Selfie - 7 in Gujarati Horror Stories by Disha books and stories PDF | સેલ્ફી ભાગ-7

The Author
Featured Books
Categories
Share

સેલ્ફી ભાગ-7

સેલ્ફી:-the last photo

Paart-7

【કોલેજ મિત્રો નું એક ગ્રૂપ આનાકાની પછી ડેથ આઈલેન્ડ જવા રવાના થાય છે..એ લોકો નાં રાતે સુઈ ગયાં બાદ કોઈ વ્યક્તિ આવીને ટેલિફોન લાઈન નો કેબલ કાપી જાય છે..બીજાં દિવસે બધાં મોહિની નદીનું ઉદગમ સ્થળ જોઈને પાછાં આવે છે.જમીને બધાં જ્યારે સુઈ જાય છે ત્યારે પેલો રહસ્યમયી વ્યક્તિ ફરીથી દેખાય છે..સવારે રોબિન એનાં રૂમમાં મૃત મળે છે..સાથે સાથે ટેલિફોન લાઈન પણ ડેડ હોય છે અને ગાડી પણ ઉપડતી નથી..રોબિન ની લાશને બેઝમેન્ટમાં ફ્રીઝરમાં રાખવામાં આવે છે..રાતે ધોધમાર વરસાદ પડે છે..બંધ લાઈટ માં વીજળીના પ્રકાશમાં કોમલ એ રહસ્યમયી વ્યક્તિને જોઈને બેહોશ થઈ જાય છે...હવે વાંચો આગળ】

સવારે સૂરજનાં આગમનની સાથે દ્વીપ પર મંડરાઈ રહેલાં કાળા ડિબાંગ વાદળો ઓછાં થઈ ગયાં..સૂરજની કિરણો અત્યારે દ્વીપ પર ફેલાયેલ હરિયાળી વનરાજી પર પડેલ વરસાદ ની બુંદો ને સ્પર્શીને વાતાવરણને ખુબજ મનમોહક બનાવી રહી હતી.

પાવર પણ પુનઃ યોગ્ય રીતે ચાલુ થઈ ગયો હતો..ટાપુ પર આવેલ એક દીવાદાંડી પરથી આ પાવર ની લાઈન હવેલીમાં આવતી..સમુદ્ર નાં મોજાની ગતિ નો ઉપયોગ કરી વીજળી ઉત્તપન્ન કરવાની આ પદ્ધતિ અંગ્રેજો દ્વારા ઇજાદ કરાઈ હતી..આ સિવાય બેઝમેન્ટમાં એક જનરેટર પણ પડ્યું હતું.

સવાર થતાંની સાથે બધાં ઉઠી તૈયાર થઈને હોલમાં આવી ડાઈનિંગ ટેબલ ફરતે ગોઠવાયાં..ત્રણેય કપલ આવી ગયાં હતાં પણ કોમલ ત્યાં નહોતી આવી..પાંચ મિનિટ સુધી કોમલ ની રાહ જોયાં બાદ શુભમ બોલ્યો.

"કોમલ તો સમયની પાકી છે..ક્યાંક એને તો કંઈ.."

રોહન અને જેડી શુભમનાં બોલવાનો અર્થ સમજી ગયાં હતાં..એ લોકો પોતાની જગ્યાએથી અનાયાસે જ ઉભાં થઈને કોમલનાં રૂમ તરફ દોડ્યાં.. શુભમ પણ એમની સાથે જ હતો.

"કોમલ..બારણું ખોલ..કોમલ..."જોરજોરથી એ લોકો કોમલ ને અવાજ લગાવવા લાગ્યાં.

એ લોકો રોબિન ની લાશ જોઈ ચૂક્યાં હતાં એટલે કોમલ ને કંઈક થઈ જવાની બીકે એમને ડરાવી મૂક્યાં હતાં.. આખરે એ ત્રણેયે એકબીજાની તરફ જોયું અને કોમલ નાં રૂમનો દરવાજો તોડી નાંખવાનું મન બનાવીને બે ડગલાં પાછાં ગયાં.. એ લોકો દોડીને બારણા સાથે પોતાનો ખભો અથડાવવા જ જતાં હતાં ત્યાં તો કોમલ નાં રૂમનો દરવાજો ખુલ્યો અને કોમલ એમની સામે પ્રગટ થઈ.

