Vikruti - And Unconditional Love Story -19 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-19

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-19

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-19
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
     વિહાનને મળેલી ચિઠ્ઠીમાં તેને ગાંધીબ્રિજની નીચે મળવા એક છોકરી બોલાવે છે.વિહાનને ત્યાં બીજી ચિઠ્ઠી મળે છે જેમાં ઓગણીસ છોકરીઓને એક કન્ટેઇનરમાં મુંબઈ લઈ જવાનું લખ્યું હોય છે.વિહાન ચિઠ્ઠી મોકલનાર છોકરી કોણ હશે તે શોધવા એક યુક્તિ કરે છે જેમાં મહેતા તેને એક લિસ્ટ આપે છે અને એક મિસિંગ છોકરીની જાણકારી મેળવવા કહે છે. વિહાન એ લિસ્ટ જુએ છે તો તેમાં ‘રીટા રાઠોડ’ નામ લખ્યું હોય છે.. હવે આગળ..
‘રીટા રાઠોડ’નામ સાંભળી વિહાને મગજ કસ્યું.તેણે આ નામ પહેલાં સાંભળેલું હતું.
‘હા..’વિહાનને કંઈક યાદ આવ્યું.એ સ્વચ્છતા અભિયાનના કેમ્પમાં ગયો ત્યારે રજિસ્ટરમાં તેના નામની નીચે જ આ નામ હતું.મતલબ એ છોકરી કોલેજની જ હતી.હવે કાલે સવારે એ છોકરીની પૂછપરછ કરી તેને મળવાનું હતું.વિહાન ઘરે આવી કાલની રાહમાં હતો.
      સવારે ઈશા,આકૃતિ અને ખુશી વિહાનના ઘરે આવ્યા.અરુણાબેનના ખબર પૂછી તેઓ કૉલેજ જવા નીકળ્યા. વિહાને બાજુમાં રહેતા કિરણબેનને અરુણાબેનની સંભાળ લેવાની ભલામણ કરી.અરુણાબેનને કાલે જ રજા આપી હતી એટલે બધાએ વિહાનને ઘરે રહેવા કહ્યું પણ વિહાને કૉલેજ મિસ ન કરવાનું બહાનું બતાવ્યું.વિહાનને કોઈપણ હાલતમાં ‘રીટા રાઠોડ’ને શોધવાની હતી.
‘એ એક જ કડી છે જે બધું જાણે છે’વિહાને એવું વિચારી તેને શોધવાનું નક્કી કર્યું.પણ તેને જાણ નોહતી કે રીટા તો માત્ર એક પાયદળ છે.વજીર તો કોઈક બીજું જ છે.
    આકૃતિએ સલવાર પટિયાલા પ્યોર કોટન પર એમ્બ્રોઇડરી કરેલ કુર્તિ અને નીચે પટીયાલા પાણી કલરની ગોઠણથી વેંત જેટલી ઉપર આવતી કુર્તિ પહેરી હતી.તેના નૅવી બ્લ્યુ દુપટ્ટા પર કુર્તિને મેચિંગ થતી બોર્ડર હતી.કુર્તિ પર લાલ,મોરપીંછ,બ્લુ,ગુલાબી જેવા મલ્ટી કલરના દોરાથી વર્ક અને તેની નીચે નેવી બ્લ્યુ કલરનું ઉપરથી ખુલતું અને નીચેથી સાંકડું થઈ જતું પટિયાલા,જેનો ઘેર આકૃતિના પગને એક અલગ જ લુક આપતો હતો. 
      કમરથી પગની પાની સુધી એમાં કેટલાય લેયર્સ પડતા હતા અને ડાબા ખભા પર નેવી બ્લ્યુ પર પાણી કલરની બોર્ડરવાળો તેનો દુપટ્ટો,જે તેના શરીરના ડાબા ભાગને આગળથી પાછળ સુધી આખો કવર કરી રહ્યો હતો.વધેલ કસર તેના દુપટ્ટા નીચે લટકતાએ લટકણીયા,જે નવરાત્રીમાં ખેલૈયાઓના ડ્રેસ પર લાગેલ હોય છે એવાં લટકણીયા.આકૃતિએ તૈયાર થવામાં ખાસો સમય લીધો હશે જે તેના લૂક પરથી દેખાય આવતું હતું.
