"આક્રંદ:-એક અભિશાપ"
ભાગ:-14
હસન રેશમા ને ખંડેર જોડે જઈને બચાવી લાવે છે.. 7175 નું રહસ્ય જાણવા હસન ઈબ્રાહીમ કરીમ ને USA કોલ કરે છે.કાસમા હોસ્પિટલ થી આવીને રેશમા અને નૂર નાં અબ્બુ સાથે જોડાયેલી અમુક વાતો કહે છે.વધુ સવાલો નાં જવાબ એમને ઈલિયાસ મોમીન આપશે એવું કાસમા કહે છે. નતાશા જોડે લવ સ્પેલ નો નાશ કર્યા બાદ નૂર અને હસન ઈલિયાસ ને મળવા રહમત ગામ જાય છે જ્યાં ભારે જહેમત બાદ તેઓ ઈલિયાસ નું ઘર શોધી કાઢે છે.. ઈલિયાસ ને જોતાં જ નૂર એને ઓળખી જાય છે.હવે વાંચો આગળ ની કહાની.
ઈલિયાસ મોમીન નો ચહેરો જોઈ નૂર ચમકી ઉઠે છે અને આશ્ચર્ય સાથે બોલી પડે છે.
"તું ઈલિયાસ મોમીન..?"
નૂર ની સાથે હસનનું ધ્યાન પણ ઈલિયાસ નાં ચહેરા ઉપર સ્થિર હોય છે..એની ચકળવકળ થતી આંખો અને વિસ્યમ પામેલો ચહેરો પણ નૂર ની જેમ એ પણ ઈલિયાસ ને જોઈ આશ્ચર્ય પામી ચુક્યો છે એ દર્શાવી રહ્યાં હતાં.
"પોતાનાંથી મોટી ઉંમરના વ્યક્તિને તું નહીં.. તમે કે આપ કહીને બોલાવાય..શું આટલી પણ તમીઝ તારી અમ્મી જુનેદા એ આપી નથી.."ચહેરા પર શૂન્ય ભાવ સાથે ઈલિયાસ બોલ્યો.
"પણ તમે તો ત્યાં બકરીઓ ચરાવી રહ્યાં હતાં..અમે તમને રાતે મળ્યાં હતાં?"હસને પૂછ્યું.જ્યારે હસન અને નૂર સોનગઢ આવી રહ્યાં હતાં ત્યારે એમને જેને રસ્તો પૂછ્યો હતો એજ બકરવાલ હતો ઈલિયાસ.
"હા હું એ જ બકરવાલ છું જેને એ રાતે તમે મળ્યાં હતાં..એમાં નવાઈ પામવા જેવું શું છે.."હસન ની વાત સાંભળી ઈલિયાસ બોલ્યો.
"એમાં નવાઈ જેવું તો કંઈ નથી..મારું નામ છે.."હસન બોલ્યો.
"તારું નામ હસન છે અને તું પણ મારી જેમ ખુદા નો નેક બંદો છે.તું ઝાડફૂંક કરીને લોકોને શૈતાની રૂહ ની કેદમાંથી મુક્ત કરે છે..જ્યારે તારી જોડે આ યુવતી છે એ અહમદ મલિક નું એકમાત્ર સંતાન,એની દીકરી નૂર મલિક છે."હસન ની વાત અડધેથી કાપી ઈલિયાસ બોલ્યો..ઈલિયાસ પોતાને પણ ઓળખે છે એ સાંભળી હસન ને આશ્ચર્ય થયું.
"અમારાં અમુક સવાલો છે જેનાં જવાબ ફક્ત તમારી જોડે જ મળી શકે એમ છે..કોઈ માસુમ ની જીંદગી એ સવાલોનાં જવાબ સાથે જોડાયેલી છે..આપ અમારી મદદ કરશો.?નૂરે પૂછ્યું..આ વખતે ઈલિયાસ ની વાત સ્વરૂપે એનાં અવાજમાં ઈલિયાસ માટે માન જરૂર હતું.
"મને ખબર છે કે તમે બિલાલ ની દીકરી રેશમાની પાછળ જિન કેમ પડ્યાં છે એ વાતનું રહસ્ય જાણવા આવ્યાં છો..સાથે નૂર ને એ પણ જાણવું છે કે એનાં અબ્બુ રાતોરાત આટલાં અમીર કઈ રીતે બન્યાં હતાં"ઈલિયાસે કહ્યું.
"પણ તમે એ બધું કઈ રીતે જાણો..અમે તો તમને એ વિશે કંઈપણ કહ્યું જ નથી.."નવાઈ સાથે નૂર બોલી.
