lanka dahan 3 in Gujarati Fiction Stories by bharat chaklashiya books and stories PDF | લંકા દહન 3

Featured Books
Categories
Share

લંકા દહન 3

જગદીશની વાતો સાંભળીને રમણ ઉભો થઈને એના પગમાં પડી ગયો. " ખરેખર તું જગદિશાનંદજી મહારાજ જ છો. હે પ્રભુ મને તમારો દાસ જાણી આપની સેવામાં રાખો. હું આ નિષ્ઠુર અને સ્વાર્થી દુનિયામાં અથડાતો કુટાતો એક ક્ષુદ્ર અને પામર જીવ છું"
જગદીશે પગમાં પડેલા રમણને ઉભો કર્યો. "ખરેખર તું મારી સાથે રહેવા માંગે છે કે મજાક કરે છે ?"
"જો, શક્ય હોય તો મારે પણ અહીં તારી સાથે રહી જવું છે, જલસા કરવા નહિ હો, પહેલા વિચાર્યું હતું કે થોડા દિવસ તારી સાથે રહીને આનંદ કરીશ. પછી તારી પાસેથી થોડા પૈસા ઉછીના માગીને મારા કીચડ જેવા સંસારમાં પાછો ચાલ્યો જઇશ. પણ તારી સેવાની વાતો સાંભળીને થયું કે જીવનનો ઉપયોગ જો આ રીતે થઈ શકતો હોય તો હું મારા કુટુંબની વ્યવસ્થા કરીને તારા આ સેવા યજ્ઞના મહાકાર્ય નો હિસ્સો બનું "
"જ્યારે આપણે સારું કાર્ય કરતા હોઈએ ત્યારે ખરેખર પ્રભુ આપણી વ્હારે આવતો હોય છે, મારે આ સંસ્થા સંભાળવા માટે ખરેખર કોઈ વિશ્વાસુ સથીદારની જરૂર હતી, હું પણ તને જોઈને ખૂબ જ ખુશ થયો હતો, પણ મારી આ પ્રવૃત્તિમાં તું જોડાઈશ એવી આશા નહોતી.કારણ કે હું કેટલીક બાબતો પ્રત્યે આંખ આડા કાન કરી લઉં છું, પણ તું એક ઘા અને બે કટકા કરવાવાળો જડ મગજનો છો. પણ હવે જ્યારે તું જોડાવા જ ઈચ્છે છે ત્યારે કહી દઉં કે આ ખાંડા ની ધાર પર ચાલવા જેવી જિંદગી છે, એક માણસ બનીને જીવવું ખૂબ સહેલું છે, પણ ભગવાન બનીને જીવવું ખૂબ જ અઘરું છે, તું કદાચ સમજે છે એવા જલસા અહીં નથી.જો જરા પણ ભૂલ થઈ તો આ ઘેટાઓ માણસની ભૂલને એકવાર માફ કરશે પણ ભગવાની ભૂલને માફ નહિ કરે ! ભગવાનથી ભૂલ થાય એ વાત એ ભગતડાઓ સ્વીકારી શકતા નથી, પળવારમાં એક સામાન્ય બાવો બનીને જીવ લઈને ભાગવું પણ પડે. અને આ રાજકારણીઓને પણ સાચવવાના. એમની અમુક માગણીઓને તાબે ન થઈએ તો અટપટા કેસ કબાડા કરીને જેલભેગા પણ કરી દે !"
"તો શું આ આશારામ અને બીજા અમુક બાબાઓ જેલમાં છે તે શું દૂધે ધોયેલા છે ?" રમણે પુછયું.
"હવે, એ તો એના કર્મ જાણે, આતો એક વાત છે.અહીં આ બધી સેવીકાઓ છે અને એમની મરજીથી એ મારી સેવા કરતી હોય ત્યારે કંઈ પણ બની શકે, એટલે ખ્યાલ રાખવો પડે."
બન્ને દોસ્તોએ ખૂબ ચર્ચા અને વાતો કરી.રમણ, રમણ મહર્ષિ બનીને જ.મહારાજનો ડાબો જમણો હાથ બની ગયો. અને થોડા વર્ષો પછી રમણ મહર્ષિને અહીંનું બધું કામકાજ રમણને સોંપીને જ. મહારાજને આશ્રમ અને સંપ્રદાયના વડા અધિપતિ મહારાજે વિદેશના ભક્તોનું કલ્યાણ કરવા બોલાવી લીધા.
રમણ સાચા અર્થમાં સંત બનવાની કોશિશમાં જીવન વિતાવવા લાગ્યો. સવારે વહેલા 4 વાગે ઉઠીને ઠંડા પાણીથી નાહીને યોગ અને પ્રાણાયામ કરતો અને ભક્તોને ઉપદેશ આપતો.
એક દિવસ આરામકક્ષ માં સેવકે આવીને જણાવ્યું કે એક ભક્તજન
મળવા માંગે છે.તેને આવવાની પરમિશન આપી.એટલે એક ભક્ત જણાતો માણસ આવીને પગે લાગ્યો.તેને જોઈને તે ખૂબ જ દુઃખમાં હોવાનું તરત જ રમણને સમજાઈ ગયું. સેવકોને બહાર જવાનું કહીને રમણે પેલા ભક્તને તેની વાત જણાવવા કહ્યું કે તરત જ એ પોક મૂકીને રડવા લાગ્યો. રમણે ખુદ ઉભા થઈને તેના માથા પર હાથ મૂકીને તેને સાંત્વન આપવા પ્રયત્ન કર્યો અને પાણી પણ પાયું.ઘણી વારે તે શાંત થયો અને એની દુઃખદ કહાની કહેવા લાગ્યો.
" મહર્ષિજી, આ સંસ્થાના અમુક માણસો મને ખુબ જ હેરાન કરે છે, મારી ત્રણ યુવાન દીકરીઓને આપની સેવીકાઓ બનવા મજબૂર કરી રહ્યા છે,મારી દિકરીઓ ભણવામાં અત્યંત તેજસ્વી છે અને આપણા ગુરુકુળમાં જ ભણી રહી છે.તેઓની જરાય ઈચ્છા નથી સેવીકાઓ બનવાની. એમને ભણી ગણીને જીવનમાં આગળ વધવું છે પણ અહીંના સાધકો કહે છે કે આ સંસ્થાએ જે છોકરી-છોકરાઓને ભણાવ્યા હોય તેમને ફરજીયાત પાંચ વરસ સુધી સેવા કરવી જ પડે.એવા કરાર પર પહેલેથી જ લાભાર્થીના વાલી ની સહી લઈ લેવામાં આવે છે એટલે હું પણ બંધાઈ ગયો છું. મને એ પણ જાણવા મળ્યું છે કે આશ્રમમાં સુંદર અને યુવાન સેવીકાઓ પાસેથી કેવા પ્રકારની સેવાઓ લેવામાં આવે છે, પણ એ બધી બાબતોમાં મારે પડવું નથી, તમારા વિશે મને લોકોએ જણાવ્યું છે કે તમે ખૂબ જ ઉત્તમ ચરિત્ર ધરાવો છો. જગદિશાનંદજી અહીં નથી એટલે આશ્રમમાં અમુક પ્રકારના ગેરવહીવટ પણ ચાલી રહ્યા છે. મારી છોકરીઓને ફરજ પાડવામાં આવી રહી છે, એટલે બહુ આશા લઈને હું આપ સમક્ષ આવ્યો છું.અને અહીં સુધી આવવા માટે મારે એક લાખ રૂપિયા અલગ અલગ વ્યક્તિઓને વહેંચવા પડ્યા છે જે મેં બહારથી ત્રણ ટકાના વ્યાજે લીધા છે. જો આપ મને મદદ નહિ કરો તો હું અને મારો આખો પરિવાર આત્મહત્યા કરીશું, બસ એ જ મારે કહેવાનું છે.જે લોકો મારી દીકરીઓની પાછળ પડ્યા છે એ લોકોના નામ આ કાગળમાં લખેલા છે, જે જોઈને મને એમની નાગચુડ માંથી છોડવો "એમ કહી પેલાએ કાગળ રમણના હાથમાં આપ્યો.
કાગળમાં લખેલા નામ વાંચીને રમણના મોં પરથી લોહી ઉડી ગયું. તેના પેટમાં કઈક ઉથલપાથલ થઈ રહી હોય એવું મહેસુસ થઈ રહ્યું. ખૂબ જ પ્રયત્નથી પોતાના ભાવ છુપાવીને પેલા ભક્તને કહ્યું.
"જુઓ ભગત, આ બાબતની પુરી તપાસ હું કરીશ.અને મારો જીવ આપવો પડે તો જીવ પણ આપીને હું તમને જરૂર મદદ કરીશ.પણ તમે આત્મહત્યા ન કરતા.અને બહાર નીકળીને બધાને એમ જ કહેજો કે મહર્ષિએ મને મદદ કરવાની ના પાડી .એટલે ખૂબ જ નિરાશ અને ઉદાસ જ રહેજો.આજથી તમારી દીકરીઓની ચિંતા મારી છે, જો તમારી દીકરીઓને સેવિકા બનવું પડશે તો હું આ દેહ પાડી નાખીશ એટલું નક્કી જાણજો "
ભક્ત ઉભો થઈને રમણના પગમાં પડી ગયો.ફરી રડી પડ્યો એના અશ્રુથી રમણના પગ પલળી ગયા.રમણે એને ઉભો કરીને શાંત પાડ્યો અને વિદાય કર્યો. તે ગયો એટલે જગદિશાનંદને ફોન જોડ્યો.