White dav 1 in Gujarati Horror Stories by Niyati Kapadia books and stories PDF | વ્હાઈટ ડવ ૧

Featured Books
  • सर्द हवाएं

    लेख-सर्द हवाएं*******""       यूं तो सर्दियों के मौसम में जब...

  • इश्क दा मारा - 45

    यूवी गीतिका का हाथ पकड़ कर ले जा रहा होता है तभी गीतिका बोलत...

  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

Categories
Share

વ્હાઈટ ડવ ૧


પ્રકરણ ૧
કાવ્યા હજી ઉઠી જ હતી. ચા પીતા પીતા એને છાપુ વાંચવાની ટેવ હતી. ચાતો ટેબલ ઉપર તૈયાર પડી હતી પણ છાપુ હજી આવ્યું ન હતું. કાવ્યાએ એના ઘરની બહાર આવેલા નાનકડાં બગીચામાં એક લટાર મારી. ઘણી વખત છાપુ અહી પડેલું મળી જતું. આજે છાપુ તો ના મળ્યું, પણ એને ઘરમાં પાછા દાખલ થતાં દરવાજા પાછળ એક કવર પડેલું દેખાયું. એ કદાચ કાલે આવ્યું હશે અને કોઈનું એની પર ધ્યાન નહિ ગયું હોય.
કાવ્યાએ કવર ઉઠાવી લીધું અને ટેબલ પાસે આવીને બેઠી. ચા ઠંડી થઇ ગઇ હતી. એણે એક સાથે બધી ચા ગળા નીચે ઉતારી દીધી. હોઠના ખૂણા એના નાઈટડ્રેસની બાય વડે લૂછતાં એણે ફરીથી પેલું કવર ઉઠાવ્યું. એની પરનું નામ વાંચતા જ એના હાથ એક પળ માટે ધ્રુજી ગયા... એણે ધીરા અવાજ સાથે એ કવર પર લખેલું નામ વાંચ્યું, “વ્હાઈટ ડવ!”

