Pratiksha - 15 in Gujarati Fiction Stories by Darshita Jani books and stories PDF | પ્રતિક્ષા ૧૫

Featured Books
Categories
Share

પ્રતિક્ષા ૧૫

“એ લોકો પાસે એવી ઇન્ફર્મેશન છે કે ઉર્વિલ મને બાંદ્રા વાળા ફલેટે મળવા આવ્યા છે. નહિ કે અંધેરી વાળા...” ઉર્વા ખુબ શાંતિથી બોલી અને દેવની આંખો ફાટી ગઈ
“દેવ અંકલ, ત્યાં કઈ ઇન્ફર્મેશન છે અને કઈ રીતે છે એ બધી જ મને પહેલેથી ખબર હોય છે. ઉર્વિલને કંઇજ નહિ થાય. આઈ પ્રોમિસ.”
“ઉર્વા, આ બધું શું છે!!! ક્યારથી તને બધી ખબર છે’?! કહાનને ખબર છે? તું કંઈ આડી અવળી જગ્યાએથી તો નથી ઇન્ફોર્મેશન લેતીને??” દેવના એક પછી એક પ્રશ્નનો મારો શરુ થઇ ગયો
“દેવ અંકલ રીલેક્સ... જસ્ટ કામ ડાઉન. આટલી ચિંતા ના કરો બધું ઠીક જ છે. હું કહું તમને શાંતિથી બધુય” ઉર્વા શાંતિથી માર્મિક સ્મિત કરતા બોલી
“માતાજી!! તું કહે પહેલા મને બધું. અહિયાં તું ડોક્ટરનું બીપી વધારી દઈશ...” દેવ હજી ચિંતાતુર હતો.
“તમને નહિ કહું તો કોને કહીશ હું??” ઉર્વા હસતા હસતા બોલીને પછી દેવ સામે સ્થિર નજર રાખતા ઉમેર્યું,
“કહાનને હોવી જોઈએ એટલી બધી જ ખબર છે. અને હું કોઈ મોટું જોખમ નથી ખેલી રહી. બસ ઇન્ફોર્મેશન જ કઢાવું છું.”
“ઉર્વા... ડીટેઇલ્સમાં પ્લીઝ” દેવ ચીડાતા બોલ્યો
“ઓકે પણ કારમાં... ઉર્વિલ ને કહાન પહોંચવા આવ્યા હશે. ત્યાં મોડું કરવું ઠીક નથી.” ઉર્વા ઘડિયાળ બતાવતા બોલી અને દેવ હકારમાં માથું ધુણાવી ઉર્વાની પાછળ દોરવાઈ રહ્યો

