Sambhavami Yuge Yuge - 9 in Gujarati Moral Stories by Jyotindra Mehta books and stories PDF | સંભવામિ યુગે યુગે ભાગ ૯

Featured Books
Categories
Share

સંભવામિ યુગે યુગે ભાગ ૯

ભાગ  

એક ખૂણાના ટેબલ પર પાયલ અને સોમ કોફી પીતા હતા. આ તેમનો ત્રીજો દિવસ હતો જયારે તેઓ કોફી પી રહ્યા હતા. કોફી હાઉસની કોફી પાયલને પ્રિય હતી . કોફી પીતા પીતા સોમે કહ્યું, “પાયલ , હું અમદાવાદમાં એક વર્ષથી છું પણ મેં પૂર્ણ અમદાવાદ હજી જોયું નથી, તો શું તમે મને અમદાવાદ દેખાડશો? મને ઐતિહાસિક સ્થળો જોવાનો ખુબ શોખ છે.” પાયલે કહ્યું, “દેખાડીશ પણ ફક્ત એક શરત છે, તું મને તમે તમે કહેવાનું બંધ કરશે તો.” સોમે કહ્યું, “ઠીક છે હવે હું તને તું કહીને બોલાવીશ.”

 પાયલે આગળ કહ્યું, “અમદાવાદમાં એટલા બધા ઐતિહાસિક સ્થળો છે કે એક દિવસમાં અમદાવાદ ને જોવું અને માણવું શક્ય નથી.” સોમે કહ્યું, “તો આપણે બે ત્રણ રવિવાર ફરવા જઈશું, જો તારી સ્ટડીને કોઈ નુકસાન ન થતું હોય તો. પાયલે કહ્યું, “અરે! કેવી વાત કરે છે, હજી એક્ઝામ દૂર છે અત્યારથી એટલી બધી ચિંતા. કાલે રવિવાર છે તો તું મને ૮ વાગે તારી હોસ્ટેલની નજીક મળ, આપણે ત્યાંથી મારી ગાડીમાં જઈશું.” સોમે કહ્યું, “એક શરત મારી પણ છે, તારી ગાડીમાં પેટ્રોલ હું નંખાવીશ.” પાયલે કહ્યું, “હા, આદર્શ બાબુ તમે જ નંખાવજો.”

                રવિવારે સવારે પાયલ સમયસર પહોંચી ગઈ હતી અને સોમ તેની રાહ જોઈ રહ્યો હતો. તેમણે શરૂઆત ધરણીધર જૈન દેરાસરથી કરી. ત્યાંથી તેમણે હઝરત શાહ આલમ દરગાહની મુલાકાત લીધી અને પછી કાંકરિયા ઝૂ અને કાંકરિયા એકવેરિયમ ગયા. સોમની ત્યાં જવાની ઈચ્છા નહોતી પણ હવે તેણે પોતાની જાતને પાયલને હવાલે કરી દીધો હતો તે પાયલની નજરથી શહેર જોવા ઈચ્છતો હતો અને ઝૂ ની મુલાકાત લેવાનું સોમને ગમ્યું, તે પાછલા એક વરસથી અહીં હતો પણ તે આ બધા સ્થળોએ ગયો નહોતો. સાંજ તેણે પાયલ સાથે કાંકરિયા તળાવની પાળી પર બેસીને વિતાવી. દિવસ પૂરો થયો હોવાથી પાયલે સોમને હોસ્ટેલ પાસે છોડ્યો અને ત્યાંથી નીકળી ગઈ. આમ બે ત્રણ રવિવાર તેમણે અમદાવાદના જુદા જુદા સ્થળોની મુલાકાત લીધી.

એક રવિવારે તેઓ લોથલ ગયા. તે અમદાવાદની બહાર ૭૫ કિલોમીટર દૂર હતું, પણ ઐતિહાસિક સ્થળ હોવાથી પાયલે જ ત્યાં જવાનું ગોઠવ્યું હતું. ત્યાં પહોંચ્યા પછી એક જગ્યાએ ફરતા ફરતા સોમને ઠક ઠકનો અવાજ સંભળાયો અને પછી ૐ ૐ એવો ઉચ્ચાર સંભળાયો,. સોમે પાયલને પૂછ્યું, “તને કોઈ અવાજ સંભળાય છે?” પાયલે કહ્યું, “હા, મને મારા હૃદયને ધબકારા સંભળાય છે. કેટલી નીરવ શાંતિ છે અહીં.” હવે પાયલ વાતચીતમાં તેની સાથે છૂટછાટ લેવા લાગી હતી. આગળ તેણે કહ્યું, “સોમ, તું પૂછીશ નહિ મારુ હૃદય શું કહી રહ્યું છે?” સોમે તેની આંખોમાં જોઈને પૂછ્યું, “શું કહી રહ્યું છે તારું હૃદય?”

