Mrugjal - 8 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | મૃગજળ - પ્રકરણ - 8

Featured Books
Categories
Share

મૃગજળ - પ્રકરણ - 8

બની શકે એટલું વધુ પ્રદર્શન કરી શકાય એવા કપડાં પહેરી નીલમ ઓફિસમાં દાખલ થઈ, પણ કરણ એના ધ્યાનમાં જ હતો.

"હાય હેન્ડસમ..." નિલમનો રમતિયાળ અવાજ સાંભળી કરણ ઝબકી ગયો.

"આવ નીલમ."

"હમમમમ, થેંક્યું." અશુતોષની ચેરમાં બેસતા એ બોલી.

"એમાં શું થેંક્યું? ઓફીસ અશુતોષની છે એટલે તારી જ કહેવાય."

"હા પણ અત્યારે તો તું બોસ છે અને હું હાથ નીચે કામ કરીશ." ફરી એ હસી.

કરણ વધુ ધ્યાન આપ્યા વગર પોતાનું કામ કરવા લાગ્યો. નીલમ ઘડી ભર ચૂપ રહી પણ એનાથી એમ વધુ બેસાયું નહિ! એ અકળાઈ ઉઠી... આ કરણે મારી બ્યુટીના વખાણ પણ ન કર્યા!!

"કરણ કેમ આમ ઉદાસ છે? શું વિચારે છે? કે પછી વૈભવી વગર નથી ફાવતું?" આંખો ઉલાળતી એ બોલી.

"નીલમ, તું ક્યારે મોટી થઈશ? તને દરેક વાતે મજાક જ સુજે છે?" કરણે ગંભીર થઈ કહ્યું.

"મોટા થઈને શુ લેવાનું? કરણ લાઈફ એકવાર જ મળે જસ્ટ એન્જોય!" ચાલ હવે કઈક ચા જેવું ઓર્ડર કર. એ પણ મારે જ કહેવું પડશે.”

"તું એન્જોય કરી શકે છે કેમ કે તારી પાસે પૈસા, બંગલો, ગાડી છે અમારે બધી બાજુ છેડા સાંધતા જ મહિનો પૂરો થઈ જાય, આ એન્જોય એટલે શું એ અમને મિડલ ક્લાસને ક્યાંથી ખબર હોય!" ટેબલ પરથી ફોન ઉઠાવી રામુની હોટેલ પર નંબર જોડી બે રીંગ વાગવા દઈ રીસીવર મૂકી દેતા એ બોલ્યો.

"કેમ એવી તો શું તકલીફ આવી પડી?" રીસીવર પર આપેલું દબાણ જોઈ નીલમને કરણ કઈક વધારે જ અસ્વસ્થ લાગ્યો.

"તકલીફમાં કઈ ઓછું છે? વૈભવીને પૈસા માટે જ તો નોકરી કરવી પડે છે, નહિતર એની તબિયત જરાય સારી નથી હોતી."

"તને શું લાગે છે કરણ, તકલીફ બસ મિડલ ક્લાસને જ હોય? પૈસાવાળાને તકલીફ ન હોય એમ?"

"ના તને જ જોઇલે ને શુ તકલીફ છે તારે?" કરણે કહ્યું.

"તને આ હસતો ચહેરો દેખાય છે કરણ પણ મારી તકલીફ હું જ જાણું છું." નિલમનો ચહેરો એકાએક ઉતરી ગયો.

"કેમ તારે શુ તકલીફ છે?"

"મને પૂછ્યા વગર જ મારા લગન નક્કી થયા હતા કરણ, મારા મા બાપ પૈસાદાર હતા એટલે મને રિચ ફેમિલીમાં પરણાવી દીધી." નીલમ અંદરની વાત કહી રહી.

"તો શું થઈ ગયું? તું દુઃખી છે? દારૂડિયો છે તારો હસબન્ડ?" કરણે ચિડાઈને કહ્યું.

