Sarkhamani in Gujarati Short Stories by Chaudhari sandhya books and stories PDF | સરખામણી...

Featured Books
Categories
Share

સરખામણી...



"પ્યાર Impossible ભાગ ૧ થી ૧૪ " પ્રેમકથા વાંચનારા તમામ વાંચકમિત્રોનો તથા રેટિંગ્સ આપીને મારો ઉત્સાહ વધાર્યો એ માટે તમામ વાંચકમિત્રોનો ખૂબ ખૂબ આભાર...?

☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆




નિયતી શ્રીમંત પરિવારની દીકરી. નિયતી સુંદર, સ્માર્ટ અને મળતાવડી સ્વભાવની. ઘરમાં નિયતીના લગ્નની વાત ચાલી રહી હતી. આકાશ અને એનો પરિવાર આજે નિયતીને જોવા આવવાના હતા. દિકરીને જોવા આવવાના છે એટલે નાસ્તાની અને બીજી તૈયારી કરવાની હતી માટે રમાબહેને મદદ માટે પાડોશમા રહેતા ગીતાબહેન અને તેમની દીકરી કાવ્યાને બોલાવ્યા હતા. નિયતી અને કાવ્યા વચ્ચે ગાઢ મિત્રતા. કાવ્યાને પણ નિયતીને ત્યાં આવવાની ઈચ્છા થઈ. પરંતુ કાવ્યાને જોબ માટેના ઈન્ટરવ્યુમાં જવાનું હતું એટલે ગીતાબહેન જ આવ્યા હતા. 

આકાશ અને આકાશના મમ્મી પપ્પા અને મધ્યસ્થી કરાવનાર શાંતિલાલભાઈ આવી પહોંચ્યા. આકાશ પણ સુખ સમૃધ્ધ પરિવારનો હતો. નિયતી બધા માટે ચા લઈને આવે છે. ટોલ અને હેન્ડસમ આકાશ નિયતીને ગમી જાય છે. ચા-નાસ્તો કરી બધા છૂટા પડે છે. ગીતાબહેન રમાબહેનને કહી રહ્યાં હતા કે છોકરો બહુ સારો છે. એમની જો હા હોય તો જરાય વિલંબ કર્યા વિના હા પાડી દેજો.

સાંજે રમાબહેન પર શાંતિલાલભાઈનો ફોન આવે છે કે આકાશ અને એના પરિવારને નિયતી ગમે છે. આકાશ જેવા છોકરાને ના પાડવાનું કોઈ કારણ ન હતું. નિયતીને એમ કે મમ્મી હા જ પાડી દેશે. પરંતુ રમાબહેને કોઈ બહાનું કરીને ના પાડી દીધી ત્યારે નિયતીને ખૂબ આશ્ચર્ય થયું. એને સમજમાં નહોતું આવતું કે મમ્મીએ શું કરવા ના પાડી..? નિયતીએ પછી આ વિશે વધારે ન વિચાર્યું.

ગીતાબહેનને જાણ થઈ કે રમાબહેને આકાશ માટે ના પાડી છે એટલે ગીતાબહેને પોતાની દિકરી કાવ્યા માટે આકાશને પસંદ કર્યો. આ વિશે ગીતાબહેને રમાબહેનને જણાવ્યું. રમાબહેને શાંતિલાલભાઈ સાથે ફોન પર વાત કરી. ક્યારે અને કેટલા વાગે આવશે તે બધું નકકી થઈ ગયું.

રવિવારના દિવસે આકાશ અને એની ફેમિલી ગીતાબહેનના ઘરે પહોંચી ગઈ. ચા-નાસ્તો લઈને કાવ્યા આવે છે. રસોડામાંથી નિયતી બધું જોઈ રહી હતી અને મનોમન કાવ્યા સાથે પોતાની સરખામણી કરી રહી હતી. હું પણ કાવ્યા જેટલી જ સુંદર છું. જો કે એ કાવ્યા માટે ખુશ હતી. આકાશ જેવું જ કોઈક સ્માર્ટ અને હેન્ડસમ પાત્ર મને મળી જશે એમ નિયતીને લાગતું હતું.

