Cinderella in Gujarati Classic Stories by Dakshesh Inamdar books and stories PDF | સિન્ડ્રેલા

Featured Books
Categories
Share

સિન્ડ્રેલા

સિન્ડ્રેલા

“અરે લાલી તને ક્યારનું બે ટોપલાં ભરીને ઘાસ નીર્યું છે હજી ખાધું નથી ? ચાલ સાથે થોડો ખોળ મિલાવી આપું. તું ખાઇ લે પછી તને દોહવાનો સમય થઈ ગયો. મારે દૂધ દોહીને મહાદેવ જવાનું છે. ત્યા તારું દૂધ એમને ચઢાવીશ તારો ને મારો બન્નેનો ઉદ્ધાર થઈ જશે રેવા બા બોલતાં બોલતાં ગાયનાં નીર સાથે ખોળ મેળવી ખવરાવવા લાગ્યા.

વેહલી સવારનો પહોર છે. ધરમપુર પાસેનાં નાના ગામના પાદરે આવેલી નાનકડી વાડીમાં સવારનું કામ પતાવવામાં રેવા બા વ્યસ્ત છે વાડીમાં આંબા ચીકુના વ્રુક્ષો છે અને ફૂલોના અનેક શ્રુપો છે. વાડીની બાજુમાંજ ભીમનાથ મહાદેવનું પ્રાચીન મંદિર છે. રેવાબા નો રોજ નો ક્રમ સવારે વેહલાં ઉઠી નહાઈ ધોઈ પરવારી ગાયોને ચારો આપે દૂધ દોહી મહાદેવ જાય પછીજ બીજાં કામ પરવારે. રેવા બા એટલે માનવ શરીરમાં ઓલીયો જીવ. ભગવાનનું માણસ એમને એમનું કામ અને મહાદેવ બે થી જ મતલબ. ગામમાં કે બીજા કોઈની પંચાતમાં કોઈ રસ નહીં. કેહવાય છે કે મહાદેવ સાથે સીધો સંપર્ક એમને હાજરાહજૂર દર્શન થયેલાં. મહાદેવના દૈવી નાગ તો વાડીમાં ફર્યા જ કરતાં હોય પણ ક્યારેય કોઈને નુકશાન નથી પહોંચાડ્યું. આ ઉમાશંકર ભટ્ટનું ઘર. ઉમાશંકરકાકા જીવતાં ત્યારે ગામ લોકો એમને ખૂબ માન આપતાં. એમનાં ગયા પછી પણ રેવાબા ગામનું ખમતીધર માથું ગણાતાં. પવિત્ર બ્રાહ્મણ કુટુમ્બ. સંક્ષિપ્તમાં કહું તો રેવાબાને બસ બે દીકરીઓ હતી બન્ને પરણાવી દીધેલી બંને એમનાં ઘરે સુખી હતી માંડ ત્રણ - ચાર કલાકનાં અંતરે મુંબઈ રહેતી.

વારે તેહવારે અને રજાઓમાં આવતી. બા ની ખબર કાઢી જતી.આ ઊંમરે પણ રેવા બા ખખડધજ હતાં એકલે પંડે બધું કામ સંભાળતાં. વાડીમાં વર્ષોં જૂનો દુબળો (ચાકર) હતો એ મદદમાં રેહતો. વળી ગામમાં મોટા ભાગનાં બ્રાહ્મણ પરીવાર રહેતાં એમાં ઘણાં સગાસંબંધી હતા એટલે ક્યારેય એકલું લાગતું જ નહીં. વળી વેકેશનમાં દોહીત્રીઓ રહેવા આવતી નાની પાસે. એમાંય રેવાબા ને પરી ખૂબ લાડકી.

પરી એમની નાની દીકરી ની દીકરી. રેવાબા ની નાની દીકરીને પણ બે દીકરીઓ હતી. પરી અને પંખી. પરી જયારે પણ નાનીનાં ઘરે આવે નાનીને બધાંજ કામમાં મદદ કરે. નાનીની આસપાસજ ઘૂમતી હોય. બીજી દીકરી પંખી એને ગામમાં ખાસ ગમતું નહીં. એ અહીં ઓછું જ રેહવા આવતી. રેવાબા ની મોટી દીકરીને કોઈ સંતાન નહોતું. અત્યારે વેકેશનને કારણે પરી નાનીમાં ના ઘરે રેહવા આવી હતી.

