રોહન શાહ ઉર્ફે રોકી ડિસુઝા ઉર્ફે રફીક ઉસ્માન તેલી ઉર્ફે.... કેટલાય બીજા નામો ધરાવતો આ શખ્સ, ગુજરાતના સામાન્ય ઘરમાં જન્મ્યો હતો. પિતા જનક ભટ્ટ ગોરપદું કરતા અને માતા બે-ત્રણ ઘરોમાં રસોઈ કરતા અને આમ એમનું ગુજરાન ચાલતું. રોહનને બાળપણથી જ જાસૂસી અને વિરતાસભર વાર્તાઓ વાંચવાનું બહુ ગમે અને છેવટે તેના આ જ શોખે તેના મનને એટલું ઘેરી લીધું કે પહેલા તે આર્મીમાં જોડાયો અને પછી તેની હોંશિયારીનો લાભ સરકારે બીજી રીતે પણ લેવાનું નક્કી કર્યું.
રોહન શાહ ભારતીય ઇન્ટેલિજન્સ સર્વિસ RAWનો જાસૂસ બની ગયો. હવે બાળપણથી વાંચેલી પેલી જાસૂસી વાર્તાઓનો પ્રતાપ હોય કે પછી તેની ખુદની હોંશિયારી કે પછી બીજું કોઈ કારણ હોય, રોહન શાહને સોંપેલું કઠીનથી કઠીન કાર્ય પણ તે આસાનીથી કરી બતાવતો. ૨૦૧૧માં જ માત્ર ‘B01’ જેવા પાકિસ્તાની ISIના નાનકડા કોડને રોહને ડીકોડ કરીને દિવાળી પર દિલ્હીમાં મુંબઈ હુમલાની તર્જ પર નક્કી કરેલા આતંકવાદી હુમલાઓને નાકામ બનાવ્યા હતા.
રોહન શાહની એ હોંશિયારીથી ISI પણ ખાર ખાઈ ગઈ હતી અને તેણે ગમે તે ભોગે રોહન શાહને પકડવાની ‘કસમ’ ખાઈ લીધી હતી.
દિવાળીનું મિશન પતાવ્યાના લગભગ દોઢ વર્ષ બાદ રોહન છેલ્લા દસ મહિનાથી ન્યૂયોર્કમાં એક મિશનમાં વ્યસ્ત હતો. આ મિશન ભારત અને અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીઓ સાથે મળીને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. રોહનનું કામ પૂરું થઇ ગયું હતું અને એણે બે દિવસ પછી ભારત પરત થવાનું હતું. આમતો કોઇપણ મિશન વિદેશમાં પાર પાડ્યા બાદ રોહનને ઘરે જવાની ઉતાવળ રહેતી, કારણકે વિદેશમાં રહીને તે પોતાની માતાના હાથની પાતળી પાતળી રોટલી ખૂબ મિસ કરતો!
પરંતુ આ વખતે રોહનને ભારત જવાનું બિલકુલ મન ન હતું અને તેની પાછળનું કારણ હતું જાનકી પટેલ, એક અમેરિકન બિઝનેસમેન ક્રિશ (કરસન) પટેલની પુત્રી જાનકી પટેલ જેને રોહન દિલ દઈ બેઠો હતો અને જાનકી પણ રોહનને એટલોજ પ્રેમ કરતી હતી.
પરંતુ ફરજ તો ફરજ હોય છે એટલે રોહને ભારત પરત થવું અત્યંત જરૂરી હતું. રોહને જાનકીને પોતે ઇન્ડિયા પહોંચીને માતાપિતા સાથે તેના અંગે વાત કરીને તરતજ તેને બોલાવી લેશે જ્યાં તે બંને ધૂમધામથી લગ્ન કરશે તેવું વચન આપ્યું હતું. આ તરફ ક્રિશ પટેલ અને જાનકીના બાકીના પરિવારને તો ભારતનો હેન્ડસમ ‘આન્ત્રપ્રીન્યોર’ રોહન પહેલી મુલાકાતથી જ ગમી ગયો હતો. હા, એક ખાનગી મિશનમાં ભાગ લેવા આવનારા રોહને જાનકી અને તેના પરિવારને પોતાની ફરજના ભાગરૂપે પોતે અમદાવાદના ઝડપથી ઉભરી રહેલા બિઝનેસમેનની ઓળખાણ આપી હતી.
