Anant Disha - 17 in Gujarati Love Stories by ધબકાર... books and stories PDF | અનંત દિશા - ભાગ - ૧૭

Featured Books
Categories
Share

અનંત દિશા - ભાગ - ૧૭

" અનંત દિશા "  ભાગ - ૧૭

આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને એ મિત્ર સાથે જોડાયેલ લાગણીઓ ની છે. ફરી એક વાર અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે...

તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ...
છે કાલ્પનિક પણ  તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે...!!!!

આપણે સોળમાં ભાગમાં જોયું કે અનંત અને દિશાની નિકટતા જોઈ વિશ્વાનું વર્તન બદલાઈ રહ્યું છે. અનંત દિશા ના મોહમાં મોહિત થઈ વિશ્વા તરફ ધ્યાન આપતો નથી... અને આ બાજુ દિશા એનો પહેલો પ્રેમ ભૂલી શકતી નથી..આ દિશા એના જન્મ દિવસે આટલી વ્યગ્ર કેમ હતી ચાલો જાણીએ હવે...

હવે આગળ........

મારે દિશાનો જન્મદિવસ યાદગાર બનાવવો હતો પણ એ તો કોઈ કારણ થી વ્યગ્ર હતી. એણે મારી જોડે બરાબર વાત ના કરી એટલે મને થયું કે કદાચ મારા કોઈ વર્તન કે વાત થી તો દિશા દુઃખી નહીં થઈ હોય ને..!  વિશ્વાને કદાચ ખબર હોઈ શકે એટલે મેં વિશ્વા ને ફોન કર્યો.

હું  "જય શ્રી કૃષ્ણ"

વિશ્વા  "જય શ્રી કૃષ્ણ, શું વાત છે..? આજે, ફોન આવ્યો..!? મને થયું આજે તો તને સમય જ નહી મળે."

હું  "અરે યાર, શું તું પણ... મમ્મીની તબિયત કેમ છે..?? તું કેમ છે..!?"

વિશ્વા  "મમ્મી એક્દમ ઓકે છે. હું તો એક્દમ મસ્ત. પણ મને લાગે છે કે તું મસ્ત નથી બોલ શું થયું..!!"

મનમાં વિચાર આવીજ જાય આ વિશ્વાને કઈ રીતે ખબર પડતી હશે કે હું કાંઈ તકલીફમાં છું. હમેશાં જાણે કીધા વગર મનની વાત જાણી જાય છે.

હું " ખાસ કઈ નહોતું... આજે દિશાને બર્થડે વિશ કરવા ફોન કર્યો હતો, પણ એણે બરાબર વાત ના કરી જાણે મારા ફોનની કોઈ ખુશી જ નહોતી ! ઉપરથી જાણે દુખ થયું હતું એવું લાગ્યું..!!"

વિશ્વા  "ચિંતા ના કર હશે કોઈ કારણ. કદાચ, સ્નેહ પણ હોય. બધું ઓકે થઈ જશે. કોઈકોઈ વાર એ એવું બીહેવ કરતી હોય છે."

હું  "ઓહ ! હા સ્નેહ... હું તો ભુલી જ જાઉં છું. સારું ચાલ હું હવે કામ કરું. તું દિશા અને મમ્મી ને સાચવ જે. જય શ્રી કૃષ્ણ."

વિશ્વા  "હા, હો.. ચોક્કસ. જય શ્રી કૃષ્ણ."

કદાચ...હું, ખરેખર દિશા ને સમજી નથી રહ્યો. વિશ્વા ને ખબર પડી કે સ્નેહનું કારણ હોઈ શકે પણ હું સમજી ના શક્યો. આમજ આવાજ વિચારોમાં આ દિવસ નીકળી ગયો. એ વાતનું ખુબજ દુખ હતું કે હું દિશા માટે કાંઈજ ના કરી શક્યો. પણ ખબર હતી કે વિશ્વા એ વાત સંભાળી લીધી હશે.

બીજા દિવસે બપોરે દિશા નો ફોન આવ્યો. આમ અચાનક આવેલા ફોનથી હું વિચારમાં પડ્યો કે શું વાત હશે..!!