કોમલ ને સહી સલામત જોઈ એમનાં ચહેરા ખીલી ઉઠયાં.

"રાધેમાં કેમ દરવાજો ખોલવામાં વાર લગાવી..એક સેકંડ પણ મોડી પડી હોત તો આ બારણું તૂટી ગયું હોત.."જેડી બોલ્યો.

"એક તો કાલે રોબિન નાં નિધન પછી તું અત્યાર સુધી બહાર ના આવી તો અમે ડરી ગયાં હતાં..સારું થયું તું ઠીકઠાક છે.."શુભમ બોલ્યો.

શુભમનો પોતાનાં તરફનો આવો લાગણીસભર વ્યવહાર જોઈ કોમલ એકવાર તો એ ભૂલી ગઈ કે પોતે રાતે શું દ્રશ્ય જોયું હતું.

"પણ હજુ સુધી તું તૈયાર કેમ નથી..રાતે મોડે સુધી ઉજાગરો હતો કે શું..કે પછી અમારી જેમ રોબિનને યાદ કરતી હતી..?"કોમલની તરફ જોઈને રોહને પૂછ્યું.

"રોબિન..જીવે છે.."કોમલ બોલી.

"શું કહ્યું..?"અચાનક શુભમનાં મોંઢેથી સવાલ પુછાઈ ગયો.

"મેં કહ્યું રોબિન જીવે છે..ગઈકાલ રાતે જ્યારે હું પાણી પીવા ઉભી થઈ ત્યારે મેં રોબિનને હોલમાં જોયો હતો..એને જોતાં જ હું ડરી ગઈ અને બેહોશ થઈ ગઈ..એટલે જ હું સવારે ઉઠી નહોતી.."કોમલે કહ્યું..એનો ચહેરો અત્યારે સાવ ફિક્કો પડી ગયો હતો..ભય ની રેખાઓ એ ફિક્કા ચહેરા પર હજુપણ દેખાતી હતી.

એ લોકોની વાતચીત દરમિયાન રુહી,મેઘા અને પુજા પણ ત્યાં આવી પહોંચ્યા હતાં.કોમલ ની વાત સાંભળી એ લોકોને પણ આશ્ચર્ય અને ડરનો બેવડો ભાવ પેદા થયો હતો.

"What rubbish... you think we are fool.."પૂજા એનાં આગવા ટોનમાં બોલી.

"પૂજા સાચું કહી રહી છે..કેમકે કાલે આપણે જોયું કે રોબિન પોતાનાં રૂમમાં મૃત પડ્યો હતો..અને એની લાશ નીચે બેઝમેન્ટમાં ફ્રીઝમાં પડી છે.."પૂજાની તરફદારી કરતાં જેડી બોલ્યો.

"કોમલ મને લાગે છે એ નક્કી તારાં મનનો કોઈ વહેમ હશે.."રોહને કહ્યું.

"તમે લોકો મારી વાતનો કેમ વિશ્વાસ નથી કરતાં.. મેં સાચેમાં રોબિનને જ જોયો હતો.."કોમલ ગુસ્સા સાથે રડમસ સ્વરે બોલી.

કોમલ ની વાત સાંભળી બધાં એકબીજાની તરફ જોઈ રહ્યાં.. કોમલ ની વાત માનવી કે નહીં એનો નિર્ણય કોઈ લઈ શકતું નહોતું.

"રોહન એક કામ કરીએ..કોમલ નાં મનની તસલ્લી માટે આપણે નીચે બેઝમેન્ટમાં જઈ ચેક કરતાં આવીએ.ફ્રીઝમાં જ્યારે રોબિનની લાશ જોવા મળશે એટલે આપોઆપ કોમલ નાં મનને શાંતિ મળી જશે.."શુભમે કહ્યું.