આજે ઇન્ડિયા નીકળવાના બે દિવસ અગાઉ રોહનને માત્ર એક સાંજ મળી હતી જાનકી સાથે મનભરીને વાત કરી લેવા અને એને કામચલાઉ ‘આવજો’ કહેવા માટે. કારણકે ભારત જવા અગાઉના બે દિવસ રોહને FBI હેડક્વાર્ટરમાં ગાળવાના હતા.
“યુનો? ઘરેથી અહીંયા આવવા નીકળી ત્યારે મને હતું કે વી વિલ સ્પેન્ડ સિક્સ આવર્સ, સિક્સ લોંગ આવર્સ વિથ ઈચ અધર... અને હવે જો ફોર આવર્સતો આમ જ વાતો કરવામાં નીકળી ગયા.” જાનકીએ રોહનનો હાથ દબાવતા કહ્યું.
“બટ વી સ્પેન્ટ ક્વોલિટી ટાઈમ જાનકી... રાઈટ? આપણી પાસે હજી પણ બે કલાક છે.” રોહને જાનકીનો હાથ પોતાના હોંઠ નજીક લાવીને તેની આંગળીઓ પર હળવાશથી ચુંબન કર્યું.
“આઈ વિલ મિસ યુ... ઈનફેક્ટ વિલ મિસ યુ અ લોટ!” જાનકીએ રોહનની આંખમાં આંખ નાખીને કહ્યું, એની આંખો ભીની હતી.
“મી ટુ જાનુ!” રોહને પોતે જાનકીના રાખેલા લાડકા નામથી તેને સંબોધિત કર્યું.
“લેટ્સ ગો ટુ યોર રૂમ... અહીંયા પબ્લિકમાં આઈ ગેટ ડિસ્ટર્બ્ડ. મારે તારી સાથે બાકી બચેલા ટુ આવર્સ શાંતિથી સ્પેન્ડ કરવા છે, પછી ઓલમોસ્ટ ફિફ્ટીન ડેઝ પછી આપણે મળીશું...” જાનકીએ રોહનને આજીજી કરી.
“શ્યોર વ્હાય નોટ! મને પણ ક્યારનું એમ જ લાગતું હતું. લેટ્સ ગો ટુ માય હોટેલ!” રોહને તરતજ સ્વિકારી લીધી.
==::==
“નાઈસ રૂમ, આઈ મસ્ટ સે...” રોહનના હોટેલરૂમમાં પ્રવેશતાની સાથેજ આસપાસ જોતા જોતા જાનકી બોલી.
“યા ઈટ ઈઝ... સીટ.. વ્હોટ વિલ યુ લાઈક ટુ હેવ?” રોહને નજીક રહેલા સોફા પર જાનકીને બેસવાનું કહ્યું.
“આઈ વોન્ટ યુ રોહન!” જાનકી રોહનને વળગી પડી અને એના ગાલ પર ચુંબન કર્યું.
“વ્હોટ?” રોહનને જાનકીના અચાનક ભેટી પડવાથી આશ્ચર્ય થયું.
“યુ આર રીઅલી ક્રેઝી રોહન... તને મેં તારી હોટેલ પર લઇ જવાનું કહ્યું તો એની પાછળનું રીઝન તને ખબર નથી?” જાનકીના ઉચ્છવાસ રોહનના ગાલ પર અથડાતા હતા એટલી નજીક આવીને તે બોલી.
“બટ...આઈ થોટ કે...” રોહનને ખબર નહોતી પડી રહી કે તે કેવી રીતે જાનકીના આમંત્રણને રીએક્શન આપે.
“...કે આપણે થોડા જ દિવસમાં મેરેજ કરવાના છીએ એટલે આ બધું પછી... રાઈટ?” જાનકીની આંખોમાં તોફાન હતું.
“યેસ...” રોહને પણ તોફાની સ્મિત સાથે જવાબ આપ્યો.
“આઈ ડોન્ટ નો, હાઉ આઈ વિલ બી એબલ તો સ્પેન્ટ દીસ ફિફ્ટીન ડેઝ રોહન... સો આઈ વોન્ટ યોર સ્ટ્રોંગ લવિંગ મેમોરીઝ વિથ મી....આઈ વોન્ટ યોર લવ, એટલે હું આ પંદર દિવસ ખુશીથી સ્પેન્ટ કરી શકું.” આટલું કહીને જાનકીએ રોહનના હોંઠ પર પોતાના હોંઠ ચાંપી દીધા.