થોડા દિવસ પછી વત્સલ અને એનો પરિવાર નિયતીને જોવા આવે છે. વત્સલ મધ્યમ વર્ગના પરિવાનો હતો. નિયતી ચા-નાસ્તો લઈને આવે છે. વત્સલને જોઈને નિયતીને થોડું આશ્ચર્ય થયું કારણ કે નિયતીને વત્સલ સામાન્ય લાગ્યો. સાદા કપડા પહેર્યા હતા. નિયતીથી અનાયાસે જ આકાશ અને વત્સલની સરખામણી થઈ ગઈ. ક્યાં આકાશ અને ક્યાં આ વત્સલ ! આકાશ ટોલ,હેન્ડસમ અને સ્માર્ટ. જ્યારે વત્સલ તો....! નિયતી આકાશ સાથે વત્સલની સરખામણી ન કરી શકી. સરખામણી કરવા જેવું કશું હતું જ નહી. આકાશની એક પણ ક્વોલીટી નિયતીને વત્સલમાં દેખાઈ નહિ. આ પરિવારે નિયતીને પસંદ કરી લીધી હતી.

સાંજે વત્સલના મમ્મીનો ફોન આવ્યો કે નિયતી અમને ગમે છે. રમાબહેને પણ હા કહી. નિયતીને તો આ સાંભળતા જ ઝટકો લાગ્યો. જેને હા કહેવા જેવું હતું તેને ના કહી અને જેને ના કહેવાનું હતું તેને હા કહી દીધી. નિયતી મનમાં ને મનમાં સમસમી ઉઠી. 

આખરે નિયતીના વત્સલ સાથે તથા કાવ્યાના આકાશ સાથે લગ્ન થયા. નિયતી અને કાવ્યા વારે-તહેવારે કે કોઈ પ્રસંગોસર પિયર આવતી ત્યારે બંને સખીઓ મળતી અને અલક-મલકની વાતો થતી. આકાશ સાથે લૉંગ ડ્રાઈવ પર તો ક્યારેક પાર્ટીઓમાં જતા અને મોટા મોલ્સમાંથી શોપીંગ,જ્વેલરી,મોંઘા કપડાંનો ઢગલો થઈ જતો આ વાત કરતી કાવ્યા ઈતરાતી રહેતી.
અને કાવ્યાના ચહેરા પર એક અભિમાનની આછી લહેરખી ફરી વળતી. એ અભિમાનની આછી લહેરખી વાળા કાવ્યાના ચહેરાને નિયતી જોઈ રહેતી. ત્યારે નિયતી જાણ્યે અજાણ્યે કાવ્યાના જીવન સાથે પોતાના જીવનની સરખામણી કરતી રહેતી. આકાશ સફળ બિઝનેસમેન હતો જ્યારે વત્સલની સામાન્ય નોકરી હતી. 

કોઈક વખત નાની મોટી પાર્ટીમાં જવાનું થાય તો નિયતી એકલી જતી રહેતી. વત્સલને ફેશનવાળા કપડા પહેરી જતી નિયતીનું પાર્ટીમાં જવું નહોતું ગમતું તે નિયતી સારી રીતે જાણતી હતી. જ્યારે પણ નિયતી પાર્ટીમાં હોય ત્યારે વત્સલ બે-ત્રણ વખત ફોન કરતો અને પાર્ટી પૂરી થતા નિયતી બહાર આવે ત્યારે વત્સલ એની રાહ જોતો ઉભો જ હોય છે. નિયતીને લાગ્યું કે વત્સલ મારા પર નજર રાખે છે કે હું શું કરું છું? ક્યાં જાવ છું? કોને મળું છું?

નિયતી પિયર આવી હતી. ત્યારે કાવ્યા નિયતીને આમંત્રણ આપવા આવે છે કે ઘરે બિઝનેસની નાની પાર્ટી રાખી છે. હંમેશા પાર્ટી અને ફરવાની વાતો કરતી રહેતી કાવ્યા નિયતીને આજે થોડી ઉદાસ લાગી. જો કે કાવ્યા હસીને જ વાત કરતી હતી પરંતુ આજની હસી એને દંભી લાગી. નિયતીએ પૂછ્યું પણ કે શું થયું ? પણ કાવ્યાએ બહાનું બતાવી દીધું. કાવ્યા એની બેસ્ટ ફ્રેન્ડ હતી એટલે નિયતીએ નક્કી કરી લીધું હતું કે એના દુઃખનું કારણ જાણીને જ રહીશ અને એ દુઃખમાંથી એને બહાર કાઢીશ. એટલે થોડી વાર પછી નિયતીએ કહ્યું કે સાચી વાત શું છે તે મને કહે. કાવ્યા નિયતીનો સામનો ન કરી શકી અને ત્યાંથી જતી રહી. 