હું  "જય શ્રી કૃષ્ણ"

દિશા  "જય શ્રી કૃષ્ણ, તું કેમ છે..!?"

હું  "એક્દમ મજામાં. કેમ આજે અચાનક યાદ કરવો પડ્યો..!!?"

દિશા  "હું ક્યારેય તને ભુલતી જ નથી..! તું જીવનની એ અણમોલ પળો છે, એ અદ્ભૂત સાથ છે જે ભુલાય એમ નથી..!!!"

હું  "હા, હવે મસ્કા ના માર. એ બોલ ફોન કેમ કર્યો હતો..!? કઈ ખાસ કામ હતું..!?"

દિશા  "હા ડિયર... કાલે મેં તારી સાથે બરાબર વાત ના કરી. કદાચ હું તારાથી વધુ આશાઓ રાખતી હોવ છું. મને હતું કે તું મારી પરિસ્થિતિ સમજી શકીશ અને કદાચ મને ફરી ફોન પણ કરીશ. પણ આખા દિવસ દરમ્યાન તારો ફોન જ ના આવ્યો." 

હું  "સાચેજ મને કાંઈ સમજાતું નહોતું કે શું કરવું અને શું ના કરવું. હું થોડો ગૂંચવાઈ ગયો હતો એટલે આવી પરિસ્થિતિમાં હું તને સાથ ના આપી શક્યો. "

દિશા  "હા, મને પણ એવુંજ લાગ્યું. એમાં એવું થયું ને, રાત્રે હું સ્નેહના મેસેજની રાહ જોતી હતી એટલામાં મેસેજ ટોન વાગ્યો અને જોયું તો તારો મેસેજ હતો. આખી રાત રાહ જોઈ અને સવારે પણ સ્નેહના મેસેજ કે ફોનની રાહ જોતી હતી અને તારો ફોન આવ્યો. સાચું કહું તો સ્નેહનું જે મહત્વ છે, જે સ્થાન છે મારી જિંદગીમાં એ હું કોઈને આપી ના શકું. એટલે મને માત્ર ને માત્ર સ્નેહના Birthday Wish ની આશા હતી. એ કરે તો બધું આવી ગયું નહીં તો બીજા કોઈ કરે ના કરે શું ફેર પડે."

આવું સાંભળી હું આહત થઈ ગયો...! એક તરફ હું દિશા ને સમજી નથી શકતો એ દુખ હતું બીજી તરફ એની વાતો દિલની આરપાર નીકળી ગઈ. હું માત્ર એટલુંજ બોલી શક્યો.

હું  "હા, ડિયર તારી વાત સાચી છે."

દિશા  "હા પણ સ્નેહનો ફોન આવ્યો નહોતો પણ મેસેજ આવ્યો હતો સાંજે. મને એવું લાગે છે કે હવે એ સમય આવી ગયો છે કે હવે હું સ્નેહને ભુલી આગળ વધુ અને એ માટે મારે એકાંત જોઈશે. મારે મારી સાથે જીવવું છે. સારું હવે ક્લાસ નો સમય. જય શ્રી કૃષ્ણ.."

હું આ બધી વાતો સમજી જ નહોતો શકતો. બધું એટલું જલદી બની રહ્યું હતું જે જાણે મારાથી પર હતું. હું રહ્યો સામાન્ય લાગણીશીલ જીવ...! આનું આ મહત્વ, પેલું મહત્વ, આમ કરવું, તેવું કરવું કાંઈજ સમજણ નહોતી પડતી.

હું  "હા ડિયર વાંધો નહીં.. હું સાથેજ છું, અહીંજ છું હમેશાં. જય શ્રી કૃષ્ણ."

ફોન મૂકતાની સાથે મેં તરત જ વિશ્વા ને ફોન કર્યો અને આ બધી વાતો કરી. વિશ્વા એ કહ્યું એને એકાંત માણવું હોય તો વાંધો શું છે એ કોઈકોઈ વખત એવું કરતી જ હોય છે. એ જશે ક્યાં...? વળીને આપણી પાસેજ આવશે. કાલે એને પણ વાત થઈ હતી અને દિશાએ કહ્યું કે સ્નેહના વિચારો હતા અને હું જ આવી જતો હતો એટલે એ વધુ અપ્સેટ થઈ. પણ ડિયર ચાલ્યા કરે એવું.

