નો-રીટર્ન-૨
ભાગ-૪૬
સમગ્ર કમરો સ્તબ્ધતામાં સરી પડયો. કાર્લોસે તેનો માસ્ટર સ્ટ્રોક ખોલ્યો હતો, અને અમારા બધાનાં રીએકશનો જોઇને તેના ચહેરા પર કૂટીલ હાસ્ય પથરાયું હતું. અમારી સાથે સફરમાં તે એક એવા દાનવને જોડી રહયો હતો જેની હાજરી માત્રથી અમારા મોતીયા મરી ગયા હતાં.
પુરા સાત હાથ ઉંચો એ મહા માનવ કોઇ પુરાતનકાળનાં દૈત્ય સમાન ભાસતો હતો. જાણે તે કોઇ પુરાણોની કથામાંથી જીવંત થઇને અમારી સમક્ષ પ્રગટ થયો ન હોય..! તેની હાજરીથી આખો કમરો ભરાઇ ગયો હતો અને કમરામાં ફક્ત તે એકલો જ ઉભો હોય એવું લાગતું હતું. હું તો તેને જોઇને જ ઠંડો પડી ગયો હતો. અનેરીની પણ એવી જ હાલત હતી. તેની હરણી જેવી ભોળી આંખોમાં ડરનું લખલખું તરવરતું હતું. અમે અમારી સમગ્ર જીંદગીમાં આટલો ઉંચો અને ખતરનાક ચહેરો ધરાવતો પહાડ જેવો આદમી કયારેય જોયો નહોતો.
તે એકદમ અમારી સામે આવીને જ ઉભો રહયો હતો. તેણે સફાઇબંધ ગ્રે કલરનો સૂટ પહેર્યો હતો. એ સુટમાંથી તેનાં વિશાળ સ્નાયુબધ્ધ ગઠ્ઠા જેવા શરીરનાં અંગો બહાર ઝાંકતા હતા. તેનાં પગમાં જે સુઝ હતાં એ મને લાગતું હતું કે પંદર નંબરનાં હોવા જોઇએ, અને તેનાં માટે એ સ્પેશ્યલ બનાવાયા હોવા જોઇએ. તેનાં ચહેરાનો આકાર ચોરસ હતો. જાણે ગામની અવાવરૂ સીમમાં ઉગતા હાથલાં થોરનું વિશાળ ડાળખું જ જોઇ લો..! એ ચહેરા ઉપર કોઇ ભાવ નહોતાં. ચહેરાનાં પ્રમાણમાં તેની આંખો ઘણી નાની હતી. પરંતુ એ આંખો ડરામણી લાગતી હતી. તે અમારી તરફ જ જોઇ રહયો હતો.
“ આ છે કેસ્ટ્રો ફર્નાન્દો. મારો ખાસ અંગરક્ષક. સફરમાં તે આપણી સાથે આવશે...” કાર્લોસે એકદમ ઠંડકથી તેની ઓળખાણ આપી. “ આમ તો તે સાવ નિરુપદ્રવી છે એટલે તેનાથી ડરવાની કોઇ જરૂર નથી. પરંતુ... જો ભૂલેચૂકેય કોઇ તેને ગુસ્સે કરે તો પછી કયામત સર્જાય છે. કેસ્ટ્રોનાં હાથમાં એટલી તાકત છે કે તે કોઇનું પણ માથું ફક્ત પોતાનાં બંન્ને હાથની તાકાતથી તેની ગરદન ઉપરથી ઉખેડી શકે છે. ”
એ વાક્ય ભયાનક હતું. મને ખાતરી હતી કે કાર્લોસ ટાઢા પહોરનાં ગપ્પા નથી મારતો. કેસ્ટ્રોનાં ગોઠણ સુધી પહોંચતાં લાંબા હાથ મેં ધારીને નિરખ્યાં. કોઇ મજબુત ઝાડનાં થડીયા જ જોઇ લો...! તેની હથેળીઓ વિશાળ પાવડાનાં ફણાં જેવી હતી. તેનાં બંને હાથની હથેળીઓ વચ્ચે આવવાનાં ખ્યાલથી જ કોઇને પણ કંપારી છૂટી જાય. મને અત્યારથી જ અમારા આવનારા ભવિષ્યનો અંદાજ આવી ગયો હતો. અમે મરવાનાં હતાં એ હવે ફાઇનલ થઇ ગયું હતું. જો જંગલ અમને નહીં મારે તો ચોક્કસ આ કેસ્ટ્રો અમને મસળી નાંખશે એ સત્ય અત્યારથી જ સમજાય એવું હતું. હું એવી કલ્પના પણ કરવા માંગતો નહોતો જેમાં મારે કેસ્ટ્રોનો સામનો કરવો પડે. તેનાં કરતાં તો આત્મહત્યા કરવી વધારે સારું ઓપ્શન હતું.
