'પાયલ, તું ક્યાં સુધી રમીશ'?મા એ કંટાળી છેલ્લી વાર બુમ પાડી.
'એ આવીએ.... મા હમણાં ,બસ છેલ્લો જ દાવ છે',...નિશાંતે જવાબ આપ્યો.
હમેંશની જેમ સવાલ પૂછાય નિશાંતને તો જવાબ પાયલ આપે અને પાયલને પૂછાય તો નિશાંત .હા! આજે એ જ પાયલના લગ્ન છે.ગામ આખું કુતુહલવશ એમાં સામેલ છે .કેમકે ગામની એકેય ગલી એવી બાકી નહિ કે જ્યાં આ બે ટાબરિયાં રમ્યા, ભમ્યા- રખડયા ન હોય .એવો એકેય ઓટલો નહિ કે જેના પર એ નાના પગલા પડ્યા ન હોય.
દસ વરસની એ બાળકી ગામ આખાની લાડકીને સૌથી વધુ લાડકી પેલા અલ્લડ અગિયાર વર્ષના નિશાંતની .હા!બંને પાડોશી એટલે પાક્કા મિત્રો ,એકબીજા વગર બિલકુલ ચાલે જ નહિ.પાયલ નિશાંતના ઘરમાં મળે કે નિશાંત પાયલના ઘરમાં મળે .ઉઠે ત્યારથી બંને સાથે તે સુવે ત્યાં સુધી ,લડે-ઝગડે ને પાછા ભેળાં થાય .
અરે !પેલ્લી વાર સ્કૂલે જવાનું થયું ત્યારે નાનકડી સમજણી પાયલ રડતા નિશાંતને ખેંચી ખેંચીને સ્કુલે લઇ ગઈ’ તી .
પણ બાળપણ ક્યાં સુધી રહે ,..નહિ? ખેતરે ઘૂમતાં ,વાડીએ ફરતાં, હિચકે ઝુલતા અને મસ્ત બની ઘૂમતાં એ બાળકોનું યૌવન ફૂટયું ,યુવાનીના ઉંબરે પોંહ્ચેલા બનેની વય વધી તેની સાથે દોસ્તી પણ વધી.
હવે પાયલના લગ્નના માંગા પણ આવવા લાગ્યા. ગામ આખાને લાગતું હતું કે આ બે પ્રેમીપંખીડા ઉડી જશે પણ એમની દોસ્તી તો અનલ જેવી શુદ્ધ હતી .એ આ દુનિયાની આંખોને ક્યાં દેખાય?પાયલના માતા –પિતા પણ ભીતરથી ડર્યા હતા .દીકરી પર તો વિશ્વાસ પણ લોક મોં એ કેમ તાળું મરાય ? તેઓ પાયલને નિશાંત સાથે બહાર જવા કે ઉઠવા બેસવા ના પાડે .પણ માને એ પાયલ ?કદી નહિ .
બંને સાથે કોલેજ જાય ,આવે ,સાથે જમે ,કામ કરે, ભટકવા નીકળી પડે.
અનેક માંગાની અંતે એક સોહામણા ,સારા કુટુંબના અને વિવેકી છોકરા સાથે પાયલની સગાઇ થઇ , પસંદ પણ નિશાંતે જ કર્યો ને પાયલ તૈયાર .એને મન તો નિશલો કહે તે પૂર્વ દિશા .લોકોને લાગ્યું આ બધા નાટક ,બેય ના લગન થાય ત્યારે સાચી વાત .પણ સગાઇથી લગ્ન સુધી નિશાંતની દોડધામ .....ભારે...અને કેમ નહિ !એની લાડકી પાયલીના લગન હતા,બધી જ તૈયારીઓમાં તાબડતોડ તૈયારીમાં નિશાંત ગુંથાય ગયો .
બંને સાથે જ ખરીદી કરવા નીકળે ....ને લોક આંખો પહોળી થઈ એમને જોતી રહે ,આખરે લગ્નનો દિવસ આવ્યો ....ત્યાં સુધી બધાને લાગ્યું....આ બંને આજે ભાગશે ,કાલે ભાગશે ,પણ જોત જોતામાં જાન માંડવે ઉભી રહી ગઈ ,મંત્રો ઉચ્ચારાયા ,લગ્નગીતો ગવાયાને આવી વિદાય વેળા ...પાયલ ખુબ રડી .
રડીને અડધી થઇ ગયેલી પાયલ જયારે નિશાંત પાસે પોંહચી ત્યારે ગામ આખું હિબકે ચડ્યું ને નિશાંત આંસુઓને હદયમાં દબાવી જોરથી પાયલને ખિજાયો ,'એ પાયલી હવે રડી ને..... તો તને મારા સમ છે ,બે ઝાપટ લગાવીશ ,ચુપ મર ડોબી' ....ને બધા હસી પડ્યા .પાયલ રડતી -રડતી હસી પડી.જાનૈયા ખડખડાટ હસ્યા.બંને બાઝી પડ્યા .
નિશાંતે ગાડીનો દરવાજો ખોલી પાયલને હાથ પકડીને ગાડીમાં બેસાડી.ધીમે રહીને પોતાની વ્હાલી પાયલના ઘરવાળાને કહ્યું....”સંભાળજો એને” ....એટલું બોલતા તો આંખો ભરાઈને ગળે ડૂમો આવ્યો.પણ પોતાને સંભાળી લઇ ફરી જાનૈયા વળાવવામાં લાગી ગયો.પાયલને વિદાય થતી જોઈ.
એની ગાડી ઘરરરર..... કરતી નીકળી ગઈ .
'આવજો.... આવજો' ના સ્વર સંભળાયા ને ચોધાર આંસુએ રડતો પેલો અલ્લડ નિશાંત સીધો પાદરના કૃષ્ણ મંદિરમાં જઈ ઘૂંટણીએ બેસી પડ્યો ને રડતો રડતો બોલ્યો ,'જો કાના ,હવે મારી પાયલી તારી જવાબદારી ,એને ખુશ રાખજે,સુખી કરજે........તને અમારી દોસ્તીના સમ'.
પટેલ પદમાક્ષી