સેલ્ફી:-the last photo
Paart-8
કિચનમાં જોયેલ દ્રશ્ય જોઈને ડરી ગયેલ કોમલ જેમ-તેમ કરી શુભમનાં રૂમનાં દરવાજે પહોંચી..હળવેકથી એને શુભમનાં રૂમનો દરવાજો નોક કર્યો..બે ત્રણ વાર દરવાજો નોક કરતાંની સાથે શુભમે આંખો ચોળતાં દરવાજો ખોલ્યો..દરવાજો ખોલતાં જ એને કોમલ ને ત્યાં ગભરાયેલી અવસ્થામાં બારણે ઉભેલી જોઈ એટલે શુભમ સમજી ગયો કે કોમલે ફરીવાર કંઈક જરૂર જોયું હોવું જોઈએ.
શુભમે હાથનાં ઈશારાથી કોમલ ને અંદર આવવા કહ્યું..કોમલ ને શાંત રહેવાનું કહી શુભમે પૂછ્યું.
"શું થયું..આજે ફરીવાર રોબિન ને જોયો..?"
"ના રોબિન ને તો નથી જોયો પણ કિચનમાં.."ખચકાતાં ખચકાતાં કોમલ આટલું માંડ બોલી શકી.
"શું થયું કિચનમાં..બોલ તો ખરી.."કોમલ નાં હાથ પર પોતાનો હાથ મૂકી શુભમે કહ્યું.
"શુભમ તું ત્યાં જઈને જાતે જ જોઈલે.."અચકાતાં અને ડરતાં કોમલ આટલુંજ બોલી શકી.
કોમલ નાં આટલું બધું ડરી જવાનું કારણ સમજવા શુભમે એને ત્યાં રોકાઈ જવાનું કહી પોતે ધીરે ધીરે ડગ માંડતો કિચનનાં દરવાજે આવીને ઉભો રહ્યો..ત્યાં આવીને શુભમે પણ કોમલની માફક કી-હોલમાંથી અંદરનું દ્રશ્ય જોયું..અંદર જોતાં જ શુભમે પોતાની નજરો ફેરવી લીધી.. શુભમે કંઈક વિચાર્યું અને તાત્કાલિક દાદરો ચડી ઉપરની તરફ ગયો..પહેલાં રોહન અને પછી જેડી ને જગાડી પોતાની સાથે લઈને શુભમ રસોડા જોડે આવીને ઉભો રહ્યો.
શુભમનું આમ આ રીતે પોતાને બોલાવવા આવવું કોઈ મુસીબત ની એંધાણી હોવાનું સમજી રોહને પોતાની લોડ કરેલી રિવોલ્વર જોડે લઈ લીધી જેથી જરૂર પડે એનો ઉપયોગ કરવો પડે તો વાંધો ના આવે.
શુભમનાં કહેવાથી પહેલાં જેડી એ અંદર જોયું અને ત્યારબાદ રોહને..કોમલ અને શુભમની માફક એ બંને એ કિચનમાં જે જોયું એની ઉપર હજુપણ વિશ્વાસ નહોતો આવી રહ્યો.અંદરનું દ્રશ્ય જોઈ રોહન ગુસ્સે ભરાઈ ગયો..અને મોટેથી બોલ્યો.
"દામુ જલ્દી બારણું ખોલ.. અમે તને રંગેહાથ પકડી લીધો છે..વધુ હોંશિયારી કરી તો તને ગોળી એ દઈશ.."
રોહન ની આ ધમકીનાં પ્રતિભાવમાં અંદરથી કોઈ હિલચાલ ના થતાં રોહન વધુ ગુસ્સે થઈને બોલ્યો.
"દામુ જલ્દી બારણું ખોલે છે કે હું તોડીને અંદર આવું.."
રોહન નાં આમ મોટેથી ચિલ્લવાનાં લીધે ત્યાં શું થઈ રહ્યું હતું એ જોવા કોમલ,મેઘા,અને પૂજા પોતાનાં રૂમમાંથી નીકળી ત્યાં આવી ગયાં.. જ્યારે પગે વાગવાની એન્ટી બાયોટિક દવાની અસરનાં રુહી હજુ સુઈ રહી હતી.
