Premni Pele Paar in Gujarati Love Stories by Shefali books and stories PDF | પ્રેમની પેલે પાર...

The Author
Featured Books
Categories
Share

પ્રેમની પેલે પાર...

પ્રેમની પેલે પાર... આ ફક્ત એક વાર્તા જ નથી પણ એક સપનું છે, જે ત્રણ ઓનલાઇન મિત્રોએ ભેગા થઈને જોયું અને હવે તમારી જોડે એટલે કે એના દરેક વાંચક જોડે જીવશે..!! રવિના, હિના અને શેફાલી એટલે ત્રણ અલગ અલગ શહેરની મિત્રો જે હજી સુધી મળ્યા નથી પણ હા એમનું આ સપનું પણ પૂરું થશે જ..!! એમનો સ્વભાવ પણ આમ તો અલગ જ રવિના થોડી ઠાવકી, હિના એકદમ શીઘ્ર અને શેફાલી ઘણી પીઢ તોય એમને એક વસ્તુ જોડી ગઈ એ છે ત્રણેય વચ્ચેની સમજણ. અને આ સમજણથી જ ત્રણેય ની આંખોમાં એક સપનું અંજાયું અને હવે એ સપનું "પ્રેમની પેલે પાર" સ્વરૂપે અમલમાં મુકાઈ રહ્યું છે.
 આ માત્ર એક પ્રેમ ની વાર્તા નથી પણ પ્રેમની પેલે પાર જઈ જીવાતા પ્રેમ ની વાર્તા છે. અભ્યુદય, આકાંક્ષા ને સૌમ્યા એના મુખ્ય પાત્રો છે. જેમની આસપાસ લખાયેલી ને જીવાયેલી પ્રેમ કથા એટલે 'પ્રેમની પેલે પાર...'

*********

"આને કોઈ અંત ગણુ કે કોઈ નવો આરંભ ગણુ!
મૃત્યુ પર શોક કરું કે નવજીવન ની શરૂઆત કરુ!
પ્રેમ ને અહી પૂર્ણ કરું કે પ્રેમ ની પેલે પાર જીવું!
કલમ ને અહીં જ રોકુ કે અહીંથી શરૂઆત કરુ!"

સવાર નો સમય હતો, પંખીઓ ના કલરવ વચ્ચે ગંગા એના અવિરત પ્રવાહ સાથે વહી રહી હતી. સૂર્યોદય નો સમય જાણે હમણાં જ વિત્યો હોય એમ સૂર્ય એના કેસરી કિરણો ની છાપ ગંગાજી પર પાડી રહ્યો હતો. કેટલાય ફૂલો ગંગા ના નિર્મળ જળ પર તરતા હતા. કુદરતી સૌંદર્ય એની સોળે કળા એ ખીલ્યું હતું. ગંગા ને એના ઘાટો અદ્ભૂત રીતે જીવંતતા બક્ષી જાય છે. જાણે હમણાં જ હિમાલયની ગોદમાંથી અવતરી હોય એવી મા ગંગા હર ક્ષણે લાગે છે. 

ગંગા એ ભારત દેશની જીવાદોરી એમ જ નથી ગણાતી..!! ત્યાં જઈને કોઈ પણ નિરાશ થઈને પાછું નથી ફરતું. હા... પણ જે આવે છે તે નિરાશા લઈને જરૂર આવે છે. ગંગા તો મોક્ષદાત્રી છે..!! અહીં આવનાર બધામાંથી હળવો થઈ જાય છે. બધી ચિંતા, અવઢવ, દ્વિધા, ઉદ્વેગો બધું મા ગંગા પોતામાં સમાવી લે છે. ગંગાના ઘાટે ઘાટે વિધિ કરાવતા લોકો તમને જોવા મળી જ જશે, જે પોતાના સ્વજનને મોક્ષ મળે એવા આશય સાથે વિધિ કરાવતા હોય છે. આજે એવા જ કોઈક બે સ્ત્રી પુરુષ વિધિ કરાવતા નજરે પડે છે.

"યજમાન સમીધ પ્રગટાવો."

"હે !?"

"આ કુંડમા સમીધને પ્રગટાવો, એટલે વિધિ આરંભ કરીએ." 

પાસે બેઠેલી સૌમ્યાએ ઈશારો કર્યો કે દિવાસળીથી આ લાકડું સળગાવો. ને વિધિ કરાવનાર યજમાન એટલે કે અભ્યુદયે યંત્રવત તેમ કર્યું. પંડિતજીએ મંત્ર ચાલુ કર્યો.

"ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्‌।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्‌॥"

ઈશારો કર્યો એટલે સામે બેઠેલા અભ્યુદય ને સૌમ્યા એ ઘીનું હોમ કર્યું. 

પંડિતજી કઈક ગણેલા હતા એટલે સાથે થોડું સમજાવતા પણ જતા હતા. તેમણે કહ્યું, 

"મૃત્યુ માણસ વિચારે એટલું દુઃખદાયક નથી. મૃત્યુ એટલે  નવા જીવનનો પ્રારંભ. જે પરમ કૃપાળુ પરમાત્માએ બધા જીવ માટે કર્યો છે. કોઈ વ્યક્તિ બીમાર થઈને મૃત્યુ નથી પામતો પણ મૃત્યુ પામવાના કારણોને લીધે બીમાર પડે છે. મૃત્યુ તો નક્કી જ હોય છે પણ માણસ સ્વીકાર નથી કરી શકતો એટલે જ દુઃખી થાય છે."