મેં વિશ્વા ને એ શબ્દો પણ કહ્યા કે દિશા એ કહ્યું કે એને સ્નેહના જ મસેજ કે ફોનની રાહ હતી બીજા ના કરે તો કોઈ ફેર નહતો પડતો. એટલે વિશ્વા એ કહ્યું એ માત્ર એવું મને એના જીવનમાં સ્નેહનું મહત્વ સમજાવવા બોલી હોય, બીજું કાંઈજ ના હોય એ વાતમાં. દરેક વ્યક્તિ માટે આપણી લાગણીઓ અને એનું સ્થાન અલગ અલગ હોય. મને પણ વિશ્વાની આ વાત સાચી લાગી.

વિશ્વા કોઈપણ વાતો કેવી સહજ સ્વીકારતી હોય છે અને હું વ્યગ્ર થઈ જાઉં છું. દિશા ને પણ સમજી નથી શકતો. પણ મારે દિશાની નજીક રહેવું છે ! એને સમજવી છે ! એને સાથ આપવો છે ! એને મારી લાગણીઓ નો અહેસાસ કરાવવો છે ! ખબર નથી એ  કઈ રીતે શક્ય બનશે ? એ વિચારોમાં ખોવાઈ ગયો.

તને યાદ રાખવી એ  કોઈ ચાહત નથી મારી, 

એ  તો આદત છે મારી, 

ચાહત કદાચ બદલી શકાય, પણ આદત નું શું..!!

આમને આમ સમય વિતી રહ્યો હતો. હવે દિશા સાથે વાત થતી હતી પણ પહેલા કરતા ઓછી. કદાચ... એને એકલતા જોઈતી હશે. પણ મારું મન જાણે એને જ ખુશ રાખવા મથતું હતું એટલે હું રોજ એને કોઈને કોઈ બહાને યાદ કરીજ લેતો. એવામાં એક દિવસ અચાનક વિશ્વા નો ફોન આવ્યો.

વિશ્વા  "મમ્મી ની છાતીમાં જોરદાર દુખાવો થયો છે, હું એને લઈને સોલા સિવિલ હોસ્પિટલમાં જવા નીકળી છું. તું જલ્દી આવ."

હું  "હા, હું આવું છું. તું જરાય ચિંતા ના કરીશ. હું સાથે જ છું."

મેં પેલા મારા ડોક્ટર મિત્રને ફોન કર્યો અને સ્થિતિથી અવગત કરાવ્યો. અને હું તરત જ સોલા સિવિલ જવા નીકળ્યો."

હજુ ત્યાં પહોંચું એ પહેલાજ એ ડોક્ટર મિત્ર નો ફોન આવ્યો કે તું અહીં ના આવતો. આંટી ને હાર્ટ એટેક આવ્યો છે એટલે એમને અમે U N Mehta Heart Hospital મોકલ્યા છે. આ સાંભળતા જ મારા તો હોશ જ ઉડી ગયા. હું ત્યાં જવા માટે નીકળ્યો, વિશ્વા સાથે વાત પણ કરી અને કહ્યું કે હું ત્યાં આવું છું. એ સતત વ્યગ્ર હતી. મેં બીજા એક મિત્ર ને ફોન કરીને એને સ્થિતીથી વાકેફ કર્યો અને પૈસા લઈને ત્યાં પહોંચવાનું કહ્યું.

હું હૉસ્પિટલમાં પહોંચ્યો ત્યારે તરત જ વિશ્વા મને ગળે વળગી રડવા લાગી. મેં સાંત્વના આપી કે ચિંતા ના કરીશ હું છું ને બધુંજ ઓકે થઈ જશે. હું તરતજ ડોક્ટર ને મળવા ગયો અને એમની સાથે વાત કરી. એમના કહેવા મુજબ પરિસ્થિતિ કંટ્રોલમાં છે પણ એંજીયોગ્રાફી કરવી પડશે અને પછીજ કાંઈક સરખી ટ્રીટમેન્ટ થઈ શકશે. કોઈજ ઓપ્શન હતો નહીં એટલે મેં સહમતી બતાવી.

