તારી સાથેની પ્રીત,
વર્ષોથી સંઘરીને રાખી છે ,
એક પછી એક વર્ષો
વીતતા રહ્યા છે
ને
આપણી પ્રીત પણ
એટલી જ ઘૂંટાતી ગઈ છે
પહેલો દિવસ યાદ છે તને ?
આપણે મળેલા?
એ પછીના આટલા વર્ષો
તને સ્મૃતિમાં રાખીને
હું સચવાતી રહી
અને
હવે
આપણી આ જૂની પ્રીતને નવી કૂંપળો ફૂટી રહી છે ..
આ કૂંપળો અહીં મારા પત્રોના તારા જવાબ સાથે રજૂ આકરું છુ. આશા છે કે તું આ બધુ વાંચીશ અને હું તને પામીશ.
મારો પહેલો પત્ર
કદાચ આ શબ્દોમાં તને કંઈ નવું ના લાગે, કંઈ પણ એવું ના હોય જે તને એમ કહે કે વાંચ મને....
પણ હું કહું છું..તું વાંચ…. આ શબ્દો..સાંભળ મારા દિલને..
હું કંઈ ગાંડી નથી...અને એવું પણ નથી કે મને દુનિયાદારીની કોઈ સમજ નથી..પણ જયારે તારી ને મારી વાત આવે છે ત્યારે હું બધી સૂધબુધ જાણે કે ખોઈ બેસું છું .હા પણ એવું નથી કે હું તારા પ્રેમમાં પાગલ થઇ જાઉં છું...પાગલ તો નથી જ થતી..હા પણ એને તારી ભાષામાં crazyness તો તું કહી જ દેવાનો,મને ખબર છે.વેલ્લ કંઈ વાંધો નહિ,હું તું મને જે પણ કંઈ કહે એમાં ખુશ જ છું.
તને યાદ છે આપણે પહેલી વાર મળેલા તે સાંજ...એકદમ ના તો અંધારું કે ના તો એકદમ અજવાળું ..તું તો ત્યારે બહુ જ ગંભીર હતો પણ હવે ખબર નહિ તને શું થઇ ગયું છે? હું ડરતી હતી બધા લોકોથી અને તારાથી પણ...હા હવે તને હસવું જ આવશે...મને પણ આવે છે ..આ લખું છું ત્યારે..એકદમ નાજુક વેલ હતી હું ત્યારે...હા હા હવે હસ નહિ....એવું કહેનારો પણ તું જ હતો ત્યારે...
આજે અચાનક બાલ્કનીના કુંડાની નાજુક વેલ જોઇને મને તારા એ શબ્દો યાદ આવી ગયા... છે ...હા પણ તું તો ત્યાં થોડો વધારે બુઢ્ઢો થઇ ગયો હોઈશ...તારા કહેવાતા ઇન્ડિયન કલ્ચરનો અંકલ હહાહાહાહાહાહાહાહ ..મને હસવું આવી ગયું બોલ...હા હું હસી...તારા ગયાના આટલા વર્ષો પછી મને આજે તારી વાત પર હસવું આવ્યું છે..તું ગયો ને જાણે મારું હાસ્ય સાથે જ લેતો ગયો...તારી સાથે હું છેલ્લે ક્યારે હસેલી?
યાદ છે તને? આપણે પેલા રિસોર્ટમાં ગયા હતા અને ત્યાં બધાને જોઈ તે મને એક જોક કહેલો કે અહી બધા આંધળા છે..સૌ સૌના અનેક રાઝ છે અને બધા તેરી ભી ચુપ મેરી ભી ચુપ જેવા એકબીજાને જોયા કરે છે...અને પછી આપણે બંને કેટલી મસ્તી કરતા હતા...અને હસતા હસતા તું ત્યાં પેલા સ્વીમીંગ પુલમાં પડી ગયેલો... બાપ રે હસી હસીને મારું મોઢું પણ દુખી ગયેલું અને આંખોમાં પાણી આવી ગયેલા...
અત્યારે પણ પાણી આવી ગયા છે...લાગે છે હું ડૂબી રહી છું તારી યાદોના દરિયામાં..અહી ઇન્ડિયામાં અત્યારે ચારેબાજુ ભાદરવાનો ભરપુર વરસાદ થઇ રહ્યો છે ...તું બહુ યાદ આવે છે......ખબર નહિ ત્યાં તું મને યાદ કરે છે કે નહિ? હા હું તારા દિલમાં તો છું જ મને ખબર છે...પણ
તું ને હું એ આ દુનિયામાં એકબીજા સામે ક્યારે એ યાદોને વ્યક્ત કરી શકીશું?
હું અહી એવું નથી કહેવા માંગતી કે તું આખી દુનિયા માં ઢોલ પીટીપીટીને કહે કે તું મને બહુ જ પ્રેમ કરે છે...ના એમ નહિ...હા પણ તારા અભાવમાં મને અહીની દુનિયાના લોકોની નજરોના વેધક પ્રશ્નોના જવાબ આપવા ક્યારેક ઘણા અઘરા લાગે છે.....તારા વિનાની હું જાણે એ લોકોને પણ અધુરી લાગુ છું.આ અધૂરપમાં જીવવાની મને હવે તો લાગે છે જાણે કે આદત થઇ ગઈ છે...પણ એમાંય તું તો છે જ...મારા અંગેઅંગ-રોમેરોમનો જાણનાર એક માત્ર તું.ક્યારેક ભરપુર પડેલા વરસાદ પછીનો ઉઘાડ જાણે મને તું હાથ ફેલાવીને તારામાં સમાવી લેવા બોલાવતો હોય એવો લાગે છે.....હું પણ બસ દોડી જાઉં છું ..ખુલ્લા મેદાનોમાં..હાથ ફેલાવી...તારામાં સમાઈ જવા માટે...તું અને મારું ગાંડપણ કહે છે ને...બધા આવું જ કહે છે...પણ તું મારી માટે ત્યાંથી અહી થોડો આવી જવાનો છે... એટલે મારે જ તારી માટે દોડવું રહ્યું....એવા ખુલ્લા મેદાનોમાં તારા શ્વાસોને અનુભવું છું...ત્યાંની તાજી હવામાં હું તારામાં ઓગળવા માંડું છું...હવાની તાજી તાજી લહેરો મારા ગાલોને અડકીને મને તારા સ્પર્શનો એહસાસ કરાવે છે..હવે કહે? શું તું ત્યાં નથી?