આગળની વિધિ થતી ચાલી એમ અભ્યુદયની મનોદશા બદલતી ચાલી. "મૃત્યુ એટલે નવા જીવનની શરૂઆત ભલે હોય પણ અનેક સંબંધોનો અંત નથી શુ ?? જનાર વ્યક્તિ કેટલાને વ્યથિત કરીને જાય છે. એની પાછળ કેટલાય રિબાય છે, ને અધમુઆ પણ બની જાય છે. આ ભગવાન આટલો કઠોર કેમ થતો હશે ? એ જીવનને આટલું અઘરું બનાવી કેમ દેતો હશે ?કોઈ વ્યક્તિને જીવનમાં મોકલી છીનવી કેમ લેતો હશે? ને જનારના ગયા પછી રહી જાય છે વેદના, આંસુ ને ખાલીપો. જે ક્યારેય પણ નથી ભરાતો."

અભ્યુદય ને આમ ખોવાયેલો જોઈ સૌમ્યા એ હાથેથી હળવો સ્પર્શ કર્યો અને જાણે તંદ્રામાંથી જાગ્યો હોય એમ અભ્યુદયની વિચારધારા તૂટી. એણે યંત્રવત બધી વિધિ પતાવી જેમા સૌમ્યાએ પણ એને પૂરતો સહકાર આપ્યો. અને ભાંગેલા પગલે હોટલ તરફ ચાલવા લાગ્યો. પંડિતને દક્ષિણા આપવાની સુધબુધ પણ નહતી એને..!! એ બધું પણ સૌમ્યાએ જ પતાવ્યું. જો સૌમ્યાએ એને સહારો ના આપ્યો હોત તો એ રસ્તામાં જ ફસડાઈ પડ્યો હોત એટલી ભયંકર હદે એ તૂટી ગયો હતો..!! જેમ તેમ સહારો આપીને સૌમ્યા અભ્યુદયને હોટલ પર પહોંચાડ્યો.

રૂમમાં જઈને બેડ ઉપર એ રીતસરનો ફસડાઈ પડે છે. સૌમ્યા એને સરખો બેસાડે છે અને જોવે છે તો અભ્યુદયને તાવ હોય છે. સૌમ્યા દવા કાઢવા પર્સ હાથમાં લે છે. દવા શોધતાં શોધતાં એના હાથમાં એક ફોટો આવે છે, તે ઘડીભર માટે એ ફોટાને એકીટસે જોવે છે. એની આંખો આંસુથી ભરાઈ જાય છે પણ તરત જ જાત ઉપર કાબુ રાખીને ફરી દવા શોધવામાં લાગી જાય છે. દવા મળી જતા એ પાણી નો ગ્લાસ અને દવા અભ્યુદયને આપે છે. જે લઈને તરત જ અભ્યુદય બેડ ઉપર આડો પડે છે. આખી રાતની મુસાફરી  અને અસ્થિ વિસર્જનની વિધિના માનસિક થાકના લીધે અભ્યુદયને તરત જ ઊંઘ આવી જાય છે.

અભ્યુદય ને શાંતિથી ઊંઘતા જોઈ સૌમ્યા પર્સ માંથી ફરી ફોટો બહાર કાઢે છે. જાણે પહેલીજ વાર જોતી હોય એટલાજ ધ્યાનથી અને એક અલગ ભાવથી એ ફોટાને જોવે છે. ફોટો જોતા અનાયાસ જ એના મોઢામાંથી એક નામ સરી પડે છે... "આકાંક્ષા"..!! 

એનું મન લાગણીઓથી ઉભરાઈ જાય છે અને એની મૃદુ આંગળીઓ આપોઆપ જ એ ફોટા પર એટલા વહાલથી ફરવા માંડે છે કે જાણે એ સન્મુખ જ ઊભી હોય. એ ફોટાને ઊંધો કરે છે અને ફરી એ જ પંક્તિ વાંચે છે જે અત્યાર સુધીમાં એણે અગણિત વાર વાંચી હોય છે.

જીવવું હોય તો ખાસ છે આ જિંદગી,
એક સુંદર એહસાસ છે આ જિંદગી.

મેઘધનુષના રંગ છે આ જિંદગી,
સાત સુરોની સરગમ છે આ જિંદગી.

જો દિલોમાં જગ્યા બનાવો...
તો અહીં જ સ્વર્ગ છે આ જિંદગી..!!

*************************************

કોણ છે આ સ્ત્રી પુરુષ ? ને આ અસ્થિ કોના હતા ? આ આકાંક્ષા કોણ છે? આ દરેક સવાલ ના જવાબ માટે વાંચવાનું ના ચૂકશો પ્રેમની પેલે પાર ભાગ 2. આપનો કિંમતી સમય ફાળવીને પ્રતિભાવો આપવાનું ભૂલશો નહિ... ખૂબ ખૂબ આભાર....             ©હિના દાસા, શેફાલી શાહ, રવિના વાઘેલા