Cable cut - 33 in Gujarati Fiction Stories by Rupen Patel books and stories PDF | કેબલ કટ, પ્રકરણ ૩૩

Featured Books
Categories
Share

કેબલ કટ, પ્રકરણ ૩૩

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૩૩
ખાન સાહેબે ટીમની સામે મીટીંગ શરુ કરતા લાખાને કહ્યું, "તે અંધારી રાતે બબલુની કાર પાસે જોયેલા પેલા બે એકટીવા સવાર લોકોની વાત કરી હતી તે યાદ છે ને? "
"હા સર. મને તે ઘટના અને તે લોકો પણ બરોબર યાદ છે. મેં તેમના સ્કેચ પણ બનાવામાં મદદ કરી છે." લાખો હાથ જોડીને બોલ્યો. 
ખાન સાહેબે સુજાતા સામે જોઇને કહ્યું, "અમને ઘણાબધા પુરાવા મળ્યા છે, શકમંદ આસપાસ જ છે અને કદાચ પરિચિત જ હશે પણ મજબુત પુરાવો ન મળતા ધરપકડ થઇ શકતી નથી. મારે તમારી અને પિન્ટોની મદદ જોઇએ છે."
"કેવી મદદ અને અમારી મદદથી કેસ સોલ્વ થતો હોય અમે તૈયાર છે." સુજાતાએ તરત જ કહ્યું.
"મદદમાં એવું છે ને. હું તમને આખો પ્લાન સમજાવું. તમારે તમારા ઘરે એક ભજન સંધ્યાનું આયોજન કરવાનું છે, તેમાં જાહેર જનતાને આમંત્રણ આપવાનું છે. ભજન સંઘ્યાનો ખર્ચ, સિકયોરિટી અને અન્ય તમામ વ્યવસ્થા અમે કરીશું. ભજનનું કેમેરા ટીમ અને સીસીટીવીથી લાઇવ રેકોર્ડીંગ કરવામાં આવશે. ભજનમાં આવનાર તમામ પર અમારી ટીમ નજર રાખશે અને લાખાને પણ હાજર રાખવામાં આવશે. અમને મળતી માહિતી મુજબ આરોપી આપણી આસપાસ જ છે અને તે ભજનમાં જરુર આવશે. તેની ઓળખ થતાં તેની ધરપકડ કરવામાં આવશે."
સુજાતાએ ભજનની વાત સાંભળી આનાકાની કરી પણ ખાન સાહેબે શાંતિથી સમજાવતા તે તૈયાર થઇ ગઇ પણ તેના પરિવારને વાત કરવી પડશે તેમ કહ્યું. તેના જવાબમાં ખાન સાહેબે તેના પરિવારને સમજાવાની જવાબદારી હીરાલાલને સોંપી. પિન્ટોને બબલુના પરિચિત લોકોને, મિત્રોને પરમ દિવસે આવવા આમંત્રિત કરવાની અને ભજન માટે અન્ય તૈયારીઓ કરવાની કામગીરી સાંપવામાં આવી.
ખાનસાહેબે સુજાતા અને પિન્ટોના ગયાં પછી ટીમને ભજનની તૈયારીમાં લાગી જવા કહ્યું. ખાન સાહેબ મનોમન વિચારતાં હતાં કે આ જ આખરી દાવ છે અને ક્રાઇમ બ્રાંચની ટીમ માટે પણ આ જ એક ઉમ્મીદ બાકી હતી.
ખાન સાહેબે બપોરે ગફુરને સાથે લંચ કરવા ઘરે બોલાવ્યો અને ભજનના પ્લાનની વાત કરી. ગફુરને  આગલી રાતે ભજનમાં થયેલા ઝઘડામાં હાજર સ્થાનિક અગ્રણીઓની હાજરી પરથી સાહેબને પ્લાન આવ્યો અને તેઓ રાતોરાત કેમ પરત આવ્યાની વાત સમજાઇ ગઇ. ખાન સાહેબે ગફુરને બબલુના ઘર પાસે પરમ દિવસે જે કલાકારો મળે તેમને બોલાવાની ભજન માટેની વ્યવસ્થા કરવાનું કામ સોંપ્યું.