જાનકી અને રોહન એકબીજામાં પરોવાઈ ગયા હતા. જાનકી રોહન પર ચુંબનોની વર્ષા કરતી કરતી તેને પાછળની તરફ ધકેલી રહી હતી. અચાનક જ બેડ સાથે રોહનના પગ અથડાયા અને જાનકીએ એક હળવો ધક્કો માર્યો અને રોહન બેડ પર ફસડાઈ પડ્યો. જાનકી રોહનની ઉપર હતી અને તેના સમગ્ર ચહેરાને ચુંબન કરી રહી હતી અને વચ્ચે વચ્ચે બંનેના હોંઠોનું મિલન પણ થતું રહેતું હતું. ન્યૂયોર્કની આ હોટેલ રૂમમાં કામદેવનું રાજ સ્થપાઈ ચુક્યું હતું.
જાનકીએ એજ હાલતમાં પોતાના ઓવરકોટના ડાબા ખિસ્સામાં હાથ નાખ્યો અને એમાંથી એક ઇન્જેક્શન બહાર કાઢી અને રોહનની કમરમાં ઘુસાડી દઈને તેમાં રહેલી ગુલાબી દવા રોહનના શરીરમાં ઠાલવી દીધી!! ઇન્જેક્શનની સોય કમરના ભાગમાં ભોંકાતા રોહને જાનકી સાથેનું ચુંબન તોડવું પડ્યું અને એ કોઈ રીએક્શન આપે તે પહેલાં જ પોતાનું સાનભાન ગુમાવી બેઠો!
જાનકી રોહનના બેહોશ શરીર પરથી અળગી થઇ. રોહનના શરીરમાં ખાલી કરેલા ઇન્જેક્શનને તેણે તરતજ રૂમમાં આવેલા બાથરૂમના ફ્લશમાં ફ્લશ કરી દીધું. જાનકીએ બાથરૂમની બહાર આવીને પોતાના ઓવરકોટના જમણા ખિસ્સામાંથી મોબાઈલ ફોન બહાર કાઢ્યો અને સ્પિડ ડાયલનું ‘1’ નંબરનું બટન દબાવ્યું.
“ખુદા હાફીઝ!” સામેથી કોલ રીસીવ થવાની સાથેજ જાનકી આટલું જ બોલી અને કૉલ કટ કરી નાખ્યો!
==::==
રોહનની આંખો ઉઘડી, એનું માથું ભારે હતું. લગભગ એક આખા દિવસની ઊંઘ ખેંચી હોય તેવું તેને લાગ્યું. આંખો ખુલતાની સાથેજ તેને એરક્રાફ્ટનો જોરદાર અવાજ સંભળાયો. એણે આસપાસ જોયું. એ સુતો હતો, એના હાથપગ બંધાયેલા હતા. આ કોઈ પેસેન્જર નહીં પરંતુ કાર્ગો પ્લેન હોય એવું લાગી રહ્યું હતું. રોહન બેઠો થયો...હા હાથ પગ ભલે બાંધેલા હોય પરંતુ એ બેસી શકતો હતો.
“જાગ ગયે મિયાં?” રોહનના સામે બેઠેલા વ્યક્તિએ હસીને એને કહ્યું.
“અંકલ આપ?” ક્રિશ પટેલને પોતાની સામે બેસેલો જોતા રોહનને આશ્ચર્ય થયું.
“અંકલ નહીં ચચાજાન કહો બેટા... હું ક્રિશ પટેલ નહીં પણ કમર અજમેરી છું. ISIમાં મેજર છું. અસ્લ્લામ વાલેકુમ!” કમર અજમેરીએ પોતાની ઓળખાણ આપી.
“ઓહ! મતલબ કે મને પકડવા માટે ISIએ જાનકીની પ્રેમજાળમાં મને ફસાવ્યો.” હોંશિયાર જાસૂસ હોવાને નાતે રોહન તરત જ સમજી ગયો.
“જાનકી નહીં... નિગાર, એનું નામ નિગાર છે.” કમર અજમેરીએ ખંધુ હાસ્ય કરતાં કહ્યું.