"ના કરણ દારૂડિયો નથી પણ એ બાપ બની શકે એમ નથી, એણે મારી સાથે લગન બસ દેખાવ પૂરતા જ કર્યા છે બાકી અમે એકેય રાત સાથે નથી વિતાવી. એણે મને પહેલા જ દિવસે કહી દીધું હતું કે એ બાપ બની શકે એમ નથી. અને એટલે હું મા બની શકું એમ નથી." નિલમે સંકોચ વગર જ વાત કહી દીધી.

નીલમની રમતિયાળ નફ્ફટ આંખો પહેલી વાર ઉદાસ જોઈ કરણ એની નજીક ગયો.

"નીલમ, સો સોરી ફોર ધેટ. મને... મને ખબર નહોતી આ બધી." કરણે સહાનુભૂતિ આપતા રડતી નિલમને ગળે લગાવી દીધી.

"હું... હું ખોટો જ તારા ઉપર એટલો ભડક્યો, મને માફ કરજે નીલમ..." કરણે પોતાની ભૂલ ઉપર અફસોસ કર્યો.

નીલમ એને વળગી જ પડી. "કરણ.... કરણ...." એ બોલી રહી, "તું મને ગમતો હતો પણ વૈભવીએ મને ક્યારેય મોકો જ ન આપયો. એ મારી પહેલા જ તારી સાથે જોડાઈ ગઈ.... તું હજુ મને મા બનાવી શકે...."

હ્ર્દય ઉપર મોટો પથ્થર વાગ્યો હોય એમ કરણ નીલમથી છૂટો પડી ગયો, બે ડગલાં પાછળ ભરી એ નિલમને જોઈ રહ્યો...

"આ તું શું બોલે છે નીલમ? તને કોઈ ભાન છે?” ભારોભાર ગુસ્સા સાથે કરણ બોલ્યો.

"તો શું કરું? કોઈ પુરુષને એવી સ્ત્રી મળે તો એ તો હોટેલમાં જઈ ચડે, હું ક્યાં જાઉં? શુ ગેસ્ટ હાઉસમાં જાઉં? સેક્સ વર્કર પાસે જાઉં? છ છ મહિનાથી મારા લગન થયા છે અને હું હજી કુંવારી જ છું....." કહેતી નીલમ આવેશમાં ધસી આવી.

"કરણ... તું કેવો નસીલો છે? આ તારી આંખો, ચહેરો અને આખે આખો તું જ...." નીલમ ફરી એને વળગી પડી..

"નીલમ...." કરણે એને દુર હડસેલી એક તમાચો લગાવી દીધો... કાઈ કહેવા બોલવા જેવું રહ્યું જ નહોતું...

એક જ પળમાં બધો આવેશ ઉતરી ગયો હોય એમ કરણના એક જ તમાચે નીલમ સોફામાં જઇને પડી. પોતાના ગાલ ઉપર હાથ પંપાળતી એ ત્યાં જ બેસી રહી. એના શ્વાસ ફૂલી ગયા હતા.

"તું... તું જો અશુતોષની બહેન ન હોત તો હું તારું ગળું દબાવી દોત નીલમ. તને શું ખબર પ્રેમ એટલે શું..." ટેબલ ઉપર જોરથી લાત મારી કરણે ચાવી ઉઠાવી લીધી.

"સારું જ થયું કે તારે બાળક નથી નહિતર તને મા કહેતા પણ એ શરમાઓત..!!" ફરી ચેરને લાત મારી કરણ દરવાજો પછાડી ઓફીસ બહાર નીકળી ગયો.

અરે આ મેં શું કર્યું?? નીલમ ઢગલો થઈ એમ જ પડી રહી... બસ મારા એક આવેશ ખાતર મેં કરણને.... એ વૈભવીને કેટલો પ્રેમ કરે છે! એ જાણતી હતી છતાં હું એને......

બંને હાથ મોઢા પર મૂકી નીલમ ખુલ્લા મોએ રડી પડી..... જો કરણ આ બધું વૈભવીને કહેશે તો એ શું સમજશે? તે પૈસા આપીને અહેસાન કર્યું એટલે મારા કરણને..... વૈભવી મને ક્યારેય માફ નહી કરે... ક્યારેય નહી...!!

એ રડતી જ રહી....!!