    આકૃતિએ જ્યારે તેના છુટા વાળ સરખા કરવા હાથ ઊંચો કર્યો ત્યારે વિહાનની નજર તેની કમર પર પડી. ત્યાં પણ એના સાથળ સુધી લટકતી દોરી પર અંતમાં વધુ બે લટકણીયા લટકી રહ્યા હતા.આકૃતિની સુડોળ અને પાતળી કમર પર નજર કરવાને બદલે વિહાનને એ લટકણીયા વધુ આકર્ષિત લાગ્યા.
    વિહાનને આકૃતિના ડ્રેસને વધુ નિહાળવાની ઈચ્છા થતી હતી.એ બસ એ જ વિચારમાં ખોવાઈ ગયો કે કેટલી નસીબદાર હોય છે આ છોકરીઓ,કેટલા અલગ અલગ પ્રકારના કપડાં એમની માટે બને છે અને કેટલી અલગ અલગ રીતે એ લોકો એમને પહેરે છે.હજી વિહાન એને નિહાળતો હતો ત્યાં જ વિહાનની નજર તેના ચંપલ પર પડી.આકૃતિએ એવા જ ટ્રેડિશનલ લુક આપતા,ફુમકાવાળા રંગબેરંગી ચંપલ પહેર્યા હતા. 
    એટલામાં આકૃતિ તેની નજીક આવી.વિહાનની નજર એના ચહેરા પર પડી ત્યાં જ એના કાન પર લટકતી એ ફુમકાવાળી ઈયરિંગ હતી જે એના ડ્રેસ સાથે બિલકુલ મેચ થતી હતી.
   આકૃતિએ ચપટી વગાડી વિહાનનું ધ્યાન ભંગ કર્યું.વિહાને ત્યાંથી નજર તો હટાવી પણ તેની નજર આકૃતિની આંખો પાસેથી પસાર થઈ તેની આઈબ્રોના વચ્ચેના ભાગ પર અટકી ગઈ.તેના કપાળમાં આઈબ્રો વચ્ચે એક નેવી બ્લુ કલરનો નાનો એવો સ્ટોન તડકાની એ રોશનીમાં ચમકતો હતો.વિહાન અંજાઈ ગયો,આકૃતિના રૂપથી.
      ખુશીએ ઈશા પાછળ જગ્યા લીધી.એ પણ સમજતી હતી.વિહાન અને આકૃતિ એક્ટિવામાં સવાર થયા.
“આંટીને હવે કેમ છે?”પાછળ બેસેલી આકૃતિએ પૂછ્યું.
“કોર્સ પૂરો કરવાનો છે.બાકી બધું નોર્મલ થઈ ગયું”વિહાને જવાબ આપ્યો.
“તું ઠીક છે ને?”
“હા,મને શું પ્રૉબ્લેમ હોય?”વિહાને કહ્યું.
“હું આજે ડ્રેસમાં છું તે નોટિસ નહિ કરી એટલે”આકૃતિએ ગાલ ફુલાવતા કહ્યું.
“ઓહ સૉરી,મમ્મીનું ટેંશન છે ને એટલે..તું મસ્ત લાગે છે”પાછળ નજર કરી વિહાને કહ્યું.
“હા હવે તો મસ્ત જ લાગુને..કોઈ બીજી નથી શોધી લિધીને”આકૃતિએ મજાક કરતા કહ્યું.એ વિહાનનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરતી હતી.
“ના હવે”વિહાને લહેકો લેતા કહ્યું.
“મને શું ખબર હોય.તને લાગ્યું હશે આકૃતિ તો પ્રેમમાં પડી ગઈ,હવે નવો શિકાર કરીએ”આકૃતિએ વિહાનના ગુડામાં ચીમટો ભર્યો.
“હજી તો શિકાર ઝડપાયો છે.હલાલ કરવાનો બાકી છે.હાહાહા”વિહાને મસ્તીમાં જવાબ આપ્યો.
“એ હજી તારે હલાલ કરવી છે મને”આકૃતિએ મસ્તીમાં બીજો ચીમટો ભર્યો.વિહાને આકૃતિનો હાથ પકડી ખેંચી.આકૃતિ પણ વિહાનને ઝકડીને બેસી ગઈ.