"દામુ હું ત્રણ ગણીશ.. ત્યાં સુધી તું જાતે બારણું ખોલ નહીંતો હું બારણું તોડીને અંદર આવું છું.."જોરથી ઊંચા અવાજે રોહન બોલ્યો.આટલું કહી રોહને મોટેથી ગણતરી શરૂ કરી.
"એક...બે...અને.."
રોહન ની ધમકી સાંભળી દામુ એ હળવેકથી બારણું ખોલ્યું..અત્યારે દામુ નાં હાથમાં એક મોટું ચપ્પુ હતું અને એનાં હાથ અને મોં લોહી થી ખરડાયેલ હતાં.એને જોતાંજ બધી છોકરીઓ ગભરાઈને પાછળની તરફ હટી ગઈ.રોહને એને જોતાં જ રિવોલ્વર દામુ ની તરફ તાકતાં કહ્યું.
"દામુ ચપ્પુ નીચે ફેંકી દે નહીંતો હું ગોળી ચલાવી દઈશ.."
રોહન દ્વારા પોતાનાં તરફ તકાયેલી રિવોલ્વર જોતાંજ દામુ ને કંપારી છૂટી ગઈ..એને પોતાનાં હાથમાં રહેલ ચપ્પુ નીચે ફેંકતા કહ્યું.
"સાહેબ મેં કંઈ નથી કર્યું..તમે ગોળી ના ચલાવતાં.."
દામુ એ નીચે ફેંકેલું ચપ્પુ શુભમે ઉઠાવી લીધું અને રોહનની જોડે આવીને ઉભો રહી ગયો.
"તે કંઈ નથી કર્યું તો આ તારાં હાથ અને મોં પર લાગેલું લોહી કોનું છે..અને તું અંદર શું કાપી રહ્યો હતો..ક્યાંક રોબિન.."આટલું બોલતાં બોલતાં રોહન ફટાફટ કિચનની અંદર પ્રવેશ્યો..એને એમ હતું કે દામુ જે વસ્તુ કટ કરી રહ્યો હતો એ રોબિન ની લાશ હતી.
દામુ પણ રોહન ની પાછળ પાછળ અંદર આવ્યો..જેડી અને શુભમ પણ એની પાછળ અંદર આવ્યાં.. ત્યાં રસોડાના પ્લેટફોર્મ પર અત્યારે એક પશુની કપાયેલી લાશ પડી હતી..જેનું માથું ત્યાં પ્લેટફોર્મ પર જ હતું.એને જોતાં જ રોહન અને શુભમ સમજી ગયાં કે આ પશુ એજ વરુ હતું જે એમને સાંજે જોયું હતું.
"દામુ આ બધું શું માંડ્યું છે..?આ બધું શું છે..?"રોહને દામુ નો કોલર પકડી સવાલ કર્યો..રોહનનાં અવાજમાં આશ્ચર્ય અને ગુસ્સો બંને હતાં.
"સાહેબ મને માફ કરી દો..સાંજે જ્યારથી એ વરુ ની લાશ જોઈ હતી ત્યારથી મારી જુની કુટેવ મને યાદ આવી ગઈ.."આટલું કહી દામુ ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયો હોય એમ બોલવા લાગ્યો.
"સાહેબ મારો જન્મ થયો ત્યારે મારુ વજન ખૂબ ઓછું હતું..ઉંમર વધવાની સાથે કંઈ ફરક ના પડ્યો અને હું નાનપણથી જ કુપોષણથી પીડાતો હતો.ઘણીવાર એનાં લીધે હું બેહોશ પણ થઈ જતો અને બીમાર પણ રહેતો..ઘણી બધી દવાઓ કરાવ્યા બાદ કોઈ ફરક નાં પડતાં મારાં માં-બાપ મને એક ઊંટ વૈદ્ય જોડે લઈ ગયાં.. એને સલાહ આપી કે માટે પશુઓનું લોહી પીવું પડશે તો જ મને આ કુપોષણમાંથી રાહત મળશે.."