“મને ખબર તો પડી ગઈ કે તમે મને બેહોશ કરીને અત્યારે ક્યાં લઇ જાવ છો. પણ અમેરિકામાંથી તમે મને બહાર કેવી રીતે કાઢ્યો એની નવાઈ લાગે છે.” રોહને પૂછ્યું.
“કયું મિયાં? અમેરિકામાં ખાલી RAW ની જ ઓળખાણો છે? ISIએ અત્યારસુધી અમેરિકામાં ઘાંસ કાપ્યું છે?” કમર અજમેરી હસી રહ્યો હતો.
“અને જાનકી? એટલેકે...” રોહનનો અવાજ ભારે થયો.
“નિગાર...” એ બેઠી જો... આગળની સીટમાં. જાનકીબેટા જમાઈરાજ બોલાવે છે.” આટલું કહીને કમર જોરથી હસવા લાગ્યો.
નિગારે પોતાની સીટ પર બેસીને જ પાછળ જોયું. એણે કાળા ગોગલ્સ ચડાવ્યા હતા. રોહન સામે અમુક સેકન્ડ જોઇને એ ફરી ગઈ.
“બસ, મિયાં અડધો કલાકમાં લાહોર અને પછી રાવલપિંડી કેમ્પ, જ્યાં આ ક્રિશ પટેલના જમાઈરાજાની ખૂબ ખાતિર થશે. તૈયાર થઇ જાજો રોહનકુમાર, તમારી RAWની અત્યારસુધીની તમામ ટ્રેનીંગ ત્યાં પીંડીમાં ખુબ કામ આવશે. તમારી પીંડીઓ તૂટી ન જાય તો મારું નામ કમરથી બદલાવીને ક્રિશ પટેલ કરી નાખજો જમાઈરાજ!” કમરની આંખોમાં શેતાનિયત વર્તાઈ રહી હતી.
એક ભારતીય અને એમાંય ભારતીય જાસૂસ અને એવો જાસૂસ જેણે દિલ્હી પર આતંકી હુમલો કરવાની ISIની મહિનાઓની મહેનત પર પાણી ફેરવી દીધું હતું એ જો ઝડપાઈ જાય અને એ પણ ખાસ છટકું ગોઠવીને તો પછી પાકિસ્તાનીઓ તેની કેવી હાલત કરે એ રોહન બરોબર સમજી રહ્યો હતો.
પરંતુ રોહન એક ભારતીય જાસૂસ હતો એને કોઇપણ સંજોગોમાં કેમ વર્તન કરવું એની કઠોરતમ તાલિમ આપવામાં આવી હતી એટલે રોહન અને કમર અજમેરી બંને જાણતા હતા કે એમ રોહન પાસેથી માહિતી કઢાવવી સહેલી ન હતી.
રોહનને માત્ર એક બાબતનું જ દુઃખ હતું કે જીવનમાં તેણે કોઈને સાચો પ્રેમ કર્યો હતો તો તે જાનકી ઉર્ફે નિગાર હતી અને એણે જ એને દગો આપ્યો.
==::==
ફ્લાઈટ લાહોર એરપોર્ટ પર લેન્ડ થઇ ચૂકી હતી.
“અસદ, જાફર, યાસીન ઔર શૌકત... આપ કબૂતર કો બહાર ખડી મિલીટરી વેનમેં બીઠા કર સીધે પીંડી પહોંચેંગે. મૈ, નિગાર ઔર બાકી સબ ઇસ્લામાબાદ રિપોર્ટ કર કેદોપહર કી ફ્લાઈટ સે વહાં પહુંચેંગે. ઔર ફિર ઇન્શાઅલ્લાહ ઇનકી ખાતિર શુરુ કરેંગે.” લાહોર એરપોર્ટ પર એક ખાસ રૂમમાં કમર અજમેરીએ પોતાના માણસોને સૂચના આપી.
ત્યારબાદ કમર અજમેરીએ આ ચારેય વ્યક્તિઓને બહાર આવવા કહ્યું અને રૂમમાં રોહન બંધાયેલી હાલતમાં એકલો બેઠો રહ્યો. થોડીવાર પછી દરવાજો ખુલ્યો રોહને જોયું તો નિગાર અંદર આવી એ કદાચ પોતાની બેગ આ રૂમમાં ભૂલી ગઈ હતી. એણે રોહન સામે જોયું.
“ક્યૂં કિયા મેરે સાથ ઐસા?” રોહને નિગાર સામે જોઇને તેને પૂછ્યું.