*

મમ્મી સાથે થોડી વાતો કરી રાહત મેળવી વૈભવી નીકળી પડી. નર્મદા બહેન સમજી ન શક્યા કે એ કેમ આવી અને કેમ એકાએક ચાલી ગઈ. એમણે વિચાર્યું કે કદાચ કરણ સાથે બોલાચાલી થઈ હશે એટલે આવી હશે, મને જોઈ મન શાંત થયું હશે એટલે વાત જ નહી કરી હોય. સ્ત્રી સહજ રીતે નર્મદા બહેને એવી ધારણા કરી લીધી.

સાંજના પાંચ થઈ ગયા હતા. વૈભવીને યાદ આવ્યું કે કરણ એને લેવા જશે અને પોતે નહિ મળે તો એ ઓફિસમાં જઇ પૂછ પરછ કરશે તો પોતે ચાલી ગઈ છે એ ખબર પડી જશે. કદાચ ભોળી નિતા કરણને કહી પણ દે કે વૈભવી ગુસ્સે થઈ ઓફિસમાંથી ચાલી ગઈ છે તો કરણ મને પૂછશે હું શું જવાબ આપીશ? એ વિચાર આવતા જ પર્સમાંથી ફોન નીકાળી કરણનો નંબર જોડ્યો.

"હા બોલ."

"કરણ, મારી તબિયત સારી નથી એટલે હું આજે ઘરે જઉં છું તું મને લેવા ન આવતો, સીધો ઘરે જ આવજે."

"અરે હું તો ઘરે જ છું વૈભવી, ચાલ તને લેવા આવું ત્યાં જ ઉભી રહે."

વૈભવી ગભરાઈ ગઈ. જો કરણ લેવા જાય તો એ ત્યાં જાય હું તો અહીં છું મમ્મીના ઘરથી નીકળી છું. રોડ પર ટેક્સી પર નજર પડતા એને સુજી આવ્યું.

"ના ના કરણ, હું તો ટેક્સીમાં બેસી ગઈ છું, અને તું કેમ ઘરે આવી ગયો?"

"આજે બધું કામ વહેલું જ પૂરું થઈ ગયું, આશુ બહાર ગયો છે અને ધવલની તબિયત સારી નહોતી. એ ઘરે ગયો એટલે હું પણ ઘરે આવી ગયો."

"સારું, હું આવું છું, બાય." વૈભવીએ ફોન મૂકી દીધો. હાથ કરી ટેક્સી રોકી. ઝડપથી ટેક્સી લેવાનું કહી એ વિચારતી રહી.

*

જ્યારે ટેક્સી ઉભી રહી અને એ ઉતરી ત્યારે એને ચક્કર આવતા હતા. ઘર સુધી જતા જતા એ જાણે વર્ષોથી બીમાર હોય એમ એના પગ લથડવા લાગ્યા. પેલી તસ્વીર, કરણ.

ધ્રુજતા હાથે ડોરબેલ વગાડી પણ જેવો કરણે દરવાજો ખોલ્યો કે કરણના ચહેરાને બદલે ગિરીશનો ચહેરો દેખાયો! એ ચક્કર આવીને ફસડાઈ પડી.

"વૈભવી..!!" એક ચીસ સાથે કરણે એને ઊંચકી, દરવાજો એમ જ ખુલ્લો મુકીને એ ગળીના બીજા છેડે ભાગ્યો. એક ટેક્સી રોકી. હોસ્પીટલ તરફ ટેક્સી લેવરાવી અધ્ધર શ્વાશે હોસ્પીટલ પહોંચવાની રાહ જોઈ રહ્યો.

*

ડો. નિરંજન ભગતની હોસ્પીટલની લોબીમાં ચક્કર મારતો કરણ ગભરાઈ ઉઠ્યો હતો. અંદરથી ડોકટર આવશે, શુ કહેશે? વૈભવીને શુ બીમારી હશે? એ અકળાઈ ઉઠ્યો!

બંધ દરવાજા તરફ એની નજર સતત મંડાઈ રહી હતી ત્યાં દરવાજો ખુલ્યો. ડોક્ટર નિરંજનને જોતા જ એણે તરત પૂછ્યું.