"તો મેં વૈધની સલાહથી મૃત પશુનાં લોહી પીવાનું શરૂ કર્યું.એની સલાહ કારગર નીવડી ને હું સ્વસ્થ થઈ ગયો પણ એ ટેવ ઘણાં સમય સુધી રહી..છેલ્લાં દસેક વર્ષોથી હું આ કુટેવમાંથી મહાપરાણે છુટકારો મેળવવામાં સફળ થયો હતો પણ આજે ખબર નહીં મને શું થઈ ગયું..રાતે હું એ વરુ ની લાશ ઉતારી લાવ્યો અને એને કાપીને એનું લોહી નીકાળી પીતો હતો..આજ પછી આવી ભૂલ નહીં થાય."દામુ રોહનની સામે હાથ જોડી કરગરતાં બોલી..આટલું કહી દામુ જોરજોરથી રડવા લાગ્યો.
દામુ ની આંખમાં ઉભરાયેલાં આંસુ અને એનો દયનિય અવાજ સાંભળી રોહન,જેડી અને શુભમને એની વાતોમાં સચ્ચાઈ લાગી રહી હતી.એ ત્રણેયે એકબીજાની તરફ જોયુ અને આંખોના ઈશારાથી જ દામુ ને માફ કરી દેવાનું નક્કી કર્યું.
"દામુ હમણાં ને હમણાં આ વરુ નો મૃતદેહ ક્યાંક જઈને દાટી આવ..અને હવે આવું કંઈપણ કર્યું છે તો તારી ખેર નથી.."રોહનનો દીવા જેવો સાફ અવાજ સંભળાયો.
"આપનો ખુબ ખુબ આભાર,હવે આવી કોઈ ભૂલ નહીં થાય.."દામુ એ ડોકું ધુણાવતાં કહ્યું.
"જો હવે કંઈ કર્યું છે તો લાત મારી ઘરની બહાર કાઢી મુકીશ.."જેડી એ ભારપૂર્વક કહ્યું.
જેડી ની વાત સાંભળી દામુ એ ફટાફટ વરુ ની વધેલી લાશનાં ટુકડા બહાર જઈને જંગલમાં દાટી દીધાં.પાછાં આવીને દામુ એ કિચનનું પ્લેટફોર્મ વ્યવસ્થિત સાફ કરી દીધું.
**************
દામુ ને ધમકાવ્યા બાદ બધાં થોડો સમય હોલમાં જઈને બેઠાં..કોમલ ખૂબ ડરી ગઈ હતી એવું એનાં મુખ પરથી દેખાઈ રહ્યું હતું એટલે કોમલ ને આજની રાત પોતાનાં રૂમમાં આવવાનું કહી મેઘા એની સાથે લઈ ગઈ..પૂજા પણ એમની સાથે જ રોહન અને મેઘા નાં રૂમમાં જ રોકાવાની ઈચ્છા જાહેર કરી અને એ પણ કોમલ અને મેઘાની સાથે રોહનનાં રૂમમાં ચાલી ગઈ.એનો મતલબ હતો કે જેડી અને રોહન ને જેડીનાં રૂમમાં જ સુવાનું હતું.
આજની રાત કોઈપણ બીજી ઘટના ના બની અને બધાં શાંતીથી મોડે સુધી સૂતાં રહ્યાં.. સવાર પડતાં જ બધાં તૈયાર થઈ ડાઈનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયાં.. દામુ એ ફરીવાર બધાંની માફી માંગી અને એમને ગરમાગરમ બટાટા પૌંવા નો નાસ્તો કરાવ્યો.બધાં એ પણ દામુ ને માફ કરી દીધો હોય એવું એમનાં હાવભાવ પરથી સમજી શકાતું હતું.
આજે ફરીવાર વાતાવરણમાં પલટો આવી ગયો હતો..ભારે વંટોળીયા સાથે મેઘરાજા પધરામણી કરી ચૂક્યાં હતાં.રોબિન ને શોધવા બહાર જવાનું હતું પણ પડી રહેલા સાંબેલાધાર વરસાદ ને લીધે બહાર જવું શક્ય નહોતું..આજનો દિવસ પણ હવેલીમાં ને હવેલી માં પસાર કરવાનો હતો એ જાણી બધાં ને થોડી ગુસ્સાની લાગણી જરૂર થઈ રહી હતી...પણ કુદરત આગળ કોઈનું કંઈ ચાલે એવું નહોતું.