જવાબમાં નિગારે સામે પડેલી પોતાની બેગ ઉઠાવી અને રોહન સામે સ્મિત કર્યું અને બહાર જતી રહી.
થોડા સમય બાદ કમર અજમેરીની સૂચના મુજબ પેલા ચાર વ્યક્તિઓ અંદર આવ્યા. એમાંથી એક વ્યક્તિ અસદના હાથમાં ઇન્જેક્શન હતું. રોહન સમજી ગયો કે એણે જ આ ઇન્જેક્શન ખાવાનું છે.
“માફ કીજીયેગા જનાબ... મેડિકલ ઈમરજન્સી હૈ ના?” આટલું કહીને અસદે રોહનના ખભામાં ઇન્જેક્શન મારી દીધું.
ફરીથી અમુક જ સેંકડમાં રોહનની આંખો ઘેરાઈ ગઈ અને એ બેહોશ થઇ ગયો.
==::==
રોહનની આંખ ખુલી ત્યારે તે મિલીટરીની કોઈ બંધ વેન નહીં પરંતુ ખુલ્લી જીપમાં સવાર હતો. એના હાથ પગ તો હજી બંધાયેલા જ હતા પરંતુ જીપમાં માત્ર એ એક જ મુસાફર હતો અને એની બાજુમાં બેસેલો અસદ જીપ ચલાવી રહ્યો હતો.
“ગૂડ મોર્નિંગ જનાબ!” અસદે જીપ ચલાવતા કહ્યું એના ચહેરા પર મુસ્કાન હતી.
“વો લોગ?” રોહનને નવાઈ લાગી રહી હતી.
“શહીદ હો ગયે!” અસદ હસતાંહસતાં બોલ્યો!
“ક્યા?” રોહન અસદનું કહેવું સમજી શક્યો નહીં.
“જનાબ હમ તો એક ઇન્ડિયન એજન્ટ કો રાવલપિંડી લે કર જા રહે થે, પર લાહોર કે બાહર નીકલતે હી ઉસ જાસુસને અપના જલવા દિખાયા ઔર અપને આપકો છુડવા લિયા ઔર મેરી ગન સે તીન લોગોં કો માર દિયા, મુજે ઔર ઇસ જીપ કો કિડનેપ કર કે વાઘા બોર્ડર લે જાને કો કહા...બસ અબ મેરે પાસ ઔર કોઈ રાસ્તા નહીં થા તો મેં ઉસ જાસૂસ કો વાઘા બોર્ડર છોડ કર આયા. ઉસને જાતે જાતે મેરે પૈરોં પર ભી ગોલી મારી.” અસદ રસ્તા પર ધ્યાન આપતા જીપ ડ્રાઈવ કરી રહ્યો હતો અને હસી રહ્યો હતો.
“મુજે કુછ સમજ મેં નહીં આ રહા...આપ સાફ સાફ બતાઈએ.” રોહનને અસદની વાત હજી પણ સમજાઈ રહી ન હતી.
“આપકો કુછ નહીં સમજના હૈ જનાબ. હમ વાઘા બોર્ડર તો નહીં જા સકતે પર આપ વાઘા બોર્ડર સે થોડી દૂર એક ગાંવ હૈ વહાં જા રહે હૈ જહાં સે આપ બોર્ડર ક્રોસ કર કે ઇન્ડિયા ચલે જાયેંગે.” આટલું કહીને અસદે જીપ હાઈવેથી અંદરની તરફ કાચા રસ્તે વાળી.
લગભગ વીસેક મિનીટ પછી અસદે એક વેરાન વિસ્તારમાં જીપ રોકી. અહીં બંને દેશોની સરહદ નક્કી કરતી કાંટાળી વાડ બનાવવામાં આવી હતી. અસદે પોતાની બેગમાંથી એક કટર કાઢ્યું અને પોતાની નજીકની વાડ કાપી અને જાણેકે કોઈની રાહ જોઈ રહ્યો હોય એમ ભારતની તરફ નજર કરીને ઉભો રહ્યો.
લગભગ પાંચ મિનીટ બાદ ભારતની તરફથી એક જીપ આવતી દેખાઈ અને વાડની બિલકુલ નજીક આવીને ઉભી રહી ગઈ. જીપમાંથી એક વ્યક્તિ ઉતર્યો. રોહન તેને ઓળખી ગયો.