@@@@@@@@@@
ખેર....
આખરે એ સાંજે લગભગ બધી જ સ્ટ્રેટેજી વિચારી લેવામાં આવી હતી. સૌથી પહેલાં અમારે પિસ્કોટા ગામ પહોંચવાનું હતું. પાદરી જોનાથન વેલ્સ તો કદાચ હવે ગુજરી ચૂકયો હશે પરંતુ ત્યાંથી અમને આગળનો માર્ગ નક્કી કરવામાં સરળતા પડશે એ બાબતે અમારા મનમાં કોઇ દુવિધા નહોતી. અને વળી અમારી પાસે પાંચ નંબરનાં પડાવ સુધી પહોંચવાનો નક્શો પણ હતો. જે મુશ્કેલીઓ ઉદ્દભવવાની હતી એ પાંચમાં પડાવ પછી જ ઉદ્દભવવાની હતી. એટલે સૌથી સરળ બાબત એ જ લાગતી હતી.
કાર્લોસ સાથે બધું જ ફાઇનલ કરીને અમે છૂટા પડયાં. અમારા ત્રણેય માટે અલગ અલગ કમરાની વ્યવસ્થા કરાઇ હતી. એ ખરેખર મને ગમ્યું. રાત્રે ડીનર અમારે અમારી મનસૂફી પ્રમાણે લેવાનું હતું. કમરામાં પણ મંગાવી શકાય તેમ હતું છતાં અમે હોટલનાં બેન્કવેટ હોલમાં જમવાનું ઠેરવ્યું હતું જેથી થોડા રીલેક્ષ થઇ શકાય. એક પછી એક એવી ઘટનાઓ ઘટી હતી કે જેમાં અમારા મગજ ગૂંચવાઇ ઉઠયા હતાં એટલે હવે એ તમામ વાતોને એકબાજુ મુકીને થોડું ફ્રેશ થવું પણ જરૂરી લાગતું હતું.
હું મારા કમરામાં આવ્યો ત્યારે સખત ધુંધવાયેલો હતો. દરવાજો અંદરથી બંધ કરીને સીધો જ બાથરૂમમાં ઘુસી ગયો અને કપડાં ઉતારી શાવર નીચે ઉભા રહી ગરમ પાણીનો નળ ચાલુ કર્યો. છત ઉપર લગાવેલા ઇમ્પોર્ટેડ શાવરમાંથી ગરમ પાણીનો ધોધ મારા શરીર ઉપર પડયો. સઘળી વિમાસણ પાણી સાથે વહેતી ગઇ અને શરીરમાં એક હાશકારો વ્યાપ્યો. પરંતુ.. કેસ્ટ્રોનો ભાવહીન ચહેરો કેમેય કરીને આંખો સામેથી ખસતો નહોતો. કાર્લોસ કરતાં આ કેસ્ટ્રો મને હવે વધારે ખતરનાક જણાતો હતો.
@@@@@@@@@@@@
“ વોટ...? કાર્લોસ કાર લઇને નિકળે છે...? ” પ્રોફેસર જોનાથનનાં આશ્વર્યનો પાર નહોતો. તેણે પોતે પ્લેનમાં જવાનું ઠેરવ્યું હતું, અને તેને ખાતરી હતી કે કાર્લોસ પણ તેનાં પ્રાઇવેટ ચાર્ટડ પ્લેનમાં જ નિકળશે. પરંતુ જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે તે અસમંજસમાં પડયો હતો. કાર્લોસને રીઓથી છેક બોલીવીયાની ઉત્તર પશ્વિમમાં આવેલા “ સ્ટેટ ઓફ રેન્ડોનીયા” સુધીની સળંગ ફલાઇટ મળી શકે તેમ હતી. અરે... તે પોતાનાં પ્રાઇવેટ ચાર્ટર્ડ પ્લેનમાં પણ મુસાફરી કરી શકે તેમ હતો. તો પછી તેણે કાર દ્વારા આટલી લાંબી સફર ખેડવાનું શું કામ નક્કી કર્યું હશે....? એ પ્રોફેસરને સમજાયું નહીં.