ક્રાઇમ બ્રાંચની ટીમ ભજન સંઘ્યાના સ્થળે સીસીટીવી અને મોનટરીંગ રુમ બનાવાની તૈયારીમાં લાગી ગઇ. હાફ ટન, ફુલ ટનને તાત્કાલિક ભજન સંઘ્યાના પોસ્ટર અને પેપર કટીંગ બનાવી પ્રચાર કરવાની જવાબદારી સોંપવામાં આવી. બબલુના કેબલ પર પણ ભજન સંઘ્યાની જાહેરાત કરવામાં આવી. ૨૪ કલાકમાં જ આખા શહેરમાં બબલુ પાંડેના સ્મરણાર્થે થનારા ભજન સંધ્યાની ચર્ચાઓ હતી. 
ભજન સંધ્યાના સમય પહેલા જ ભજન કરનાર કલાકારો સ્ટેજ પર ગોઠવાઇ ગયા હતાં. સાઉન્ડ અને લાઇવ વીડીયો રેકોર્ડિગ કરનાર ટીમ પણ તૈયાર હતી. જાહેર જનતાની આવવાની શરુઆત થઇ ગઇ હતી અને તે બધાનું ચેકીંગ થઇ રહ્યુ હતું. તે બધાને સીસીટીવી પરથી રેકોર્ડ કરવામાં આવી રહ્યા હતાં. કંટ્રોલ રુમમાં ઇન્સપેક્ટર અર્જુન અને લાખો, ફેસ રીડર ચંપાવત મોનીટરીંગ કરી રહ્યા હતાં. સાદા ડ્રેસમાં લોકોની વચ્ચે મહીલા અને પુરુષ પોલીસ તૈનાત હતી. હાફટન, ફુલટન અને ગફુર પણ ત્યાં હાજર હતાં. ટીમના દરેકને માઇક્રોફોન અને વોકીટોકીથી કંટ્રોલ રુમ અને મોનટરીંગ રુમ સાથે કનેકટ કરી રાખવામાં આવ્યા હતાં. 
ભજન સંધ્યામાં જાહેર જનતા અને બબલુના પરિચિત મિત્રો ધનંજય, બૈજુ શેઠ, ગુલાબ દાસ, વિષ્ણુ પણ હાજર રહ્યા હતાં. ખાન સાહેબ તેમની ટીમના વીડીયોગ્રાફર અને પિન્ટોની સાથે મળીને ભજનમાં આવનાર દરેકને મળીને તેની ઇમેજ કંટ્રોલ રુમમાં લાખા સુધી પહોંચાડતા હતાં.
ભજન સંધ્યા શરુ થયાના અડધો કલાક બાદ પણ લોકોની અવરજવર ચાલુ હતી પણ લાખાની નજરે કોઇ શકમંદ આવ્યા ન હતાં. ખાન સાહેબ વોકીટોકી પરથી ટીમનો ઉત્સાહ વધારી રહ્યા હતાં. સ્થળ પરથી લાઇવ વીડીયો રેકોર્ડિંગ અને સીસીટીવીની ઇમેજને લાખો મોનેટરીંગ રુમમાંથી જોઇ રહ્યો હતો પણ તેને કોઇ શકમંદ જણાતું ન હતું. તેણે બનાવેલ સ્કેચ પરથી પણ ટીમના ઓફિસર ચેક કરી રહ્યા હતાં પણ કંઇ રીઝલ્ટ મળી આવતું ન હતું.
ભજન શરુ થયાના એક કલાક બાદ પણ કંઈ ઇન્ફરમેશન ન મળતાં ખાન સાહેબે ગફુરને સાઇડમાં બોલાવીને કહ્યુ, "મને તો હવે લાખાની વાત બનાવેલી વાર્તા જ લાગે છે અને આ છેલ્લો પ્રયત્ન પણ .."
