Chhutachheda leva mate taiyar thayeli patnine chhello patra in Gujarati Letter by Nirav Patel SHYAM books and stories PDF | છૂટાછેડા લેવા માટે તૈયાર થયેલી પત્નીને છેલ્લો પત્ર

Featured Books
Categories
Share

છૂટાછેડા લેવા માટે તૈયાર થયેલી પત્નીને છેલ્લો પત્ર

છૂટાછેડા લેવા માટે તૈયાર થયેલી પત્નીને છેલ્લો પત્ર
લે. નીરવ પટેલ “શ્યામ”



..............................,

સંબોધન તારું કેવી રીતે કરું એ સમજાતું નથી એટલે જગ્યા ખાલી રાખી છે. પહેલાં તો હું તને ઘણાં બધા નામથી બોલાવી લેતો હતો પણ હવે આપણી વચ્ચે જે દરાર પડી એમાં એ બધા શબ્દો દબાઈ ગયા લાગે છે.
          સાંભળ્યું છે કે તે હવે નંબર બદલી નાખ્યો છે, મેં ઘણીવાર ફોન કર્યા પણ અસ્તિત્વમાં જ નહોતો બતાવતો. હા, આમ પણ હવે આપણા સંબંધનું અસ્તિત્વ જ ક્યાં રહ્યું છે ? હવે માત્ર એક ફોર્માલીટી કરી રહ્યાં છીએ છેલ્લા કેટલાક વર્ષોથી. પણ મને આજે તને પત્ર લખવાની ઈચ્છા થઈ. તારી ઈચ્છા થાય તો તું પણ મને એક પત્ર લખી શકે છે પણ એ તારી ઈચ્છા પર નિર્ભર છે.      
          તને થતું હશે કે આમ આજે અચાનક પત્ર કેમ ?? પણ મારે તને ઘણું બધું કહેવું હતું પણ ના તો તું મને એકલી મળી શકતી હતી, ના ઘર છોડ્યા પછી ક્યારેય મારી સાથે ફોનમાં તે વાત કરી. કોર્ટમાં પણ તારો ભાઈ કે તારી મમ્મી સાથે જ હોતાં. માટે આ પત્ર દ્વારા હું તને એ બધી વાત કરવા ઈચ્છી રહ્યો છું.
          પાંચ વર્ષ જેવો લાંબો સમય આપણી વચ્ચેથી પસાર થઇ ગયો છે છતાં કોઈ નિર્ણય હજુ તારા દ્વારા લેવામાં નથી આવ્યો. તું શું વિચારે છે ? શું કરવા માંગે છે ? એ મને કઈ ખબર નથી પડતી. જયારે લગ્ન કરવાનો નિર્ણય લીધો ત્યારે હું અને તું બે જ વ્યક્તિ હતાં. તો પછી આ છુટા પડવાના નિર્ણયમાં આ બધાની ક્યાં જરૂર પડી ? હશે, જે પણ તારા મનમાં ચાલતું હોય એ, પણ મારાથી હવે સહન નથી થતું. એકલો એકલો કેટલું સહન કરું? કેટલીકવાર એમ થાય છે કે મૃત્યુને વહાલું કરી લઉં પણ મને મારા માતા-પિતાનો વિચાર આવે છે. જો મારે કોઈ ભાઈ હોત તો હું આ પગલું ભરતા વિચાર ના કરતો પણ હું એક જ એમના ઘડપણનો સહારો છું. માટે આમ નથી કરી શકતો. પણ આ બધી વાત જવા દે, મારે તને થોડું સમજાવવું છે....
સાંભળ, સંબંધો તારા અને મારા સારા જ હતા, પરંતુ કોઈકે એમાં નફરત નું ઝેર ઉમેર્યું ને તું બદલાઈ ગઈ. જો તને કોઈ મારાથી તકલીફ હતી તો મને જ કહેવું હતું. હું મારી જાત ને તારા માટે થોડી ના બદલી શકત? પણ તે મારો વિચાર ના કર્યો અને તારા જ વિચારો માં રચી પચી રહી.. મને અણસાર તો હતો જ કે તારા મગજમાં કંઈક ગડમથલ ચાલી રહી છે. પણ હુંય કેવો મૂર્ખો કે તને પૂછવા ના આવ્યો. જે થયું એમાં હું માત્ર તારી ભૂલ નથી કાઢતો, મારી પણ ભૂલ છે, પણ સંબંધ શું આમ જ તોડી દેવાય ? કેટલા વર્ષો સુધી આપણે એક મેક ને પ્રેમ કરતા રહ્યા..!