*

“કંઈ ખાઇશ?” છત તરફ તાકતા જ રઘુએ પૂછ્યું
“હજી પણ કંઈ ખાવું જોઈએ મારે?” અર્થસભર હસતા બંદિશે જવાબ આપ્યો
“મને તો ભૂખ લાગી છે, સંજુ કે મિલાપને જ કહું કંઇક લઈ આવે.” બંદિશની વાત ટાળતા રઘુએ મોબાઈલ હાથમાં લીધો અને ગુડ્ડુ લખેલા ૪ મિસકોલ જોઈ સીધો ફોન લગાડવા લાગ્યો
“શું ભાઈ ટાણે જ ફોન ના ઉપાડો તમે...” સામે છેડેથી ફોન ઉપાડતા વેંત જ ગુડ્ડુનો ચીડાયેલો અવાજ સંભળાયો
“અત્યારે ફોન કર્યોને, બોલ શું છે?” રઘુ પણ તેને દબાવવાના સ્વરમાં બોલ્યો
“ઓલો અહિયાં સીઝન ટાવરમાં આવ્યો છે. અંધેરી બાજુ...” ગુડ્ડુ કંઇક કહેવા માંગતો હતો પણ વચ્ચે જ રોકાઈ ગયો
“તું તો બાંદ્રા બાજુ હતો ને? ત્યાં શું કરશ?” રઘુ ચીડમાં બોલ્યો
“મારે કામ હતું તો હું આ બાજુ આવ્યો તો. ને સારું થયું ને આવ્યો... આ અહિયાં અંધેરી બાજુ જ છે. બોલો શું કરવું છે હવે? એની સાથે એક છોકરો જ છે નાનો બીજું કોઈ નથી. કામ પતાવી નાખીએ ને...” ગુડ્ડુ બોલી રહ્યો
“એ અક્કલના ઓથમીર, તને એક જ વાત મારે કેટલી વાર કહેવી? ખબર નથી પડતી, નજર રાખ તું ખાલી. એ અમદાવાદ પહોંચે પછી વાત... ફોન મુક અત્યારે.” રઘુએ ગુસ્સે થઇ ફોન કાપી નાંખ્યો ને ત્યાજ એની પાછળથી એક હાથ એની છાતી પર આવ્યો
“કેમ ગુસ્સો કરે છે આટલો?!!” બંદિશ બોલી
“અરે આ ગુડ્ડુ ને કેશુ... બધી નકામી આઈટમો જ રાખી છે મેં તો” રઘુનો મગજ હજી ગરમ હતો
“હવે શું કર્યું એણે?” બંદિશ બેકરેસ્ટનો ટેકો લઇ શાંતિથી બેસી ગઈ
“કહું છું ક્યારનો કે ઉર્વિલ ક્યાં, શું કરે છે ખાલી એ જોવાનું છે... અત્યારે ગેમ નથી કરવાની... પણ સમજે એ બીજા!! ઘડીક ઘડીકમાં ફોન કરીને પૂછે છે કે કામ કરી નાખીએ...” રઘુ એકીશ્વાસે બોલી પડ્યો
“એનામાં એટલી બુદ્ધિ હોત તો એ તારા માટે કામ કરત?? તારા જેવા માણસ સાથ કામ કરવા માટેની પહેલી શરત છે, બેવકૂફ હોવું...” બંદિશ ખડખડાટ હસતા બોલી અને રઘુ પણ હસી પડ્યો
“બંદિશ!! તને મને હસાવતા પણ આવડે છે.” રઘુ તેની સામે જોતા ભાવવશ થતા બોલ્યો
“મને તો બધુય આવડે છે” બંદિશ અદાથી બોલી અને પછી ગંભીર થતા ઉમેર્યું
“ઉર્વિલને અમદાવાદમાં શું કામ મારવો છે તારે?”
રઘુ આ પ્રશ્ન માટે તૈયાર નહોતો. થોડી ચુપકીદી પછી કંઇક વિચારી તે બોલ્યો
“રેવાના શહેરમાં તો એના એક્લોતા પ્રેમની જાન ના લઇ શકાય ને...”
“તો આ કામ તો તું વર્ષો પહેલા પણ કરી શક્યો હોત ને!” બંદિશ કંઈ સમજી નહોતી
“ત્યારે રેવા જીવતી હતી ને... રેવા હોય ત્યારે હું એનો જીવ કેમ લઇ શકું?” રઘુના માનસપટ પર રેવા છવાઈ ગઈ
“રઘુ, સાચે તું શેની રાહ જોવે છે?” બંદિશ હવે પોઈન્ટ પર આવવા માંગતી હતી
“જો, રેવા હોય ત્યારે હું ઉર્વિલનું કંઇજ ના કરી શકું, બીજું, રેવાને ઓળખું છું ત્યાં સુધી કહી શકું કે એની અમુક ઈચ્છાઓ હશે જે ઉર્વિલને જ પૂરી કરવાની હશે, હું એને સમય આપવા માંગું છું. બસ એ અમદાવાદ પહોંચે પછી એની આ દુનિયામાં કોઈ જરૂર નથી. પછી મારો બદલો લેવાશે...” રઘુ દુર બારીની બહાર જોતા બોલ્યો
“તે રેવાને પ્રેમ કર્યો અને રેવાએ એને પ્રેમ કર્યો એનો બદલો??” બંદિશ તેનો ચેહરો પોતાની તરફ ફેરવતા બોલી
“ક્યારેક સમજાવીશ તને... અત્યારે નહિ.” રઘુ આટલું કહી રૂમની બહાર નીકળી ગયો.