"સાહેબ, આમ નિરાશ ના થાઓ. હજુ લોકોની અવરજવર ચાલુજ છે. અને સાહેબ હવે લાખાને જ અહીં પબ્લિકમાં લાવો, તે રુબરુ જોઇને કંઇ શોધી આપશે."
"ગફુર, તારો પ્લાન જોખમી છે. આટલી પબ્લિકમાં તેને છુટો મુકવો એ યોગ્ય પણ નથી. પણ ..."
ખાન સાહેબ તરત જ ટીમ સાથે મળીને લાખાને સ્થળ પર લાવવાની વાત કરે છે. લાખાની સાથે ગફુર અને એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ ઇન્સ્પેકટર નાયકને રહેવાનું નકકી કરે છે.
મોનટરીંગ રુમમાં જઇને ખાન સાહેબ લાખાને કહે છે, "લાખા, તને સ્થળ પર લઇ જવામાં આવશે. તારે નજીકથી લોકોને જોઇ શકમંદને ઓળખવાનો છે. પણ કોઇ હોંશિયારી બતાવી તો તારી સાથે એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ ઇન્સ્પેકટર નાયક હશે જ અને ચારેબાજુ પોલીસ હાજર જ છે. તને વાત સમજાય છે ને."
"સાહેબ, હું કયાંય નહીં જાઉં. ગુનેગાર પકડાઇ તો મને છોડી દે જો. બસ, મારે બીજુ કંઇ ન જોઇએ."
"હા. તને ખોટી રીતે સજા નહીં આપીએ પણ તું ગુનેગાર શોધી બતાવ એટલે તું છુટો."
એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ ઇન્સ્પેકટર નાયક અને લાખો પિન્ટોની સાથે આમંત્રિત લોકોની નજીકથી પાસ થાય છે, લાખો આસપાસ દરેકને કાતિલ નજરે જોતો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમના દરેકની નજર લાખા પર જ હતી. થોડીવાર પુરુષોમાં ફર્યા બાદ ખાન સાહેબ ઇન્સપેક્ટર નાયકને વોકીટોકી પર મેસેજ આપે છે કે લાખાને મહીલાઓની તરફ પણ લઇ જાઓ.
ઇન્સપેકટર નાયકે પિન્ટોને ઇશારો કરતાં તે લાખાને વ્યવસ્થા જોવાને બહાને મહીલાઓ બેસી હતી તે તરફ લઇ જાય છે. લાખાએ મહીલાઓ પર પણ નજર ફેરવી અને કંઇ મળ્યુ નહીં પણ સુજાતા પાસે આવીને લાખો ચમકી જાય છે અને તે ત્યાં ઉભો જ રહી જાય છે. ટીમના દરેક લાખાની હરકત પરથી એલર્ટ થઇ જાય છે. ખાન સાહેબ પણ લાખા પાસે દોડી આવે છે.
લાખાએ ધીમે રહીને ખાન સાહેબના કાનમાં કહ્યું, "પેલી સ્ટેજની બાજુમાં જે બબલુની પત્ની છે, તેની બાજુમાં બેઠેલી મહીલા જ પેલા દિવસે હતી."
ઇન્સપેક્ટર નાયક લાખાને લઇને મોનેટરીંગ રુમમાં પહોંચે છે, કેમેરા સુજાતાની પાસે બેઠેલી મહીલા તરફ ઝુમ કરવામાં આવે છે. ત્યાં હાજર એક્ષપર્ટ પણ સ્કેચને મેચ કરે છે અને તે જ શકમંદ હોય તેવું લાગે છે.
પાકા પાયે શક મજબુત થતાં મોનટરીંગ રુમમાંથી ખાન સાહેબને ટીમને એલર્ટ કરે છે અને મહીલા પોલીસને તે મહીલા પર નજર રાખવા કહે છે. તેમણે પિન્ટોને ભજન સંધ્યાનું સમાપન કરવાનું કહ્યું. સ્ટેજ પરથી ભજન સંધ્યાની પુર્ણાવતિની જાહેરાત થઇ અને જાહેર જનતા, આમંત્રિતો ધીમે ધીમે સ્થળ પરથી બહાર નીકળવા લાગ્યા. 
