રાધા મારી દોરી ને હું રાધાનો પતંગ..!
પહેલવાનની બાજુમાં બેસવાથી પહેલવાન નહિ થવાય, એની આપણી ગેરંટી. બાકી ફૂલવાળાની સંગતે બેસવાથી મઘમઘતાં નહિ થવાય એ વાત ખોટી. ખાલી કોઈ કવિની જ સોબત કરજો ને ? પોચા-પોચા થઇ જશો દાદૂ..! પ્રત્યેક ઘરવાળીએ પતિને હળવા ફૂલ જેવો બનાવવો હોય તો, ધણીને કવિતાના રવાડે ચઢાવવાની ટ્રાઈ કરવા જેવી. આ તો મારો જાત અનુભવ થયો. કવિ સંમેલનમાં મારાંથી હાજરી શું અપાઈ ગઈ, ને મારાં કઠોર શબ્દો પોચા-પોચા થઇ ગયાં. જાણે કે કોઈ મારકણી કન્યાના મોહાંધ બની ગયાં. સ્વામીના શબ્દો, માશૂક શ્યામલીના બની ગયાં. કવિતાના હજુરિયા ને ખજુરીયા થઇ ગયાં..! ટાઈટલ વાંચીને તમને એવું નહિ થાય કે, આ ભોજલું રાતોરાત જાલિમ મટીને ગાલિબના રવાડે કેમનો ગયો, એટલે આ તો ચોખવટ કરી..!
તમને પણ ચિંતા તો થાય જ ને મામૂ..? એક તો ગુજરાતીમાં હાસ્ય લેખકોનો માંડ સ્ટોક રહ્યો છે. એમાં હાસ્યની રેંકડી લઈને બેઠેલા અમારા જેવાં ધંતુરા પણ હાસ્ય પરિવર્તન કરીને કવિતાના રવાડે ચઢે તો ડૂમો ભરાય જ...! ચારેયકોર હાસ્યનો દુકાળ છે ત્યારે, હાસ્યલેખકને તો વેન્ટીલેટર ઉપર પણ ધબકતો રાખવો પડે. કારણ હાસ્યના ‘એટીએમ’ હોતાં નથી. જો કે મને તો હાસ્યની ચૂડેલ વળગેલી એટલે એટલે હસાવું. કવિતાની નવી ચૂડેલ સાથે છેડાગાંઠી કરીને હવે એક ભવમાં બે ભવ ક્યાં કરવાં..? તે પણ ઉમરની પોણી સદીએ..? વસવસો એ વાતનો કે, આજે તો શબ્દો કવિતામાં ગયાં, કાલે કદાચ કોઈ વેપારીને ત્યાં નામું લખવા બેસી ગયાં તો..? એના કપાળમાં કાંદા ફોડું, ચેતતો નર સદા સુખી..! જાગતા હોય તો પથારી ભીની નહિ થાય..!
વાત તો કરવી છે, મકરસક્રાંતિની...! ઠંડીની લહેરખી ને પવનના સપાટા એવાં વીંઝાય છે કે, પથારીમાં સૂતા સૂતા ધાબળા ઓઢીને પણ પતંગના ઠુમકા મારવાની ઈચ્છા થઈ આવે. ઊંઘમાં પણ બોલાય જાય, એઇઇ...આઇવો, આઇવો કાપ..કાપ !!
ક્યાં પતંગ, ક્યાં દોરી..? ક્યાં કૃષ્ણ ને ક્યાં રાધા ગોરી..? લખવું છે, મકર સક્રાંતિ ઉપર, મનની કન્યા શોધવામાં જલ્લાદ ઘરવાળી મળી જાય, તેવું ટાઈટલ મળ્યું. ને તે પણ એવું કે, “યુદ્ધ કરવાને બદલે શ્રી કૃષણ ભગવાન, કુરુક્ષેત્રના મેદાનમાં ‘ચાર બંગડીવાળો’ ગરબો ગવડાવવા નહિ નીકળ્યાં હોય..? સાચું-ખોટું તો ખ્યાતનામ કવિ જાણે કે ટાઈટલમાં કવિતાનું પોત જેવું છે કે નહિ. એટલી તો ખબર પડે કે, સૂંઠને ગાંગડે ગાંધી થવું, ને મોદીની હયાતીમાં રાહુલરાજ લાવવું, બંને અઘરું...! પણ ફાંકાને ક્યાં કોઈ બંધન હોય..? કવિતાના રવાડે ચઢવામાં શબ્દોને પણ મચેળાવાની એવી ઉપડી કે, “ફીરકી પકડો તો ફીરકી ઉપર, ને કન્ના બાંધો તો કન્ના માટે એ શાયરી બની જાય.” ગંગાનું પ્રાગટ્ય થતું હોય એમ કવિતાનું પ્રાગટ્ય આપોઆપ થવા માંડે...! કવિતાનું પહેલું મંગલાચરણ મારે લગન પહેલાં થયેલું. માત્ર એક જ પંક્તિ વાઈફને નિકાસ કરેલી.
