોક્ટરની પ્રેક્ટિસ કરતો શશાંક આ હેરસ્ટાઈલમાં કાવ્યાની નજરે ફીટ નહતો થતો.
“હલ્લો!” શશાંકે પણ સામે હાથ લાંબો કર્યો. એણે કાવ્યાનો હાથ જરાક દબાવીને છોડી દીધો. આછા કેસરી રંગની કોટનની શોર્ટ કુર્તી અને બ્લુ જીન્સમાં કાવ્યાનું ગોરું બદન ઔર નીખરતું હતું. કાવ્યાના મોઢા પર ચંચળતા અને ચપળતા બંને વારાફરથી દેખાઈ આવતા. એ ક્યારે નાના બાળકની જેમ ચંચળ બની જશે અને ક્યારે ચપળ બનીને સામેવાળાને માત કરી દેશે એ કોઈ કળી શકે એમ ન હતું.
“થેંક યું ઓલ ફોર દિસ વોમૅ વેલ્કમ! હવે તમે તમારું કામ ચાલુ કરો મને ડૉક્ટર શશાંક હોસ્પિટલ દેખાડી દેશે, જો એમને વાંધો ન હોય
તો!” કાવ્યાએ હસીને હોસ્પિટલમાં પ્રવેશ કરતા કહ્યું.
“ઇટ્સ માય ઓનર!” શશાંકે સામે હસીને કહ્યું.
સિસ્ટર માર્થા અને માધવીબેન ડૉક્ટર રોયની કેબિનમાં જઈને બેઠા. માધવીબેનને હોસ્પિટલ જોવામાં કોઈ રસ ન હતો. એમને સિસ્ટર માર્થા જોડે ડૉ. રોય વિશે વાત કરવી હતી. આ કેબિન ઘરના સભ્યો માટે જ ખુલતી. આજે એ ઘણા દિવસો બાદ ખુલી હતી એ અંદર પ્રવેશતા જ અંદરની બંધિયાર હવા શ્વાસમાં જતાં માધવીબેનને ખયાલ આવી ગયો.
શશાંક અને કાવ્યા ઉપર ગયા. ત્યાં સીડીમાંથી ઉપર જતાં સામે જ ઓપેરેશનથીએટર હતું, જે દર્દીના ચેકઅપ માટે ખાસકરીને વપરાતું. એમાં દર્દીઓને શૉક આપવાનું સાધન જોઈને કાવ્યાએ એનું નામ પૂછ્યું,
“આ સાધન મેં ઘણા પિચ્ચરોમાં જોયું છે. આને શું કહેવાય?”
“પિચ્ચરોમાં તમે ખાલી મસીન અને નકલી પાગલ જોયા હશે હું તમને સાચુકલા પાગલ બતાવું, ચાલો!” શશાંકે મસીનનું નામ આપ્યા વગર એ રૂમ બંધ કરી દિધો અને કાવ્યાને એની બાજુમાં આવેલ રૂમ દેખાડ્યો.
એ રૂમ બહારથી તાળું મારેલો હતો. એક મોટી, સળીયાવાળી બારીમાંથી અંદર જોઈ શકાતું. અંદર સફેદ કુર્તો પાયજામો પહેરેલી એક આધેડ સ્ત્રી પલંગ પર બેઠી હતી. એના વાળ ટૂંકા કપાવેલ હતા. એ ચૂપચાપ બેસી રહી હતી.
“ હોસ્પીટલનું આ સૌથી સારું પેશન્ટ છે. કોઈ જ મગજમારી નહીં. હંમેશા આમ શાંત જ બેસી રહે.” શશાંકે માહિતી આપી.
“શું નામ છે એમનું?” કાવ્યાએ રૂમમાં એક નજર નાખી એ નજરને શશાંકની આંખોમાં સ્થિર કરી પૂછ્યું.