નિયતી એની બે-ત્રણ ફ્રેન્ડસ સાથે થોડી વહેલા આવી ગઈ હતી. હજી પાર્ટી શરૂ નહોતી થઈ. બહુ ઓછા લોકો હતા. નિયતી ફ્રેન્ડસ સાથે વાતો કરવામાં મશગૂલ હતી. એટલામાં નિયતીનું ધ્યાન એ વાત પર જાય છે કે ત્રણ જણ એને વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા. નિયતી ઈન્સિક્યોર ફીલ (અસલામતીની લાગણી અનુભવે છે) કરે છે. પાર્ટીમાં ધીરે ધીરે બધા મહેમાનો આવવા લાગે છે. 

આકાશ એના બે-ચાર ફ્રેન્ડસ સાથે વાતો કરી રહ્યો હતો. કાવ્યા પણ ત્યાં જ હતી. નિયતીનું ધ્યાન આકાશ અને કાવ્યા પર હોય છે. નિયતી આકાશ અને કાવ્યા પાસે જતી હોય છે. પરંતુ અચાનક આકાશ કાવ્યાને એક ખૂણામાં લઈ જાય છે અને કાવ્યાને કંઈક સમજાવે છે. કાવ્યા કે આકાશનું ધ્યાન નહોતું કે નિયતી આ તરફ જ આવે છે. નિયતીના કાને આકાશના શબ્દો અથડાય છે. 

"જો કાવ્યા, મારા ફ્રેન્ડસ બસ તારી સાથે થોડી વાત કરવા માંગે છે. મારા ફ્રેન્ડસ સાથે હસી ખૂશીથી વાત કરી લઈશ તો તારું કંઈ લૂંટાઈ નથી જવાનું ! અને બિઝનેસને ફાયદાકારક થશે." 

" આકાશ, તમારા ફ્રેન્ડસ મને વિચિત્ર નજરોથી જુએ છે. અને મારા પર કેવી કેવી કોમેન્ટ કરે છે એ તમે જાણો છો? " કાવ્યાએ કહ્યું

" જો કાવ્યા આજના સમયમાં આ બધું નોર્મલ છે. આવું તો ચાલ્યા કરે." આકાશને જાણે કે કંઈ ફરક જ ન પડતો હોય એમ ઠંડા ભાવે કહીને ત્યાંથી ચાલ્યો જાય છે. કાવ્યાની આંખોમાં આંસુ આવી જાય છે. 

આ સંવાદ સાંભળતા જ નિયતીના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઈ ને એ ત્યાં જ થંભી ગઈ. એના મનમાં વિચારો ચાલવા લાગ્યા. થોડી ક્ષણો પહેલા જ " પેલી તાકી રહેલી વિચિત્ર નજર" નો અનુભવ તથા આકાશ-કાવ્યાના સંવાદો..! નિયતી ભીતરથી ધ્રુજી ગઈ. થોડીવાર પછી સ્વસ્થ થઈ. તો પછી કાવ્યા કેમ કેમ રહેતી હશે આકાશ સાથે ? એક પત્નીને પતિ પાસેથી વિશ્વાસે શ્વાસ લઈ શકે એવી લાગણી, સુરક્ષિતતાનો અહેસાસ, સલામતીની હૂંફ જોઈતી હોય છે. કાવ્યા પર શું વીતતું હશે? નિયતી તો કલ્પના જ ન કરી શકી. આ પાર્ટીમાં હવે એને ગૂંગળામણ થવા લાગી હતી. ઝડપથી નીકળી જવા એણે પગ ઉપાડ્યા. પરંતુ કાવ્યાને અહીં એકલીને મૂકી જતા એનો જીવ ન ચાલ્યો. ખૂણામાં ઉભી મૂંગી મૂંગી આંસુ સારતી કાવ્યા ત્યાં જ ઉભી હતી. 