 

             એક પુરુષ તરીકે મારુ સ્વમાન ચોક્ક્સ છે. પરંતુ એક સ્ત્રી તરીકે તારી પણ કંઈક ફરજ છે. જયારે  આપણે કૉલેજમાં હતાં ત્યારે મારી પાસે તારા માટે ખૂબ સમય હતો. પરંતુ લગ્ન બાદ મારા માથે ઘણી જવાબદારીઓ પણ આવી ગઈ.. આ જવાબદારી નિભાવવા જતા મારી પાસે પહેલા જેટલો સમય નહોતો. પરંતુ તું તો સમજી શકતી હતી ને ! આજે હું તને પૂછું છું, શું પ્રેમ આવો જ હોય ? જયારે પ્રેમ માં હતા ત્યારે આંખો બંધ કરી ને એકબીજા પર વિશ્વાસ કરતા હતા અને લગ્ન બાદ 'તારા સમ મારા સમ' વાળી જિંદગી જીવવા પર મજબુર થઇ ગયા. સંબંધ સુધારવા માટે મેં ઘણી પહેલ કરી પણ તારા મગજ માં એવું બધું ભરાઈ ગયું કે તને હવે કંઈ દેખાતું જ બંધ થઇ ગયું. એના કરતા જો પ્રેમલગ્ન જ ના થયા હોત તો સારું.. તું અલગ હું અલગ. તું તારું જીવન મઝા થી જીવતી હોત ને હું તારી યાદો માં. કદાચ કોઈ અપરિચિત વ્યક્તિ સાથે લગ્ન પણ કરી લીધા હોત.. અને સારું થયું હોત જો એવું થાત.. ક્યારેક કોઈક રસ્તે બંને સામે મળત તો ચહેરા પર સ્મિત તો હોત... આજે ! આજે તો આપણે એકબીજા સામે જોવાનું પણ પસંદ નથી કરતા. હું ક્યારેય તારું ખરાબ નથી ઈચ્છતો. તો તું શું કામ આમ કરી રહી છે ? બીજાની વાતો સાંભળીને દુઃખ આપણા જીવનમાં જ આવ્યું છે. લોકો ઘર ભાંગવાનું કામ કરશે પણ એ લોકો ક્યારેય ઘર નહીં જોડી શકે. વિચારવાનું તારા હાથમાં છે.
આવું કેમ થયું ? શું મેં તને પ્રેમ કર્યો એ મારો ગુન્હો હતો ? હું તને છેલ્લી વાર પૂછી રહ્યો છું કે તારે શું જોઈએ છે? મારા કુટુંબનો વારસદાર પણ તારી પાસે છે અને તું માંગે છે એટલી રકમ મારી પાસે નથી. એના કરતા ચાલ ને એવું જ કંઇક કરીએ જેનાથી આ સંબંધ હતો એવો જ થઇ જાય ! હું તૈયાર છું પહેલ કરવા માટે.. શું તું ફરી હાથ લંબાવી શકીશ ??????
ઘણા વર્ષો થઇ ગયા તારા ગયા ને... આજે પણ એકલો જ છું... મેં તને પ્રેમ કર્યો હતો. કદાચ તે પણ મને પ્રેમ કર્યો હોત તો આ સમય ના હોત.
          લી.
તું આજે મને જે નામે ઓળખે એ 

લે. નીરવ પટેલ “શ્યામ”