નો-રીટર્ન-૨
ભાગ-૪૪
તે દિવસે સાંજે ઘટનાઓ બહું ઝડપથી ઘટી હતી. મારા ભયાનક આશ્વર્ય વચ્ચે અનેરીએ કાર્લોસને વિનીતને સાથે લઇ જવા સહમત કર્યો હતો. તેણે ફોન ઉપર જ એ કામ પતાવ્યું હતું. મારી સખત નારાજગી છતાં અનેરી તેનું ધાર્યું જ કરતી રહી હતી. મને એ સહેજે પસંદ આવ્યું નહોતું છતાં હું કશું કરી શકયો નહોતો. અથવા કરી શકતો નહોતો. તેને નારાજ કરવાનું મને સહેજે પસંદ નહોતું
સાચું કહો તો અનેરીનાં દાદાને છોડાવવામાં મેં જે ભાગ ભજવ્યો હતો એનાં ઉપકારવશ થઇને પણ અનેરીએ મારી વાત સાંભળવી જોઇતી હતી. છતાં કોણ જાણે કેમ, તે વિનીતને છોડવા તૈયાર જ નહોતી. પણ ખેર... એ વાતને અધ્યાહાર રાખીને રાત્રે અમે ફરીથી કાર્લોસ સાથે ફોન ઉપર વાત કરી હતી. કાર્લોસે તેનો વાયદો નિભાવ્યો હતો અને સાજનસીંહને રીહા કર્યા હતાં. હવે મારો વારો હતો કે હું પણ મારો વાયદો નિભાવું અને મને જે બાબતની જાણકારી હતી એ તેમને જણાવું. ફોન ઉપર જ મેં તેમને પેલા કબુતરો વીશે કહયું હતું કે કેવી રીતે મારા દાદાએ એ ચિત્રો અમારી લાઇબ્રેરીમાં સંતાડયાં હતાં... અને તેનો આ ખજાના વાળી ઘટના સાથે શું સંબંધ છે. મારી વાત સાંભળીને ચોક્કસ ખાતરી હતી કે કાર્લોસ આશ્વર્ય પામ્યો જ હશે. તેણે આગળનું વિચારવાનું શરૂ પણ કરી દીધું હશે. અમુક વાતો અધ્યાહાર રાખીને મેં ફોન મુકયો હતો. કાર્લોસે કહયું હતું કે તે કાલે સવારે ફોન કરશે અને આગળનું શેડયુલ કઇ રીતનું ગોઠવાય છે એ જણાવશે એટલે હવે અમારે આવતીકાલ સવાર સુધી રાહ જોવાની હતી. અમારી ખજાનાને શોધવાની સફર કદાચ કાલેથી જ શરૂ થાય. આ સમય દરમ્યાન અનેરીએ તેનાં દાદાને પણ મનાવવાનાં હતાં. મને ચોક્કસ ખાતરી હતી દાદુ આ વાત સાંભળીને ભડકશે. તે અનેરીને ખજાનાની ખોજમાં જવા દેવા કોઇ કાળે રાજી નહી થાય એટલે દાદુને મનાવવાનું ભગીરથ કાર્ય અમે અનેરી ઉપર જ ઢોળ્યું હતું. તે કોઇપણ ભોગે દાદુને મનાવી લેશે એની મને ખાતરી હતી.
રાતનું ભોજન પતાવીને અમે સૌ પોત- પોતાનાં કમરામાં સુવા ગયા ત્યારે ઘડીયાળનો કાંટો દસ વગાડતો હતો. આટલી જલ્દી સુવાનું કોઇ કારણ નહોતું છતાં આખો દિવસ બહું તંગ અવસ્થામાં વિત્યો હતો એટલે અત્યારે નિરાંતે જંપી જવું જ વધુ યોગ્ય જણાતું હતું. હું અને વિનીત અમારા કમરામાં આવ્યાં. તે એનાં પલંગ ઉપર આવીને બેઠો અને મારી તરફ ફર્યો.
“ અનેરી માટે હું કોઇપણ જોખમ ઉઠાવવા તૈયાર છું.” તેણે મારી તરફ જોતા એકાએક જ કહયું. “ મને આ ખજાનાં સાથે કંઇ લેવા દેવા નથી. પરંતુ અનેરીને કંઇ થાય એ હું હરગીજ બર્દાસ્ત નહી કરી શકું. તેનાં માટે મારા પ્રાણ જોખમમાં મુકતાં પણ હું નહી અચકાઉં...! ” તે આવેગમાં આવીને બોલતો હતો.