નિયતી ત્યાં જાય છે. પોતાના જ દુઃખમાં ખોવાયેલી કાવ્યાને ખ્યાલ જ ન આવ્યો કે નિયતી ક્યારે આવી તે. કાવ્યા કંઈક કહેવા જાય એ પહેલા જ નિયતિ કાવ્યાને કહે છે કે 
" આંસુ સારવાનો કોઈ અર્થ નથી. મે તારી અને આકાશની વાત સાંભળી લીધી છે. હવે આ ઘરમાં રહેવાનો કોઈ અર્થ નથી હવે. તું ચાલ મારી સાથે. "

"લગ્નજીવનના બંધનના વમળમાંથી પાછી નીકળી ન શકું. ધારો કે નીકળવાની કોશિશ કરુ તો પણ મારી સામે અનેક સવાલો ઉભા થશે. સમાજ શું કહેશે ? હું ક્યાં જઈશ ? શું કરીશ ? બહુ મોડું થઈ ગયું છે. લગ્નજીવનને નિભાવવું જ રહ્યું." કાવ્યાએ કહ્યું.

"તું એકવાર હિંમત તો કર. રસ્તાઓ આપોઆપ ખુલી જશે. ને આ સમાજના કહેવાતા ખોખલા નિયમો તો મારે પલ્લે પળતા (સમજાતા નથી) જ નથી." નિયતીએ આત્મવિશ્વાસ અને મક્કમતાથી કહ્યું.

થોડી ક્ષણો તો કાવ્યા પૂતળાની જેમ નિયતીને જોઈ રહી પછી એનામાં થોડી હિંમત આવી. કંઈક વિચાર્યું ને ચહેરા પર ચમક આવી ગઈ.

કાવ્યાએ નિયતીને કહ્યું કે "તું જા. હું આકાશને મળીને આવું છું."

નિયતીએ બહાર જવા માટે ઝડપથી પગ ઉપાડ્યા. " એ વિચિત્ર નજરો હજુ પણ એને જ તાકી રહી હતી. " નિયતીને આ ક્ષણે વત્સલ ખૂબ યાદ આવી રહ્યા હતા. નિયતીને ખ્યાલ આવ્યો કે દર વખતે પાર્ટી પૂરી થાય અને વત્સલ મને લેવા આવ્યા જ હશે. વત્સલ બહાર મારી રાહ જોતા ઉભા જ હશે. નિયતી વત્સલ પાસે જવા માટે વિહ્વવળ થવા લાગી.

કાવ્યાએ આકાશને ડીવોર્સ આપવાનો નિર્ણય લઈ લીધો હતો. કાવ્યાએ આકાશને માત્ર એટલું જ કહ્યું કે કાલે મારા વકીલને મળી લેજો. હું ડીવોર્સના પેપર્સ તૈયાર રાખીશ. આકાશ તો આભો બનીને કાવ્યાને જતા જોઈ રહ્યો.

નિયતી બહાર નીકળે છે. બહાર વત્સલ એની રાહ જોઈને ઉભા જ હતા. નિયતી લગભગ દોડીને વત્સલ પાસે ગઈ અને એને ભેંટી જ પડી. એને ખૂબ રાહત થઈ. વત્સલને ભેંટતા જ નિયતીની આંખોમાંથી આંસુ સરી પડ્યા. વત્સલે પણ નિયતીને આલિંગનમાં લઈ લીધી. વત્સલ ક્યાંય સુધી નિયતીને માથે હાથ પસવારતો રહ્યો.

ક્યાં વત્સલ અને ક્યાં આ આકાશ..! હવે નિયતી વત્સલ સાથે આકાશની સરખામણી ન કરી શકી. સરખામણી કરવા જેવું કશું હતું જ નહી.

ક્યો માણસ કેવો છે તે રમાબહેન પારખી જતા. મમ્મીએ આકાશ માટે કેમ ના પાડી હતી તે આ સમયે નિયતીને સમજાય છે. 

કાવ્યા દૂરથી બંનેનું મિલન જોઈ રહી. હવે કાવ્યા નિયતીના જીવન સાથે પોતાના જીવનની સરખામણી કરી રહી હતી..!

સમાપ્ત....