ભજન સંઘ્યા પરથી મોટાભાગના લોકો ગયા પછી ખાન સાહેબે પિન્ટોને કહ્યું, "સુજાતાની પાસે બેઠેલી મહીલા કોણ છે? "
"તે તેમની બહેન છે."
"તે બંનેને મોનેટરીંગ રુમમાં લઇને આવો."
પિન્ટોએ સુજાતાને ખાન સાહેબનો મેસેજ આપ્યો. સુજાતા મોનટરીંગ રુમ તરફ ચાલવા લાગી પણ તેની બહેન તેની જગ્યાએ જ ઉભી રહી એટલે ઇન્સપેક્ટર નાયકે પિન્ટોને ઇશારો કરતાં તે તેને લઇને મોનેટરીંગ રુમ તરફ લઇ જાય છે.
ખાન સાહેબ પણ તે મહીલાના હાવભાવ દુરથી જોઇ રહ્યા હતાં. મોનેટરીંગ રુમમાં લાખો, ફેસ રીડર ચંપાવત, ક્રાઇમ બ્રાંચની ટીમ હાજર હતી. મોનેટરીંગ રુમ પાસે આવીને ખાન સાહેબ સુજાતાને પુછે છે, "તમારી પાછળ આવનાર મહીલા કોણ છે? " 
સુજાતાએ પાછળની તરફ જોઇને કહ્યું, "એ તો મેઘા છે, મારી નાની બેન છે તે."
મોનટરીંગ રુમમાં પહોંચીને ખાન સાહેબે સુજાતાને કહ્યું, "અમારે તમારા બહેનની પુછપરછ કરવી છે એટલે તમને અહીં બોલાવ્યા છે."
"તેની પુછપરછ પણ કેમ? "સુજાતા અકળાઇને બોલે છે.
"અમારે તમારી આસપાસના તમામની પુછપરછ કરવાની છે અને આ આટલા દિવસથી કેમ ના દેખાયાં તેની પણ પુછપરછ .." મેઘા અને પિન્ટો આવી પહોંચતા ખાન સાહેબ બોલતાં બોલતાં અટકી જાય છે.
ખાન સાહેબે સુજાતાને ઇશારો કરતાં તેણે પરાણે પરાણે મેઘાને કહ્યું, "મેઘા, ખાન સાહેબ તારી પુછપરછ કરવા માંગે છે."
"પણ ..પણ, મારી કેમ? "મેઘા મુંઝવતા સ્વરે પુછ્યુ.
"કંઇ ખાસ પુછપરછ નથી પણ તમને પહેલી વાર સુજાતા સાથે જોયા એટલે રુટીન પુછપરછ કરી તમને જવા દેવાના છે." ખાન સાહેબ ધીમે રહીને બોલ્યા.
રુમમાં પ્રવેશતાં જ મેઘાનો ચહેરાની રેખાઓ તંગ થઇ ગઇ અને બદલાતા હાવભાવ પણ ફેસ રીડર ચંપાવતે નોંધ્યા. ઇન્સપેક્ટર અર્જુને સુજાતા અને પિન્ટોને રુમ બહાર વાતોમાં વ્યસ્ત કર્યા અને મેઘાની પુછપરછ માટે  ક્રાઇમ બ્રાંચની ટીમ તૈયાર જ હતી. મહીલાઓની પુછપરછ માટે સ્પેશિયલ મહીલા ઇન્સપેક્ટર વીણાને બોલાવવમાં આવ્યા, તે માથાભારે મહીલાઓને પણ પોપટની જેમ કેમ બોલાવવા તે જાણતા હતાં.