તુ મંદિરની ઘંટડીને હું મંદિરનો ઘંટ,
તારો ભાઈ નાગ ને હું તારો નીલકંઠ
લખતાં લખાય તો ગયેલું, પણ પ્રશ્ન કાશ્મીર જેવો સળગેલો. સમજો ને, કે માંડ માંડ એની સાથે માહ્યરા સુધી પહોંચેલો..! ત્યારથી આજ સુધી, એના પિયરીયા મને મંદિરના ઘંટની માફક આવતાં ટપેરતાં જાય છે..! પછી બત્તી થઇ કે, આને કવિતા નહિ કહેવાય. કઠણાઈ કહેવાય.! એ કારણથી તો હાસ્યના રવાડે ચઢી ગયો, તે હજી ઉતર્યો નથી..! નેતા બનવા અભ્યાસની ભલે જરૂર ના હોય, પણ કવિ બનવું સાલું અઘરું ખરું..! એ માટે શબ્દોનો સરસામાન જોઈએ. પ્રેમ-દિલ-દરિયો-નદી-ચાંદ-તારા-આકાશ-ફૂલ-વાદળ-આંખ-સુગંધ ને ઝાંકળ જેવાં શબ્દો ઉપર પૂર્વાર્ધ કવિ અને શાયરોએ એટલો ખુરદો બોલાવી દીધો કે, નવો માલ કાઢવો ક્યાંથી..? નવો માલ કાઢીએ, તો ક્યાં તો માલ નહિ ઝામે, ક્યાં તો આપણે નહિ ઝામીએ. કવિ બનવા માટે છાંટ પણ જોઈએ, ને છટા પણ જોઈએ. એક તો આપણી ચાલ, ઝુલતા મિનારા જેવી. માથે ઊંદરો ચરી ગયાં હોય એવાં વાળ હોય,.! કવિનો વેશ કાઢવા સારી કફની-બંડી-પાયજામો ને બગલ થેલાની મૂડી પણ જોઈએ કે નહિ..? બીજું કે, આપણા શરીરનો બાંધો કેવો..? ચાર-પાંચ ગાદલાં શરીર ફરતે ચોંટાડયા હોય એવું હાથી બ્રાંડ શરીર ..! પેટની ગાગર એવી મોટી કે, માત્ર નળ લગાવવાનો જ બાકી હોય...! આવો બાંધો કવિના લેબાશમાં ક્યાંથી ચાલે..? શેરબજારમાં બરાડા પાડવા જ ચાલે, કવિ સમેલનમાં ભૂલમાં પણ ઘૂસ્યો, તો કોઈ રેસલિંગવાળો ઘુસી ગયો હોય, એવો લાગે...! આ તો બગાસું ખાતાં પતાસું પડ્યું હોય, એટલે લખાય ગયું, કે “રાધા મારી દોરી, ને હું રાધાનો પતંગ..!” બાકી વાતમાં કોઈ ગુડ્ઝ નહિ..! ( ગુડ્ઝ એટલે ‘માલ’ સમઝવાનો યાર..! )
ઈચ્છા તો મોટી મોટી થાય કે, પતંગ ચગાવીને આકાશને તોડી જ પાડીએ. પણ પાધરો પવન જ નહિ ફૂંકાતો હોય તો, પતંગ કોઈ ઝાડવે પણ રાતવાસો કરી નાંખે. પવન વગર તો લેપળી પણ ચગવા પહેલાં નખરાં કરે. માહોલ જ નહિ ઝામે યાર..! જ્યાં કાપાકાપીના જ ગગનભેદી નાદ થતાં હોય, ત્યાં કવિતા ચીતરવી, એટલે ખીચડીમાં આઈસ્ક્રીમ નાંખીને ઝાપટતાં હોય, હોય, એવું લાગે...!
મકર સંક્રાંતિ એટલે મૌજનો દિવસ. આ દિવસે ઉમર કોઈને આડી આવે જ નહિ. ડોહા-ડોહા પણ બામ લગાવીને ધાબા કૂદવા લાગે. ધાબે ધાબા નશીલા થઇ જાય તે અલગ. એવું જોશ આવી જાય કે, લેપળી તો લેપળી એ પણ એકવાર તો ચગાવી કાઢે..! કોણ એમને કહેવા જાય કે, હૃદય ઉપર બહુ જોર નહિ આપવાનું. એટેક મકર સક્રાંતિની શરમ રાખતો નથી. એમણે તો ચગાવ-નાર કરતાં, તો ચગતા પતંગને જ જોવાના, કપાયેલા પતંગની બળતરા પણ નહિ કાઢવાની ને, લુંટારા પણ નહિ બનવું. નાહક હૃદય ઉપર પ્રેસર આવે...! જોર કરીને બોલવા ગયાં કે, “જો હમસે ટકરાયેગા, વો ધરતી પે આ જાયેગા...!” તો ખલ્લાસ..! હાથમાં પતંગ નહિ આવે, બારણામાં ૧૦૮ જ આવે..!
ખરી દશા તો પતંગને જોવાની આવે. અમુક પતંગ તો બકરી ઇદના બકરા જેવાં તૈયાર થઈને બેઠાં હોય. અમુકની કમ્મર ભાંગેલી હોય, અમુકના ચામડાં-ચામડાં નીકળી ગયાં હોય, કોઈ સાવ કન્ના વગરના કુંવારા પડ્યાં હોય, તો કોઈ વળી પરણીને પસ્તાયા હોય એમ વિધૂર બનીને ખૂણે ટૂંટિયું વળીને બેઠાં હોય.
‘ જિંદગીની આ જ તો મઝા છે રમેશ,
પતંગથી આકાશને ખોળે વસાવ્યું છે.
હાસ્યકુ :
શાનમાં રાખે
પતંગને પૂંછડી
માણસને વાઈફ
--------------------------------------------------------------------------------------------------------------------