"મિત્રો બહાર જવાનું શક્ય નથી..એટલે રોબિનનો અહીં રહીને જ ઇંતજાર કરવો પડશે.તો ટાઈમપાસ માટે આપણે તાસ રમીએ તો.."જેડી એ કહ્યું.
"જેડી તારો વિચાર ખોટો તો નથી.."શુભમે કહ્યું.
"હા યાર આમપણ અહીં બેઠાં બેઠાં બોર થઈ ગયાં કરતાં તાસ રમવુ સારું.."મેઘા એ કહ્યું.
બાકીનાં બધાંએ પણ તાસ રમવાની તૈયારી બતાવી એટલે એમને હોલમાં જ નીચે બેસી તાસ રમવાનું નક્કી કર્યું..ત્યારબાદ એ લોકો આખો દિવસ તાસ રમતાં રહ્યાં.. વચ્ચે દામુ અને બાલુ બપોરનું જમવાનું પીરસી ગયાં. આખા દિવસ દરમિયાન વરસાદે અટકવાનું નામ નહોતું દીધું. તાસ રમતાં રમતાં આખો દિવસ એમજ પસાર થઈ ગયો.
રાતે એ લોકો એ દામુ ને વેજીટેબલ સેન્ડવીચ બનાવી લાવવાનું કહ્યું કેમકે એ લોકો વધુ ભારે ખોરાક ખાવા નહોતાં માંગતા..આમતો દામુ સેન્ડવીચ બનાવવાની ના પાડી દેત..કેમકે ફ્રેશ બ્રેડ મળવી મુશ્કેલ હતી..પણ મેનેજર તુષાર દ્વારા અદ્યતન સામગ્રી દામુ ને ઉપયોગ કરવા માટે રસોડામાં ઉપલબ્ધ હતી.બ્રેડ મેકર,પીઝા મેકર,આઈસ્ક્રીમ મેકર,ટોસ્ટર, ઓવન,જ્યુસ મેકર જેવી મોંઘી મોંઘી રસોડામાં યુઝ થતી વસ્તુઓ પહેલેથી જ ઉપલબ્ધ કરાવી રાખી હતી.
દામુ એ ફટાફટ વેજીટેબલ સેન્ડવીચ બનાવીને એ લોકોને પીરસી દીધી..દામુ હજુપણ પોતાની ભૂલ પર પસ્તાવો કરી રહ્યો હતો એવું એનાં હાવભાવ પરથી લાગી રહ્યું હતું.બીજાં બધાં તો દામુ ની એ ખરાબ હરકત ને ભૂલી ગયાં હતાં પણ કોમલ જ્યારે દામુ તરફ જોતી ત્યારે એને દામુ નો ચહેરો કોઈ શૈતાન જેવો ભાસતો હતો.
રાતનું જમવાનું પતાવ્યાં બાદ પણ એ લોકોનું તાસ રમવાનું આમ જ ચાલુ રહ્યું..વરસાદ બંધ થઈ ગયો હતો પણ વીજળી અને પવન હજુપણ ચાલુ હતાં.. રાતનાં અગિયાર વાગ્યાં સુધી બધાં ત્યાંજ બેસી રહ્યાં.
"દોસ્તો આજે પણ રોબિન નથી આવ્યો..તો કાલે આપણે સવારે અહીંથી નીકળી જઈશું..દરિયાકિનારે જઈ હું અન્ના ને કોલ કરી બોલાવી લઈશ..પછી આપણે રોબિન ની શોધખોળ માટે પોલીસ ની ટીમ ને અહીં ટાપુ પર લેતાં આવીશું.."રોહને કહ્યું.
"રોહન વિચાર સારો છે..કેમકે મને હવે અહીં રહેવું યોગ્ય નથી લાગતું.."શુભમે કહ્યું.રુહી ને પણ અહીં આવ્યાં પછી સારું નથી..રસોડામાંથી લાવેલું દૂધ અને દવા રુહીને આપતાં શુભમ બોલ્યો.
"હા તો કાલે સવારે તૈયાર થઈને આપણે ડેથ આઈલેન્ડ પરથી નીકળી જઈશું"મેઘા બોલી.