“શું કહ્યું..? શું બોલી તું?” કાવ્યાની મમ્મી રસોડામાંથી સીધી બહાર ડાયનિંગ રૂમમાં ધસી આવતા બોલી. એની આંખોમાં ભય સાફ સાફ દેખાતો હતો. એણે કાવ્યાના હાથમાંથી એ કવર જાપટ મારીને લઈ લીધું. એની ઉપરના નામ તરફ નજર નાખી તરતજ એ કવર એક બાજુથી કંઇક બેરહેમીથી ફાડી નાખ્યું અને એમાંના કાગળિયાં બહાર કાઢ્યા.
એ કવરમાં એક કાગળ હતો જે એ લોકોને કહી રહ્યો હતો કે, વ્હાઈટ ડવ મેન્ટલ હોસ્પિટલ હવે એના માલિક એટલેકે કાવ્યા રોયની રાહ જુએ છે. કાવ્યાના પિતાજી ડૉ. આઈ.એમ.રોય એ હોસ્પિટલ કાવ્યાને નામે કરી ગયા હતા. જે કાવ્યા એકવીસ વરસની થાય ત્યાં સુધી ટ્રસ્ટને હવાલે હતી. હવે, એના એકવીસ વરસ પૂરાં થતાં એ આ હોસ્પિટલની એકમાત્ર વારસ હતી.
“કાવ્યા આપણે ત્યાં નથી જવું! એ હોસ્પિટલે જ આપણી જીંદગી બરબાદ કરી હતી આજથી વરસો પહેલા, હવે ફરીથી ઇતિહાસનું પુનરાવર્તન નથી કરવું.” માધવીબેનની આંખો ભરાઈ આવી.
“આ તું શું કહે છે મમ્મી? મારી તો કંઈ સમજમાં નથી આવતું! ભલા એક હોસ્પિટલ આપણને કેવી રીતે બરબાદ કરી શકે?” કાવ્યાને એની મમ્મીનું વર્તન સમજાયું નહિ.
“હું બરોબર કહું છું. જ્યારથી તારા ડેડી એ હોસ્પિટલ સાથે જોડાયા, એ બદલાઈ ગયા હતા!. એમનો સ્વભાવ સાવ બદલાઈ ગયેલો જાણે એ, એ વ્યક્તિ જ નહતા રહ્યા જેની સાથે મે લગ્ન કરેલા.” માધવીબેનની આંખોમાં અત્યારે પણ ભય સાફ સાફ દેખાતો હતો. જાણે એ હાલ એ હોસ્પિટલમાં પહોંચી ગયા હોય.
“મમ્મી મેં તને હજાર વાર પૂછ્યું છે મારા ડેડી વિશે, મારી બેન વિશે પણ તું હંમેશા ચૂપ જ રહી છે. અત્યારે આપણી જે હાલત છે એ જોતા આ ઓફર તો લોટરી લાગ્યા સમાન છે. આ ઘર સિવાયની આપણી પાસેની દરેક ચીજ વેચાઈ ચૂકી છે મમ્મી. મારી કોલેજ પૂરી થઈ ગઈ પણ ક્યાંય હજી નોકરીનું ઠેકાણું પડતું નથી. જો મારા પપ્પા મારા માટે એક આખી હોસ્પિટલ છોડી ગયા હોય તો એને હું કેમ ન સ્વીકારૂ?” રૂપિયાના અભાવમાં અત્યાર સુધી જીવેલી કાવ્યા આ ઓફર જોઈને ખુશ થઈ ગયેલી કે ચલો હવે ગરીબીથી પિંછો છૂટ્યો પણ, મમ્મીને કંઇક જુદોજ રાગ આલાપતી જોઈ એનાથી આવેશમાં બોલી જવાયું. એણે હતું કે મમ્મી પણ સામે જોરદાર દલીલો કરશે, પરંતુ એને આશ્ચર્ય થયું એની મમ્મી હજી ચૂપચાપ જ ઊભી હતી. એ કદાચ હજી એનો ભૂતકાળ યાદ કરી હતી.
“મમ્મી...! તું મને ખુલીને કંઈ વાત કરે તો મને ખબર પડેને? તું કોઈ વાજબી કારણ આપ તો હું તારી વાત માની જાઉં.” મમ્મીને ઉદાસ જોઈને કાવ્યા થોડી ઢીલી પડી.