      બધા કોલેજે પહોંચ્યા એટલે વિહાને બહાનું બનાવી પહેલો લેક્ચર બંક કર્યો.લેક્ચર શરૂ થયો એટલે મોકો વર્તી વિહાન કાર્યાલયમાં પહોંચી ગયો.મેઈન પીસી પર બેસી સ્ટુડન્ટસ રેકોર્ડની ફાઇલ ઓપન કરી ‘રીટા રાઠોડ’નું નામ ચર્ચ કર્યું.તેમાં ત્રણ ‘રીટા રાઠોડ’નું રિઝલ્ટ આવ્યું.વિહાને બધી ઇન્ફોર્મેશનના ફોટા લઈ લીધા અને બહાર નીકળી ગયો.બહાર નીકળતા સમયે માલા મેડમ તેને જોઈ રહ્યા હતા એ વાત વિહાને નોટિસ કરી.એ વાતથી તેને કોઈ ફર્ક પડતો નોહતો કારણ કે માલા મેડમ પણ મહેતાનો સાથ આપતા હશે એ વાતનો અંદેશો વિહાનને આવી ગયો હતો.
    બહાર આવી તેણે એ ફોટા ચેક કર્યા.તેમાંથી એક રીટાની સ્ટડી કમ્પ્લેટ થઈ ગઈ હતી.બીજી રીટા સેકેન્ડયરમાં હતી અને એક ફર્સ્ટયરમાં.સ્વછતાં અભિયાન કેમ્પ ફર્સ્ટયરના સ્ટુડન્ટસ માટે જ થયો હતો એટલે વિહાને ફર્સ્ટયરની રીટાની માહિતી જોઈ. 
‘રાઠોડ રીટા મનસુખભાઇ,.કલાસ-બી.’    
      એ વિહાનના બાજુના ક્લાસમાં હતી.વિહાને પહેલો લેક્ચર પૂરો થવાની રાહ જોઈ. લેક્ચર પૂરો થયો એટલે વિહાન ‘કલાસ-બી’માં ગયો અને રીટા વિશે પૂછપરછ કરી.તેની એક સહેલી એ જણાવ્યું કે રીટા બે દિવસથી કૉલેજે નથી આવી.વિહાન સમજી ગયો.એ આ જ રીટા છે.
      બીજી કોઈ પૂછપરછ કર્યા વિના વિહાન બાકીના લેક્ચર એટેન્ડ કરવા પોતાના ક્લાસમાં ચાલ્યો ગયો.બ્રેકમાં જ વિહાન ઘરે જવા નીકળી ગયો.બધાને આશ્ચર્ય થયું.વિહાન કલાસ મિસ ન કરવાની વાત કરતો હતો અને અત્યારે કેમ નીકળી ગયો!
     વિહાન કાર્યાલયમાંથી લીધેલા રીટાના એડ્રેસ પર પહોંચ્યો.રીટાના ઘરે જોયું તો કોઈ નોહતું.પાડોશી પાસે પૂછપરછ કરી ત્યારે તેને જાણવા મળ્યું કે રીટા તેના મામા-મામી સાથે રહે છે.તેના મામા-મામી થોડા દિવસ ગામડે ગયા હતા અને રીટા એકલી જ હતી.છેલ્લા બે દિવસથી રીટા ઘરે પણ નોહતી આવી.
‘રીટા એક જ હતી જે જાણતી હશે કે છોકરીઓને ક્યાં રાખવામાં આવી છે. તેણે ચિઠ્ઠીમાં જગ્યાનું નામ પણ ના લખ્યું એટલે કદાચ તે ના પણ જાણતી હોય.’શું કરવું એ વિહાન વિચારતો હતો એટલામાં રીટાના ઘરમાં એક ધડાકો થયો.વિહાન સચેત થયો.બાજુના ઘરમાંથી દીવાલ કૂદીએ રિટાના ઘરમાં ઘૂસ્યો.
    ધીમે પગલે એ અંદર ગયો.સામે રીટા ફર્શ પર પડેલી હતી.તેને કોઈએ ગોળી મારી હતી.રીટા છેલ્લા શ્વાસ ગણતી હતી.વિહાન તેની પાસે ગયો.
“વિહાન..”મરણ પથારીએ પડેલી રીટાએ વિહાનને ઓળખી લીધો, “તું અહીંયાંથી ચાલ્યો જા, આ મહેતાની ચાલ છે.તેના ગુંડાઓએ પોલીસને કૉલ કરી દીધો છે”
“પણ તું છે કોણ?અને મને કેવી રીતે ઓળખે છે અને મહેતા વિશે તું બધું જાણે છે?”વિહાને એકસાથે ઘણાબધા સવાલ પૂછી લીધા.
