Rahsyna aatapata - 9 in Gujarati Fiction Stories by Hardik Kaneriya books and stories PDF | રહસ્યના આટાપાટા - ભાગ 9

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

Categories
Share

રહસ્યના આટાપાટા - ભાગ 9

કાયમની જેમ રવિવારના દિવસે અટરસન અને તેનો ખાસ મિત્ર એનફિલ્ડ ચાલવા નીકળ્યા. ચાલતાં ચાલતાં તેઓ એ જ શેરીમાંથી પસાર થયા જ્યાં પેલી ઇમારત (જેકિલના ઘરની પાછળની પ્રયોગશાળા) આવેલી હતી. ધીમે ધીમે તેઓ પ્રાંગણના દરવાજા પાસે પહોંચ્યા અને એનફિલ્ડ થોભી ગયો. તેણે કહ્યું, “છેવટે વાર્તાનો અંત આવ્યો ખરો, મને નથી લાગતું કે હાઇડ હવે પાછો આવે.”

“મને પણ એવું જ લાગે છે. મેં અત્યાર સુધી કહ્યું નથી, પણ આજે કહી દઉં છું કે હું ય તેને એક વાર મળ્યો હતો. વળી, તેને જોઈને મને પણ એવી જ લાગણી જન્મી હતી જેવું તેં કહ્યું હતું.”

“ખબર નહીં કેમ, પણ તેને મળનાર દરેક માણસમાં નફરત પેદા થયા વગર રહેતી નથી. ખેર, બીજું કંઈ કહેવું છે ?”

એનફિલ્ડની વાત ન સમજ્યો હોય તેમ અટરસન ચુપચાપ ઊભો રહ્યો.

“આ ઇમારત ડૉ. જેકિલના ઘરનો પાછળનો ભાગ છે એવું કેમ બોલતો નથી ?”

“તેં તે કેવી રીતે જાણ્યું ?”

“હાઇડે આપેલા ચેકમાં નીચે જેકિલની સાઇન હતી તે તેં જાણ્યું હતું તેવી રીતે... આવી વાતો છૂપી રહેતી નથી.”

અટરસન હસી પડ્યો. “હવે જાણી જ લીધું છે તો બીજું પણ સાંભળ. જેકિલ અત્યારે બહુ વિચિત્ર રીતે વર્તી રહ્યો છે, મને તેની ચિંતા થાય છે. એક સાચા મિત્ર તરીકે મારે તેને મદદ કરવી જોઈએ પણ મદદ કેવી રીતે કરવી તે સમજાતું નથી.”

તેઓ વાતો કરતાં ત્યાં ઇમારતના પ્રાંગણ પાસે જ ઊભા રહી ગયા હતા. એવામાં અટરસનનું ધ્યાન ઉપરના માળે ગયું ; ઉપર ત્રણ બારીઓમાંથી એક સહેજ ખુલ્લી હતી અને પાસે કોઈ બેઠું હતું. અટરસને આંખો ખેંચીને જોયું તો માલૂમ પડ્યું કે તે જેકિલ છે. સ્વેચ્છાએ કે અનિચ્છાએ, કેદી જેવું જીવન જીવતા તે ડૉક્ટરના ચહેરા પર ભયંકર ઉદાસી છવાયેલી હતી.

“અરે, જેકિલ !” અટરસને ચીસ પાડી. “તું મજામાં છે ને, તારી તબિયત કેમ છે ?”

અવાજ સાંભળી જેકિલે નીચે જોયું. અટરસનને જોઈ તેના ચહેરા પર આનંદ પ્રગટ્યો, પણ એનફિલ્ડને જોઈને તે ગંભીર બની ગયો. પછી અટરસનના પ્રશ્નનો જવાબ આપતા બોલ્યો, “મને સારું નથી. સાચું કહું તો હું સાવ ઢીલો પડી ગયો છું. પણ, હવે આ બધું લાંબુ નહીં ચાલે.” જેકિલના અવાજમાં ગમગીની હતી.

“તું આખો દિવસ ઘરમાં ભરાઈ રહે તો એવું જ થાય ને ! દોસ્ત, તારે બહાર નીકળવું જોઈએ. અમારી જેમ વાતાવરણની ખુલ્લી હવાને શ્વાસમાં ભરીશ તો શરીરમાં જોશ આવશે. આ જો, પૂર્ણ સ્વરૂપે ખીલેલી સંધ્યા કેટલી સુંદર દેખાય છે. આ મારો પિતરાઈ એનફિલ્ડ છે. (અટરસને જેકિલને એનફિલ્ડનો પરિચય કરાવવા કહ્યું.) ચાલ, નીચે... ટોપી વગેરે પહેરવું હોય, કપડાં બદલવા હોય તો બદલી લે, પછી આપણે સાથે ચાલવા જઈએ. રાત થવામાં હજુ વાર છે એટલે લાંબો આંટો મારી શકાશે.”