બધાં એકબીજાને good night બોલી પોતપોતાનાં રૂમ ભણી ચાલી નીકળ્યાં.. કોમલ ને ડર લાગી રહ્યો હતો પણ બસ આજની રાત જ પસાર કરવાની હતી એમ વિચારી એ પણ પોતાનાં રૂમમાં જઈને સુઈ ગઈ.
*****************
પવન વધુ હોવાથી બાલુ અને દામુ બંને હવેલીની પાછળની તરફ બાંધેલા પશુઓનાં જતન માટે જઈને તબેલામાં સુઈ ગયાં.કાલ રાતે પોતે હે કંઈપણ કર્યું હતું એનાં પછી દામુ ને હવેલીમાં રોકાવું યોગ્ય ના લાગ્યું.
રાત ધીરે ધીરે વધુ ઘેરી બની રહી હતી..આકાશ માં અત્યારે પૂર્ણપણે અંધકાર છવાઈ ગયો હતો.હવા પુષ્કળ વેગે વહી રહી હોવાથી જાણે કોઈ જનાવર નો અવાજ આવતો હોય એમ અવાજ કરી રહી હતી.વિજળીઓ હવે નિયત સમયે થતી હતી જેનાં લીધે ક્યારેક ક્યારેક વાદળો નાં ગળગળાટ નો અવાજ આવી રહ્યો હતો.
રાત નાં બે વાગવા આવ્યાં અને વીજળીનો એક ઝપકારો હવેલીનાં ચોગાનમાં જોવા મળ્યો જેમાં પેલો રહસ્યમયી વ્યક્તિ દ્રશ્યમાન થયો..આજે પણ ચમકતી નીલી આંખો ધરાવતી કંઈક નવું કરવાની મથામણ માં હતી..ધીરા ડગ માંડતી એ માનવાકૃતિ ગેરેજની જોડે આવીને ઉભી રહી..થોડી ક્ષણો એ વ્યક્તિ એમજ ઉભી રહી જાણે એ કંઈક વસ્તુની રાહ જોતી હતી..એકાએક આકાશમાં ફરીવાર વીજળી ચમકી..વીજળીના ચમકારા બાદ થતાં વાદળોનાં ગરજવાના અવાજની સાથે સાથે એને ગેરેજનું શટલ ખોલી દીધું.
દસ મિનિટ બાદ એ વ્યક્તિ પુનઃ વીજળી ની બાદ થતાં વાદળ ગરજવાના અવાજનો ઉપયોગ કરી શટલ ખોલી ગેરેજમાંથી બહાર નીકળી..એની આ તકનીક જોઈ લાગી રહ્યું હતું કે એ વ્યક્તિ જે કોઈપણ હતી પણ એનું દિમાગ શાતિર ક્રિમિનલ જેવું હતું.
"હવે હું પણ જોવું છું કે કાલે તમે લોકો કઈરીતે આ મોતનો ટાપુ મૂકીને જઈ શકો છો..તમારી બધાંની કબ્રસ્તાન આ ટાપુ જ બનશે.."મનોમન આટલું બોલી એ વ્યક્તિ ધીરે ધીરે હવેલીનાં મુખ્ય દ્વાર ભણી ચાલી નીકળ્યો..એની પીઠ પાછળ અત્યારે એક મોટી ધારદાર છુરી ચમકી રહી હતી..સાથે સાથે એની આંખોમાં ક્રૂરતા અને ચહેરા પર તંગ રેખાઓ દેખાઈ રહી હતી.
ખબર નહીં એ રહસ્યમયી વ્યક્તિ કોણ હતું અને અત્યારે એ અહીં હવેલીમાં શું કરવા આવ્યો હતો પણ આજની રાત નક્કી કોઈની મોત નક્કી હતી એતો ચોક્કસ હતું..!!
★★★★■■■★★★★
વધુ આવતાં ભાગમાં..
એ વ્યક્તિ કોની હત્યા કરવા માટે આવ્યો હતો??હવેલીમાં જોવા મળતો એ રહસ્યમયી વ્યક્તિ આખરે કોણ હતો???રોબિન જીવિત હતો કે મૃત??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક
ડણક
અનામિકા
The haunted picture...પણ વાંચી શકો છો.
-દિશા.આર.પટેલ