Nafratno Prem in Gujarati Love Stories by Dharati Dave books and stories PDF | નફરતનો પ્રેમ

Featured Books
Categories
Share

નફરતનો પ્રેમ


             શહેર નો સૌથી પ્રખ્યાત અને નાના ભૂલકાં સાથે માણવાલાયક બગીચો એટલે “બાલવાડી”.આ બાલવાડી માં રોજ સાંજે જાણે મેળો ભરાય,ને રવિવારે તો જાણે  કુંભમેળો ચગડોળ,હીંચકા,લપસણીઅને બીજી કેટલીય રમતગમત ના સાધનો.આજે રવિવાર નહોતો એટલે ભીડ પ્રમાણમાં ઓછી હોવાથી સોનાલી અને સત્યમ એમની ૨ વર્ષની પરી ને લઈને અહી ફરવા આવ્યા હતા. સત્યમ અને સોનાલી એક બાંકડા પર બેઠા એ સામે હીંચકા પર ઝૂલતી હતી એ જોઈ ને ખુશ થતાં હતા. સાંજ ઢળવા લાગી અને રાત નવવધુ ની જેમ પગલાં માંડતી આવતી હતી.ઘરે જવાનો સમય થયો હોવાથી સોનાલી પરી ને લેવા ગઈ.  પણ જીદ્દી પરી ને હજીય રમવું હતું એટલે એ ભાગી ,એને પકડવા જતા સોનાલી એક પુરુષ સાથે ભટકાઈ ગઈ.અને એ પુરુષ નો ચેહરો જોઈને એના ચહેરા પર  ઘૃણા ના ભાવ ઉપસી આવ્યા અને એક થપ્પડ જડી દીધી.આ જોઈ એ પુરુષ ની પત્ની  જે એની સાથેજ હતી એ પણ ગુસ્સે થઇ ગઈ અને સોનાલી નો હાથ પકડી લીધોબોલી-“ એક તો સામેથી ભટકાય છે અને સોરી કેવાને બદલે એમ થપ્પડ મારે છે,જાણે મારા પતિ જાતે તને ભટકાવા આવ્યા હોય”. ને જેમ તમાસા ને તેડું ન હોય એમ અહી પણ લોકો ભેગા થવા શરુ થઇ ગયા.ટોળા માંથી કોઈક અવાજ આવ્યો કે આતો બેય જુની ઓળખાણ વાળા છે.આ સાંભળી પેલો પુરુષ  જેનું નામ નૈતિક હતું એ કઈ પણ બોલ્યા વગર પોતાની પત્ની નિતિક્ષા ને લઇને નીકળી ગયો.આ બાજુ સોનાલી પણ પરી અને પતિ સાથે  ઘરે આવી ગઈ. સત્યમ બધીજ વાત જાણતો હતો એટલે એણે એટલુજ કહ્યું હવે ભૂતકાળ ને ભૂતકાળ બનાવી દે.આપણે આપણી પરી સાથે નવી જિંદગી નવી દુનિયા માં છીએ એમજ વિચારી ને રહે.જુના ઘા ના પોપડા ઉખેડતી રહીશ તો એ ઘા ક્યારેય નહિ રૂઝાય.