“નાની આ લાલીએ ખાઈ લીધું છે ચાલો દૂધ દોહી લો તમારે મહાદેવ જવાનું મોડું થશે.

રેવાબા કહે હા આવી ચાલ બીજું કામ પછી નીપટાવીશ. દૂધ દોહીને નાનીમાં મહાદેવ ગયા .નાની પરી ગાય સાથે રમવા લાગી. અને બીજા પૂળા લાવીને નીર્યા. પછી બાજુવાળા મિત્રો રમવા આવી ગયા એમની સાથે દોડા દોડ પકડા પકડી. અત્યારે ઉનાળુ વાકેશનમાં બધા ગામડે આવેલાં. દરેકનાં ઘર વાડીમાં આંબાં ચીકુ હોવા છતાં છોકરાઓ બીજાની વાડીઑમાંથી જઈને કાચી કેરી તોડી લાવતાં અને ઝાડ નીચે બેસી ઉજાણી કરતાં. શૈષવનો આ કુદરતી માહોલમાં આનંદ લૂંટતા.
રેવાબા દૂરથી નાની દીકરી વંદનાને આવતી જોઈ રહ્યા સાથે જમાઈ પણ આવતાં હતાં. એમણે પરીને બૂમ પાડી

કહ્યું “દીકરા જો તારા પપ્પા મમ્મી આવ્યા છે જા તેડી આવ. નાની પરી દૂરથી આવતાં પપ્પા મમ્મીને જોઈ દોડતી એમને જઈને વળગી ગઈ. નાનકડી સાત વર્ષની પરી નાની નાની વાતોમાં નિર્દોષતાથી ખીલી ઉઠતી.

નાનીએ વંદના અને જમાઈ આવેલા ક્ષેમકુશળ પૂછી પાણી આપ્યું. માં અમારે સાંજની ટ્રેનમાં જ પાછા જવાનુ છે. પંખીને મૂકીને આવી છું અમારાં પડોશમાં છે એ લોકોના આશરેજ. મારી નોકરી પાકી થઈ ગઈ છે.તને સમાચાર આપવા ને કેહવા કે હમણાં પરીને તારી પાસેજ રાખજે તને ઘરકામમાં મદદ રહેશે અને અમારાં બંન્નેને નોકરી સવારથી સાંજ ક્યાં સમય જાય ખબર નથી પડતી. પંખી ક્યાંય ખસતી નથી એટલે એને હું સાચવી લઈશ. પરી તો તારી સાથે હેવાયેલી છે. થોડો સમય કાઢી આપ.

પરીતો માંની વાત સાંભળી ખુશીઓથી કૂદી પડી. હું તો હું નાની પાસે રહીશ મને અહીં ખૂબ ગમે છે. મમ્મી પછી તમે લેવા આવી જજો સ્કૂલ ખુલતા હું આવી જઈશ. અમેં તો અહીં કેરીઓ તોડી મજા કરીયે છીએ. ગામનાં છોકરાઓ સાથે રમું છું અને લાલીને ઘાસ ખવરાવું છું, નાની સાથે મહાદેવ જાઊં છું. પછી એના મમ્મી પપ્પા સામે જોઈ રહીં. વંદનાને એના પતિ એકબીજાની સામું જોઈ રહ્યાં.વંદનાએ કહ્યું “ ભલે દીકરા પછી તને લેવા આવી જઈશું જાવ રમો....”