"શુભમની વાત સાચી છે..આપણે નીચે જઈને એકવાર જોઈ લેવું જોઈએ કે ફ્રીઝમાં રોબિનની લાશ પડી છે કે નહીં.."રોહન તરફ જોઈ મેઘા બોલી.

ત્યારબાદ એ બધાં લોકો એકસાથે નીચે બેઝમેન્ટમાં ગયાં.. ત્યાં પહોંચી રોહને ફ્રીઝનો ડોર ખોલતાં કહ્યું.

"કોમલ જોઈલે આ રહી.."

જેવી રોહનની નજર ફ્રીઝની અંદર પડી એનાં શબ્દો એનાં ગળામાં જ અટકી પડ્યાં.. અંદર રોબિનની લાશ નહોતી.

"મેં કહ્યું હતું ને રોબિન જીવે છે.."કોમલ ડરતાં ડરતાં બોલી.

"But how can it possible..?"રુહી બોલી.

"રોબિન જીવે છે એ વાત નક્કી થાય છે..પણ તો પછી આપણને જ્યારે રોબિન પોતાનાં રૂમમાં મળ્યો ત્યારે એની સ્થિતિ કોઈ મૃત વ્યક્તિ જેવી હતી..મને તો કોઈ મોટી ગરબડ લાગે છે.."ગળા નું થૂંક પરાણે નીચે ઉતારતાં પૂજા બોલી.

"આ ટાપુ જ ગરબડ છે..આનું નામ ડેથ આઈલેન્ડ એમજ નથી પડ્યું..આપણે કોઈ નથી બચવાના..બધાં માર્યા જઈશું.."આટલું કહી કોમલ જોરજોરથી રડવા લાગી.

કોમલ ને રડતી જોઈ મેઘા એની નજીક ગઈ અને એને સાંત્વના આપતાં બોલી..કોમલ હિંમત રાખ.આપણે રોબિન ને જીવિત અથવા મૃત શોધી લઈએ એટલે બીજાં દિવસે જ આપણે આ ટાપુ મૂકી નીકળી જઈશું.

"પણ એ માટે રોબિન ક્યાં ગયો એનો પત્તો લગાવવો પડશે..સાથે સાથે એને શું થયું હતું એ પણ જાણવું જરૂરી છે.."જેડી એ કહ્યું.

"ફ્રેન્ડસ..just relax. રોબિન જીવિત હશે તો એમાં ગભરાવાની વાત શું છે..અરે એતો સારા સમાચાર કહેવાય કે આપણો દોસ્ત જીવિત હોય.."રોહન બોલ્યો.

રોહનની વાત સાંભળી બધાં શાંત થઈ ગયાં..દરેક વ્યક્તિ અત્યારે પોતપોતાની રીતે તર્ક નીકાળી રહ્યો હતો કે આખરે રોબિન જીવીત હતો કે મૃત..?કેમકે રોબિન જીવિત હોય તો એને આવું નાટક કેમ કર્યું અને અત્યારે એ ક્યાં ગાયબ હતો એ મોટો સવાલ હતો..?જોડે જોડે જો એ મૃત હતો તો કોમલ કેમ એવું બોલી રહી હતી કે એને રોબિન ને જોયો હતો..સાથે સાથે એની ડેડબોડી નું ગાયબ થઈ જવું એ પણ એક રહસ્ય જ હતું.

એ બધાં લોકો પાછાં આવીને હોલમાં ગોઠવાયાં..ફ્રેશ થવા બધાં એ થોડી ઘણી ચા જરૂર પીધી પણ નાસ્તો કરવાની તસ્દી કોઈએ ના લીધી..આજેપણ નાસ્તો બનાવવાનો માથે પડ્યો હોવાની લાગણી સાથે દામુ કંઈક બોલતો બોલતો બધાં વાસણો ને લઈ રસોડામાં ચાલ્યો ગયો.