"હું કઈ રીતે આ વાત જાણું એ વાત તમારાં માટે મહત્વની નથી..તમારાં માટે જરૂરી છે તમારાં સવાલો નાં જવાબ શોધવા."ઈલિયાસે શાંતિથી કહ્યું.
"હા ઈલિયાસ ભાઈ..તમે અમને જણાવશો કે રેશમા નો એ જિન સાથે શું સંબંધ છે અને એ જિન રેશમા નો જીવ કેમ લેવા માંગે છે..?"હસને કહ્યું.
"આ વાત આજથી 25 વર્ષ પહેલાં ની છે જ્યારે હું ફક્ત 15 વર્ષનો હતો.."આટલું કહી ઈલિયાસ જાણે પોતાની નજરો સામે ભુતકાળ જોઈ રહ્યો હોય એમ બોલવાનું શરૂ કરે છે.
***
એ સમયે રહમત એક ખૂબ જ વિકસિત કહી શકાય એવું ગામ હતું..ગામ નાં લોકો સંતોષી અને સુખી હતાં પણ ગામની આ શાંતિ બે લોકોનાં લીધે હણાઈ ગઈ અને આખું ગામ વેરાન થઈ ગયું.
એ બે વ્યક્તિનાં નામ હતાં બિલાલ અહમદ અને અહમદ મલિક.બિલાલ અહમદ ની બહેન જુનેદા નાં નિકાહ અહમદ મલિક સાથે થયાં હતાં એટલે બિલાલ અને મલિક બંને સાળો બનેવી હતાં.. સાળો બનેવી હોવાં ઉપરાંત બંને ખૂબ સારાં મિત્રો પણ હતાં.બંને મહેનત મજુરી કરતાં અને ઠીકઠાક કમાઈ લેતાં પણ બંને ને પોતાની કમાણી થી સંતોષ નહોતો.એમને રાતો રાત ધનપતિ થઈ જવું હતું.
અહમદ મલિક ને એક વખત એક પીર નો ભેટો થયો હતો જેમની જોડેથી એ જિન સાધના શીખ્યો હતો.અહમદ મલિક જિન સાધના વિશે જ્ઞાન ધરાવતો હતો એટલે એને જિન સાધના કરી એક મહિલા ઇફરિત જિન ને ખજાનો શોધવામાં પોતાની મદદ કરવા કહ્યું.
એ મહિલા જિન નું નામ હતું શિરીન..જે સુદુલા કબીલામાંથી આવતી હતી..જિન પોતાની અલગ અલગ જાતિ અને ગુણધર્મો પ્રમાણે અલગ અલગ કબીલા બનાવી રહે છે.સુદુલા કબીલાનાં જિન છૂપો ખજાનો શોધી શકવાની શક્તિ ધરાવતાં હતાં. શિરીન પોતાની મદદ વગર કારણે તો નહોતી કરવાની એટલે અહમદ મલિકે પોતાની લુચ્ચી બુદ્ધિ વાપરી.અહમદ મલિકે પોતાનાં નિકાહ પહેલાં થઈ ગયેલાં હોવાની વાત શિરીન થી છુપાવી એની જોડે પ્રેમ નું નાટક કર્યું અને ખજાનો મળ્યાં પછી એ શિરીન સાથે નિકાહ કરશે એવું જણાવ્યું.
અહમદનાં પ્રેમ માં આંધળી બની માસુમ અને નાદાન શિરીને અહમદ મલિક ને એક છૂપો ખજાનો શોધી આપ્યો..જેમાં કરોડો ની સંપત્તિ હતી.આ ખજાનો હાથમાં આવતાંની સાથે અહમદ મલિકે પોતાનાં સાળા બિલાલ અહમદ ની મદદ વડે શિરીન નામની એ જિન ને જીવતી જ ખંડેર જોડે evil tree નીચે દફનાવી દીધી જેથી એ મૃત્યુ પામી.એક માણસ ની લાલચ અને મહત્વકાંક્ષા નો ભોગ બની હતી શિરીન.
પોતે જે કર્યું છે એ પાપ હતું અને સુદુલા કબીલાનાં જિન એને જીવતો નહીં મૂકે એવી અહમદ મલિક ને ખબર પડી ગઈ હતી.જિન નાં ડરથી અહમદ મલિક તો પોતાની પત્ની સાથે વિદેશ ભાગી ગયો..પણ સુદુલા કબીલાનાં જિન પોતાની દીકરી ની મોત નો બદલો લેવા માંગતા હતાં એટલે એમનું નિશાન બન્યો બિલાલ અહમદ.