“ ઓ. કે બોયઝ...!” તો આપણે પણ કારમાં જ જઇશું. અહીંથી “ સ્ટેટ દ રેન્ડોનીયા” સુધીની ફલાઇટ લઇશું અને પછી ત્યાંથી કાર હાયર કરીને કાર્લોસની પાછળ લાગીશું....” પ્રોફેસરે આખરી ફેંસલો સુણાવ્યો એટલે બધા એ મુજબની તૈયારીમાં લાગી પડયાં.
@@@@@@@@@@@
બ્રાઝિલ અને બોલીવીયાની સરહદે “ મનુરીપી નેશનલ અમેઝોન રિઝર્વ ” ફરેસ્ટ આવેલું છે. આ આખો વિસ્તાર એમેઝોન રીઝર્વ ફોરેસ્ટ તરીકે જ ઓળખાય છે. અને તેની આજુબાજુમાં વિસ્તરેલો ભૂ ભાગ દુનિયાની આઠમી અજાયબી સમાન ગણાતો ગાઢ અને રહસ્યમય વન વિસ્તાર છે. “ સ્ટેટ ઓફ રેન્ડોનીયા ” જે બ્રાઝિલમાં આવેલું એક રાજ્ય છે, ત્યાંથી જ આ ગહેરો જંગલ વિસ્તાર શરૂ થાય છે જે સમગ્ર બોલીવીયાને વીંધીને ઉત્તરી પશ્વિમ વિભાગને આવરી છેક પેરુ દેશની સરહદ સુધી ફેલાયેલો છે. આ આખો વનપ્રદેશ હજ્જારો એકરની ત્રિજીયામાં પ્રસરેલો છે. બ્રાઝિલમાં જ આવેલાં એમેઝોનનાં વર્ષાવનો કરતાં પણ ખતરનાક અને દુષ્કર આ જંગલો છે. ઘણાં વિસ્તારો તો એવા છે કે જ્યાં સદીઓથી કોઇ માનવનાં પગલાં પડયાં જ નથી. અતી દુર્ગમ અને ભયાનક આ જંગલોમાં શું હશે એ વીશે માનવ સભ્યતા તો અનુમાન લગાવવા પણ અસર્થ હતી. આવા દુષ્કર જંગલોની ખાક અમારે છાણવાની હતી. અને એ ખતરનાક જંગલ... અમારું સ્વાગત કરવા થનગની રહયું હતું. કોઇ ભૂખ્યા ડાંસ અજગરની જેમ..!!
@@@@@@@@@@@@
સવારે દસ વાગ્યે અમારો કાફલો રવાના થયો. લેન્ડ રોવરની કાળી ચમચમાતી એસ.યુ.વી. સ્પોર્ટસ કારમાં અમારે સફર કરવાની હતી. કુલ ત્રણ એસ.યુ.વી હોટલનાં પાર્કિંગ એરિયામાં અમારા સ્વાગતમાં ઉભી હતી. પહેલી કારમાં કાર્લોસ અને એના ગોઠવાયાં. બીજી કારમાં કાર્લોસનાં માણસો અને જોશ હતાં, જ્યારે ત્રીજી કારમાં હું, અનેરી, વિનીત અને કેસ્ટ્રો એમ ચાર વ્યક્તિ ગોઠવાયા.
કાર્લોસે કેસ્ટ્રોને અમારી સાથે બેસાડયો હતો એ મને સહેજે રુચ્યું નહી. એ માણસને જોઇને જ મને કંપારી વછૂટતી હતી. ભલા કોઇ એક આદીમાનવ જેવા મોંઢાવાળા માણસ સાથે કેવી રીતે કંફર્ટેબલ રહી શકે...! કાર્લોસે તેને અમારી સાથે ગોઠવીને એક માનસીક પ્રેશ ઉભું કર્યું હતું. અત્યારથી જ મને લાગવા માંડયું હતું કે અમારી આ સફર મુશ્કેલીઓમાં વીતવાની છે.
( ક્રમશઃ )
મિત્રો..
રેટિંગ ચોક્કસ આપશો. બની શકે તો કોમેન્ટ પણ કરજો. જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.
લેખકઃ- પ્રવિણ પીઠડીયા
આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..
નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..
પણ વાંચજો.
નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.
આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.
ફેસબુક- Praveen Pithadiya search karo.