"ડોકટર, શુ થયું છે?" એના અવાજમાં એનો ભય સ્પષ્ટ હતો.

"ચિંતાનો કોઈ વિષય નથી મી. કરણ." ડોકટરે કહ્યું, "મારી ચેમ્બરમાં આવો.”

"પણ ડોકટર, વૈભવી?"

"એ આરામથી ઊંઘી છે."

ડોકટરના ચહેરા પરનું હળવું સ્મિત કરણને થોડી હિંમત આપી શક્યું. એ ડોક્ટરની પાછળ એની કેબિનમાં ગયો.

"મી. કરણ, તમારી વાઈફ સ્ટ્રેસમાં છે બીજું કાંઈ નથી." ડોકટરે ઈશારો કરી કરણને બેસવા કહ્યું.

"પણ ડોકટર, એ મારી સાથે લગન કરીને ખુશ હતી, એને શાનો સ્ટ્રેશ હોય?"

"તમારા લગ્ન ક્યારે થયા?"

"ત્રણેક મહિના પહેલા જ."

"એ પહેલાં એ સ્ટ્રેસમાં હતી?" ડોકટરે કાગળ અને પેન લઇ ઘુમાવી.

"ના ડોકટર, વૈભવી આમ ગંભીર અને પ્રેક્ટિકલ હતી, સમજુ હતી પણ એ આવા કોઈ સ્ટ્રેસમાં નહોતી."

"મી. કરણ, સોરી ફોર ધેટ પણ વૈભવિના ભૂતકાળમાં કોઈ પુરુષ...."

એ સવાલ કોઈ બીજી વ્યક્તિએ કર્યો હોત તો કરણે એનો કોલર પકડી લીધો હોત પણ ડોક્ટર માટે બધા જ સવાલ વ્યાજબી હોય છે એ કરણ જાણતો હતો.

"ના ડોકટર, વૈભવી સ્પષ્ટ છે. એના ભૂતકાળમાં કોઈ સાથે સબંધ ન હોઈ શકે." કરણે મક્કમતાથી કહ્યું.

"વેલ, મી. કરણ તો પછી એના બાળપણમાં એવી કોઈ ઘટના બની હોય જેના એને સપના આવતા હોય, અથવા ભવિષ્યમાં કોઈ બાબતનો એને સતત ડર રહેતો એવું કોઈ કારણ હોવું જ જોઈએ, કેમ કે તમે કહો છો કે તમારા વચ્ચે કોઈ અણબનાવ તો છે જ નહીં તો એ સિવાય બીજું કોઈ કારણ ન હોઈ શકે."

"મને પણ એજ નથી સમજાતું, એ રાત્રે ઝબકીને જાગી જાય છે, અને જ્યારે એકલી હોય એ કોઈ વિચારોમાં ખોવાયેલી જ હોય છે એનો ચહેરો સાવ પડી ગયેલો, ઉદાસ હોય છે, એ મને કાઈ કહેતી જ નથી." કરણ સાવ ઢીલો થઈ ગયો.

"ધેટ્સ ઇટ મી. કરણ, એ તમને કોઈ વાત કહી નથી શકતી બસ એ જ કારણ છે એના આ સ્ટ્રેસનું. દેખો માણસ પોતાનું દુઃખ, ચિંતા કોઈને કહી ન શકે ત્યારે એ વાત મનમાંને મનમાં ફર્યા કરે અને એ પછી આ રૂપ ધારણ કરે, વૈભવીને પણ એવું જ થયું છે." ડોકટરે પેન ટેબલ પર મૂકી.

"તો હવે શું ડોકટર? આ બીમારીનો કોઈ તો ઈલાજ હશે ને?" અશાભરી નજરે કરણ ડોકટરનો ચહેરો જોઈ રહ્યો.

"એ પોતાનું મન ખોલી શકે તો જ એ બધા વિચાર બહાર આવશે અને એનું મન શાંત થશે. એને સામાન્ય ભાષામાં વિચાર વાયુ કહેવાય છે."

"ઓકે, ડોકટર હું હવે એ પ્રયત્ન કરીશ, અને તમારો ચાર્જ?"