ઇન્સપેક્ટર વીણાએ ધીમા સ્વરે સરળ સવાલોથી મેઘાની પુછપરછ શરુ કરી, "તમે  બબલુ પાંડેના શું થાઓ? "
"હું..હું તેમની સાળી થાઉં."ગભરાતા સ્વરે મેઘાએ કહ્યું.
"ગભરાયા વગર શાંતિથી જવાબ આપો. આપ તા તારીખ ૩૦ અને ૩૧ કયાં હતાં."
"હું ..." થોથવાતા અવાજે બોલી અને આંખો બંધ વિચાર કરવા માંડી. 
"શાંતિથી વિચારીને જવાબ આપો."
મેઘા પળભર માટે અતીતની સ્મ્રુતિઓમાં ખોવાઇ ગઇ. અનેક વિચારોએ તેના મનમાં ધમાસણ મચાવ્યું હતું. તેના ચહેરા પર પરસેવો ઉભરી આવ્યો હતો.
"તમે કયાં રહો છો? તમને તમારા જીજાજીના સમાચાર કયારે મળ્યા? તમે તમારા જીજાજીને છેલ્લે કયારે અને કયાં મળ્યા હતાં? "
"હું હોસ્ટેલમાં રહુ છું." 
"તમે સ્ટડી કરો છો કે વર્કિંગ વુમન હોસ્ટેલમાં રહો છો ?"
"હું નર્સિંગ કોલેજમાં ફાઇનલ યરમાં સ્ટડી કરુ છુ."
નર્સિંગનું નામ આવતાં જ ખાન સાહેબ ઉભા થઇ જાય છે અને બોલે છે, "ચલો, વધુ પુછપરછ ક્રાઇમ બ્રાંચ જઇને કરીએ."
ક્રાઇમ બ્રાંચનું સાંભળી મેઘાને ડુમો ભરાઇ આવ્યો અને જયાં ખાન સાહેબે સુજાતાને બોલાવીને વાત કરી ત્યાં તો તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.
સુજાતાને શું થઇ રહ્યુ છે તે સમજાતું ન હતું એટલે તેણે ખાન સાહેબને પુછ્યું, "આ શું થઇ રહ્યું છે અને તે કેમ રડે છે. અત્યારે મેઘાને ક્રાઇમ બ્રાંચ કેમ લઇ જવાની જરુર છે? "
"તે ડરી ગઇ છે. તમને તો ખબર જ છે, તમારી અને બીજાઓની પણ પુછપરછ ક્રાઇમ બ્રાંચમાં જ થાય છે. એટલે તેને ત્યાં લઇ જઇએ છીએ." ખાન સાહેબે સુજાતાને કહ્યું
"પણ તમે તેની આમ ..કેમ પુછપરછ કરી રહ્યા છો? "
"તમે અમને અમારી કામગીરી કરવા દો. તમે બંને અમને સહયોગ કરશો એવી આશા રાખુ છું." ખાન સાહેબ ઉતાવળથી કહી ક્રાઇમ બ્રાંચ જવા નીકળે છે. તેમની પાછળ ઇન્સપેક્ટર વીણા અને ટીમ પણ મેઘાને લઇને ક્રાઇમ જવા નીકળે છે. થોડીવારમાં ભજન સંધ્યા સ્થળ પરથી ક્રાઇમ બ્રાંચની ટીમ સીસીટીવી અને અન્ય ઉપકરણો લઇ ક્રાઇમ બ્રાંચ પહોંચે છે.
પોલીસની ગતિવિધિ પર શંકા જતા પિન્ટો અને સુજાતાએ તેન પરિવાર સાથે મેઘાને પોલીસ ક્રાઇમ બ્રાંચ લઇ ગઇ તેની ચર્ચા કરીને સિનિયર એડવોકેટને લઇને ક્રાઇમ બ્રાંચ પહોંચે છે. 