          સોનાલીના ઘરે જેટલી શાંતિથી વાત પતી એનાથી બે ગણા પ્રમાણમાં  અશાંતિ નૈતિક અને નિતિક્ષાનાં ઘરે હતી. એને સોનાલીનાં થપ્પડ થી વધુ  નૈતિકનું મૌન ખુંચી રહ્યું હતું.ઘણા બધા સવાલો ના વમળો નિતિક્ષાનાં મનમાં બની રહ્યાં  હતાં.એ ઇચ્છતી હતી કે નૈતિક એનાં બધાજ સવાલો ના જવાબ આપે પણ એ સવાલ કરવા નહોતી માંગતી કેમકે ૩ વર્ષનાલગ્ન જીવનમાં આજે જ કૈક એવું બન્યું હતું કે એ નૈતિક ની નૈતિકતા પર અવિશ્વાસ દાખવે.અહીં નૈતિક જાણે નિતિક્ષા ના મનની બધી વાત સાંભળી ગયો હોય એમ બોલ્યો-“એ સોનાલી હતી મારી કોલેજ  ની ફ્રેન્ડ ,હમમ ફ્રેન્ડ કરતાં થોડી વધારે હતી.અમે કોલેજ ની સાથે પાર્ટ ટાઈમ જોબ પણ સાથે કરતાં  હતાં. અમે કોલેજ પૂરી થયે લગ્ન કરવાના હતાં.હું અને સોનાલીએક બીજા ને પ્રેમ કરતાં એ વાત સોનાલી ની એક ફ્રેન્ડ મીઠી સિવાય કોઈ ને ખબર નહોતી.અને એ મીઠી મને એક તરફી પ્રેમ કરતી હતી.જેની જાણ અમને નહોતી.એ અમારી જોડે હમેશાં હોતી સિવાય કે જોબ પ્લેસ પર.અમે એને અમારી બેસ્ટ ફ્રેન્ડ માનતાં હતાં ને એ દેખાવ પણ એવોજ કરતી હતી. કોલેજનાં લાસ્ટ યર માં   વેલેન્ટાઇન માટે એને મને કહ્યું કે આપણે સોનાલી ને સરપ્રાઈઝ આપીએ હું એની વાત માની ગયો. એ જ્યાં પેઈંગ ગેસ્ટ તરીકે રેહતી હતી ત્યાં એનો રૂમ શણગાર્યોઅને મને ગીફ્ટ લેવા મોકલ્યો. ગીફ્ટ લઈને આવ્યો પછી પ્લાન મુજબ એ સોનાલી ને લઇ આવી આ બધું જોઈ એ ખુશ થઇ ગઈ મે એને પ્રપોઝ કર્યું ફરીથીઅને એને હા પાડી.ગાઢઆલિંગન સાથે અને અચાનક રૂમ નો દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો.હું ગભરાઈ ગયો કે શું થયું ને સોનાલી ને એમ હતું કે આ એક સરપ્રાઈઝ નો ભાગ હશે.મે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પણ હું નિષ્ફળ રહ્યો.આશરે પંદરેક મિનીટ પછી દરવાજો ખુલ્યો ત્યાં મીઠીના બદલે મહિલા પોલીસ હતાં.હું કઈ સમજુ એ પહેલાં એ મને ધક્કો મારી ને રૂમ માં ગયા સોનાલીને બાવડેથી પકડીને લાવ્યા જાણે એ કોઈ ગુનેગાર હોય.અને પછી એક હવાલદારે મને પકડ્યો અમે પૂછ્યું ક્યાં ગુનાસર આમને પકડ્યા છે એતો જણાવો.ત્યારે પેલાં મહિલા પોલીસે કહ્યું કે સોનાલી એક રૂપજીવિની છે અને હું એનો ગ્રાહક  અમને પોલીસ સ્ટેસન લઇ જવામાં આવ્યા.અમે કોઈ ખોટું કામ કર્યુંજ નહોતું એટલે અમે સફળ રહ્યા અમારી નિર્દોષતા પુરવાર કરવામાં અને   અમને સાંજ સુધી માં છોડી મુક્યા.

