patang taro ane maro in Gujarati Children Stories by Niyati Kapadia books and stories PDF | પતંગ તારો ને મારો

Featured Books
Categories
Share

પતંગ તારો ને મારો

પતંગ તારો ને મારો
કાલે સાંજે મારો દીકરો ધાબા ઉપર એકલો પતંગ ઉડાડતો હતો. એ હજી શીખી રહ્યો હતો અને એનો પ્રયત્ન સફળ રહ્યો. પતંગ ચગી ગયો અને આકાશમાં ઉપર ખાસે દૂર સુધી ગયો...
બાજુના ધાબા ઉપર એક બીજો મોટો છોકરો પતંગ ઉડાડતો હતો. એણે મારા દીકરાના પતંગ સાથે પેચ લડાવ્યો, એની કાચ પાયેલી દોરી આગળ અમારી સાદી, કાચ વગરની દોરી તરત જ કપાઈ ગઈ! મારા દીકરો નીચે આવ્યો અને મને કહે, “બાજુવાળા ભૈયાએ મારો પતંગ કાપી નાખ્યો. કેટલે ઉપર સુધી ગયેલો... મારી અડધી ફિરકી પણ ખલાસ થઈ ગઈ!"
મેં એને સમજાવ્યો કે હોય એ તો. બધાને પતંગ ઉડાડીને જ ખુશી ના મળે પેચ લગાવવો અને બીજાનો પતંગ કાપવો એ પણ પતંગની રમતનો એક ભાગ છે! તું બીજો પતંગ અને ફિરકી લઈ જા.
એ ગયો અને ફરીથી પતંગ ઉડાડ્યો. થોડાંક પ્રયત્ન બાદ એનો પતંગ ફરી આકાશમાં જાણે સૂરજને ભેટવા નીકળ્યો હોય એમ આગળ વધી રહ્યો હતો અને આગળ બનેલી એ જ ઘટનાનું પુનરાવર્તન થયું. બાજુવાળા ભૈયા એ એનો પતંગ કાપી નાખ્યો. આ વખતે એ નીચે ના આવ્યો. એને મારી સલાહ યાદ હતી. એણે ત્રીજો પતંગ ઉડાડ્યો અને એની સાથે પણ આગળની બે પતંગ જેવો જ અનુભવ રહ્યો. મારા દીકરાની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા, થોડુંક દુઃખ અને બહુ બધો ગુસ્સો! આ વખતે પણ એ નીચે ના આવ્યો. એણે જાતે જ કંઇક વિચારી લીધું હતું.

એ બાજુવાળા ભૈયાનું ધાબું અમારા કરતા નીચું છે. એનો પતંગ અમારા ધાબા પર થઈને જ ઉપર જાય. એનો પતંગ ઉપર હોય પણ એની દોરી એ ભૈયાના હાથમાંથી લંબાતી, અમારા ધાબાની નજીકથી પસાર થઈને પતંગ સુધી પહોંચતી. મારા દીકરાએ કાતર લીધી અને પેલાની દોરી કાપી નાખી!!
એ નીચે આવી ગયો અને કહે હવે મારે પતંગ નથી ઉડાડવી, માંડ સરસ ચગ્યો હોય અને બીજા ગંદા લોકો આવીને એને કાપી જાય છે. હું પતંગ ઉડાડીને ખુશ થતો હોઉં એમાં એમને શું પેટમાં દુખે છે! એમને પેચ લડાવવો હોય તો એમના જેવા જોડે ના લડાવે. મારી દોરી કાચી છે અને તરત કપાઈ જવાની એ એને ખબર છે એટલે જ મારો પતંગ કાપે છે એમાં શું મોટી બહાદુરી બતાવે છે! મને ગુસ્સો આવી ગયો તો મેં એનો પતંગ કાતરથી કાપી નાખ્યો...

“એવું ના કરાય, એ તને બોલ્યો હતો?"
“ના."
હું હસી સહેજ અને એને પતંગ ઉડાડવાના નિયમો સમજાવ્યા. સાચી રીત એ છે કે સામેવાળાનો પતંગ  આકાશમાં આપણા પતંગથી જ કાપીએ...કાતરથી નહિ. તારી દોરી કાચી છે કપાઈ જશે એની આપણને ખબર છે એટલે તારે એનાથી બચતા શીખવું પડશે. એનો પતંગ નજીક આવે તો આપણો દૂર લઈ જવાનો બને ત્યાં સુધી ઘર્ષણ ટાળવાનો પ્રયત્ન કરવાનો અને છતાં પતંગ કપાઈ જાય તો બીજો નવો ઉડાડવાનો.... તને વધારે પ્રેક્ટિસ મળશે. કાલ સુધી તું આખા દિવસમાં એક જ પતંગ માંડ ઉડાવી શકતો હતો, આજે તે થોડાક જ કલાકમાં ત્રણ ત્રણ પતંગ ઉડાડ્યા! નવાઈની વાત છે કે નહિ? જુસ્સો જરૂરી છે, ગુસ્સો નહિ, તારા ગુસ્સાને જુસ્સામાં ફેરવી કાઢ અને બધી ખીજ પતંગ ઉડાડવાના કૌશલ્ય પાછળ લગાવ, તું ખૂબ સુંદર રીતે પતંગ ઉડાડતા શીખી જઈશ.
મારા દીકરાના ગળે વાત ઉતરી ગઈ એણે કહ્યું, “હા પછી આવતી ઉત્તરાયણે હું પણ પાકી દોરી લાવીશ અને એ ભૈયાના બધા પતંગ કાપી નાખીશ પણ, હું કોઈ મારા જેવા નાના બચૂડાંનો પતંગ નહિ કાપુ એને કેટલું દુઃખ થાય એની મને ખબર છે!"
એ તો ગયો ફરી પતંગ ઉડાડવા અને મને થયું આ નાની નાની રમતો પણ જીવનના કેટલા અઘરા પાઠ રમતાં રમતાં શીખવી જાય છે! તમારાં સંતાનો કે તમારું વર્તન કેવું હોવું જોઈએ કે હશે એ અહીંથી જ નક્કી થાય..!!
© નિયતી કાપડિયા.