“વ્હાઈટ ડવ એ હોસ્પિટલ નહીં મોતનો દરવાજો છે!” માધવીબેનની આંખો ભરાઈ આવી હતી એ તરફ જરાય ધ્યાન આપ્યા વિના એ બોલી રહી, “હું અને તારા ડેડી કેટલા ખુશ હતા એકબીજા સાથે મુંબઈમાં. તમે બંને જુડવા બહેનો જન્મી પછીતો અમે બંને હવામાં ઉડતા હતા. કેટલા પ્યારથી એમણે તમારા બંનેનું નામ રાખેલું દિવ્યા અને કાવ્યા! દિવ્યા તારા કરતાં બે મિનિટ વહેલા જન્મી હતી એટલે એ મોટી અને તું નાની! જ્યારે તમે બંને બહેનો ચાર વરસની થઇ ત્યારે તારા દાદાએ અમને ગામ બોલાવેલા. વલસાડ જિલ્લાના એ નાનકડા ગામમાં આપણી હવેલી છે. તારા દાદા પાસે ત્યાંની ઘણી જમીનોની માલિકી હતી. એમણે વલસાડની નજીકમાં સસ્તા ભાવે મોટી જમીનનો સોદો પાર પાડેલો. લોકો કહેતા કે સાવ મફતના ભાવે એમને એ જમીન મળેલી. એ જગાએ એમણે તારા ડેડી માટે હોસ્પિટલ ઊભી કરાવી હતી. તારા ડેડીએ માનવીના મગજ પર ભારે સંશોધન કરેલું. મનોરોગ ચિકિત્સા પદ્ધતિમાં દર્દીને ફક્ત દવા અને સમજાવટથી સાજા કરવામાં આવે છે એમાં એમણે નાનકડું ઓપરેશન કરીને દર્દીના મગજ પર સીધું કામ કરીને ઘણા ગાંડા માણસોને ઠીક કરી શકાય એવું સાબિત કરેલું. અલબત્ત બધા ડૉક્ટર એમની વાત સાથે સહમત ન હતા. એમાં દર્દીના જીવનું જોખમ પણ રહેતું. એ વાતે જ મુંબઈમાં એમના સિનિયર ડૉક્ટર સાથે એમને થોડી ચડભડ થઈ ગયેલી. તારા દાદાની ઑફર વિશે જાણી એમને આનંદ થયેલો. એમણે વિચારેલું કે ત્યાં એ એમનું કામ નિરાંતે કરી શકશે અને એક દિવસ દુનિયાને દેખાડી દેશે કે એ સાચા છે....મગજની આંટીઘૂંટી ઉકેલી એ દુનિયાના મહાન વૈજ્ઞાનિક બની જશે!”
માધવીબેને આંખમાંથી સરી ગયેલ આંસુ લૂછી કહ્યું, “અમે લોકો પછી વલસાડ રહેવા જતા રહેલા. તારા દાદા એમના પરિવારને શહેર છોડી ગામડે આવેલા જોઈને ખૂબ ખુશ હતા. એમને પોતાની બુદ્ધિ પર ગર્વ થતો હતો. પણ એમને ક્યાં ખબર હતી કે આ ખુશી થોડા દિવસોની મહેમાન હતી. બહું જલદી એ રિસાઈ જવાની હતી. હંમેશા માટે...!”
“એવું તો શું થયું ત્યાં?” કાવ્યા વચમાં બોલી.
“એ હોસ્પિટલની પહેલી મુલાકાત મને આજેય યાદ છે. એના ઉદઘાટન પર ગુજરાતના આરોગ્યમંત્રીને ખાસ આમંત્રણ આપીને બોલાવેલા. આખા ગુજરાતમાં માનસિક રોગીઓ માટેની આ સૌથી મોટામાં મોટી અને સુવિધાઓથી ભરપૂર હોસ્પિટલ હતી. તારા ડેડીએ જે જે કહ્યું એ બધું તારા દાદાએ એ હોસ્પિટલમાં વસાવી આપેલું. આમેય એ એમનું એકનું એક સંતાન હતા. એ દિવસે મંત્રીજીએ રીબીન કાપી અને પછી સૈાથી પહેલા માતાજી આગળ દીપક પ્રગટાવેલો. કોઈ અગમ્ય કારણસર એ તરતજ હોલવાઈ ગયેલો. મહારાજે તરતજ ફરીથી દીપ જલાવ્યો તો પાછો હોલવાઈ ગયો. આ એક અપશુકન હતા. પણ, તારા ડેડીને એ બધામાં વિશ્વાસ ન હતો. પવન વધારે છે એટલે અહીં દીપક નહીં ટકે એમ કહી તેઓ આગળ વધી ગયેલા. ખરેખર તો એ માતાજીનો એક સંકેત હતો. ત્યાંથી જ પાછા વળી જવાનો..!”