ડોકટરે રકમ બોલવાને બદલે બિલ આપ્યું, "મી. કરણ કાલે બપોર સુધી અહીં જ રહેવું પડશે અને હા બહારનું કઈ ખાવાનું ન આપતા." કહી ડોકટર કેબિન છોડી ગયા.

કરણ વૈભવીના બેડ પાસે જઈ એના ઉદાસ ચહેરાને જોઈ રહ્યો. બંધ આંખોમાંથી આંસુ સરી એના ગાલ ઉપર વહી જતા જોઈ રહ્યો. હાથથી એ આંસુ લૂછયા, વૈભવીએ આંખો ખોલી..

"કરણ...." કહેતી એ રડી પડી.

"વૈભવી, પ્લીઝ હવે તારી જાતને વધારે તકલીફ ન આપ, તું આરામ કર હું જમવાનું લઈ આવું."

કરણ બહાર નીકળી ગયો. બાંકડા પર બેસતા ખુલ્લા મોંએ રડી પડ્યો... નર્મદા બહેનને કહું ટિફિન માટે? ના ના, એમ અચાનક હોસ્પિટલ આવવાનું કહું તો એમને ધ્રાસકો લાગશે, આગળ પણ એક વાર એમને એટેક આવી ગયું છે.

હાથમાં મોબાઈલ ફેરવતો એ વિચારતો રહ્યો. ઘરનું... મને તો બનાવતા આવડતું નથી કોને ત્યાં જાઉં? નીલમ... હા નીલમને કહું ટિફિન લઈ આવવા... પણ એને કઈ રીતે કહું? એને તો મેં શુ શુ નથી કહ્યું...!! પણ બીજા તો કોને કહું? નીલમ કઈ કહેશે તો સાંભળી લઈશ બે શબ્દો.. આખરે એણે નીલમને જ ફોન લગાવ્યો.

"હેલો નીલમ..." ધીમા અવાજે એ બોલી શક્યો.

"બોલ કરણ." નીલમ જાણે કાઈ બન્યું જ ન હોય એમ બોલી.

"નીલમ, વૈભવી હોસ્પિટલમાં છે અને ડોકટરે બહારનું...."

"પણ થયું શુ છે? કાલે તો અચ્છી ભલી હતી."

"થયું કઈ નથી બસ એ સ્ટ્રેસમાં છે, ડોકટરે કહ્યું છે ચિંતા કરવા જેવું કંઈ નથી. બસ એને બહારનું ખાવાની ડોકટરે ના કહી છે એટલે મેં તને...."

"ઓકે, હું આવું છું બસ તરત જ આવું છું." નીલમ જાણે બધું સમજી ગઈ હોય એમ કહ્યું.

કરણે નિરાંતનો દમ લીધો. મારે નિલમને એટલું બધું નહોતું કહેવું જોઈતું. કરણ નિલમને કહેલા શબ્દો પર અફસોસ કરવા લાગ્યો. મારે એને બીજી રીતે સમજાવવી જોઈએ, પણ મેં તો એને.... ખેર હમણાં આવશે એટલે માફી માંગી લઈશ. નિરાંત થતા કરણે દીવાલે માથું ટેકવી આંખો બંધ કરી લીધી...

*

"કરણ... મને તારો સાથ મળ્યો એ મારા જીવનની સૌથી મોટી સિદ્ધિ છે." વૈભવીએ કહ્યું.

"મારી પણ..." કરણે એને ગળે લગાવતા કહ્યું.

"કરણ તું મને ક્યારેય મારા ભૂતકાળ વિશે ન પૂછતો, હું બસ તારી સાથે હવે મારો વર્તમાન જીવવા માંગુ છું." જુહુના દરિયાકિનારે ઊડતો પવન વૈભવીના વાળની લટ ઉડાવતો હતો.

"કરણ....."

"કરણ......"

નિલમે એનો હાથ પકડી દબાવ્યો.

કરણ ઝબકીને જાગી ગયો... લોબીના સામેના છેડેથી એક બારી ખડખડતી હતી, ઠંડો પવન આવીને એના રેશમી વાળ ઉડાવતો હતો.