“મારી પાસે એટલો સમય નથી,મહેતા વિશે હું નહિ એ છોકરી જાણે છે અને એ આપણાં કોલેજની જ છે.તું અહિયાંથી ભાગ જલ્દી”
“કોણ છોકરી?મને નામ આપ”વિહાન હજી ત્યાં જ ઉભો હતો.
“એ હું નહિ જણાવી શકું.હજી તારું કામ પૂરું નથી થયું.જો તું ઝડપાઇ જઈશ તો કામ અધૂરું રહી જશે,તું જા જલ્દી”ઉંહકારો ભરી તૂટક અવાજે રીટાએ કહ્યું.
“હું તને આમ છોડીને નહિ જાઉં”
“તું મને નહિ બચાવી શકે.એ લોકોએ મને ઝેરનું ઇન્જેક્શન આપ્યું છે.તું પ્લીઝ ભાગીજા”રીટા છેલ્લા શબ્દો બોલી.તેની ધડકન તેજ થઈ ગઈ.ગાડીનું એન્જીન જેમ ધબકતું હોય તેમ રીટાની ધમણ ઉપડી હતી અને એક ઝટકાથી એ બંધ થઈ ગઈ.વિહાન દોડ્યો.તેની સાથે શું થઈ રહ્યું છે એ તેને સમજાતું નોહતું.
                 ***
“વિહાન તે ન્યૂઝ જોયા?”ત્રીજા દિવસે સવારે ઇશાએ વહેલા છ વાગ્યે વિહાનને કૉલ કરી પૂછ્યું.
“ના,શું થયું?”અજાણ્યો બનતા વિહાને ઊંઘમાં પૂછ્યું.
“એકવાર જોઇ લે પછી મને કૉલ કર”ગંભીર અવાજે ઇશાએ કૉલ કટ કરી દીધો.વિહાને ટીવી શરૂ કર્યું.
‘બ્રેકિંગ ન્યૂઝ,એક જ કોલેજની વિશ છોકરીઓ અચાનક ગાયબ.અમદાવાદની વિશ્વ વિખ્યાત આઇઆઇએમ કોલેજમાં અભ્યાસ કરતી વિશ છોકરીઓ બે દિવસથી ઘરે નથી આવી.શું આ કોઈ ગેંગનું કામ છે કે પછી…’વિહાને ટીવી બંધ કરી ઇશાને કૉલ લગાવ્યો.
“જોયુને, આપણી કોલેજની છોકરીઓને કોઈક ઉઠાવી ગયું”ગભરાયેલા અવાજે ઇશાએ કહ્યું.
“એ બધી આપણી જ કોલેજની હતી?”વિહાને પૂછ્યું.
“હા,લિસ્ટમાં બધી છોકરીઓની ડિટેલ આવે છે.મેં આકૃતિ અને ખુશીને કૉલ કરી પૂછી લીધું છે.એ બંને સલામત છે”
“થેન્ક ગૉડ”વિહાને નાટક ભજવ્યું.
“કોણ કરી શકે આવું?”ઇશાએ પૂછ્યું.
“મને શું ખબર,તું જલ્દી મને લઈજા.આપણે આકૃતિને મળવા જવું છે”વિહાને કહ્યું અને કૉલ કટ કરી નાખ્યો.વિહાને ફરી ટીવી શરૂ કર્યું.તેમાં બધી છોકરીઓના ફોટા અને નામ આવતા હતા.
‘બિચારી રીટા’વિહાને નિસાસો નાખ્યો અને ફ્રેશ થવા ચાલ્યો ગયો.
     વિહાન તૈયાર થઈ ગયો.ઈશા તેને લેવા આવી હતી.
“આકૃતિના ઘરે લઈ લે”વિહાને પાછળ સીટ જમાવતા કહ્યું.
“ના આકૃતિ કોલેજ આવે છે, આપણે ત્યાં જ જઈએ છીએ”ઇશાએ સેફટીહેલ્મેટ વ્યવસ્થિત કરી પ્લેઝર ચલાવી.
“એક સાથે આટલી બધી છોકરીઓ ગાયબ થઈ ગઈ.કોઈ ગેંગનું કામ હોવું જોઈએ”વિહાને કહ્યું.