“મેજર કુટ્ટી?” રોહનથી બોલાઈ ગયું.
અસદે મેજર કુટ્ટી સામે હાથ હલાવ્યો મેજર કુટ્ટીએ પણ જવાબમાં હાથ હલાવ્યો. અસદ રોહન તરફ ફર્યો અને પોતાના ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી અને રોહન તરફ તાંકી. મેજર કુટ્ટીને જોઇને આનંદ પામેલો રોહનનો આનંદ અચાનક જ અસદના પોતાની તરફ બંદૂક તાંકવાથી ઓગળી ગયો.
અસદે બંદુકનું નિશાન નીચે કર્યું અને રોહનના પગ જેનાથી બંધાયેલા હતા એ દોરડા પર સ્થિર કરી અને બરોબર વચ્ચે ગોળી મારી. રોહનના પગ ખુલી ગયા.
“જાઈએ જનાબ...આપકા મુલ્ક આપકા ઇન્તઝાર કર રહા હૈ...” આટલું કહીને અસદે પોતે જ તોડેલી વાડ ઉંચી કરી અને રોહનને જવાનો ઈશારો કર્યો.
રોહનને હજી પણ સમજાઈ નહોતું રહ્યું કે આ બધું શું થઇ રહ્યું છે, પણ હવે જો તે ત્યાં વધુ સમય ઉભો રહેશે તો કદાચ પાકિસ્તાનીઓ દ્વારા ફરીથી પકડાઈ જશે એવો એને ભય લાગ્યો અને પછી તેને ફરીથી ભારત આવવાનો મોકો ન પણ મળે એમ વિચારીને રોહને પોતાના ડગલાં ઝડપી બનાવ્યા અને પાકિસ્તાની વાડ માંથી બહાર નીકળી મેજર કુટ્ટીએ એના માટે કાપેલી ભારત તરફની વાડ પસાર કરીને મેજર કુટ્ટી પાસે ગયો જ્યાં મેજરે તેના હાથ ખોલી નાખ્યા અને ત્યાં જ એક ધડાકો થયો.
રોહન અને મેજર કુટ્ટીએ જોયું તો અસદે પોતાના પગ પર ગોળી મારી દીધી હતી અને લંગડાતો લંગડાતો પોતાના મોબાઈલ ફોન પર વાત કરતાં તે પોતાની જીપ તરફ જઈ રહ્યો હતો.
==::==
છ મહિના પછી....
“તો પહેલાં મારી સાથે તે આવું કેમ કર્યું?” રોહન મોબાઈલ પર વાત કરી રહ્યો હતો.
“એ મેં મારા વતન માટે કર્યું હતું.” સામેથી જવાબ આવ્યો.
“તો પછી મને છોડાવ્યો કેમ?” રોહને સવાલ કર્યો.
“એ મેં મારા પ્યાર માટે કર્યું.” ફરીથી સામેથી કોઈ બોલ્યું.
“જો જાનકી....નિગાર... મને ખબર નથી પડતી કે તું શું બોલી રહી છે. મને જરા ડીટેઇલમાં સમજાવ.” રોહને કડક સૂરમાં કહ્યું.
“તને મારી પ્રેમજાળમાં ફસાવવાનો ઓર્ડર તો મને ગયા વર્ષે જ મળી ગયો હતો. પછી હું ગુજરાતી શીખી. અજમેરી તો હતો જ સબ બંદર કા વ્યાપારી. થોડો સમય ન્યૂયોર્કના કેટલાક ગુજરાતીઓ સાથે ઓળખાણ કરી અને એમના ગુજરાતી બોલવાના એક્સેન્ટ પકડી લીધા. પછી તારી સાથે પ્રેમ કરવાનું નાટક શરુ કર્યું.” નિગાર બોલી રહી હતી.
“હમમ..” રોહને જવાબ આપ્યો.
“આમ તો મારે તને નાટક કરીને ફસાવવાનો હતો, પણ નાટક કરતા કરતા હું ખરેખર તારા પ્રેમમાં પડી ગઈ. પછી હું ઈમોશન્સમાં એટલી બધી કન્ફયુઝ થઇ ગઈ કે હું નક્કી નહોતી કરી શકતી કે મારે તને દગો આપવો કે મારા વતનને? પછી મેં અસદને કોલ કર્યો.” નિગાર થોડી અટકી.