“તારી વાત સાચી છે. આવા વાતાવરણમાં ચાલવાની ખૂબ મજા આવે. એમાંય, તારા જેવા મિત્રનો સાથ હોય તો પૂછવું જ શું ! પણ, એ શક્ય નથી. હું તમારી સાથે આવી શકું તેમ નથી. જોકે, તને મળીને જ આનંદ થઈ ગયો. બીજું, મારે તમને ચા-પાણી માટે પૂછવું જોઈએ, પણ આ જગ્યા મહેમાનગતિ માટે યોગ્ય નથી.”

“ચા-પાણીની કોઈ જરૂર નથી.” અટરસને સૌજન્ય દાખવ્યું. “તું ઉપર ભલે રહ્યો અને અમે નીચે ભલે રહ્યા, મહત્વથી વસ્તુ એ છે કે આવી રીતે પણ આપણે વાતો કરી શકીએ છીએ. યાર, મેં તને કેટલા દિવસે જોયો.”

“હું ય તને આ જ કહેવા માંગતો હતો.” જેકિલે હસીને કહ્યું. પણ, વાક્ય માંડ પૂરું થાય તે પહેલા તો તેના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું અને તેનું સ્થાન ભય અને નિરાશાએ લઈ લીધું. જેકિલના ચહેરા પર આવેલું પરિવર્તન જોઈ નીચે ઊભેલા બંને મિત્રોનું લોહી થીજી ગયું. પણ, તેઓ વધુ કંઈ સમજે કે જુએ તે પહેલા, એક જ સેકન્ડમાં બારી ધડાકાભેર બંધ થઈ ગઈ. તો ય, તેમણે જે જોયું તે તેમને ચોંકાવવા માટે પૂરતું હતું. બે પળ ઊભા રહી, ડઘાયેલા બંને દોસ્ત ચાલતા થયા. એક પણ શબ્દ બોલ્યા વગર તેમણે આખી શેરી વટાવી, બાજુની શેરી વટાવી, અને પછી અટરસને એનફિલ્ડની સામે જોયું. તેમના ચહેરા ફિક્કા પડી ગયા હતા, બંનેની આંખોમાં અજ્ઞાત ભય હતો.

“દયાળુ પરમેશ્વર, સૌની રક્ષા કરજે.” અટરસન બબડ્યો.

એનફિલ્ડ કંઈ પણ બોલ્યા વગર ગંભીર ચહેરે ચાલતો જ રહ્યો.

***

એક સાંજે વાળુ પતાવ્યા પછી, અટરસન ભઠ્ઠી પાસે તાપણું કરતો બેઠો હતો. એવામાં અચાનક પોલ આવી ચડ્યો. તે દોડતો દોડતો આવ્યો હોય તેમ હાંફી રહ્યો હતો.

“શું થયું પોલ ? આ સમયે અહીંયા, સહુ ખેરિયત તો છે ને ?” અટરસને પૂછ્યું. કંઈક અજુગતું બનવાની શંકા સાથે તેના ધબકારા વધી ગયા હતા.

“સાહેબ, નક્કી કંઈક ન થવા જેવું બન્યું છે.” પોલે હાંફતા શ્વરે કહ્યું.

“પહેલા તું બેસીને થોડો શ્વાસ ખાઈ લે. લે આ વાઇન પી.” અટરસને તેને ગ્લાસ ભરી આપ્યો. “જે પણ બન્યું છે તે ગભરાયા વગર સાફ શબ્દોમાં કહી દે.”

“ડૉક્ટર સાહેબ ક્યારના વિચિત્ર રીતે વર્તી રહ્યા છે એ તો તમને ખબર જ છે.”

“હા, તું કહેતો હતો કે તેઓ પોતાની જાતને વારંવાર લેબોરેટરીની ઉપરની કૅબિનમાં બંધ કરી લે છે.”

“ફરીથી તેમણે એવું જ કર્યું છે, પણ આ વખતે નક્કી કંઈક અઘટિત બન્યું છે.”

“એવું તું કઈ રીતે કહી શકે ? વાતને ગોળ ગોળ ફેરવ્યા વિના જેમ છે તેમ કહી આપ.”