બપોરે બધાં જમીને હોલમાં જ બેસી રહ્યાં.. કોઈ પોતાનાં રૂમમાં જવા તૈયાર નહોતું.. કોમલે તો નહાવાનો વિચાર પણ માંડી વાળ્યો હતો.સાંજે બાલુ કાર નો સ્પાર્ક પ્લગ ઠીક કરી ને કાર ને ચાલુ તો કરી મુકે છે પણ હવે રોબિન ત્યાંથી ગાયબ હોય છે એટલે એની ભાળ મેળવ્યા વગર ત્યાંથી નીકળી શકાય એમ નહોતું..બે દિવસ સુધી રોબિન ની રાહ જોવાનું એમને ઠીક લાગ્યું.

રોબિન ની શોધખોળ માટે સાંજે શુભમ,દામુ અને રોહન હવેલીની આજુબાજુના રસ્તા પર તપાસ કરી રહ્યાં હતાં..ત્યાં દામુ એ જોરદાર ચીસ પાડી.

"સાહેબ આ તરફ આવો.."

દામુ નો અવાજ સાંભળી રોહન અને શુભમ અવાજની દિશામાં ભાગ્યાં.. દામુ અત્યારે એક વૃક્ષ તરફ આંગળી ચીંધીને ઉભો હતો..શુભમ અને રોહને એ તરફ નજર કરી તો એમને જોયું કે એક વરુ નો મૃતદેહ અત્યારે એ વૃક્ષ ની ડાળીઓ વચ્ચે લટકી રહ્યો હતો..એનો ઘવાયેલો ચહેરો અને બહાર નીકળેલાં આંખોના ડોળા એને ભયાવહ બનાવી રહ્યાં હતાં.

"રોહન આ એજ વરુ લાગે છે જેની સાથે કારની ટક્કર થઈ હતી.."શુભમ કપાળ પરનો પરસેવો રૂમાલ વડે લૂછતાં બોલ્યો.

"હા મને પણ એવું જ લાગે છે..હવે રાત પડવા આવી અને રોબિનનો કોઈ પત્તો નથી લાગ્યો..ચાલ અત્યારે પાછાં હવેલીએ જઈએ.."રોહને આકાશ તરફ જોઈને કહ્યું.

"સારું.."રોહનની વાત સાંભળી શુભમે ટૂંકમાં પતાવ્યું.

એ લોકો નિરાશા સાથે પાછાં હવેલીએ આવી પહોંચ્યા.. એમનો ઉતરેલો ચહેરો જોઈ ત્યાં હાજર કોઈએ કંઈપણ સવાલ પૂછવો ઉચિત ના સમજ્યો.કેમકે એમની મુખાકૃતિ એ વાત ની સાબિતી હતી કે રોબિન ની કોઈ ભાળ મળી નથી.

રાતે ચૂપચાપ બધાં એ પોતાનું જમવાનું પૂરું કરીને મોડે સુધી ત્યાં હોલમાં બેસવાનું જ નક્કી કર્યું..જેડી અર્થ વગરનાં જોક્સ કહી બધાંનું મનોરંજન કરી રહ્યો હતો.છતાંપણ સ્થિતિની ગંભીરતા નાં લીધે કોઈ એનાં જોક્સ પર થોડું પણ હસી નહોતું રહ્યું.રાત નાં લગભગ બાર વાગવા આવ્યાં એટલે જેડી અને પૂજા બધાંની રજા લઈ પોતાનાં રૂમ તરફ નીકળી પડ્યાં.. એમનાં ગયાં નાં પંદરેક મિનિટ બાદ રોહન પણ હવેલી નો મુખ્ય દરવાજો અને બધી બારીઓ બરાબર બંધ છે કે નહીં એ ચેક કરી મેઘાનો હાથ પકડી પોતાનાં રૂમ તરફ હાલી નીકળ્યો.

હવેલીની દેખરેખ રાખવા બાલુ જઈને ગેરેજમાં જ સુઈ ગયો હતો..જ્યારે દામુ અત્યારે રસોડામાં જઈને નીંદર ફરમાવી રહ્યો હતો..અત્યારે હોલમાં શુભમ,રુહી અને કોમલ ત્રણ જ વધ્યાં હતાં.. રુહી ને ઊંઘ આવી જતાં એ ત્યાંજ ઊંઘી ગઈ.