“આ...એનું....ના..મ...ગૌરી! ગૌરી નામ છે એનું!” શશાંકે જ્યાં નજર અટકાવી નામ કહ્યું ત્યાં હવે કાવ્યાએ નજર ઠેરવી. બારણાં પર એક કાગળ ચિપકાવેલ હતો એમાં દર્દીનું નામ, ઉંમર વગેરે મોટા અક્ષરે લખેલું હતું. કાવ્યાને ગુસ્સો આવવો જોઈતો હતો આ માણસ કોઈ ફ્રોડ લાગતો હતો પણ, એ હસી પડી. ખબર નહિ કેમ પણ એને શશાંકની સોબત ગમવા લાગી હતી....
ઓ. ટી. ની બંને બાજુ પાંચ પાંચ એમ કુલ દસ રૂમ હતા. નવ રૂમમાં દર્દી હતા. એક ખાલી હતો. અહીં ઉપર એવી સ્ત્રી દર્દીઓને રાખવામાં આવતી જે વધારે ગાંડી હોય. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ વાર ઘાતકી બની જતી હોય અને એમને રૂમમાં એકલી રાખવું જ હિતાવહ હોય. આ બધી સ્ત્રીઓ વરસોથી એમનું માનસિક સંતુલન ગુમાવી બેઠી હતી. નીચે પણ ઉપર જેવી જ રચના હતી. ફરક એટલો કે અહી બારણાં ખુલ્લા હતા ઉપરની જેમ અહીં બારણા બહારથી બંધ ન હતા! અહીં પ્રમાણમાં ઓછા પાગલ કે જે દવા અને સમજાવટથી માની જાય એવા દર્દીઓ હતા. અહીં પણ બધી સ્ત્રીઓ જ હતી. એ બધી એકબીજા સાથે વાતો કરતી, હસતી, ગુસ્સો કરતી હતી. આયા અને નર્સ એમનું ધ્યાન રાખતા.
કાવ્યા શશાંક સાથે આખી હોસ્પિટલ ફરી વળી. એને મજા પડી. એ લોકો માધવીબેન બેઠા હતા એ કેબિનમાં આવ્યા ત્યારે સિસ્ટર માર્થાએ કાવ્યાને રોકી લીધી. એણે કેટલાક જરૂરી કાગળિયા પર એની સહી કરવાની હતી. સિસ્ટર માર્થા પાસેથી માધવીબેનને એમના પતિ વિશે કંઈ નવું જાણવા ન મળ્યું. જેમ પ્રભુએ કહેલું તેમ એ અચાનક આવી જતા અને કોઈ કામ બતાવી ચાલ્યા જતા. કોઈ સાથે વાત કરવા પણ ના રોકાતા. એ આમતો સ્વસ્થ જણાતા હતા પણ, એ ક્યાં રહેતા હશે એ બધા માટે આશ્ચર્યનો વિષય હતો.
“કાવ્યા તારે રોકાવું હોય તો તું રોકા હું નીકળીશ હવે.” માધવીબેન નિરાશ થઈને બોલેલા.
“ઓકે! હું બપોરે આવી જઈશ. આ થોડી સહીઓ કરી લઉ અને હોસ્પિટલના સ્ટાફને થોડું જાણી લઉ.” કાવ્યાએ હસીને કહ્યું હતું.
કાવ્યાના એ જવાબમાં એની મમ્મીને એના પપ્પાનો અણસાર આવ્યો. એ પણ હંમેશા આવું જ કહેતા. તું જા, હું આવું છું! માધવીબેન પરાણે થોડુ હસીને બહાર નીકળી ગયા. સહી કરવાનું પતાવીને કાવ્યા બહાર આવી. એને થયું કે શશાંક સાથે બધા દર્દીઓની મુલાકાત લેવી જોઈએ. મજા આવશે. એણે ત્યાં ઉભેલી આયાને પૂછ્યું,
“ડૉક્ટર શશંકની કેબિન કઈ બાજુ છે?”
“સામેથી બીજા નંબરની.” આયાએ હસીને જવાબ આપ્યો, “પણ, મેડમ વો યહા નહીં હૈં! વો તો માધવી મેદમકે સાથ ગયા.”
કાવ્યાને કંઇક ખુંચ્યું. શશાંક એની મમ્મી સાથે ગયો હતો! આ સાંભળીને એનો સવારનો ખુશનુમા મૂડ ઉદાસ થઈ ગયો. આવું કેમ થયું? એની તો એને પોતાને ખબર ન પડી.