“છેલ્લા એક અઠવાડિયાથી હું ભયંકર રીતે ડરી ગયો છું. હવે મારાથી વધુ સહન થતું નથી.” અટરસનની વાતનો જવાબ આપવાના બદલે પોલે અસંબદ્ધ બકવાસ કર્યો. જો કે તેનો હેબતાયેલો ચહેરો સૂચવતો હતો કે કંઈક ભયાનક, ખરાબમાં ખરાબ ઘટનાએ આકાર લીધો છે. તેના વાણી – વર્તનમાં ભય નીતરતો હતો, તે એટલો ડરી ગયો હતો કે આવ્યો ત્યારથી બઘવાયેલા માણસની જેમ ચારે બાજુ જોઈ રહ્યો હતો. “નક્કી કંઈક વિચિત્ર બન્યું છે.” તે બબડ્યો.

“એટલું તો નક્કી છે કે કોઈ બહુ મોટી ગરબડ થઈ છે. નહિતર તું આવા કસમયે અહીં સુધી લાંબો ન થાય. પણ, તું બોલીશ નહીં તો મને ખબર કેવી રીતે પડશે કે શું થયું છે.” અટરસન પોલને હિંમત આપતો હોય તે રીતે બોલ્યો.

“સાહેબ, ત્યાં કૅબિનમાં કોઈ ગંદો ખેલ ખેલાઈ રહ્યો છે.”

હવે અટરસન અકળાયો. “કેવો ગંદો ખેલ ? તું ગંદો ખેલ, ગંદી રમત, અઘટિત ઘટના એવી એકની એક પિપૂડી વગાડ્યા કરીશ કે બીજું પણ કંઈ બોલીશ ?”

“હું નહીં કહી શકું. એના કરતાં તમે જ મારી સાથે ચાલો અને બધું તમારી સગી આંખે જોઈ લો.”

આથી, અટરસન પોતાની જગ્યા પરથી ઊભો થયો. તેણે માથે ટોપી ચડાવી અને ઠંડીથી બચવા ભૂખરો ઓવરકોટ પહેર્યો. અટરસનને પોતાની સાથે આવવા તૈયાર થતો જોઈ પોલના ચહેરા પર રાહત આવી. પછી, તે પાણી પીતો હોય તેમ વાઇનનો ગ્લાસ એક જ ઝાટકે ખાલી કરી ગયો અને ઘરની બહાર નીકળી જેકિલના ઘર તરફ ચાલવા લાગ્યો.

બહાર વાતાવરણ તોફાની બન્યું હતું, ઘટી ગયેલી કે ઘટવા જઈ રહેલી આપત્તિના એંધાણ દર્શાવતી હોય તેમ ઠંડી રાત ભયાનક ભાસતી હતી. હડપચીએ ટકરાતા ઠંડા પવનથી જડબા કકડાટી બોલાવતા હતા. ફિક્કા દેખાતા ચંદ્રની રોશનીમાં ઝાડ આમ તેમ ડોલી રહ્યા હતા, પવન સુસવાટા બોલાવતો હતો અને ઊડતી ધૂળ તથા ભારે અંધકારના કારણે અજીબ ભય પેદા થતો હતો. પવનનું જોર એટલું હતું કે બોલવા જઈએ તો હવામાં ઊડતા રજકણો અને ઘાસના તણખલા મોંમાં ઘૂસી જાય. વળી, લંડનની આ શેરીઓ પર માણસો ન હોય તેવું ક્યારેય ન બનતું, પણ તે રાત્રે આખા રસ્તા પર એક પણ માણસ ન દેખાયો. અટરસનથી બે કદમ આગળ ચાલી રહેલો પોલ ઝડપથી પદ માંડતો હતો, પણ જેકિલનું ઘર નજીક આવતા તે અટક્યો. તેણે ફૂટપાથ પર ઊભા ઊભા જ ટોપી ઉતારી અને ખિસ્સામાંથી રૂમાલ કાઢી કપાળ લૂછ્યું. એ વાત સ્પષ્ટ હતી કે તેણે જે લૂછ્યું તે ઝાકળના બુંદ ન હતા, પણ ભયના કારણે વળી ગયેલો પરસેવો હતો. ઠંડીના કારણે હોય કે ડરના કારણે, તેનો ચહેરો રૂની પૂણી જેવો સફેદ થઈ ગયો હતો. આખરે તે એકદમ ધીમા પણ કઠોર અવાજે બોલ્યો, “સાહેબ, આપણે પહોંચી તો ગયા, પણ બધું સલામત હોય તો સારું.”

અટરસને તેના જીવનમાં આટલો ઉચાટ ક્યારેય ન્હોતો અનુભવ્યો. તેણે આંખો બંધ કરી ઈશ્વર સ્મરણ કર્યું અને પોલે મુખ્ય પ્રવેશદ્વાર ખખડાવ્યો. અંદરથી બીજા નોકરનો અવાજ આવ્યો, “કોણ છે ?”

“અરે હું છું, પોલ.” પોલે કહ્યું અને નોકરે દરવાજો ખોલ્યો.

ક્રમશ :