Abhimanyu in Gujarati Short Stories by Jignasa Shah books and stories PDF | અભિમન્યુ

Featured Books
Categories
Share

અભિમન્યુ

     સવારે સાડા પાંચ વાગે અલાર્મ વાગ્યો.. ઝડપથી ઉઠીને અલાર્મ બંધ કર્યો. નિમેષની ઊંઘ ના બગડે તેમ નિત્યક્રમ પતાવી નીતા સીધી રસોડામાં ગઈ. 
     હજુ ગઈકાલે જ તો હનીમૂન પરથી પાછા ફર્યા હતા. લગ્ન પછી તરત હનીમૂન માટે નીકળી ગયા હતા તેથી પરિવાર સાથે પરિચય સાધવાનો તેનેે મોકો જ નહોતો મળ્યો. પણ આજે પહેલા જ દિવસથી સૌ ની નજરમાં આદર્શ  બહુ બનવા ના પ્રયત્ન સાથે તેણે શરુઆત કરી. સૌ ના ગમા-અણગમા વિષે તો તેણે નિમેષ પાસેથી જાણી જ લીધું હતું, બાકી માતા પાસેથી મળેલી સલાહ પણ સાથે હતી. હવે મન જીતવા માટે યુદ્ધ પ્રયાણ કર્યું. 
    સૌ પ્રથમ સૌ ના માટે ચા બનાવી. ગરમાગરમ બટાકા પૌંઆ અને ઢોકળા બનાવ્યા. દાદીમા માટે ઓછી ખાંડ વાળી ચા અલગ રાખી. ડાઈનિંગ ટેબલ સજાવી દીધું. 
    સાસુમા એ આ જોતા જ રાહતનો શ્વાસ ખેંચ્યો. પોતાની જવાબદારી હવેથી નીતા ઉપાડશે એ વિશ્વાસથી તેમના મોં પર આનંદની લહેર આવી અને તેમણે નીતાનો ખભો થાબડયો.... પ્રથમ શિખર સર થયું. 
    ડાઈનિંગ ટેબલ પર મસાલાવાળી ચા, મનભાવતો નાસ્તો અને અખબાર જોઈ સસરાજી ખુશ થયા. ચા ની પહેલી ચુસ્કી પર 'વાહ.... ' સાંભળી નીતાનો આત્મવિશ્વાસ વધી ગયો. 
    ઝડપથી પૂજા ઘરમાં જઈ તેણે સફાઇ કરી. જૂના ફૂલો હટાવી, તાજાં ચૂંટેલા ફૂલો મુક્યા. ત્રાંબાના વાસણો ઘસીને ચકચકિત કરી દીધાં. દિવો પૂરી પૂજાની તૈયારી કરી દીધી. સ્નાનથી પરવારીને પૂજા ઘરમાં પ્રવેશતા દાદીમાની આંખો આ જોઈ ચમકી ઊઠી. 'ખુશ રહે' ના સ્વર સાથે તેણે નીતાના માથા પર હાથ પસવાર્યો. સંતોષના સ્મિતની આપ-લે કરી નીતા ફરી રસોડામાં પ્રવેશી. 
    શાળા઼એ જવા માટે તૈયાર થતા નાનકડા દિયરને ખુશ કરવાનું હજુ બાકી હતુ. ઝટપટ પાસ્તા બનાવી લંચ બોક્સ તૈયાર કર્યું. પાણીની બોટલ પણ ભરી દીધી. લંચ બોક્સ લેવા આવેલાં નાનકડા દિયરે જિજ્ઞાસાવશ લંચ બોક્સ ખોલીને જોયું અને ખુશીથી ઉછળી પડયો. મમ્મીને તો પાસ્તા બનાવતા આવડતું નથી એટલે ભાભીએ જ બનાવ્યા છે એ એને સમજાઈ ગયું. કાલ સુધી થોડો અતડો રહેતો દિયર આજે 'થેંક્યુ ભાભી' કહી તેને વળગી પડયો અને લંચ બોક્સ લઈ બહાર દોડી ગયો. નીતાના મોં પર હાસ્યની સુરખી છવાઈ ગઈ. 
    પરિવારનાં બધા સભ્યોએ તેના પ્રયત્નોનો ધાર્યો પ્રતિસાદ આપ્યો હતો. પોતાની આ જીતની ખબર માતા પિતાને આપવા એ ઉતાવળી બની. ફોન પર ખબર-અંતર પૂછીને પોતે ખુશ છે અને સૌને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે એમ કહ્યું. પોતાના  આપેલા સંસ્કાર દીકરી દિપાવી રહી છે એ જાણી પિતાએ ગર્વ અનુભવ્યો. પોતાની સલાહ પ્રમાણે વર્તીને મન જીતતી પુત્રી માટે માતાએ પણ આનંદ અનુભવ્યો. જે સ્વરમાં ચિંતા હતી તે સંતોષમાં પલટાઈ ગઈ. તેમને આશ્વસ્ત જોઈ નીતા પણ સંતુષ્ટિ પામી. 
    હવે નિમેષ પણ જાગી ગયો હશે. નિમેષ પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરતો હતો. તેથી જ તો નીતા પણ તેઓનું મન જીતવા અધીર બની હતી. નિમેષ પણ એ જ ઈચ્છતો હતો.  બધાને ખુશ કર્યાની સફળતાએ  તેના કદમોમાં નવું જોમ ભર્યું હતું. સાથે વિતાવેલ પ્રણય કાળની યાદ આવતા જ તેના મોં પર લજ્જા ની લાલી  છવાઈ ગઈ. સવારે સાથે ચા નાસ્તો કરી થોડી ક્ષણો પતિ સાથે માણી લેવાના મૂડથી ટ્રે હાથમાં લઈ તે શયનખંડમાં પ્રવેશી. નિત્યક્રમથી પરવારેલા નિમેષે ચા નાસ્તો જોઈ તેની સામે સ્મિત ફરકાવ્યું. પણ અચાનક તેની નજરમાં નારાજગીના ભાવ તરી આવ્યા. 'તને ખબર છે મને આ કલર નથી ગમતો તો પણ તે આ ડ્રેસ પહેર્યો??? ' કહીને મોં ફેરવીને તે ચા પીવા લાગ્યો. ન તો તેણે નીતાને ચા પીવા માટે પુછ્યું, ન નાસ્તાના વખાણ કર્યા. બસ નજર ફેરવી લીધી. કાલ સુધી પ્રેમી રહેલો પુરુષ આજે પતિ બની ગયો. નીતાની આંખમાં અશ્રુ બિંદુ ઝબકી ગયા.  તેનો સ્વર રુંધાઈ ગયો. અભિમન્યુ ફરી આખરી કોઠે જ વિંધાઈ ગયો.