રેવાબાએ કહ્યું “ દીકરા નોકરી મળી સારી વાત છે પરંતુ આ ઊંમરમાં દિકરીનો ઉછેર એ લોકોને સંસ્કાર, નવી નવી વાતો શીખવવું વગેરે....અરે અરે માં તમે સમજ્યા નહીં. એમનાં જમાઇએ વચ્ચે વાત કરતાં કહ્યું “મુંબઈ જેવા શહેરમાં રહેવા માટે પૈસાની જરુરત રહે છે. અમે બન્ને કામ કરીને પૈસા ભેગા કરીએ એ આ છોકરીઑ માટેજ છે ને . થોડા સમય પછી એવુ લાગશે તો વંદના નોકરી છોડી દેશે અને પંખીનું પણ અમે ધ્યાન.....બંન્ને દીકરીઓ છે ભવિષ્ય માટે પૈસા જોઈશેને.

રેવાબાકાંઈ બોલી ના શક્યા....પરી સામે જોઈ નિસાસો નાંખી હાવભાવ બદલ્યા એકદમ હાસ્ય સાથે બોલ્યા “અરે મારી પરી તો ખૂબ ડાહી અને લાગણીશીલ છે .મારું તો ધ્યાન રાખે, આ ગાય વાછરડાને પણ ખૂબ વહાલ કરે. પરી દોડીને બહાર રમવા ગઈ. ત્રણ જણ પછી એકમેકનાં સામે જોઈ રહ્યાં. અંદરને અંદર પરિસ્થિતિ સમજી રહ્યાં.

“પરી બેટા પંખીને નાસ્તો આપી દે અને બંન્ને બેહેનો જમી લેજો સ્કૂલનો સમય થાય ઘરને તાળુ મારી નીકળી જજો. અમે ઓફીસ જઇએ છીએ.” સવારનો સમય થયો મમ્મી પપ્પા નોકરી અને કામે જવા નીકળી જતાં. પરી એ સમયે પંખીનું ધ્યાન રાખતી. ઘરનાં બાકીનાં કામ પરવારી જતી. પાછળ કોઈ કામ બાકી ના રહે એ જોતી. સ્કૂલનાં સમયે પંખીને લઈને સ્કૂલે જતી.
અચાનક એક સાંજે ઘરમાં ઓચિંતો બદલાવ આવ્યો . મમ્મીની સરકારી નોકરી હોવાથી સરળતાથી ચાલતી હતી. પણ પપ્પા ની કંપનીએ એમને દૂર ના શહેરમાં ટ્રાન્સ્ફર આપી. ઘરમાં સોંપો પડી ગયો. નોકરી છોડાય એમ નહોતી .પૈસા અને બચતની જરૂર હતી. છેવટે નિર્ણય લેવાયો પપ્પા દૂર શહેરમાં ટ્રાન્સ્ફર લેશે. તેઓ ગયા. ઘરમાં ફરી પરી મદદગાર બની ગઈ. મમ્મીથી થાય એટલું કરે બાકીનું પરી પરવારે પંખી પણ મદદ કરતી.આમ દિવસો ગયા પરી આઠમા ધોરણમાં આવી ગઈ. હવે એ બધી જવાબદારીઓ નાની ઊંમરમાં લેતાં શીખી ગઈ હતી. મમ્મીની તબીયત નરમ ગરમ રહે ત્યારે ખાસ એને કામ જોવા પડતાં. મમ્મી-પપ્પા ના બેંકનાં કામ, ખરીદી-રીપેરીંગ ઘરમાં શું કામ નાહોય છતાં હસતાં હસતાં કોઈ બોજ અનુભવ્યા વગર બધાં કામ કરતી.

ગામથી સંદેશો આવ્યો કે નનીની તબિયત બગડી છે કોઈ તાત્કાલિક આવી જાવ. રેવાબા ની મોટી દીકરીના સાસુ બીમાર હતાં એ નીકળી શકે એમ નહોતી. નાની વંદનાને કહેવરાવ્યું એ આવા નીકળી ગઇ સાથે પંખી અને પરીને લઈને એ ગામ પહોંચી. રેવાબાને ખાટલામાં જોઈ નાની પરી રડી જ પડી. નાની… નાની…. તમને શું થયું છે? અરે આ લાલી અને વાછરડી હવે મોટી ગાય થઈ ગઈ આ લોકોનું કોણ કરે છે? નાની કહે અરે રમલો દુબળો કરે છે. વંદનાએ પૂછવાના પ્રશ્નો પરી પૂછતી હતી. બે દિવસ થયા અને વંદનાનો વર આવી પહોંચ્યો અને સાસુની ખબર પૂછી. રેવાબા એ કહ્યું આ લોકો આવી ગયા મને ટેકો થઈ ગયો હવે સારું છે પરંતુ અશક્તિ ખૂબ છે. સારું તમે આરામ કરો કહી જમાઇએ વંદનાને બહાર બોલવી અને કંઈક વાત કરી.