“હા, આ અસદ કોણ છે? મારે એ પણ જાણવું છે.” રોહનના અવાજમાં ઉત્કંઠા હતી.
“અસદ ફૂરકાન, પાકિસ્તાન આર્મીમાં કેપ્ટન છે. બચપનથી જ એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, બટ આઈ નો કે એ કોલેજથી જ મને મનોમન પ્રેમ કરે છે, પણ ક્યારેય એણે મને એમ કહેવાની હિંમત ન કરી. પણ મારા પ્રેમ માટે એ ગમે તે કરવા તૈયાર હશે એની મને જાણ હતી અને હું મારા જીવનના દરેક સિક્રેટ્સ અસદ સાથે બિન્ધાસ્ત શેર કરતી, પર્સનલ એન્ડ પ્રોફેશનલ બોથ અને એટલેજ એ એની સલાહ માંગી.” નિગારે કહ્યું.
“પછી...” રોહને પૂછ્યું.
“બસ, પછી અસદે જ આખો પ્લાન સમજાવ્યો કે અમેરિકામાં જો હું તને બધી વાત કરી દેત તો તું મારો વિશ્વાસ ન કરત અને મને છોડી દેત અને મિશન નિષ્ફળ જાય તો એક દિવસ તો અજમેરી અને બાકીની ISIને મારી ગદ્દારી વિષે ખબર પડી જ જાત. એટલે અસદે જે કશું પણ કરવું હોય એ પાકિસ્તાન આવીને કરવાની મને સલાહ આપી. આમ ન્યૂયોર્કમાં તારી સાથે જે બન્યું એ બધું મેં ISIને ભરોસો અપાવવા માટે કર્યું કે પ્લાન બરોબર ચાલી રહ્યો છે.” નિગારે સ્પષ્તા કરતા કહ્યું.
“તો પછી મને ભગાડી જવાનો પ્લાન? અને બોર્ડર પર જનરલ કુટ્ટી મને લેવા આવે એ બધું?” રોહનને હજી પણ સમજાઈ રહ્યું ન હતું કારણકે RAW એ તેને કશુંજ કહ્યું ન હતું.
પાકિસ્તાનની પકડમાંથી છૂટ્યા બાદ ભારત સરકારે રોહનને સ્વિસ એમ્બેસીમાં એટેચી તરીકે થોડો સમય મોકલી આપ્યો હતો અને નિગાર સાથે અત્યારે એ બર્નના જ એક રેસ્ટોરન્ટમાં બેસીને વાત કરી રહ્યો હતો.
“થેન્ક્સ ટુ અસદ. એણે પોતાના કોન્ટેક્ટ્સ કામે લગાડ્યા અને RAWને વિશ્વાસમાં લીધી. એણે જ લાહોરની બહાર નીકળતાની સાથે જ તને રાવલપિંડી લઇ જનારા બાકીના ત્રણ માણસોની હત્યા કરી અને ત્યાંથી જ એક જીપની વ્યવસ્થા કરી જેથી તને તે સહીસલામત વાઘા પાસેના એક ગામડા સુધી પહોંચાડી શકે.” નિગારે આગળ વાત કરતાં કહ્યું.
“પણ મને રાવલપિંડી લઇ જવાની જવાબદારી એને જ સોંપવામાં આવશે એવું એણે કેવી રીતે નક્કી કરાવ્યું?” રોહને પૂછ્યું.
“અસદ બહુ ઈન્ટેલીજન્ટ છે રોહન.. એણે જ આખી ગેમ ઉભી કરી હતી અને બીજું એ મારા માટે કશું પણ કરવા તૈયાર હોય છે. તે જોયું ને? તને બોર્ડર પાર કરાવ્યા બાદ એણે જાતે જ પોતાના પગ પર ગોળી મારી દીધી? એ મારા પ્યાર માટે મરવા માટે પણ તૈયાર છે રોહન.” નિગારનો અવાજ ભારે થયો.
“તો અત્યારે અસદ ક્યાં છે?” રોહને પૂછ્યું.
“રાવલપિંડી આર્મી જેલમાં.” નિગાર રડમસ અવાજે બોલી.
“વ્હોટ?” રોહનથી જોરથી બોલાઈ ગયું.
