Swa no saakshatkaar in Gujarati Short Stories by Kausumi Nanavati books and stories PDF | સ્વ નો સાક્ષાત્કાર ભાગ - 1

Featured Books
Categories
Share

સ્વ નો સાક્ષાત્કાર ભાગ - 1

ઑમ ત્ર્યમ્બકમ યજામહે સુગંધીમ પુષ્ટિ વર્ધનમ

ઉર્વા રુકમેવ બંધનાંન મૃત્યોર મોક્ષીય મામૃત્ત: ||

ઑમ શાંતિ : શાંતિ: શાંતિ :

મન શુદ્ધિ કે નકારાત્મક ઉર્જાને દૂર કરવા તથા મૃત્યુ પામેલાની આત્માને શાંતિ માટે સ્મશાનમાં મંત્રનો ધ્વનિ ગુંજી ઉઠ્યો. અક્ષય આજે સ્મશાને ગયો હતો. તેમના કુટુંબમાં કોઈ નજીકના વ્યકિતનું મૃત્યુ થયું હતું. અક્ષય સ્મશાન પાસે પહોંચ્યો ય અચાનક તેના પગ થોભી ગયા અને એક અવાજ સંભળાયો, "જા આપી દે અગ્નિદાહ." "આ તે કેવો અવાજ?" અક્ષય વિચારવા લાગ્યો. અંતર આત્માનો અવાજ આપણે સાંભળી શકીયે છીએ જેના દ્વારા જીવનનો કોઈ પાઠ સમજવાનો પ્રયત્ન થતો હોય છે પરંતુ અંતર આત્માએ આપેલા દરેક સંકેતને આપણે સમજી શકતા નથી. અક્ષય સાથે પણ કંઈક આવું જ બન્યું.

અક્ષય આગળ વધ્યો અને ફરી અવાજ સંભળાયો, "અંતે તો રાખ જ બની વહી જવાનું છે." પણ આ કેવો અગ્નિદાહ અને શું રાખમાં બનવાનું એ અક્ષયને સમજાતું ના હતું. સ્મશાનમાં કુટુંબના સભ્યની અંતિમક્રિયા પૂર્ણ કરી અક્ષય સ્મશાનની બહાર નીકળ્યો ત્યાં તેનું ધ્યાન એક ભાઈ પર પડ્યું. સફેદ કપડાંમાં ચહેરો પણ ઓળખી ના શકાય એવો અને લગર - વગર કપડાંમાં ઉભડક બેઠેલા જર્જરિત દેહવાળા ભાઈએ અક્ષય સામે હળવું સ્મિત કરી કહ્યું, "દુનિયાનો ક્રમ છે તારું પણ આ જ થવાનું છે, જે હશે એ છૂટી જવાનું છે, અંતે તો રાખ બની વહી જવાનું છે." પરસેવાથી રેબઝેબ અક્ષય ઝડપથી ઘેર પોહોંચ્યો. આજની આ પરિસ્થિતિ અક્ષયની સમજનથી પરે હતી. સ્નાન કરી અક્ષય પોતાની પત્ની સ્મિતા અને બાળકો સાથે ટેબલ પર જમવા બેઠો. પણ પેલો અવાજ તેના કાનમાં સતત ગુંજી રહ્યો હતો. જમવાનું જેમ એમ પૂરું કરી અક્ષય શયનખંડમાં સૂવા ગયો. શું આજે તેને ઊંઘ આવવાની હતી ? અક્ષય પલંગ પર લાંબો થયો. બીજા દિવસે તેનો જન્મ દિવસ હતો. ૧૩ મી તારીખ અને તિથિ હતી અક્ષય તૃતિયા ને કદાચ એટલે જ તેનું નામ અક્ષય રખાયું હશે. આજની રાત અક્ષય માટે નવી સવાર અને પ્રકાશના નવા કિરણથી પ્રકશિત નવી જિંદગીની ભેટ આપવાની હતી.

સ્વભાવે અક્ષય નાસ્તિક, અક્કડ, અભિમાની, અહંકારી, દંભી, કેલાયના સપનાંઓની ચિતા સળગાવી હૈયે ટાઢક રાખી બેસે તેવો હતો. કેટ-કેટલો સમજાવ્યો છતાં અક્ષયમાં કોઈ પરિવર્તન આવ્યું નહિ. પોતે સર્વોપરી અને બીજાને હંમેશા તુચ્છ ગણતો. અક્ષયે આંખો મીંચીને તરત જ ગાઢ નિંદ્રામાં સરી પડ્યો અને સ્વપ્ન આવ્યું. સ્વપ્ન શું તો પેલા ભાઈ અને બે વાક્યો. વાક્યો પુરા થયા કે અક્ષયને પોતાનામાં રહેલું ઘમંડ, દુરાચારી વર્તન, લોકોને પહોચાડેલા દુઃખ, લાગણીનો તિરસ્કાર આ બધું જ એક ફિલ્મની જેમ તેની નજર સમક્ષ ફરવા લાગ્યું. ભૂતકાળ તો ઠીક પણ જો અંતર આત્મા ભવિષ્ય બતાવી દે તો ? અક્ષયને માટે એ જરૂરી હતું. અંતમાં એક સ્મશાનમાં અગ્નિદાહ અપાયેલી ચિતા જ દેખાઈ જેની આજુબાજુ કોઈ જ હતું નહિ. અક્ષયની આંખ ખુલી ગઈ અને સફાળો ઉભો થઇ ગયો. ઘડિયાળમાં જોયું તો બ્રાહ્મમૂહર્ત સવારના ૪:૩૦. સવારે નાહી ધોઈને અક્ષય જાણે કર્મોનો હિસાબ સમજી ગયો હોય એમ મંદિર પાસે હાથમાં ચોખા અને કપૂર સળગાવી ઉભો હતો અને મંત્ર બોલી રહ્યો હતો. જે વ્યક્તિ દીવો પણ ના કરે આ આજે મંદિર સામે ઉભી મંત્રોચ્ચાર કરે છે જે તેની પત્ની માટે જુગુપ્સા જગાડે તેવું હતું. એટલી વારમાં અક્ષયે હાથમાં રહેલા કપૂર અને ચોખાની રાખ થતા શરીરે લગાવી જાણે પોતે પોતાને અગ્નિદાહ આપતો હોય. આજનો આ જન્મદિવસ અક્ષય માટે નવો જન્મ લઇને આવ્યો. તેને પોતાની સાચી ઓળખ થઇ. અક્ષયે પાણીની ચમચી ભરી સંકલ્પ કર્યો કે તેણે કરેલા ખરાબ વર્તન અને કેટલાયના સ્વપ્નની ચિતાને આપેલા અગ્નિદાહને ઠારી શાંત કરી ફરીથી નવું જીવન જીવવું છે કારણ કે, "જે કંઈ છે તે છૂટી જવાનું છે, અંતે તો રાખ બની વહી જવાનું છે."