તમને બિલાલનાં ઘરમાંથી જે ફિટર સ્પેલ મળ્યો એ પણ સુદુલા કબીલાનાં જિન દ્વારા કરવામાં આવ્યો હતો..એટલે જ બિલાલ ની દીકરી રેશમા નાં જન્મનાં દિવસે જ બિલાલ નું અકાળ મૃત્યુ થઈ ગયું.બિલાલ ની મોત પછી પણ સુદુલા કબીલાનાં જિન સંતોષ નહોતાં પામ્યાં.પોતાની દીકરી જેટલી ઉંમરે મરી એટલે કે 24 વર્ષ 2 મહિના અને 7 દિવસ એટલી જ ઉંમરની રેશમા થાય એટલે એની આત્માને ખતમ કરી એની જગ્યાએ શિરીન ની આત્મા ને સ્થાપિત કરી પોતાની સાથે લઈ જવા માંગે છે.
શિરીન નાં દેહ ને એ લોકો અક્ષતયૌવના જ લઈ જવા માંગતા હોવાથી એમને શિરીન નાં લગ્ન ની રાતે જ એનાં સોહર આફતાબનું એનાં હાથે કતલ કરાવી દીધું. અહમદ મલિક નાં પાપ ની સજા ભોગવી રહી છે બિલાલ ની દીકરી રેશમા.."
આટલું કહી ઈલિયાસે પોતાની વાત પૂર્ણ કરી.
"મારાં અબ્બુ આવાં હોઈ જ ના શકે.."ઈલિયાસ ની વાત સાંભળી નૂર હસન ને વળગીને રોવા લાગી.
"હું મોમીન છું નૂર..હું ક્યારેય ખોટું નથી બોલતો..તારાં અબ્બુ એ જે કર્યું એનાં જ પાપ ની સજા અત્યારે તારી મામા ની દીકરી રેશમા ને મળી રહી છે.એ પોતે અહીંથી કાયર ની જેમ ભાગી ગયો પણ જિન દ્વારા બિલાલ ને એની સજા મળી ગઈ.શું કરે છે એ કાયર કે પછી એ..?"ઈલિયાસ અહમદ મલિકને ધુત્કારી રહ્યો હતો.
"મારાં જન્મનાં થોડાં દિવસ પછી જ મારાં અબ્બુ એક રોડ એક્સિડન્ટમાં માર્યા ગયા હતાં.. એમની મોત પણ રહસ્યમયી સંજોગોમાં જ થઈ હતી.."નૂર દબાતાં અવાજે બોલી.
"જોયું એ જિન નો અભિશાપ તારાં અબ્બુ ને વિદેશમાં પણ મોત આપવાનું નિમિત્ત બન્યો..આવતી કાલે રેશમા ની ઉંમર શિરીન ની મૃત્યુ વખત ની ઉંમર જેટલી થઈ જશે એટલે સુદુલા કબીલા વાળા જિન રેશમા ને મારી પોતાની દીકરીનો બદલો લઈ લેશે."ઈલિયાસ બોલ્યો.
"પણ મેં તો રેશમા ની અંદર મોજુદ જિન શિરીન ને ખતમ કરી દીધી હતી તો પછી આ બધું..?"હસન પોતે જ્યારે રેશમા ની અંદર મોજુદ જિન ને ખતમ કર્યો એ વખતની વાત કરતાં બોલ્યો.
"હસન તે જિન નો ખાત્મો જરૂર કર્યો પણ એ શિરીન નહોતી..એ કોઈ સુદુલા કબીલાનો જ અન્ય જિન હતો જે એ વખતે રેશ્માની અંદર મોજુદ હતો.. હવે રેશમા ની અંદર શિરીન મોજુદ છે.."ઈલિયાસે જણાવ્યું.. ઈલિયાસ ની વાત સાંભળી હસન ને યાદ આવ્યું કે એ વખતે રેશમા નો અવાજ એટલે સ્ત્રીનો હોવાંની જગ્યાએ પુરુષ જેવો હતો.
"ઈલિયાસ ભાઈ..તમે એ જણાવી શકશો કે આ ગામનાં લોકો ને શું થયું હતું કે એ લોકોને પણ આ ગામ છોડીને ચાલી જવું પડ્યું.. અને તમે અહીં આટલાં વર્ષો સુધી આટલું બધું થયાં પણ રહી શક્યાં એનું રહસ્ય હું જાણી શકું..?"હસને પોતાનાં દિમાગમાં ચાલી રહેલ સવાલ કર્યો.