“હા યાર,મારી એક સહેલી પણ હતી”ઇશાએ નિશ્વાસો નાખી કહ્યું.
“કોણ?”
“રીટા,આપણા બાજુના ક્લાસમાં હતી”ઇશાએ કહ્યું.વિહાન સ્તબ્ધ થઈ ગયો. તેણે રીટાની ડેડબોડી જોઈ હતી.વિહાનને ખબર નોહતી કે રીટા ઇશાની સહેલી છે.વિહાન ચૂપચાપ બેસી રહ્યો.બંને કોલેજ પહોંચ્યા.
      ગેટ પર આકૃતિ અને ખુશી રાહ જોઇને ઉભા હતા.કોલેજમાં રજા જાહેર કરવામાં આવી હતી.કોલેજતંત્ર પણ શૉકમાં હતું.એક સાથે વિશ છોકરીઓ ગાયબ થવી કોઈ નાનીસૂની ઘટના નોહતી.એ પણ એક જ કોલેજની.
     પોલીસને શક હતો કે આ કામ કોલેજના જ કોઈ વ્યક્તિનું હોય શકે નહિતર બધી છોકરીઓ એક કોલેજની હોય એ કુદરતી ઘટના તો ના જ હોય શકે.વિહાનને પણ માલા મેડમ પર જે અંદેશો હતો એ વાતનો વિશ્વાસ આવી ગયો હતો.
“હવે શું કરશું?”આકૃતિએ રજાની વાત કરી એટલે ઇશાએ કહ્યું.
“ફરવા જઈએ,આમ પણ ત્રણ-ચાર દિવસથી વિહાનના મમ્મીનું ટેંશન હતું એટલે નિરાંત મળી જ નથી”આકૃતિએ આઈડિયા આપ્યો.
“ધેન લેટ્સ ગો”ઇશાએ કહ્યું.
     વિહાન ચૂપ હતો.તેને કોઈ પણ કાળે મહેતા સાથે વાત કરવી હતી.જો તેણે જ એ છોકરીને શોધવા કહ્યું હતું તો શા માટે પોલીસને બોલાવી હતી?એ બધું જાણતો જ હતો તો કેમ વિહાનનો સમય બગાડ્યો?
“એ વિહાન ચલને,શું વિચારે છે?”આકૃતિએ વિહાનને ઢંઢોળી કહ્યું.
“કંઈ નહીં ચલ”વિહાને કહ્યું.આમ પણ બે દિવસ મહેતાને મળવાનું નોહતું.તેનો મોબાઈલ પણ સ્વીચ ઑફ હતો એટલે વિહાને વિચારવાનું સાઈડમાં રાખી આકૃતિ સાથે જવા નીકળ્યો.
“વિહાન દિવેટિયા..?”એક છોકરાએ વિહાનને અવાજ આપ્યો.
“યસ”
“તને મિસ.માલાએ ઑફિસમાં મળવા કહ્યું છે, અત્યારે જ.”એ છોકરો કહી નીકળી ગયો.
“તમે લોકો નીકળો હું મળીને આવું”વિહાને કહ્યું.
“હું અહિયાં જ તારી રાહ જોવ છું”આકૃતિએ કહ્યું.
“અમે પણ અહીંયા જ છીએ,તું મળી આવ”ઇશાએ કહ્યું.
     વિહાન સમજી ગયો હતો કે માલા તેને શા માટે બોલાવે છે.ઉતાવળા પગે એ માલાની ઑફિસ તરફ દોડ્યો.
(ક્રમશઃ)
      મહેતાએ વિહાન સાથે આવું શા માટે કર્યું હશે?એ છોકરી કોણ છે જે રીટા પાસે ચિઠ્ઠી મોકલાવતી હતી.માલાએ વિહાનને કેમ બોલાવ્યો હશે?વિહાન રીટાના ઘરે ગયો એ વાતની જાણકારી માલાને તો નહીં મળી ગઈ હોયને?
      બધા જ સસ્પેન્સ ખુલશે.તેના માટે વાંચતા રહો.વિકૃતિ.
    દોસ્તો હવે વિકૃતિ અઠવાડિયામાં બે વખત આવે છે,સોમવારે અને ગુરુવારે.વાંચવાનું ચૂકતા નહિ.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)