     પોલીસ સ્ટેશન થી બહાર નીકળતાં સમયે આ બધુ મે જાણી જોઈને કરાવ્યું છે એવા વિશ્વાસ સાથે એને મને થપ્પડ મારવાં હાથ ઉગામ્યો પણ પ્રેમ ની અસર થી એ એમ ન કરી શકી અથવા તો એ મારા જેવા નીચ વ્યક્તિ ને હાથ પણ લગાડવા નહોતી માંગતી એ સ્પષ્ટ થયું મને. અને એ પોલીસ સ્ટેશન ની સાથે મારા જીવન માંથી પણ ચાલી ગઈ. બીજા દિવસે  આ વાત ની ખબર કોલેજમાં પણ ફેલાઈ ગઈ હતી અને સાથે અમારા એ.ગાઢઆલિંગન ના ફોટો પણ.અને .  કોલેજથી વાત ઘરે પોહ્ચતા એનાં તાબડતોબ લગ્ન કરી દેવાયા અલબત આ વાત ઘરે પહોચાડનાર મીઠી જ હતી.એનો ખ્યાલ મને આવતા વાર ન થઇ.પણ સોનાલી એ ન સમજી શકી.

  આજ સુધી હું ન કરેલા પાપ નો બોજ લઇને ફરતો હતો પણ આજે સોનાલી એ થપ્પડ મારી ને મને આ પાપ ના બોજ માંથી છુટકારો અપાવ્યો છે.અને હું એ.........
"હા તો તમે એને આ હકીકત જણાવી કેમ નથી દેતા? શુકામ એની નફરતની આગ મા બેઉ જણા ને સળગાવો છો."- નિતિક્ષા એને વચ્ચે થીજ અટકાવી ને બોલી
"ના,ના નિતિક્ષા હું એવી ભૂલ ક્યારેય નહિ કરું એટલો સ્વાર્થી તો નહિ જ બની શકું કે મારા તરફની એની નફરત ને દૂર કરવા માટે એની જિંદગીને દોજખ બનાવવું. અત્યારે ભલે મને નફરત કરતી પરંતુ એના પતિ સાથે એની પુત્રી સાથે ખુશ તો છે ને જો એને. મારી નિર્દોષતાની ખબર પડી જશે તો બધું ભૂલીને એના પતિની સાથે રહે છે એના બદલે એક દોષભાવના  સાથે  જીવશે. અને બે સંભાવનાઓ બનશે એના પતિને છોડીને મારી પાસે આવવા માટે મજબૂર બનશે અથવા એના પતિને છોડી નહિ શકે અને મારી પાસે આવી નહીં શકે એની વચ્ચે એક અજાણી અને અણગમતી લાગણીની વચ્ચે રહેશે. એનો ભૂતકાળ જાણતા હોવા છતાં પણ એના પતિએ ક્યારેય એ વાતનો ઉલ્લેખ નથી કર્યો એવા પ્રેમાળ પતિ ને અત્યારે જે પ્રેમ અને માન એના પતિને આપે છે એ કદાચ નહી આપી શકે અને એના પતિની ,એની અને એની પુત્રી ની જિંદગી ખરાબ થઈ જશે. સોનાલી ને એ જ વહેમમાં જીવવા દેવી છે ભલે એનું પરિણામ મારા તરફની નફરત જ કેમ ન હોય. 
  મેં  પ્રેમ કર્યો હતો.  અને કહેવાય છે કે જેને પ્રેમ કરીએ છીએ એ સદા ખુશ રહે જિંદગીમાં ક્યારેય કોઈ તકલીફ ના પડે એનું ધ્યાન રાખીએ એ પણ એક પ્રેમજ છે. જરૂરી નથી કે એની સાથે એક જ ઘરમાં પતિ પત્ની બનીને જ જિંદગી વિતાવીએ.
તને કદાચ આ મારો ત્યાગ લાગશે પણ આ મારો કોઈ ત્યાગ નથી. મેં કરેલા પ્રેમની નિભાવણી ના એક ભાગરૂપે મારી ફરજ અદા કરું છું."
આટલું સાંભળીને નિતિક્ષા પોતાની જાતને દુનિયાની સૌથી ભાગ્યશાળી સ્ત્રી માનતી હતી. આટલો સમજુ અને પ્રેમાળ વ્યક્તિ એની જિંદગીમાં હતો અને હંમેશ માટે એનો જ રહેવાનો હતો.

ધરતી દવે