“હા, તું એની ગિરફ્તમાંથી ભાગી ગયો એટલે... પણ ઇન્ક્વાયરી ચાલશે ત્યાં સુધીજ. રોહન પાકિસ્તાની ઓફિસર્સ ડોલર્સના ભૂખ્યા છે. મેં અહીં થી ડોલર્સની વ્યવસ્થા કરી દીધી છે. જેવા એ ઓફિસર્સનના સ્વિસ બેન્ક અકાઉન્ટ્સમાં ટ્રાન્સફર થશે કે અસદને એ લોકો છોડી મુકશે. એણે ભલે મને પ્યાર કર્યો પણ મેં તો એને બેસ્ટ ફ્રેન્ડ જ ગણ્યો છે ને? તો એના માટે હું આટલું તો કરી જ શકું ને?” નિગારે કહ્યું.
“હમમ... આ બધી વાતમાં એ પૂછવાનું તો ભૂલી ગયો કે તું ક્યાં છે? અને તને મારો નંબર ક્યાંથી મળ્યો?” રોહનની ઇન્તેજારી વધી રહી હતી.
“હું ટોરન્ટો છું. મારા અબ્બાએ વર્ષો પહેલા જ પાકિસ્તાનને તોબા કરીને અહીં આવીને રહેવાનું શરુ કરી દીધું હતું. પરંતુ કમનસીબે મને અને મારી અમ્મીને મારા દાદાજાન અને મારા અંકલ્સે જબરદસ્તીથી પાકિસ્તાનમાં જ રોકી રાખ્યા. તને રાવલપિંડી લઇ જવા જેવી આર્મીની જીપ ઉપડી કે અસદની વ્યવસ્થા અનુસાર મેં લાહોરથી જ પહેલા કાઠમંડુ, ત્યાંથી લાઓસ પછી હોંગકોંગ, સિડની, જમૈકા, મેક્સિકો સિટી અને છેલ્લે ટોરંટોની ફ્લાઈટમાં અહીં આવી ગઈ. તારો નંબર મને ક્યાંથી મળ્યો? તો એ તો મારા અબ્બાએ પણ મને નથી કહ્યું. પણ હા મારો આ નંબર ટેમ્પરરી છે. તારો કૉલ કટ કરવાની સાથે જ આ મોબાઇલ હું તોડી નાખીશ.” નિગારના અવાજમાં અચાનક કઠોરતા આવી ગઈ.
“આ બધું કેમ કર્યું નિગાર?” રોહનનો અવાજ ભારે થયો.
“પ્યાર માટે...મેં કહ્યું હતું ને?” નિગારના અવાજમાં પણ ભીનાશ આવી.
“પ્યાર માટે મુલ્ક સાથે ગદ્દારી?” રોહને પૂછ્યું.
“મને બસ તું જ દેખાતો હતો રોહન... મુલ્ક મહાન કે પ્યાર મહાન મને એની કોઈજ ખબર નથી. મારે માટે રોહન ઈઝ ઇમ્પોર્ટન્ટ છે બીજું કશું જ નહીં! અને મેં મારા સિનિયર્સની જેમ મારા મુલ્કને વેંચ્યો તો નથી ને? બસ હવે તને મળવાની ખૂબ ઈચ્છા છે. હા, જો તને હજી પણ મારા પર વિશ્વાસ ન બેસે તો તું અત્યારે જ ના પાડી શકે છે, તારા એ નિર્ણયને હું સમજી શકું છું. હું તને ક્યારેય બ્લેમ નહીં કરું બસ તારા એ નિર્ણયને મારું નસીબ સમજીને આખી જિંદગી જીવી લઈશ, કારણકે મારી પાસે તારો પ્રેમ છે જ. મેં તને શરૂઆતથી જ ખૂબ પ્રેમ કર્યો છે રોહન.” નિગારે લગભગ આજીજી કરી.
“તારી સાથે વાત કરતા કરતા મારા લેપટોપ પરથી આવતીકાલની ટોરંટોની ફ્લાઈટ મેં બૂક કરી લીધી છે, નિગાર...ના...જાનકી...મારી જાનકી...મારી જાનુ!” આટલું કહેતાની સાથેજ રોહન રડી પડ્યો.
“બસ હવે રડવાનું બંધ કર અને પેકિંગ કર...હું એરપોર્ટ પર તને લેવા આવીશ. લવ યુ રોહન...લવ યુ સો મચ!” નિગાર બોલી પડી.
“મી ટુ...જાનકી!”
==:: સમાપ્ત :==