"શુ થયું કરણ?" નીલમે પૂછ્યું.

"કઈ નહિ, તું જા અંદર અને હા એને કહેજે મેં બહાર ખાઈ લીધું." કરણ હજુ ઉદાસ હતો.

નીલમ અંદર ગઈ એટલે કરણે ફોન ઉઠાવ્યો. નયનનો નંબર જોડ્યો અને એને પૈસા લઈ હોસ્પિટલ આવવા કહ્યું. ફરી એ એમ જ આંખો બંધ કરી બેસી રહ્યો.

નયન આવ્યો ત્યારે પણ એ વૈભવી સાથે વિતાવેલ કોલેજના દિવસોમાં ખોવાયેલો જ હતો.

જે થયું એ બધું નયને કહ્યું, નયન પણ વિચારતો રહ્યો. ત્યાં નીલમ બહાર આવી.

"કરણ, તું પણ જમી લેજે પ્લીઝ, હું સવારે આવી જઈશ વહેલી, હવે હું જાઉં છું." નીચું જોઈ એ બધું બોલી ચાલવા લાગી.

"નીલમ, મોડું થયું છે હું તને મૂકી જાઉં." કહી કરણ એની પાછળ ગયો. પણ નિલમે જાણે સાંભળ્યું જ ન હોય એમ ચાલતી રહી. એ કરણને અલગ બોલાવી કઈક કહેવા માંગતી હતી.

નીલમ સડસડાટ હોસ્પિટલ બહાર નીકળી ગઈ. હોસ્પિટલ બહાર એ ઉભી રહી.

"કરણ મને માફ કરજે, જે થયું એ બધું ભૂલી જજે."

"માફી તો મારે માંગવી જોઈએ નીલમ, એટલું બધું કહ્યા - સંભળાવ્યા પછી પણ તું...."

"એ મારી ફરજ છે." નિલમે હસીને કહ્યું, "એક્ચ્યુલી મારી ગાડી ઘરે નહોતી એટલે ટેક્સીમાં આવી છું પણ ડોન્ટ વરી હું એકલી ચાલી જઈશ. અત્યારે વૈભવીને તારી જરૂર છે."

"ઓકે સાચવીને જજે..." કહી કરણ પાછો ફર્યો.

એકાએક નીલમનું બદલાયેલું વર્તન ઘડીભર તો કરણને સમજાયું નહી. પણ નીલમ દિલની ખરાબ નહોતી, જે થયું એ આવેશમાં થયું, એને એની ભૂલ સમજાઈ ગઈ હશે એમ વિચારી કરણે એ વિચાર મનમાંથી ફગાવી દીધો.

નયન પણ ત્યાં ઉદાસ બેઠો હતો. એને જોઈ કરણે કહ્યું, "કાઈ ચિંતા જેવું નથી, તું બેસ હું એને દવા આપીને આવું."

નયને કાઈ કહ્યા વગર જ હકારમાં માથું હલાવ્યું. કરણ અંદર ગયો ત્યાં જ એનો ફોન રણક્યો... નયને ફોન લીધો..

"કરણ, હું દિપક."

"દિપક તું કેટલા નંબર બદલીશ?" નયને ફોન ઉઠાવતા જ કહ્યું.

"નયન? કરણ ક્યાં છે?" દીપકનો અવાજ ગંભીર હતો. કરણનો મોબાઈલ રાત્રે નયન જોડે હોય એ વાત એને અજુગતી લાગી હોય એમ એણે સવાલ કર્યા.

"એ બાથરૂમ ગયો છે."

"પણ તું આમ નરમ કેમ બોલે છે? સાચું કહે શુ થયું છે? રાત્રે અગિયાર વાગ્યે કરણનો ફોન તારી પાસે ક્યાંથી આવ્યો? તું રાત્રે ત્યાં શુ કરે છે? કરણ ક્યાં છે? શું થયું બોલ નયન..." એના અવાજમાં કરણ માટેનો પ્રેમ ચિંતા ભારોભાર વર્તાતી હતી.