હું અને વિશ્વા મમ્મી ને મળવા ICU માં ગયા. હવે એ થોડા નોર્મલ લાગી રહ્યા હતા. અમને બંને ને સાથે જોઈ મમ્મીનો ચહેરો ખીલી ગયો. અમે એમની ખબર પૂછી અને વાતો કરતા હતા એટલામાં જ એંજીયોગ્રાફી ની વ્યવસ્થા કરવા ડોક્ટર પાસે સહી કરવા જવાનું થયું એટલે વિશ્વા ઘરની સદસ્ય હોવાથી એને જ જવું પડયું.

વિશ્વાના બહાર જતાની સાથેજ આંટીએ મને નજીક બોલાવ્યો અને પાસે બેસવા કહ્યું. હું જેવો એમની નજીક ગયો એ ભાવુક થઈ ગયા અને આંખમાંથી આંસુ સરી પડ્યા. હું આ એમની લાગણી સમજી જ ના શક્યો. એમણે મને કહ્યું હમણાં મેં તને અને વિશ્વા ને સાથે જોયા ત્યારેજ મનમાં થયું કે તમે આમજ સાથે રહો. આમ પણ વિશ્વા જેટલી તારી સાથે ભળી એટલી ક્યારેય કોઈની સાથે ભળી નથી. જો હવે મારા જીવનનું કોઈ ઠેકાણું નથી. વિશ્વા નું મારા સિવાય બીજું કોઈ નથી બસ જે છે એ તું જ છે. તું વિશ્વા ને સાચવીશ ને..!? મેં હા પાડી. મમ્મી એ કહ્યું હું આજથી વિશ્વા તને સોપું છું. તારે જ એને જીવનભર સાથ આપવાનો છે. મને વચન આપ તું સાથ આપીશ, તું એને ખુશ રાખીશ, જીવનસાથી બનાવીશ. મારી પાસે કોઈજ ઓપ્શન નહોતો એટલે મારે હા પાડવી જ રહી.

મારા હા પાડતા જ એમની આંખોમાંથી આંસુ સરી પડ્યા અને જાણે લાગણીઓ ના ઉર્મિ મારા ઉપર વરસી પડ્યા. જાણે એમના મનને શાંતિ મળી અને તેઓ ખુશ થઈ ગયા.

એટલામાં વિશ્વા આવી અને એણે કહ્યું કે બધી જ પ્રોસેસ પુર્ણ કરી દીધી છે અને કાલે એંજીયોગ્રાફી કરવાની છે. પછી એ આંટીને એંજીયોગ્રાફીની  સમજ અને હિંમત આપવા લાગી. જ્યારે મારા મનમાં અપરાધ ભાવ આવી ગયો કે આ શું કહ્યું મેં..!? આંટીની બધી જ વાતોમાં સહમતી આપી. એ વાત સાચી કે વિશ્વા મારી એક્દમ નજીક છે પણ જીવનસાથી..!!? મેં ક્યારેય આવું વિચાર્યું નથી. દિશા જ મનમાં છે. એને જીવનમાં લાવવાની છે. આ બધા વિચારોમાં મન ઘેરાઈ ગયું.

*****

કેવી લાગી રહી છે મિત્રો અને સ્નેહીઓ આ વાર્તા.??
આ શું જીવનસાથી અને એ પણ વિશ્વા??
શું થશે આ અનંત, દિશા, વિશ્વા ના સંબંધોનું ??
કેવો નવો અધ્યાય તમે વિચારો છો એ પ્રતિભાવ કરજો...
વાંચક મિત્રો અને સ્નેહીઓ તમારા પ્રતિભાવ મારા માટે મહત્વના છે, ત્યાંથી જ પ્રેરણા લઈ હું આગળ લખી શકીશ અને ભુલ સુધારી શકીશ...
ફરી એકવાર જલ્દી મળશું આ અનંત ની અનંત સફરમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ...

Join My fb Group :- Sweet beat Frdzzzzz
આ લાગણીઓના જોડાણની વાર્તાની PDF કોપી ફ્રીમાં મેળવવા કોન્ટેક્ટ કરી શકો છો.
Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...