"હસન..અહમદ મલિકે પોતાને મળેલાં ખજાનામાંથી અમુક ખજાનો ગામ લોકોને પણ વ્હેચ્યો હતો.એ ખજાનો જિન દ્વારા અભિશાપિત હતો એટલે જેને પણ એ ખજાનો લીધો એ લોકોનાં ઘરમાં વિચિત્ર બીમારીઓ ફાટી નીકળી..એમની સંતાનો ખોડખાંપણ સાથે પેદા થવા લાગી.. મોટાંભાગનાં લોકો આત્મહત્યા કરી મરી ગયાં અને જે બચ્યાં એ સોનગઢ જઈને વસી ગયાં.. અમારાં પરિવારમાં કોઈએ એ ખજાનાને હાથ નહોતો લગાવ્યો એટલે હું અહીં સહીસલામત રહી શકું છું."હસન નાં સવાલનો વિગતે જવાબ આપતાં ઈલિયાસે કહ્યું.
"સારું તો હવે અમે નીકળીએ..તમારો ખૂબ ખૂબ આભાર.."હસને આભારવશ સ્વરે કહ્યું.
"હસન બે મિનિટ મારો એક છેલ્લો સવાલ છે..ઈલિયાસ ભાઈ ની અનુમતિ હોય તો હું પૂછી શકું.."નૂર હસન ને ત્યાંથી જતાં રોકીને બોલી.
"હાં કેમ નહીં.. પૂછ તારે જે પૂછવું હોય એ.."ઈલિયાસ સવાલ પૂછવાની સહમતિ આપતાં બોલ્યો.
"એ રાતે તમે એકલાં નહોતાં તમારી સાથે બુરખો પહેરેલી એક સ્ત્રી પણ હતી..એ કોણ હતી અને કેમ એ અત્યારે અહીં નથી દેખાતી..?"નૂરે પૂછ્યું..નૂર નો સવાલ સાંભળી ઈલિયાસ મોમીન થોડો ચોંકી ગયો..ઈલિયાસ ને આ સવાલની અપેક્ષા નહોતી એ એનાં ચહેરા પરથી સાફસાફ જણાતું હતું.
ઈલિયાસ નાં ચહેરાનો ભાવ સમજી નૂર બોલી.
"હું માફી માંગુ છું જો તમને મારી કોઈ વાતનું ખોટું લાગ્યું હોય..તમે આનો જવાબ નથી આપવા માંગતા તો ઠીક છે..અમે નીકળીએ.."
"હું મોમીન છું એટલે મને પુછાયેલ સવાલનો સત્ય જવાબ આપવો મારાં માટે જરૂરી છે..તમારે જાણવું છે એ બુરખો પહેરેલી સ્ત્રી કોણ હતી..તો સાંભળો એ હતી મારી પત્ની જહુરિયત.જહુરિયત કોઈ મનુષ્ય નથી પણ સીલા પ્રકારની જિન છે.એ દિવસે હું તમારી કાર ની આગળ પહોંચી ગયો એનું કારણ જહુરિયત છે..અને એનાં લીધે જ મને તમારાં નામ અને તમે અહીં આવવાના છો એની મને જાણ થઈ હતી."ઈલિયાસે કહ્યું.
ઈલિયાસ ની વાત સાંભળી નૂર ને આશ્ચર્ય થયું પણ હસનને એ વાતની વધુ નવાઈ ના લાગી..કેમકે ઘણાં લોકો જિન સાથે લગ્ન કરીને એમનો ઘરસંસાર માંડે છે એની હસન ને ખબર હતી..હસન ની એક મામી પણ ઇફરીત જિન હતી એ વાત ની હસન ને ખબર હતી.
"તમારી પત્ની જિન છે તો એ રેશમા ને બચાવવામાં અમારી કોઈ મદદ કરી શકશે..?"નૂરે આશાભરી નજરે ઈલિયાસ મોમીન તરફ નજર કરીને પૂછ્યું.
"હા કેમ નહીં.. હું હમણાં જહુરિયત ને બોલાવું..તમે જાતે જ એને એ વિશે પૂછી લો"આટલું કહી ઈલિયાસે ઉભાં થઈને બધી રોશની બુઝાવી દીધી..ઈલિયાસ નું આમ કરવાનું કારણ હસન અને નૂર ને ખબર હતી કે જિન લોકો તીવ્ર રોશની માં ઘણીવાર આવવામાં અસહાય હોય છે એટલે એ લોકો એ કંઈપણ પૂછ્યું નહીં કે ઈલિયાસ એવું કેમ કરી રહ્યો હતો.