 પાયલે કહ્યું , “મારું હૃદય કહી રહ્યું છે કે આપણે જન્મોજન્મના સાથીદાર છીએ,તેથી જ તને જોયા પછી હું તારી તરફ આકર્ષિત થઇ ગઈ હતી અને તારા માટે પ્રેમ ભાવ ઉત્પન્ન થયો હતો.” આ વાત કહેવા પાયલ પાછલા બે રવિવાર થી તૈયારી કરી રહી હતી.

સોમે તેની તરફ જોયું અને થોડીવાર ચૂપ રહ્યો એટલે પાયલે કહ્યું, “આ ભાવના મારી છે, હું તને ચાહું છું પણ તું જો મને ન ચાહતો હોય તો કોઈ વાંધો નહિ.” સોમની આંખોમાં પાણી આવી ગયું અને તેણે ભીની આંખે કહ્યું, “પાયલ, આ ક્ષણની પ્રતીક્ષા કદાચ હું ભવોભવથી કરું છું. હું પણ તને ચાહું છું અને તારી સાથે આખું જીવન વિતાવવા માંગુ છું. તું કદાચ મારા પાછલા જન્મના તપ નું ફળ છો.” અને પાયલ તેની બાહોમાં સમાઈ ગઈ અને ખબર નહિ કેટલીવાર સુધી એકબીજાના આગોશમાં રહ્યા અને પાયલની આંખમાંથી અશ્રુની ધારા વહી રહી હતી.

                    તે દિવસે રાત્રે એક રૂમમાં બે પુરુષ અને એક સ્ત્રી મિટિંગ કરી રહ્યા હતા, ત્યાં વધારે પ્રકાશ ન હોવાથી તેમના ઝાખાં ઝાખાં ચહેરા જ દેખાતા હતા. એક સોફામાં પ્રદ્યુમનસિંહ બેસેલા હતા અને સામે પ્રોફેસર અનિકેત અને મીરા. પ્રદ્યુમનસિંહે પૂછ્યું, “આમ અચાનક મિટિંગ બોલાવવાનું કારણ?” અનિકેતે કહ્યું, “સોમને કદાચ ગુપ્ત દ્વાર મળી ગયું છે.” પ્રદ્યુમને પૂછ્યું, “તમને કઈ રીતે ખબર પડી?” અનિકેતે કહ્યું, “આ મીરા પાયલની ખાસ દોસ્ત છે તે તેને બધી વાત કરે છે અને આજે લોથલની વાત કરતાં કરતાં પાયલે મીરાને કહ્યું કે ત્યાં સોમ ને કોઈ વિચિત્ર અવાજ સંભળાયા હતા જે આપના કહ્યા મુજબ ગુપ્ત દ્વારની નિશાની છે, તેથી આપને સમાચાર આપવું જરૂરી લાગ્યું.” 

પ્રદ્યુમનસિંહે કહ્યું, “ઠીક છે, તમે એક કામ કરો સીટી લાયબ્રેરીના લાયબ્રેરિયનને કામ પર પાછા રજુ થવાનું કહો.” અનિકેતે પૂછ્યું, “આપે કહ્યું તેમ સોમ વિચિત્ર કુંડળી સાથે જન્મેલો પુરુષ છે અને આપણે તેની સુરક્ષા કરવાની છે. તમે સંપૂર્ણ વાત કરો તો મને કામ કેવી રીતે કરવું તેની ખબર પડે.” પ્રદ્યુમનસિંહે કહ્યું, “પૂર્ણ વાત તો ફક્ત બાબાજી જ જાણે, હું ફક્ત તેમના આદેશનું પાલન કરું છું. તમે આજે આવવાના છો તે પણ બાબાજીને પહેલા જ ખબર હતી, તેઓ થોડી વાર પહેલા જ મને આદેશ આપીને અલોપ થઇ ગયા.”

ક્રમશ: