sunu matrutva in Gujarati Women Focused by firoz malek books and stories PDF | સૂનું માતૃત્વ - ghar

Featured Books
Categories
Share

સૂનું માતૃત્વ - ghar

ઘર (નવલિકા)

                                    “અરે રિયા ! તું તો આખ્ખી ભીંજાય ગઈ ને! બહાર બહું વરસાદ પડે છે કે શું?”સામે વાળા ફ્લેટને દરવાજે ડોરબેલ વગાડતી રિયા હજી હમણા જ કોલેજથી આવી ઊભી હતી.પાણીથી લથબથ શરીર ઠંડીથી ધ્રૂજી રહ્યું હતું.ઠંડીથી ફફડતાં હોઠે તો કશો પ્રતિભાવ આપ્યો નહિ,પરંતું ભાવવિહીન રુક્ષ ચહેરાએ હકારમાં માથું હલાવી ઉત્તર વાળ્યો.દરવાજો ખૂલતાં જ રિયા ફ્લેટમાં ખેંચાઈ ને દરવાજો ધડામ કરી પછડાયો.જાણે દરવાજો સનતભાઈના આત્મા સાથે પછડાયો.દરવાજા અને રિયાના તિરસ્કૃત વર્તનનો હૃદય પર એવો ધક્કો લાગ્યો કે, ધ્રૂજારી આખા શરીરમાં ફેલાઈ ગઈ.                       સનતભાઈ,એમના પત્ની રંજનબેન કે પુત્ર અને પુત્રવધુ માટે આવી ઘટના કંઈ નવી ન હતી.ફ્લેટમાં આમ પણ સ્વાર્થવૃત્તિ,એકલવાયુ જીવન,કૂપમંડૂક માનસિકતા અને ઔપચારિક વ્યવહાર સાથે જ સંબંધો સચવાતા હોય છે.એમાં રિયાનો કે બીજા કોઈનો પણ વાંક શા માટે કાઢવો ? 
                      ’ઘર’ છોડી ‘ફ્લેટ’માં આવ્યાને આજે બે વરસ ઉપરનો સમય થવા આવ્યો હતો.શરૂઆતમાં બધું અજૂગતું લાગતું હતું.પરંતુ સમય જતાં બદલાયેલા વ્યવહાર માળખામાં સમગ્ર પરિવાર ફીટ થતો ગયો.થવું જ પડે એમ હતું.સનતભાઈને હજીયે યાદ હતું કે,વરસો પહેલા બા ના દાદા-પરદાદાનું જૂનું મકાન વારસાઈમાં પડતાં પોતાને ભાગે આવેલી રકમ લઈ બા-બાપૂજીએ અહીં કોઈકના વાડાની જમીન લઈ તેના પર ઘર બાંધ્યું હતું.પોતાનાથી નાના એક ભાઈ અને એક બહેન સાથે સનતભાઈનો પરિવાર રૂખી-સૂકી ખાયને પણ ખુશીથી જીવન પસાર કરતા હતા.                     ‘ઘર’. પોતાનું ‘ઘર’.પરમ શાંતિનો એહસાસ કરાવતું ‘ઘર’.બાળપણાની નિર્દોષ રમતો, ભાઈ-બહેન સાથેની ગમ્મતો,રમતો,નિર્દોષ રુસણા-મનામણા,દોડા-દોડી,સંતાકૂકડી,સાતતાળી.ગીલ્લીદંડાની રમત,લખોટી-લખોટાંની રમત,લંગડી દાવ,ક્રિકેટની કાચીપાકી રમત કે પછી મિત્રો સાથે સીમમાં કેરી,આંબલી,જમરૂખ પાડવા કે શેરડી તોડવા ગયેલાને; મોડે સુધી ઘરે ના પહોંચતા બા હાથમાં લાકડી લઈ દોડી આવતી;ખીજાતી,લડતી-વઢતી અને પછી દુલારતી ઘરે લઈ જતી,અને રમત-ગમત અને ઢીંગા મસ્તીને કારણે અભ્યાસને અન્યાય થયો હોય; એની જાણ કરતું,સાધારણ દેખાવની ઓળખ આપતું પરિણામ પત્રક જ્યારે બાપૂજીના હાથમાં આવતું, ત્યારે માર પણ ખાવો પડતો.અને બાપૂજીના રૌદ્ર સ્વરૂપ આગળ ભયથી પગમાં અને હૈયે ધ્રૂજારી ચઢી જતી.એ સૌ યાદો ભૂલી શકાય એમ ક્યાં હતી? એ બધું જ ઘરના પર્યાય તરીકે સ્મૃતિમાં અકબંધ હતું.
                                સનતભાઈને એસ.ટી.બસમાં ક્લાર્કની નોકરી મળી, ત્યારે બા બાપૂજી તો એવા રાજીના રેડ કે, કોઈ મોટી જંગમાં, મોટો વિજય પ્રાપ્ત કર્યો હોય,એમ આસપાસમાં,આડોશ-પાડોશમાં મીઠાઈ પણ વેચી આવેલા.એ હજી યાદ હતું.આખુ ઘર ખીલખીલાટ કરતું ઝૂમી જ ઉઠેલું.અને એમાંય થોડાં સમયમાં સનતભાઈના રંજન બેન સાથે લગ્ન થયાં, ત્યારે તો ચાર ચાર દિવસની દોડાદોડી અને ઉત્સવ એવો ઉજવાયો હતો કે, ઘર ‘ઘર’ ના રહ્યું, ઝગમગતો આલિશાન મહેલ બની ગયો હતો.
                    ઘરના પાછળ મોટો વાડો હતો, જાણે સાક્ષાત પ્રકૃતિનો વાસ.આંબાનું મોટું ધીર ગંભીર ઝાડ,પવનને થપાટે મલકાતી,ડોલતી આંબલી અને પેલી ફૂદીનો અને કઢી-લીમડીની ક્યારી તો રીતસરની રમતી અને ઉછળતી.વાડાની એક બાજુ માટીનો ચૂલો હતો.બા વહુ-રંજનબેનને રસોઈની સમજ આપતી હતી.અને આ જ વાડામાં ઘણીવાર બાપૂજી સવારે ખુરશી નાંખી છાપુ વાંચતા હતા.અને ચૂલાની પાસે જ નાનુ છાપરું બાંધ્યું હતું, તેમાં બે ચાર ભેંશો બંધાતી.ત્યાં જ દૂધ દોવાતું અને માખણ-છાશ વલોવાતા.                    વાડાનો વૈભવ રાજાના વૈભવ કરતાં ક્યાંય ઓછો પડે, એમ ક્યાં હતો?એ વાડો હતો, કે સ્વર્ગભૂમિ?                   “રંજન બારી ખોલ તો!જો ને બહાર વરસાદ બહું પડી રહ્યો છે ને?જો સામા ફ્લેટ વાળી છોકરી પેલી રિયા ભીંજાઈને હમણા જ આવી.”કહેતા સનતભાઈ અંદરના રૂમમાં આવ્યા.રંજનબેને બારી ખોલી નાંખી.જોયું તો ખરેખર બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો.સનતભાઈ એ કાચની ખુલ્લી બારીમાંથી હાથ બહાર કાઢી વરસાદ ઝીલ્યો.હાથ ભીંજાયો .પરંતુ અંતરમન તો કોરું જ રહ્યું.સનતભાઈનું મન ફરી ‘ઘર’ તરફ ખેંચાયું.
                  ઘરની આગળના ભાગના ખુલ્લાં ચોગાનમાં વરસાદને ઝીલવાની,દોડીની છબછબ કરવાની,માટીની મીઠી ખુશ્બોને મન ભરી માણવાની,કીડા-મંકોડા અને મખમલ ગાય જેવા કીટકોને નિહાળવાની,શર્ટ કાઢી વરસાદને શરીરે ઝીલવાની મજા,તો વાડામાં વરસાદથી ન્હાયને કૃતાર્થ થતા, મલકી રહેલા વૃક્ષો.- આ સઘળુ જોય મનમાં અદમ્ય,અકલ્પ્ય શક્તિનું અને તાઝગીનું ઝરણું ફૂટી નીકળતું હતું.તો વરસાદમાં ન્હાયા પછી ચાની ચૂસ્કી અને ગરમાગરમ ભજિયા હિંચકા પર બેસી ખાવાની લહેજત પણ કંઈ કમ તો ન હતી.
                         દિવ્યા સગપણે બેન ખરી , પણ સૌથી નાની એટલે લાડકવાયી પણ ખરી. પિતાજીના ગયા પછી તો લગભગ એ દીકરી જ બની ગઈ હતી.દિવ્યાને રમવાની-ફરવાની જીદ હોય,બા ન માને કે તરત સનતભાઈ સાંજે નોકરીએથી આવ્યા હોય,થાક્યા હોય, પરંતું ‘ભાઈ... ભાઈ...બા મને આજે બજાર ફરવા ન જ લઈ ગઈ.’ ને સનતભાઈ રંજનના હાથનો પાણીનો ગ્લાસ મોઢે અડકાડ્યો ન અડકાડ્યો ને દિવ્યાને લઈ બજાર ફેરવી લાવે. સનતભાઈનો થાક દિવ્યાની ખુશિયોમાં અટવાઈ તાઝગીમાં પરિવર્તિત થઈ ઊઠતો.આ જ દિવ્યાને પરણાવી ત્યારે રીતસરના બા કરતા અદકું તો સનત ભાઈ રડી પડેલા.બહેન નહિ દીકરી પરણાવી હોય, એમ સાસરિયાઓને સોંપણી  કરતાં લગભગ કાલાવાલા કરતાં કહેલું કે, ‘મારી દીકરીને સંભાળજો.કંઈ ઓછું આવે તો દરગુજર કરજો. અને મને બોલાવજો. મે જીવની જેમ એને સાચવી છે. આજે જીવથી છૂટી કરું છું. ..જો જો હેં  .. ’ ઘરમાં ભજવાયેલા કેટ કેટલાં પ્રસંગો હજી આજેય તાજા હતા.  
               દિવ્યાથી થોડો મોટો રાજેશ. રાજેશ તોફાની અને ઉછાંછળો. આખા ઘરને માથે લઈ ફરે એવો. સાયકલથી લઈ બાઈક સુધીની તમામ ફરિયાદો- જરૂરિયાતો ભાઈને કાને અથડાતી અને સનત ભાઈને માટે એ અર્જુનનું  લક્ષ્ય બની જતી. સતત મંથન-મુંઝવણ અનુભવી છેવટે રસ્તો કરી લઈ રાજેશ ના શોખ પૂરા થઈ જતા. .અને રાજેશ  ‘ભાઈ’ ને આખ્ખે  આખા ઉંચકી લઈ ચૂમી લેતો.બસ રાજેશના  આ જ હાસ્ય અને ઉમંગ સનતભાઈને સ્વર્ગની અનુભૂતિ કરાવી જતા.  
               વિદેશથી પધારેલા એક મિત્ર એ દસ હજાર રુપિયાની બહુમૂલ્ય કાંડા ઘડિયાળ  સનત ભાઈ ને ભેટ ધરી. રંજન બેન અને બા તો સનતભાઈન હાથમાં આ કાંડા ઘડિયાળ જોય કહેતાં-“ ઘડિયાળ  સાચે ઠેકાણે  આવીને પડી છે. કેટલી સુંદર! કેવી ચમકે છે?” રંજનબેન તો એકલામાં હોય, ત્યારે પતિનો ઘડિયાળ પહેરેલો  હાથ  હાથમાં લઈ ગાલ સાથે અડકાવી કહેતાં પણ ખરા કે, “ એ ય ... સાંભળો છો? આ ઘડિયાળ આટલી સુંદર કેમ લાગે છે. ખબર છે? ”
   “ કેમ?”  સનતભાઈ પત્નીના ગાલ પર હાથનો ધક્કો મારતા કહેતા.    “ કેમ કે આ ઘડિયાળ મારા વરના હાથ પર બંધાઈ છે. ”
   “ ચાલ લુચ્ચી ..” કહી સનતભાઈ આવેગમાં આવી પત્નીને પોતાની તરફ ખેંચી લેતા.અને ક્યાંય સુધી એકબીજાની આંખોમાં  આંખ પરોવી  તાકી રહેતા. 
                 પછી તો  રંજનબેન કાયમ આ ઘડિયાળ ગાલ પર મૂકી વરનો સ્પર્શ અનુભવતા. અને એક દિવસે રાજેશ સ્કૂલમાં ઘડિયાળ તોડીને આવ્યો. ઉદાસિનતા ચહેરે વર્તાતી હતી.ફરમાન થયો- ‘ કાલે ઘડિયાળ વગર શાળાએ નહિ જાઉં.’  અને  ઘડિયાળ કોઈકની અપાર લાગણીના ભાર છતાં ફટ્ટાક દઈ સનતભાઈના કાંડા પરથી ઉતરી રાજેશના કાંડે બંધાઈ ગઈ.અને સૌથી અજાણ રસોઈઘરમાં ઉભેલી બે આંખો અને ગાલ વૈધવ્યમાં ધકેલાઈ ગયા. કાયમને માટે.    
                          
               બાપૂજીના ગયા પછી આખા ઘરની જવાબદારી સનતભાઈ પર આવી પડી હતી.ભાઈ-બહેનના ધામધૂમથી લગ્ન અહિ જ ઉજવાયા હતા.મા ની અંતિમ સમય સુધીની ખડે પગે ચાકરી અને મા ના ગયાનો માતમ પણ અહિ જ મનાવ્યો હતો.ઘરની ઈંટેઈંટમાં હર્ષ અને આંસુઓના સરવાળા બાદબાકી છૂપાયા હતા.ઘરના એ ખુલ્લા ચોગાનમાં પોતે અને પોતાના બાળકો તો ખરાં જ ,પણ મોટી પૌત્રી શ્રેયા પણ અહીં જ રમી હતી.ફરી હતી.અને ખુલ્લે મને ડગલીઓ ભરી ચાલતા શીખી હતી.બાળસહજ રમતો કે, જે ભૂમિ પર રહી ખેલી શકાય,  એ સઘળી રમતો ખેલતા શીખી હતી.પરંતું નાની પૌત્રી કુસુમનો જન્મ તો આ નાનકડા ફ્લેટમાં આવ્યા પછી થયો.દોઢ પોણા બે વરસની  આ બેબીના નસીબમાં જમીન,ચોગાન કે વાડો હતો જ ક્યાં?એ માત્ર મોબાઈલના મેનુ ખોલી યુ ટ્યુબ કે ગેમ રમી શકતી હતી.પરંતું મોટીની જેમ ગૌરવવંતી રમતોથી એ વંચિત રહી ગઈ.દશ બાય દશના ફ્લેટના હૉલમાં તો બેબી સીધી ચાલી પણ ક્યાં શકતી હતી?જરા ચાલવાનો પ્રયત્ન કરતી એટલે દિવાલ ‘દિવાલ’ બની ઊભી થઈ જતી હતી.ચાર દિવાલની વચ્ચે બેબીનું બાળપણ રીતસરનું સંકોચાઈ રહ્યું હતું.                  ભીના હાથને ખંખેરી સનતભાઈએ બારીનો કાચ નિસાસા સાથે બંધ કરી દીધો.”રંજન ચા લાવ અને પંખો ફાસ્ટ કર.આટઆટલો વરસાદ હોવા છતાં ગરમી લાગે છે” ફ્લેટના જીવનમાં કોઈ પણ ઋતુને પોતે માણી શક્યા ન હતા.પાંગરી રહેલી ત્રીજી પેઢીના ભાવિનો વિચાર સતત એમને સતાવી રહ્યો હતો.ફ્લેટમાં ન ધરતીનો સંગાથ કે ન આકાશની ઑથ. બસ રહેવા અને જીવવા ખાતરનું માત્ર એક સમાધાન જ હતું.                  પત્ની થોડીવારમાં ચા મૂકી ગઈ અને પંખો પણ ફાસ્ટ કરી ગઈ.
                 કેમે’ય કરી ફ્લેટમાં મન ગોઠતું ન હતું.બા ગયાં ને ખુદના બાળકોની જેમ નાનેથી મોટા કરેલા ભાઈ અને બહેન સમજણ ના કેળવી શકયા.અને ઘરના ભાગલાં પડી ગયા.એમાં ને એમાં ઘર વેચાય ગયું.અને ફ્લેટ લેવાય ગયો. જાણે સુખ ગયું અને સુખનો પ્રયાસ રહી ગયો. 
                 ખાલી કરેલા ઘરને યાદ કરતા હજી આજે’ય સનતભાઈની છાતી ભરાઈ આવતી હતી. હસતા-ખેલતા ઘરનું એકાંત ચીસો પાડી પાડી રડી રહ્યું હતું.અને પેલો વાડો?વાડાના આંબા-આંબલી તો વગર વરસાદે રડી રડી બેહાલ હતા.એ છાંયડી અને એ ફળના ઝુમખાઓ એ ચુપકીદી સેવી લીધી હતી.ઘરના એક એક રૂમ,જૂની ઢબનું કીચન,બારસાખ,છત-દરવાજા,પણિયારું,કલ્લોલતું ચોગાન સૌના મુખે વિદાયની-વિનાશની વેદના સ્પષ્ટ દેખાતી હતી.ખાલી ઘર રડી રડી પોતાને છોડી ને ન જવાની દુહાઈ આપી રહ્યું હતું.સનતભાઈને એ સાદ સંભળાયો હતો.પણ કાનમાં રુદન ના ડૂચા મારી સનત ભાઈ ઘરની બહાર નીકળી ગયા હતા.પગલાં ભારે હતા કે હૈયું?વળી વળીને પોતાના ઘરને જોતા, આગળ વધતા જતા હતા.આંખોના ખૂણા સાફ કરતા તો એમનાથી રીતસરનું ડૂસકું જ મૂકાય ગયું હતું.
                  શરત મુજબ પાંચે’ક દિવસ બાદ સનત ભાઈ નવા મકાન માલિક પાસેથી દરવાજાના એન્ટિક ડાગળા કે, જેનાંપર લટકી બાળપણ ઝૂલ્યું હતું, તે લેવા આવ્યા હતા, અર્ધતૂટેલા ઘર પર મસ મોટું બેરહેમ બૂલડોઝર ચઢી, કચડી રહ્યું હતું.એ દૃશ્ય નજરે ચઢતા તો સનતભાઈના આખા શરીરનું રક્ત સૂકાય ગયું હતું. સનતભાઈથી ત્યારે છૂપી ચીસ જ નીકળી ગઈ હતી.ઘર વેચાયું હતું-પારકું કર્યું હતું.પણ ઘર સાથેની લાગણી થોડી પારકી થઈ હતી?સંકટમાં નાનું બાળક માવતરને પોકારે,કાકલૂદી કરે,એમ ઘર સનતભાઈના મુખ સામે જોય કાકલૂદી કરી રહ્યું હતું.પરંતું પોતે કેવા લાચાર હતા?નિરાધાર હતા. એ પોતાના ઘર માટે કંઈ ન કરી શક્યા.એ ભયંકર ક્ષણોને યાદ કરતા આંખો આજે પણ ભરાઈ આવતી હતી. 
                   આજે સનતભાઈને ફરી ઘરની માયા જાગી હતી.આખો દિવસ આમ જ સૂનમૂન બેસી રહેલા સનતભાઈએ, નોકરી પરથી ઘરે આવેલા દીકરાને, જમી પરવારી લીધા બાદ પાસે બેસાડ્યો.અને કહ્યું-                   “બેટા,જો કંઈ પણ થઈ જાય,પરંતું જમીન સાથેનું ઘર આજે નહિ ને કાલે,પણ તારી સગવડે વસાવજે જરૂર. હું કે તારી મમ્મી જીવાય એટલું જીવવાના નથી.પણ તમારી મજલ લાંબી છે દીકરા.રાત્રે થાકી હારીને, સુતી વેળા આ ધરતી માનો ધબકાર કાને ના ઝીલાય, તે વળી ઘર હોતું હશે?એ તો આ ફ્લેટ જ હોય બેટા!”સનતભાઈની આંખો ભરાઈ આવી.ચશ્મા કાઢી સનત ભાઈએ બે હથેળી વચ્ચે આંખો દાબી દીધી.દીકરાએ પિતાનો હાથ હાથમાં લઈ હિંમત આપતા કહ્યું-“હા.પપ્પા મને’ય અહિયા ક્યાં ફાવે છે?હાથ હલકો થાય તો લોન કરી ને પણ, જમીન સાથેનું ઘર તો હું વસાવીશ જ.ને પપ્પા આપણે સૌ સાથે હળીમળીને આમ જ સાથે રહીશું.બિલકુલ પહેલાની જેમ જ.તમે જરાયે ચિંતાના કરો,બધું સમુંસૂતરું થઈ પડશે.”                    સનતભાઈએ ઊંડો શ્વાસ ખેંચી, દીકરાને માથે હાથ ફેરવતા, ગળે વળગાડી લીધો.   
                                     @@@-------------@@@