"ભાઈ ધીમે..." નયને હસવાનો પ્રયત્ન કર્યો, "તું આમ જાસૂસની જેમ પ્રશ્નો પૂછે છે જાણે હું કિલર છું..." ફરી નયન હસ્યો.

"જો દિપક, હું કરણને ત્યાં રોજ બાજી રમવા આવું છું યાર, તું ગયા પછી હવે મારુ એમ પણ અહીં કોણ છે, એટલે કરણ જોડે આવું છું."

"ઓકે તો કરણને ફોન આપ મને વાત કરાવ પછી જ મને શાંતિ થશે."

"મારા ઉપર ભરોસો નથી તને દિપક?"

"ભરોશો છે નયન, તારા માટે જીવ આપી દઉં પણ ભાઈ અલગ દોસ્તી અલગ." દીપક સ્પસ્ટ બોલતો હતો.

"હા દોસ્ત, દોસ્તી અલગ ભાઈ અલગ... એક મિનિટ આપું કરણને." કહી નયન અંદર ગયો, કરણને ઈશારો કરી બહાર બોલાવ્યો.

"દિપક." ફોન હાથમાં લેતા જ કરણ પોતાની નારાજગી બતાવવા લાગ્યો, "તારું કોઈ એડ્રેસ, કોઈ નંબર છે? મારે જરૂર હોય તો શું તારા ફોનની રાહ જોવાની? તું આ બધા ધંધા શુ કામ કરે છે દિપક? તું અહીં આવીને શાંતિથી જીવતો કેમ નથી? એ ગુંડાઓ સાથે એક દિવસ અમે...." એક સાથે કરણ બોલી ગયો.

"કરણ, મારા ભાઈ, માફ કરજે પણ હું અત્યારે તને કહી શકું એમ નથી એ બધું સમય આવશે ત્યારે હું તને કહીશ. અને તું મારી જરાય ચિંતા ન કર એક દિવસ તું તારા આ ગુંડા ભાઈ પર ગર્વ કરીશ."

કરણે ફોન કાપી દીધો. એને કોઈ વાતમાં રસ જ ન હોય જાણે! બાંકડા પર ફરી ફસડાઈ પડ્યો.

"નયન, આ દીપકને કેમ સમજાવું? એને હવે એ બધું કરવાની શી જરૂર છે? તું એને સમજાવતો કેમ નથી? એ ક્યાં રહે છે? શું કરે છે? આ રોજ રોજ બધા નંબર બદલવા, ઘરથી દૂર રહેવું, આ બધું શુ છે? એને મારી કોઈ ફિકર છે જ નહીં!!"

"ના કરણ, એ ભલે ગમે તે કામ કરે પણ એને તારી ફિકર નથી એ વાત હું જરાય સ્વીકારી લેવા તૈયાર નથી." નયને મક્કમતાથી કહ્યું પણ કરણ ચૂપ રહ્યો.

"કરણ, તું નાનો હતો, આવડોક, ત્યારે તારો જન્મ દિવસ મનાવવા માટે મેં અને દીપકે ચોરી કરી હતી. પહેલી જ વાર, અને તારો જન્મ દિવસ મનાવ્યો હતો."

"પણ હવે એ બધું કરવાની શુ જરૂર છે નયન?" કરણે એ જ ઉદાસ ઉદા સ્વરે કહ્યું, "હવે એ લગન કરી લે, અહીં આપણી સાથે રહે તો શું થાય? મને લાગે છે એને મરાથી કોઈ પ્રેમ લાગણી છે જ નહી. એને ઘર પરિવાર સાથે કોઈ લાગણીઓ જ નથી.."

"કરણ..." એકાએક નયનનો અવાજ કડક થઇ ગયો, "આ તું શું બોલે છે કરણ? તને ખબર નથી દીપકે તને ભણાવવા શુ શુ કર્યું છે. તું એના માટે કેટલો અજિજ છે એ મને ખબર છે."

કરણ કાઈ બોલ્યો નહી. એ રાત્રે મોડા સુધી નયન કરણને બાળપણની દીપકની વાત કરતો રહ્યો, પણ તે છતાં કરણની દિપક માટેની નારાજગી અકબંધ જ રહી.

( ક્રમશ: )

***