હું હૈરતભરી દ્રષ્ટિથી તેનાં ઉશ્કેરાટભર્યા ચહેરાને તાકી રહયો. ઘડીભર તો સમજાયું નહીં કે તે મને શું કહેવા માંગે છે...! છતાં હું તેનો આશય સમજયો હતો. તુરંત ખ્યાલ આવ્યો કે કદાચ તેને જાણ થઇ ગઇ હશે કે હું તેને આ સફરમાં સાથે લઇ જવા તૈયાર નથી. એટલે જ અત્યારે તેણે મક્કમતાથી તેની વાત કરી હતી. અને દેખીતી વાત હતી... અનેરી માટે તો કોઇપણ યુવાન પોતાનું જીવન હોડમાં મુકી દે. બીજાની શું વાત કહું, ખુદ હું પણ એ જ કરી રહયો હતો ને..!
હું તેનાં ચહેરા ઉપર તરવરતાં ભાવોને નિરખી રહયો. એક વાત મને ઘણા સમય પહેલાં સમજાઇ ગઇ હતા કે તે અનેરીનાં ગળડૂબ પ્રેમમાં પડયો છે. અને અનેરી માટે તે ગાંડુ જોખમ પણ વહોરી શકે તેમાં કોઇ બે મત નહોતો. પણ.... હું પોતે પણ અનેરીને ચાહતો હતો જ ને...! તો મારું શું...? આ મામલામાં હું ખેંચાયો હોંઉ તો તેનું સાચું કારણ તો અનેરી જ હતીને....! જો એ ન મળી હોત તો હું આ મામલામાં ઉંડો ઉતર્યો હોત કે નહી એ બાબતે મને પોતાને પણ સંશય હતો.
આ પરિસ્થિતી ખરેખર ખતરનાક હતી. એક અનુપમ સૌંદર્યવાન યુવતીને પામવા બે- બે ફૂટડા નવયુવાનો આપસમાં લડી મરે એવા ઘણાં કિસ્સાઓ ઇતિહાસને ચોપડે નોંધાયેલાં છે. તો શું અમારું ભવિષ્ય પણ એવું જ હશે...? હું નહોતો જાણતો. ઉપરાંત મને અત્યારે ઉંઘ પણ આવતી હતી એટલે વિનીત સાથે કોઇ લાંબી ચર્ચામાં ઉતર્યા વગર હું ચુપચાપ બ્લેન્કેટ ઓઢીને સૂઇ ગયો. હવે આવનારો સમય જ આ બાબતનો ફેંસલો કરશે.
@@@@@@@@@@@@
રોગને બહું જલદીથી તમામ બાબતોની જાણકારી મેળવી લીધી હતી અને તેણે પ્રોફેસરને જણાવી હતી. એ સાંભળીને પ્રોફેસર એકદમ જ ઉત્સાહીત થઇ ઉઠયો હતો.
“ ઓહ...! તો કાર્લોસ પણ આપણી જેમ ખજાના પાછળ જાય છે એમને...! અને સાથે એ છોકરી અને તેના મિત્રોને પણ લેતો જાય છે. વાહ... ગ્રેટ... માનનાં પડેગાં... હા...હા..હા...! ” હસવાં જેવું કંઇ ન હોવા છતાં તે બેતહાશા જોરથી હસી પડયો.
“ પણ બોસ... હવે આપણે શું કરીશું...? ” રોગનને તેનાં બોસનું બે મતલબનું હસવાનું કારણ ન સમજાયું.
“ આપણે કંઇ જ નથી કરવાનું. હવે જે કરશે એ કાર્લોસ અને તેની ટીમ કરશે. આપણે તો બસ... એ લોકોની પાછળ જવાનું છે. ચૂપચુપ... તેમને અંધારામાં રાખીને અને ખ્યાલ ન આવે એવી રીતે તેમનો પીછો પકડવાનો છે. ”
“ ઓહ...એમ....! ” હવે રોગન પણ હસી પડયો. તેને બોસની આખી વાત પલકારામાં સમજાઇ ગઇ હતી.
“ રોગન...! ફટાફટ તૈયારીઓમાં લાગી જાવ. આપણે કદાચ કાલે જ નીકળવાનું થશે.” પ્રોફેસરે સૂચના આપી.
“ ઓ. કે. બોસ....! ” રોગન ઉત્સાહનાં અતીરેકમાં લગભગ દોડતો જ બહાર લપકયો.
