Bapa no Zaampo in Gujarati Motivational Stories by sagar chaucheta books and stories PDF | બાપા નો ઝાંપો

Featured Books
Categories
Share

બાપા નો ઝાંપો

બાપા નો ઝાંપો

મિત્રો ૧-૧-૨૦૧૯ થી મારા પિતાજી સાથે ના અનુભવો, પિતાજીના બહાદુરી અને કાર્યદક્ષતા નું શાબ્દિક વર્ણન કરતી વાર્તા શ્રેણી શરૂ કરવા જઈ રહ્યો છું. માતા અને પિતા બંનેનું મહત્વ દરેક બાળક માટે છે. મારી આ વાર્તા શ્રેણી આપને આપના પિતાજી થી ખૂબ નજીક લઈ જાય તેવો પ્રયત્ન કરીશ. આ વાર્તા દ્વારા થોડું હાસ્ય અને કરુણતા બંને ને સમાન રૂપમાં દર્શાવવામાં હું સફળ રહું તે માટે આપનો સહકાર અને આપના પિતા સાથેના સ્મરણો મને મોકલતા રહેજો જેથી આપની વાત મારા શબ્દોમાં કહીને આ શ્રેણી આગળ ઘણા લાંબા સમય સુધી ચાલતી રહે અને પિતાના સ્મરણો વાંચકોને પહોંચાડી શકું... 

“જ્યારે કોઈ તકલીફો હોય ત્યારે “મા” યાદ આવે પરંતું તકલીફોને માત આપીને આગળ વધીએ ત્યારે બાપ યાદ આવે.”

રાતનાં અંધારામાં ઝાંપો ખખડવા નો અવાજ આવ્યો ને મારી ઊંઘ ઊડી ગઈ, મારી ગર્ભવતી પત્નિ નો પ્રસવ સમય નજીક આવી ગયો હતો તેની તકલીફો જોઈને એ જ સમયે રીક્ષા શોધવા નીકળ્યો. મારા નસીબ સારા ઘર પાસે જ રીક્ષા મળી ગઈ.

મારી માતા એ સમયે મારી ગર્ભવતી પત્ની સાથે હોસ્પિટલ પહોંચ્યા. અસહ્ય પ્રસવ પીડાથી પીડાતી મારી પત્ની ને મા એ શાંત રહેવા કહ્યું. થોડી વાર માં ડોક્ટરે ચેકઅપ કરી ને કાન માંથી સ્ટેથોસ્કોપ કાઢતાં બોલ્યા “હજી સમય છે. લગભગ કાલ સવાર સુધી તો રાહ જોવી જ પડશે, પીડા ઓછી થાય તેના માટે તેને જરૂરી દવાઓ લખી આપી છે બાજુના મેડિકલ સ્ટોર પર થી દવા લઈ આવો.”

ડોક્ટરે દવાનું પાનું મારા હાથમાં પકડાવ્યું ને તરત બાજુના મેડિકલ સ્ટોર થી દવાઓ અને ઇન્જેક્શન લાવીને ડૉક્ટર ને આપ્યા, ડોક્ટરે એક ઇન્જેક્શન લગાવ્યું અને થોડીવાર માં તે શાંતિ થી સુઈ ગઈ.

અમારા પ્રેમ નું પ્રતીક પ્રથમ બાળક આવવાનો સમય નજીક આવી રહ્યો હતો, હૃદયના ધબકારા લગભગ બે ગણા થઈ ગયા હશે. જ્યાં સુધી બાળક નો જન્મ ન થાય ત્યાં સુધી સમય પસાર કરવા માટે થોડીવાર આમથી તેમ આંટા મારતો જોઈ માતાએ તેની પાસે બેસવા કહ્યું માતા પાસે જઈને બેઠો એટલી વારમાં એક નર્સ ફોર્મ લઈને આવી, જાણે આ દુનિયામાં માણસાઈ બચી જ ન હોય તેવા સ્વરે મને ફોર્મ સાથે 4000 રૂપિયા તાત્કાલિક જમા કરાવવા માટે કહીને જતી રહી.

પત્નિની પ્રસુતિ સમયે પૈસાની જરૂર પડશે તેના માટે મેં આઠ માસથી પૈસા ભેગા કરવાના શરૂ કરેલા તે આજે આપતા ખચકાટ ન થયો કેમ કે આ એ જ કાર્ય માટે હતાં. સવાર સુધી હું પુત્ર અને પતિ થી પ્રમોશન મેળવી ને પિતા બનવાનો છું. બસ એ જ ખુશી થી હજાર હજાર ની ચાર નોટો કાઢીને તરત આપી દીધી અને ફટાફટ ફોર્મ પર હરખના હસ્તાક્ષર કરી દીધા.