મોડીરાતે પણ ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં તપાસનો ધમધમાટ ચાલુ હતો. ખાન સાહેબે ગફુર પાસેથી મીડીયા અપડેટ મેળવ્યો. વીડીયો રેકોર્ડીંગ ટીમ, ફેસ રીડર, સાયબર એક્ષપર્ટ, રાઇટર સાથે ક્રાઇમ બ્રાંચની આખી ટીમે મેઘાની પુછપરછ માટેની તૈયારીઓ કરી લીધી. ખાન સાહેબે ઇન્સપેકટર વીણાને કયા કયા પ્રશ્નો પુછવા તેની ઇન્ફરમેશન આપી દીધી.
ખાન સાહેબ મેઘાની સાથે હાબિદને રાખી પુછપરછ કરવાનું વિચારી રહ્યા હતાં ત્યાં ગફુરનો કોલ આવે છે.
"બોલ ગફુર."
"સાહેબ, બ્રેકિંગ ન્યુઝ છે. હાબિદ પાસેથી ગાંજાની ખેતીની મોટી ઇન્ફરમેશન એટીએસને મળી છે અને મીડીયામાં પણ ન્યુઝ પહોંચી ગયા છે."
"ઓહ! એમ વાત છે."
ખાન સાહેબનાં ઓફિસના ફોન પર કુંપાવત સાહેબનો ફોન આવે છે, ગફુરને હોલ્ટ પર રાખી ખાન સાહેબ વાત કરે છે, "અભિનંદન. બહુ મોટી સફળતા મેળવી તમે."
"તમને ખબર પણ પડી ગઇ. ગફુર અને તમારી ટીમના લીધે જ ઇન્ફરમેશન મળી છે. પણ તમને .."
"મને હમણાં જ ગફુરે જાણ કરી અને મીડીયામાં પણ ન્યુઝ લીક થયાં છે એટલે તમે ઓફિસયલી ન્યુઝ રીલીઝ કરો. નહિંતર મીડીયા પોતપોતાની સ્ટોરીઝ બનાવશે."
"હા. તે વાતની મને પણ જાણ થઇ એટલે પ્રેસ કોન્ફરન્સ ગોઠવી છે. વઘુ વાત કાલે કરીએ."
"ઓકે. હાબિદને મેજીસ્ટ્રેટ સામે રજુ કરીને રીમાન્ડ મેળવી મને જાણ કરજો. અમારે પણ પુછપરછ કરવાની છે. અને તમને અમારી ટીમ વતી ન્યુઝ આપુ કે બબલુનો કેસ આજ રાતે સોલ્વ થવામાં જ છે."
"ઓઓ..વેરી ગુડ ન્યુઝ. તમને પણ જલ્દીજ સફળતા મળે. બાય, કાલે સવારે વાત કરીએ." કુંપાવત સાહેબે હસીને વાત કરીને કોલ કટ કર્યો.
ખાન સાહેબ કોલ પુરો કરી ઓફિસમાં પ્રવેશે છે, ત્યાં ટીમ તેમની જ રાહ જોઇ રહી હતી. મેઘા તેની સામે આખી ટીમ જોઇને આંખો બંધ કરીને બેસી રહી હતી, તે પહેલી જ વાર આમ પોલીસ કાર્યવાહી ફેસ કરી રહી હતી. ખાન સાહેબે ઇશારો કરતાં ઇન્સપેક્ટર વીણાએ પુછપરછ શરુ કરી.
"મેઘા, તમે અમારા સવાલોના જવાબ વિચારીને આપજો. તમે જવાબ આપવા રેડી છો? "
મેઘાએ બંધ આંખે માથુ હલાવી હા પાડી. તેણે ઉંડો શ્વાસ લઇને ધ્રુજતા સ્વરે કહ્યું, "પહેલા મારે કંઇ કહેવું છે."
"હા. તમારે જે કહેવું હોય તે કહો. પછી તમારે અમારા સવાલોના જવાબ આપવા પડશે."
મેઘા હા કહી આંખો ખોલીને બોલવાનું શરુ કરે છે. 
પ્રકરણ ૩૩ પુર્ણ 
પ્રકરણ ૩૪ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.