@@@@@@@@@@@
અજીબ ટેબ્લો રચાયો હતો. બધા પોતપોતાની રીતે તૈયારીઓમાં લાગ્યાં હતાં. કાર્લોસે છ (૬) માણસોની ટીમ પોતાની સાથે લીધી હતી. તે પોતે, બટકો જોસ, એના માર્ટિની અને બીજા ત્રણ પઠ્ઠાઓ, જે તેનાં એક ઇશારે ગમે તેનું ઢીમ ઢળી દઇ શકે. એ લોકો હથિયાર અને બીજો જરૂરી સામાન પોતાની ગાડીઓમાં ભરવા માંડયા હતાં. આ ઉપરાંત વધારાની એક ગાડીની વ્યવસ્થા પણ કરાઇ હતી જેમાં અનેરી, વિનીત અને મારો સમાવેશ થવાનો હતો. હજું એક વ્યક્તિ તેમાં ઉમેરાવાનો હતો જેનો અત્યારે કોઇને ખ્યાલ નહોતો. એ વ્યક્તિ કાર્લોસનો માસ્ટર સ્ટ્રોક હતો. અને... જે મારો કાળ બનવાનો હતો.
અમે પણ અમારી ભરપુર તૈયારીઓમાં લાગ્યા હતાં. અનેરીએ રાતે જ તેનાં દાદાને યેનકેન પ્રકારે મનાવી લીધા હતાં. દાદા એવી શરતોએ માન્યાં હતાં કે રસ્તામાં જો સહેજે ખતરો જણાય તો ત્યાંથી જ બધાએ પાછાં ફરી જવું. જોકે તેઓ જાણતા હતા કે એ શક્ય બનવાનું નહોતું, પરંતુ અનેરીની જીદ આગળ આખરે તેમણે નમતું જોખવુ પડયુ હતું. ખતરો જણાય તો આગળનાં રસ્તાની સંપૂર્ણ જાણકારી કાર્લોસને આપીને તેમની ટીમને જવા દેવી એવું પણ એક સૂચન તેમણે કર્યુ હતું. અનેરીએ એ વાતની “ હાં” ભણી હતી એટલે અમારી સફરની રાહ કિલયર થઇ હતી. અમારે વધું કોઇ સામાન લેવાની જરૂર નહોતી કારણ કે એ બધાની વ્યવસ્થા કાર્લોસનાં માણસો કરવાનાં હતાં. અમે ત્રણેયે ફક્ત જરૂરી લાગે એટલાં કપડા અને અન્ય ચીજો એક એક હોલ્ડઓનમાં ભર્યા હતાં અને અમારી પીઠ ઉપર લટકાવ્યા હતા.
ત્રીજી તરફ પ્રોફેસરે પણ તેનાં માણસોને તૈયાર કર્યા હતાં. કનૈયાલાલ દિવાન અને રાજનને તો સાથે લઇ જવાનો પ્રશ્ન જ ઉદ્દભવતો નહોતો એટલે શબનમને તેમની દેખભાળ કરવાનો હવાલો સોંપવામાં આવ્યો અને એ લોકો પાછા ન ફરે ત્યાં સુધી જંગલ વચાળે બનેલા આ ઘરમાં જ રહેવાનું ગોઠવ્યું હતું. બાકીનાં ચાર વ્યક્તિઓ પ્રોફેસર, રોગન, ક્લારા અને એભલ... ખજાના પાછળ જવા તૈયાર થયાં. એમની સ્ટ્રેટેજી પ્રમાણે તેમણે કાર્લોસની ગેંગનો ખજાના સુધી પીછો જ કરવાનો હતો. ત્યાં પહોંચ્યા પછી પડશે એવા દેવાશેની ગણતરી તેમની હતી.
આમ, લગભગ બધા તૈયાર હતાં. મોત સાથે બાથ ભીડવા...
( ક્રમશઃ )
હવેથી નો રીટર્ન-૨
મંગળવાર....ગુરુવાર અને શનીવારે એમ ત્રણ દિવસ આવશે.
મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો. બની શકે તો કોમેન્ટ પણ કરજો. જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા કહેજો.
લેખકઃ- પ્રવિણ પીઠડીયા
આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..
નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..
પણ વાંચજો.
નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.
આપનાં કિંમતી અભિપ્રાયો લેખકને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ વોટ્સએપ કરી શકો છો.
ફેસબુક- Praveen Pithadiya search karo.