"કોમલ હવે એક વાગવા આવ્યો..જો રુહી પણ સુઈ ગઈ છે..તો અમે બંને અમારા રૂમમાં જઈએ અને તું તારાં રૂમમાં જઈને સુઈ જા..જો કંઈપણ ડર જેવું લાગે તો મને અવાજ લગાવજે હું તરત તારી જોડે આવી પહોંચીશ.."શુભમે કોમલને ઉદ્દેશીને કહ્યું.

"સારું..હું એતો મેનેજ કરી લઈશ.."કોમલે કહ્યું.

ત્યારબાદ શુભમે રુહીને જગાડી અને એને લઈને પોતાનાં રૂમમાં ગયો..કોમલ પણ પોતાનાં રૂમમાં જઈને કપડાં ચેન્જ કરી પલંગમાં આડી પડી..

"સાચેમાં કાલે રોબિન જ હતો કે મારો કોઈ ભ્રમ હતો..પણ જો એ રોબિન નહોતો તો એની લાશ ક્યાં ગઈ..?"પલંગમાં આડી પડી પડી કોમલ મનોમંથન કરી રહી હતી.ઘણી કોશિશ કરવા છતાં એને ઊંઘ નહોતી આવી રહી..વારંવાર ગઈકાલ રાતનું દ્રશ્ય એની આંખોની સામે ઉભરી આવતું જે એને સુવા નહોતું દેતું.

લગભગ એમને એમ દોઢેક કલાક પસાર થઈ ગયો અને ઘડિયાળ અત્યારે અઢી વાગવાનો સમય બતાવી રહી હતી.કોમલ ને અચાનક કંઈક અવાજ કાને પડ્યો..આ અવાજ કંઈક કપાવાનો અવાજ હોય એવું કોમલ ને લાગ્યું.

"આ અવાજ આખરે ક્યાંથી આવી રહ્યો છે.."મનોમન આટલું બોલતાં કોમલ ઉભી થઈ અને પોતાનાં રૂમનો દરવાજો ખોલી જિજ્ઞાશાપુર્વક બહાર નીકળી.અવાજ કિચનમાંથી આવી રહ્યો હોવાનું મહેસુસ થતાં કોમલ હળવા ડગલે કિચન તરફ આગળ વધી..કિચનનાં દરવાજે ઉભાં એને ખાતરી કરી કે અવાજ અંદરથી જ આવી રહ્યો હતો..મતલબ સાફ હતો કે અંદર કંઈક અજુગતું બની રહ્યું હતું.

કોમલે અંદર શું થઈ રહ્યું છે એ જોવા માટે પોતાનો ચહેરો દરવાજાનાં કી-હોલમાંથી અંદર જોયું.અંદરનું દ્રશ્ય જોતાં જ કોમલ નાં ચહેરા પર પ્રસ્વેદ બિંદુઓ ઉપસી ગયાં..ભયનું લખલખું એનાં શરીરમાંથી પસાર થઈ ગયું.હૃદયની ગતિ બમણી થી પણ વધુ થઈ ગયું હોવાનું કોમલ મહેસુસ કરી રહી હતી.. પોતે જે જોયું એ પોતાનાં મિત્રો ને બતાવવા એમને કઈ રીતે બોલાવવા એ માટેનો વિચાર કરતી કોમલ ત્યાંથી ઉભી થઈ શુભમનાં રૂમ તરફ આગળ વધી.!!!

★★★★■■■★★★★

વધુ આવતાં ભાગમાં..

કોમલે કિચનની અંદર શું જોયું હતું..શું કોમલ પોતાનાં મિત્રો ને બોલાવી શકશે..??હવેલીમાં જોવા મળતો એ રહસ્યમયી વ્યક્તિ આખરે કોણ હતો?આઠ મિત્રો નું એ ટોળું કઈ મોટી મુસીબતમાં ફસાવા જઈ રહ્યું હતું..?કોમલે સાચેમાં રોબિન ને જોયો હતો??રોબિન જીવિત હતો કે મૃત??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