“હોસ્પિટલ ચાલું થઈ ગઈ. થોડા દિવસ બધું હેમખેમ ચાલ્યું. પછી ધીરે ધીરે તારા ડેડી હોસ્પિટલમાં અને હોસ્પિટલમાં જ આખો દિવસ રહેવા લાગયાં. મેં ફરિયાદ કરી તો એકદમ ગુસ્સે થઈ ગયા. મને કહે, હું ત્યાં કામ કરવા જાઉ છું! પાર્ટી કરવા નથી જતો. ગુસ્સો ઠંડો પડ્યા પછી એમણે મારી માફી માંગેલી. એમણે કહેલું કે ખબર નહીં કેમ પણ,જ્યારે એ હોસ્પિટલમાં હોય ત્યારે એમના મગજ ઉપર એમનો જ કાબૂ નથી હોતો! જાણે કોઈના દોરવાયા એ બધું કરી રહ્યા હોય! પછી તો એમનું રાત્રે ઘરે આવવાનું પણ બંધ થઈ ગયું. હું કંઈ પણ કહું તો એ ગુસ્સો કરતા. મને વાતે વાતે ઉતારી પાડતા. પછીથી એ વ્હાઈટ ડવ હોસ્પિટલમાં એક ગાંડી સ્ત્રીએ આત્મહત્યા કરેલી. પોલિસ આવેલી અને તપાસ ચાલેલી. કંઈ સાબિત ન થયું. એ ગાંડી હતી અને એણે ગાંડપણ કર્યું. હું એકવાર રાત્રે મોડે સુધી તારા ડેડી ઘરે ના આવતા તમને બંને બહેનોને સુવડાવી હોસ્પિટલ ગઈ હતી. ત્યાં અંધારી લોબીમાં મને એક ઓળો દેખાયેલો. સફેદ સાડી પહેરેલી કોઇ સ્ત્રી જમીનથી બે ફૂટ અધ્ધર ઊડી રહી હતી..! હું સખત ડરી ગયેલી. એ સ્ત્રી મારી પાસે આવેલી અને મારી સામે ઊભી રહેલી. એ સ્ત્રી એજ હતી જેણે આત્મહત્યા કરેલી...! હું એને મળી હતી, એકવાર. છાપામાં એનો ફોટો પણ જોયેલો. હું ચક્કર ખાઈને પડી ગયેલી. જ્યારે હોશ આવ્યો ત્યારે તારા ડેડી મારી બાજુમાં હતા. મેં એમને બધી વાત કરી તો એ હસી પડ્યા અને મારી વાત મજાકમાં ઉડાવી દીધી. એજ વખતે તારા દાદાનું અવસાન થયેલુ. ઘરમાં હવે હું અને તમે બે બહેનો જ રહેતા. તારા ડેડીને મે ઘણું સમજાવ્યા કે થોડો સમય પરિવારનેય આપો પણ એ ગુસ્સો જ કરતા રહ્યા. પછી બીજી એક યુવતીએ આત્મહત્યા કરી. તપાસમાં કંઈ ન મળ્યું. હોસ્પિટલની એક નર્સે આવીને મને કહ્યું કે, સાહેબ કંઇક ખોટું કરી રહ્યા છે. બે છોકરીઓએ આત્મહત્યા નહતી કરી....એમના મોત પાછળ સાહેબનો હાથ છે. એ નર્સ આપણા ગામની જ દીકરી હતી અને તારા દાદાએ એને ભણવા અને નોકરી અપાવવામાં મદદ કરેલી એટલે એણે આ વાત પોલીસને બદલે મને આવીને કરેલી.”
“એની વાત સાંભળી મને સખત આઘાત લાગેલો. એ સાંજે મેં તારા ડેડીને ઘરે બોલાવેલા એમણે આવતાવેંત મારી સાથે ઝગડો ચાલું કરેલો. મેં પણ મગજ પરનો કાબુ ગુમાવી સામે ગુસ્સો કરેલો. છેલ્લે નર્સે કરેલી વાત એમને કરતા એમણે મને એક તમાચો માર્યો અને કહ્યું કે જો મને એમના ઉપર ભરોસો ના હોય તો હું ઘર છોડીને જઇ શકું છું.”