"જહુરિયત આ લોકો તને મળવા માંગે છે.એમને તારી મદદની જરૂર છે.."જહુરિયત ને અવાજ આપતાં ઈલિયાસે કહ્યું.
થોડી જ વારમાં એ લોકો જ્યાં હાજર હતાં એ ઓરડાનું વાતાવરણ બદલાઈ ગયું..હવાઓ આમથી તેમ રૂમમાં લહેરાવા લાગી.આ હવા શાંત થતાં ની સાથે એમની સામે એક માનવાકૃતિ આવીને ઉભી રહી જેને જોઈ નૂર અને હસન સમજી ગયાં કે એ માનવાકૃતિ જહુરિયત જ છે.
"હું તમારી શું મદદ કરી શકું છું..?"આવતાં ની સાથે જહુરિયતે હસન અને નૂર ને ઉદ્દેશીને પૂછ્યું.
"નૂર ની મામા ની દીકરી રેશમા અત્યારે જિન ની ગિરફ્તમાં છે..ઈલિયાસ ભાઈ નાં કહ્યાં મુજબ કાલે રાતે જિન રેશમા ને ખતમ કરીને એનું શરીર પોતાની સાથે લઈ જશે.કોઈ એવો ઉપાય છે જેનાંથી અમે રેશમા ને બચાવી શકીએ.."હસને વિનંતી સાથે કહ્યું.
"સુદુલા કબીલાનાં જિન બહુજ તાકાતવર છે..એમનું ધાર્યું કરીને જ રહે છે.પણ તમારી ખુદા પ્રત્યે ની શ્રદ્ધા અને એક માસુમનો જીવ બચાવવા માટે કંઈપણ કરી ગુજરવાની ખેવના જોઈ હું ચોક્કસ તમારી મદદ કરીશ.."આટલું કહી જહુરિયતે પોતાની આંખો મીંચી લીધી અને બંને હાથ ની હથેળી ખોલી એને આકાશ તરફ રહે એમ ધરી કંઈક મનોમન બોલી.
જહુરિયત નાં આમ કરતાં ની સાથે જ એનાં હાથમાં એક પુસ્તક પ્રગટ થયું.એ જુનુંપુરાણું પુસ્તક જહુરિયતે પોતાનાં એક હાથમાં લઈને કહ્યું.
"આ પુસ્તકમાં જિન ને કઈ રીતે શાંત કરવા એની બધી વિધિ લખેલી છે..શિરીન ની મોત પછી જે જિન નો અભિશાપ લાગેલો છે એ કઈ રીતે દૂર કરવો એ હું તમને આ પુસ્તકમાંથી શોધીને કહું છું.."
જહુરિયત ની વાત સાંભળી હસન અને નૂરે એકબીજાની તરફ જોયું..એમની આંખો અને ચહેરો એ દર્શાવી રહ્યો હતો કે જહુરિયત ની મદદથી એ લોકો ચોક્કસ રેશમા ને બચાવી લેશે.
જહુરિયતે જેવું પુસ્તક નું પાનું ખોલ્યું એવો જ ભૂકંપ આવ્યો હોય એમ ઈલિયાસ નું ઘર ધ્રુજવા લાગ્યું..આખું ઘર ચિત્ર વિચિત્ર અને ભયાનક અવાજોથી ઉભરાઈ ગયું..આ અવાજો ખરેખર રૂહ કાંપી ઉઠે એવાં હતાં.એ અવાજો સાંભળતા ની સાથે ઈલિયાસ નાં ચહેરાનો રંગ ઉડી ગયો અને જહુરિયત પણ ખૂબ ગભરાઈ ગઈ.નૂર અને હસનને સમજાઈ નહોતું રહ્યું કે એવું થવાનું કારણ શું હતું.
"સુદુલા કબીલાનાં જિન આવી ગયાં.. એ બધાં ને મારી નાંખે એ પહેલાં તમે ભાગી જાઓ.."જહુરિયત ઊંચા સાદે બોલી.
***
વધુ આવતાં અંકે.
હસન અને નૂર રહમત ગામમાંથી સહીસલામત ભાગી જવામાં સફળ થશે..?? જહુરિયતે આપેલી પુસ્તકમાં રેશમા ને બચાવવાની કઈ તરકીબ લખેલી હશે..?? નૂર અને હસન રેશમા ને કઈ રીતે બચાવશે..??7175 નંબર નું રહસ્ય શું હતું..?? આ બધાં સવાલોના જવાબ આવતાં ભાગમાં.આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.
માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..
ડેવિલ: એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ: ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:- the mystry
અધૂરી મુલાકાત
~જતીન. આર. પટેલ (શિવાય)