મારી માતા પણ દાદી બનશે એવા હરખમાં ફુલાય ગઈ. તેમની ખુશી શબ્દો બની ને ખીલવા લાગી. પુત્રી, પત્ની, માતા અને હવે દાદી !! પુત્રી તરીકેના જન્મ પછીનું ચોથું પ્રમોશન એટલે મારા થી વધુ એ ખુશ હતાં. હરખ માં મારા જન્મ ના સમયની વાત કરવા લાગ્યા.

“તારા જન્મ વખતે આવું કાંઈ નોતું, સરકારી દવાખાના માં તારો જન્મ થયો ત્યારે આવા ફોરમ બોરમ નોતા. તોય તારા પપ્પા એ પૈસા બચાવીને રાખ્યા હતા. એને તો તારા પેલા એક મોટો ભાઈ ગુજરી ગયો ત્યારથી સરકારી દવાખાના ગમતા જ નય પણ માસી દવાખાના માં હતાં એટલે એના ઉપર ભરોસો હતો તે સરકારી માં ગયા.”

“તારી પાહે પૈસાની સગવડ તો છે ને? આ દવાખાનું જોઈને તો લાગે છે કે સાત આઠ હજાર તો થાહે.”

“તારા પપ્પા ને ફોન કર એની પાહે હશે.”

માતા સામે હસીને હું બોલ્યો “તમે ચિંતા ન કરો મેં આઠ મહિના થી ભેગા કરી રાખ્યા છે, અને છતાં પણ મેં પપ્પા ને ફોન કરી દીધો છે તે સવાર સુધીમાં આવી જ જશે, અત્યારે જરૂર નઈ પડે.”

માતાએ મારી પ્રસંશા કરતાં મારા માથે હાથ મૂકીને કહ્યું “તું તારા પપ્પા જેવો જ છો.”

“તારો જનમ થયો ત્યારે હીરા ઘસતા અને સવારે રેડિયો રીપેર કરવા લઈ આવતા, રોજ કાંઈક બચત તો કરે જ કોય ‘દિ  કોઈને વળતો જવાબ નો આપે, તારા જનમ પેલા ઘરમાં પંખો ય નોતો એણે પંખા માટેય પૈસા ભેગા કરી રાખ્યા હતાં.”

આ વાત થી હું હજી સુધી અજાણ હતો પિતાજી ને હંમેશા ગુસ્સો કરતાં જ જોયા હતાં, એ તેનો પ્રેમ હતો. કુંભાર અને માટલાં વાળી વાત તો આપ જાણો છો તે નહીં કરું પરંતું મારા માટે બાપ બનવાની ખુશી થી વધારે ખુશી એ વાતની હતી કે આટલી ખરાબ આર્થિક સ્થિતિ હોવા છતાં તે તકલીફો વચ્ચે પણ આવનારા બાળક ને તકલીફ ન પડે તેના માટે રાત દિવસ પોતાના માનસમાં ઉછેરતા એ પિતા મને ઈશ્વરની ભેટ લાગવા લાગ્યા. મને ભણાવી ઈજનેર બનાવ્યો ત્યારબાદ પણ મારા આવનાર બાળકને પણ તકલીફ ન પડે તે માટે વિચાર કરવો એ પ્રસવપીડા સમાન કહી શકાય.

પિતાજીના હોસ્પિટલમાં આગમન સાથે હું તેને ભેટી ને રડ્યો તે જ સમયે લેબર રૂમ માંથી બાળકનો રડવાનો અવાજ સંભળાયો. પિતા દાદા બન્યા પુત્ર બાપ અને નવી જિંદગી ની શરૂઆત એક રુદન ના આવાજે કરી. પરિચારિકા એક નાજુક બાળક લઈને બહાર આવી ત્યાં સુધીમાં નાનોભાઈ અને મારા સાસુ પણ ત્યાં પહોંચી ચુક્યા હતાં.

આજે આ વાત ને લગભગ દસ વર્ષ બાદ પણ યાદ કરું ત્યારે ગળું ભરાઇ આવે. એક પિતાજી ની છત્રછાયામાં ઉછરનાર ક્યારેય તકલીફો થી ડરીને ન બેસે હંમેશા લડવાની હિંમત અને ભવિષ્ય ની યોજના બનાવી રાખવા સક્ષમ બનાવે. 

એક પિતા ની તકલીફ સમજવા પિતા બનવું જરૂરી નથી. માતાના ખોળામાં માથું મૂકીને પિતાનો ઠપકો અને ગુસ્સાને સમજવાની કોશિશ કરો.

બાપા નો ઝાંપો વાર્તા નો આ એક અધુરો અંક વાંચીને જો આનંદ થાય તો માત્ર એક વખત બાપા ને ગળે લગાવી ચૂમી લેજો.

-સાચો
૨૫-૧૨-૨૦૧૮