*

“મયુર એક ચા , સરસ હો આદુ વાળી...” મોટા અવાજે બરાડા પાડતો ગુડ્ડુ ચાની લારી પાસેના બાંકડા પર બેસી ગયો. તેનું માથું ગુસ્સાથી ફાટી રહ્યું હતું. તેણે ૨ – ૩ વાર કેશુને ફોન લગાડ્યો પણ તેનો ફોન નહોતો લાગતો. તેને રઘુ પર સખત ચીડ ચડી રહી હતી
“એ ચા લાવતા હજી કેટલી વાર...” ગુસ્સેથી મોટા અવાજે તેણે ફરી રાડ પાડી
“અરે, ગુડ્ડુ ભાઈ આજે આટલો બધો ગુસ્સો!!!” ગુડ્ડુની બાજમાં જ બાંકડા પર બેસતા એક યુવાન મસ્તીભર્યું સ્મિત કરતા બોલ્યો અને પછી ચા વાળા સામે જોઈ ઉમેર્યું
“મયુરભાઈ એક સ્પેશ્યલ લઇ આવો આજે”
“શું વાત છે તમે નવરા થઇ ગયા લાગો છો રચિતભાઈ.” ગુડ્ડુ ગુસ્સો સંકેલી વાત ફેરવતા બોલ્યો
“અરે ના રે, આ તો કામ કરવાનો મૂડ નથી તો બોસને લોલીપોપ આપી નીકળી ગયો.” રચિત હસતા હસતા બોલ્યો
“એ સારું તમારા જેવાને. અહિયાં તો અમારે એનું કામ સારી રીતે કરવા જઈએ તો ય ગાળો ખાવી પડે...” ગુડ્ડુને રઘુ યાદ આવી ગયો
"કેમ શું થયું?" રચિતે પૂછ્યું
"જવા દો ને ભાઈ..." ગુડ્ડુએ વાત ટાળતા કહ્યું
“અરે કયો તો ખરા શું થયું? જો વાત કરવાથી મન હળવું થઇ જાય. આ હું તમને નથી કહી દેતો બધુય??” રચિત ગુડ્ડુ સામે જોઈ બોલ્યો
“અરે કંઈ નહિ આ ખડૂસ બોસ મારો, એક કામ છે એ બોમ્બેમાં ય સહેલાઈથી પતી જાય એવું છે. તો ય ખબર નહિ એને એ કામ અમદાવાદ જઈને જ પૂરું કરાવવું છે... કઈ જાતનો માણસ છે કોણ જાણે!” ગુડ્ડુ રઘવાટમાં બોલ્યો
“તમારું કામ એટલે તો...” રચિત જાણીજોઈને વાત અધુરી રાખતા બોલ્યો
“હા, બાપા એ જ... તમારાથી શું છુપાવવું હવે? એક ગેમ કરવાની છે પણ એ પાર્ટી અમદાવાદ પહોચી જાય પછી...” ગુડ્ડુ બધુંજ કહી રહ્યો

*

સીઝન ટાવરના પાંચમાં માળે કહાન અને ઉર્વિલ બેઠા હતા. ના કારમાં બન્નેએ વાત કરી હતી ના અહિયાં પહોચીને. કહાન અને ઉર્વિલ બન્ને હાથમાં પકડેલું મેગેઝીન વાંચવાનો ડોળ કરતા લોયરની ઓફીસના વેઈટીંગ એરિયામાં ઉર્વા અને દેવની રાહ જોઈ રહ્યા હતા ત્યાં જ કહાનનો ફોન રણક્યો,
“ઉર્વાનો ફોન ઉપાડતું નથી કોઈ એટલે તને કહું છું ધ્યાનથી સાંભળ...” કહાન હેલો કહે તે પહેલા જ સામે છેડેથી અવાજ આવ્યો
“હમમ”
“ઉર્વિલનું મર્ડર અમદાવાદમાં થશે, અહિયાં નહિ.”

*

(ક્રમશઃ)