વંદનાએ ખુશીથી હાથ પકડી લીધા પછી મોં ઉતરી ગયુ હાથ છોડી દીધાં કહે “બાની તબીયત નથી સારી કેવી રીતે શક્ય બનશે? અંદર રેવાબા ને ઘુસપૂસ સંભળાઈ કહ્યું “વંદના શું વાત છે? મને કહો “વંદના કહે “કઈ નહીં માઁ એતો....કહી અટકી ગઈ. રેવાબા એ કહ્યુ “ફોડીને વાત કર આમ જમાઈ સાથે ઘૂસ્પૂસ ના કર .એટલામાં જમાઈ જ બોલ્યાં બા વાત એમ છે કે મારી કંપની તરફથી મારાં ખૂબ સારા કામ પેટે મને એક અઠવાડીયાની કંપની તરફ્થી એમનાં ખર્ચે ફમીલી સાથે ટુર કરવાની ઓફર મળી છે. પણ તમારી આવી તબિયત....રેવાબા કહે અરે તમે જાવ મને તો સારું છે એમ કહી ઉઠવા ગયાં અને પાછા ફસડાઈ પડ્યા. પરી દોડી આંવીને નાનીને પકડી લીધાં. નાની પરીની આંખમાં લાચારીથી જોઈરહ્યાં. નાનીસી પરીની આંખ એની નાનીની આંખ સાથે મળી અને નાની પરીમાં મોટી સમજણ આવી એ બોલી ઉઠી, મમ્મી પપ્પા, તમે પંખીને લઈને જાવ હું તો નાનીની પાસેજ રહીશ એમ કહી નાનીની બાજુમાં એમનાં ખાટલાની ઇસ પર બેસી ગઇ.

પરીની આંખમાં ગજબનો ચમકાર હતો. એને નક્કી કરી લીધેલૂં એ નાની પાસેજ રહેશે. વંદના અને જમાઈ બંન્નેએ પરીની વાત તરત સ્વીકારી લીધી. નાની બોલ્યા “ના દીકરા તું પણ આ બધાં સાથે ફરવા જા. હું તો આ ચાકર છે હમણાં બે દિવસમાં ઊભી થઈ જઈશ. આમ આ લોકો વારે વારે ફરવા નહીં જાય તું સાથે જા દીકરા. મારી ચિંતા ના કર.

પરી કહે “નાની મારો નિર્ણય આખરી છે હું તમારી સાથેજ રહીશ મમ્મી પપ્પા પંખીને જવા દો. એ લોકો ફરી આવો સમય નહીં મળે મને અહીં વાડીમાં ખૂબ ગમે છે.

વંદના જમાઈ અને પંખી રેવાબા ને પગે લાગી તબીયત સાચવવાનું કહ્યુ. પરીને સાચવવાનું કહીને જવાં તૈયાર થયા. કદાચ એ લોકો માનસિક આ સ્થિતિ માટે તૈયારજ હતાં. આંગણમાં ઊભેલી લાલી (ગાય) પરી સામે જોઈને સાક્ષી બની રહી. વંદના, જમાઈ અને પંખીને એકબીજાનો હાથ પકડીને પરી અને રેવા બા જતાં જોઈ રહ્યાં. પરીની આંખો એ પકડેલા હાથમાં પોતાનાં હાથની જગ્યા શોધી રહી હતી. પરીની નાનીસી નાજુક આંખોમાં વહાલની તૃષ્ણાનાં આંસુ આવી અટકી ગયાં. આ પરી એજ આ કથાની વ્હાલી સિન્ડ્રેલા .....

……………………………………સંપૂર્ણ…………………………………………..