“એ રાત મેં રડીને પસાર કરેલી. બીજે દિવસે છાપામાં સમાચાર હતા, વ્હાઈટ ડવની એક નર્સનું એક્સિડન્ટ! કોઈ મોટું વાહન એને રોડ ઉપર કચડીને જતું રહેલું. મને વિશ્વાસ થઈ ગયો કે આ તારા ડેડીએજ કર્યું કે કરાવ્યું. હું પાછી હોસ્પિટલ ગઈ. ત્યારે બપોર હતી. ત્યારે જ પણ મને લિફ્ટમાં મારા સિવાય કોઈ બીજુ પણ હોય એવો ભાસ થયો. એ દિવસે એ મને ત્યાં આવેલી જોતા બરોબરના ગુસ્સે થયા હતા. મને એમણે હંમેશા માટે એમની જિંદગીમાંથી ચાલ્યા જવાનું કહી દીધું. હું ખૂબ રોઈ, માફી માંગી પણ એ એકના બે ના થયા. ઘરે આવી મેં મારો સામાન પેક કર્યો અને તમને બંને બહેનોને લઇને હું નીકળવા જતી હતી કે ડૉક્ટર પાછા ઘરે આવેલા. મને એમ કે એમને પસ્તાવો થયો હશે. એ મને રોકશે. પણ, ના. એમણે મારી પાસેથી તારી મોટી બેન દિવ્યાને લઈ લીધી. એમણે કહ્યું કે બંને દીકરીઓ હું એકલી નહીં લઇ જઇ શકું. દિવ્યા અને કાવ્યા એમનીય દીકરી છે એટલે એમાની એક એમની સાથે રહેશે. મને એ વખતે એટલો આઘાત લાગેલો કે હું કંઈ નક્કી કરી શકવાની હાલતમાં જ ન હતી. હું તને મારી સાથે લઈને નીકળી ગઈ અને મુંબઇના ઘરે આવી ગઈ. મને હતું કે એમનો ગુસ્સો ઠંડો થશે એટલે એ મને પાછી બોલાવી લેશે પણ, એ દિવસ કદી ના આવ્યો. એ ઘટનાને પાંચ વરસ થવા આવ્યા હશે અને મને ખબર મળેલી કે દિવ્યા આ દુનિયામાં નથી. કોઈ બિમારીથી એનું મોત થયેલું. મને તારા ડેડી પર નફરત થઈ આવી. મેં મનોમન નક્કી કર્યું કે તને હું મારી મહેનતથી ઉછેરીશ એમની પાસે કદી હાથ નહિ ફેલાવું. તારા મામાની મદદથી મને અહીં મુંબઈમાં નોકરી મળી ગયેલી. ગરીબીમાં સહી પણ મેં મારી દીકરીને સ્વાભિમાનથી ઉછેરી છે. હવે તને તારી વારસાઈ મિલકત જોઈતી હોય તો તું ત્યાં જઈ શકેછે પણ મારાથી હવે એ ઘરે પગ નહીં મુકાય!”
“હું તારી પીડા સમજુ છું મમ્મી. આ બધું જાણ્યા પછી મારી ત્યાં જવાની ઇરછા ઔર વધી ગઈ છે, રૂપિયા માટે નહીં પરંતુ એ હોસ્પિટલમાં ચાલી શું રહ્યું છે એ જાણવા માટે! મારી બહેનની સાથે શું થયું કોણ એની જીંદગીનું દુશ્મન બન્યું એ જાણ્યા વગર મને ચેન નહીં પડે...”
“એક દીકરીને તો ગુમાવી ચૂકી છું હવે તને ત્યાં મોકલતા જીવ નથી ચાલતો.”
“તો તું પણ ચાલ મારી સાથે. વ્હાઈટ ડવમાં મેં મારી બેન, મારા ડેડી ખોયા છે એનું રહસ્ય જાણ્યા વગર મને ચેન નથી પડવાનું...” કાવ્યા
આટલું કહીને અંદર જતી રહી. વ્હાઈટ ડવ મેન્ટલ હોસ્પિટલનું પાટિયું એને ઘણીવાર સપનામાં દેખાતું એટલે જ કવર પર આ નામ જોતા એ ચોંકી હતી....